સંધુ, ગુલઝારસિંગ (જ. 1935, કોટલાબાદલા, લુધિયાણા, પંજાબ) : જાણીતા પંજાબી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘અમર કથા’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવેલો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી.
1960થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમના 4 વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તેમની સંખ્યાબંધ વાર્તાઓ હિંદી અને અંગ્રેજીમાં અનુવાદ પામી છે. તેમણે ગ્રામવિકાસ મંત્રાલયમાં જાહેર સહકારના નિયામક તરીકે કામગીરી બજાવી. 1980માં તેમને શિક્ષણ અને સંસ્કૃતિ અંગેના ઇન્ડો-યુ.એસ. સબ કમિશન દ્વારા અમેરિકાની મુલાકાત લેવા નિમંત્રણ મળેલું.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અમરકથા’ને એમાંના સાંપ્રત જીવનની વાસ્તવિકતાઓ તથા લોકસમુદાયના હર્ષ અને શોકના નિરૂપણ, વૈવિધ્યપૂર્ણ લાગણીઓના ચિત્રણ તથા આત્મીયતા ભરેલી શૈલીના કારણે પંજાબી સાહિત્યમાં ઊંચું સ્થાન મળ્યું છે.
બળદેવભાઈ કનીજિયા