સંત, ઇન્દિરા (શ્રીમતી) (. 1914, બીજાપુર, કર્ણાટક) : મરાઠી લેખિકા. તેમના કાવ્યસંગ્રહ ‘ગર્ભરેશીમ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે બી.એ., બી.ટી.ડી. તથા બી.એડ.ની ડિગ્રી મેળવી, શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને બેલગામના વડગાંવ ખાતેની મરાઠી ટ્રેનિંગ કૉલેજના આચાર્યાપદેથી નિવૃત્ત થયાં.

તેમણે ‘સહવાસ’ કાવ્યસંગ્રહના પ્રકાશન સાથે તેમની કવિ તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. ઉક્ત સંગ્રહમાં એન. એમ. સંતનાં કાવ્યો પણ સામેલ હતાં. ‘શેલા’, ‘મેંદી’, ‘મૃગજળ’, ‘રંધવરી’, ‘બાહુલ્ય’ તથા ‘મૃણ્મયી’ના પ્રકાશનથી મરાઠી કવયિત્રી તરીકે તેમની પ્રતિષ્ઠા નિશ્ચિત થઈ. ‘સ્નૅકસ્કિન’ નામનો તેમનો કાવ્યસંગ્રહ અંગ્રેજીમાં પ્રગટ થયો છે. તેમણે 3 વાર્તાસંગ્રહો પણ આપ્યા છે.

પોતાની આગવી મુદ્રા ઉપસાવનાર આ સાહિત્યકારને અનેક માન-સન્માન મળેલાં છે. 1952માં તેઓ મુંબઈ નગર સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે રહ્યાં; એ જ રીતે 1978માં કરાડ ખાતેના મહારાષ્ટ્ર રાજ્ય કવયિત્રી સંમેલનમાં પણ અધ્યક્ષ હતાં. તેમને અનંત કાણેકર પારિતોષિક તથા મહારાષ્ટ્ર રાજ્યનો વર્ષના ઉત્તમ કાવ્યલેખન માટેનો પુરસ્કાર વગેરે મળેલા છે.

પુરસ્કૃત પુસ્તક એ તેમનો નવીનતમ કાવ્યસંગ્રહ હતો. ઊર્મિસભર દૃષ્ટિકોણ, કોમળ શબ્દવિધાન તથા શૈલીગત પ્રભુત્વ જેવી વિશેષતાઓને કારણે આ કૃતિ મરાઠી સાહિત્યમાં અનુપમ લેખાય છે.

મહેશ ચોકસી