સંતરામપુર
January, 2007
સંતરામપુર : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 23° 12´ ઉ. અ. અને 73° 54´ પૂ. રે.. તે પંચમહાલના ઉચ્ચપ્રદેશની નીચી ટેકરીઓ વચ્ચે સમુદ્રસપાટીથી આશરે 134 મીટરની ઊંચાઈએ ચિબોત નદીતટે આવેલું છે. આ તાલુકાની ઉત્તરે રાજસ્થાનની સીમા, પૂર્વ અને અગ્નિ તરફ ઝાલોદ તાલુકો, દક્ષિણે ગોધરા તાલુકો તથા નૈર્ઋત્ય, પશ્ચિમ અને વાયવ્ય તરફ લુણાવાડા તાલુકો આવેલા છે. તે મુંબઈ-દિલ્હી બ્રૉડગેજ રેલમાર્ગ પરના સંત રોડ રેલમથકથી આશરે 50 કિમી. દૂર પાકી સડકથી જોડાયેલું છે. દાહોદથી તે આશરે 65 કિમી.ના અંતરે વાયવ્ય દિશામાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જમીનો-જળપરિવાહ : તાલુકાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ ખડકાળ છે. અહીં અરવલ્લી રચનાના વિકૃત ખડકો પથરાયેલા છે. તાલુકાની જમીનો છીછરી અને ખડકાળ તળવાળી છે. આ પ્રદેશના ધોવાણને કારણે કેટલાક ભાગોની જમીનો કાંપવાળી બનેલી છે. તેમાં મકાઈ, હલકાં ધાન્ય, તેમજ થોડા પ્રમાણમાં ડાંગર અને મગફળી થાય છે. પહાડી ભાગોમાં સાગ, સાદડ, ધવ, ટીમરુ, લીમડો, જાંબુડો, મહુડો વગેરે જેવાં વૃક્ષો જોવા મળે છે.
આબોહવા : તાલુકાની આબોહવા ટૂંકી વર્ષાઋતુના ગાળાને બાદ કરતાં ગરમ, સૂકી રહે છે. ઉનાળામાં મહત્તમ 42° સે. અને શિયાળામાં લઘુતમ 11° સે. જેટલું તાપમાન રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 897.5 મિમી. જેટલો પડે છે.
વસ્તી-લોકો-જોવાલાયક સ્થળો અને સુવિધાઓ : પંચમહાલના આદિવાસી વિસ્તારની વચ્ચે વસેલા સંતરામપુરની વસ્તી 15,781 (2001) જેટલી તથા તાલુકાની વસ્તી 2,19,016 (2001) જેટલી છે. તાલુકાની મોટાભાગની વસાહતો ગ્રામીણ છે. અહીં અનેક મંદિરો આવેલાં છે. તે પૈકી શાસક રાજકુળની દેવી હરસિદ્ધિ માતાનું મંદિર અગત્યનું છે. આ ઉપરાંત અહીં સ્વામીનારાયણનું અને ગોકુલનાથજીનું મંદિર, રામજી મંદિર, પ્રણામી મંદિર તથા પ્રાચીન મસ્જિદો પણ છે. એક મસ્જિદ ઓગણીસમી સદીમાં બંધાયેલી છે. અહીંના જોરાવરસાગર ઉપર અગાઉનો રાજમહેલ છે. ટેકરીઓ પરનો હવામહેલ પણ જોવાલાયક છે. સંતરામપુરમાં ભાદરવા સુદ ચૌદશથી વદ બીજ સુધી રાવદી મેળો ભરાય છે.
સંતરામપુરમાં બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, શિક્ષણની તાલીમી કૉલેજ તથા આદિવાસી વિદ્યાર્થીઓ માટેનો એક આશ્રમ છે. આ ઉપરાંત સરકારી દવાખાનું, પશુ દવાખાનું, સરકારી આરામગૃહ, મરઘાંઉછેરકેન્દ્ર, પોલીસથાણું, પોસ્ટ-તાર ઑફિસની સુવિધાઓ છે. અહીં ડાંગર છડવાની એક મિલ પણ આવેલી છે. સંતરામપુર તાલુકામથક હોવાથી તે તાલુકા કક્ષાના અધિકારીઓની કચેરીઓ ધરાવે છે. સંતરામપુર તેની આજુબાજુની ગ્રામીણ વસાહતોનું વેપારી મથક છે.
ઇતિહાસ : સંતનું રાજ્ય (સૂંથ, સંતરામપુર) : પંચમહાલ જિલ્લામાં ઉત્તર-પૂર્વે (ઈશાન) બીજા વર્ગનું; પરમાર કુળના રાજપૂતોનું સંતનું રાજ્ય આવેલ હતું. ત્યાંના રાજાઓ માળવાના પરમાર વંશની મહિપાવત શાખાના હોવાનો દાવો કરતા હતા. આ વંશનો જાલમસિંહ 11મી સદીમાં પંચમહાલની પૂર્વ સરહદે ઝાલોદ નામનું ગામ વસાવી રાજ કરવા લાગ્યો. તેના પછી જહાજસિંહ, બિક્રમસિંહ, ઉદયસિંહ, પ્રતાપસિંહ અને જાલમસિંહ (2જો) એક પછી એક ગાદીએ બેઠા. ઈ. સ. 1247માં એક મુસ્લિમ આક્રમણમાં જાલમસિંહ 2જો મરણ પામ્યો. તેનો પુત્ર સંત અને ભાઈ લિમદેવ ત્યાંનાં જંગલોમાં નાસી ગયા. ઈ. સ. 1255માં સંત-સૂંથ નામનું ગામ વસાવી ત્યાં રાજ્ય કરવા લાગ્યો. તેના કાકા લિમદેવે કડાણામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. સંત પછી નવઘણ, નાપાજી, પ્રીથીસિંહ, સુરાજી અને જયસિંહ ક્રમશ: ગાદીએ બેઠા. જયસિંહના ત્રણ પુત્રો અખેરાજ, ગજસિંહ અને કુંભાએ ક્રમશ: રાજ્યની સત્તા સંભાળી. અમદાવાદના સુલતાન અહમદશાહ 1લાએ ઈ. સ. 1414થી 1443 દરમિયાન આ રાજ્ય પર ચડાઈઓ કરી અને 1443માં કુંભાને હરાવ્યો અને તેને ખંડિયો રાજા બનાવ્યો.
કુંભા પછી રામસિંહ, રાયમલ અને માંડલિક એક પછી એક રાજા બન્યા. માંડલિકે ઈ. સ. 1536થી 1565 સુધી રાજ્ય કર્યું. માંડલિક પછી, સૂરજમલ, રતનસિંહ અને પ્રીથીસિંહ ગાદીએ બેઠા. તેના પછી સબલસિંહે 1607થી 1635 સુધી રાજ્ય કર્યું. તે પછી ગજસિંહ તથા માહાવસિંહે ત્યાં ક્રમશ: રાજ્ય કર્યું. માહાવસિંહે 1688થી 1704, પ્રીથીસિંહે 1735 સુધી અને તેના પછી રતનસિંહે 1753 સુધી રાજ્ય કર્યું. તેનું અવસાન થતાં તેનો બનેવી વાંસવાડાનો સિસોદિયા રાજવી લૌકિકે (ખરખરો કરવા) આવ્યો. તેણે સગીર પાટવી રાજકુંવર તથા તેનાથી નાના બે ભાઈઓની હત્યા કરીને સૂંથનું રાજ્ય કબજે કર્યું. ચોથો કુંવર બદનસિંહ બચી ગયો. તેને માલવણના કોળીઓએ આશ્રય આપ્યો અને યોગ્ય સમયે, સૂંથ પર હુમલો કરી વાંસવાડાના સત્તાધીશોને હાંકી કાઢ્યા અને બદનસિંહને ગાદીએ બેસાડ્યો. બદનસિંહ રણશૂરો હોવાથી તેણે પડોશના પ્રદેશો જીતીને રાજ્યવિસ્તાર કર્યો. ઈ. સ. 1784માં તેનું અવસાન થતાં તેનો જ્યેષ્ઠ પુત્ર શિવસિંહ ગાદીએ બેઠો. એના અમલ દરમિયાન ઈ. સ. 1803માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી કમાન્ડિંગ કર્નલ મરે આવ્યો તેની સાથે મૈત્રીકરાર કરવામાં આવ્યા, પરંતુ ગવર્નર જનરલ કૉર્નવૉલિસ રાજપૂત રાજાઓ સાથે મૈત્રી કરવાનો વિરોધી હોવાથી તે કરાર રદ કરવામાં આવ્યા. શિવસિંહનું અવસાન થયા બાદ તેનો પાટવીકુંવર કેસરીસિંહ ગાદીએ બેઠો.
કેસરીસિંહના 1819માં અવસાન પછી કલ્યાણસિંહના અમલના પહેલા વરસે, 1819માં સિંધિયાના લશ્કરે સૂંથ પર ચડાઈ કરી; ત્યારે અંગ્રેજ અધિકારી સર જૉન માલકમે દરમિયાનગીરી કરી તે સૈન્યને પાછું કાઢ્યું. ઈ. સ. 1825માં રેવાકાંઠા એજન્સીની સ્થાપના થઈ અને સૂંથનું રાજ્ય તેમાં દાખલ કરવામાં આવ્યું અને તેને વર્ગ – 2નો દરજ્જો આપવામાં આવ્યો. બીજા વર્ગની રિયાસતોના રાજાઓને ફોજદારી કેસોમાં પોતાની પ્રજામાંના ગુનેગારને દેહાંતદંડ સુધીની શિક્ષા કરવાની સત્તા હતી. કલ્યાણસિંહ(1819-35)ના અવસાન પછી ત્રણ વર્ષની સગીરવયનો ભવાનસિંહ ગાદીએ બેઠો. તેણે ઈશાન(ઉત્તર-પૂર્વ)માં આવેલાં ગામોના ભીલોના ઉપદ્રવ સામે રક્ષણ કરવા સીમા પર ‘ફતેગઢી’ નામે કિલ્લો બંધાવ્યો. બ્રિટિશ સરકારે ત્યાં પોતાનું થાણું બેસાડ્યું હતું. તેના સમયમાં વિલાયતી તરીકે જાણીતા આરબ, કાબુલી, સીબંધી, મકરાણી વગેરે જાતિના સિપાઈઓએ ચડેલા પગાર મેળવવા માટે જમાદાર મુસ્તફાખાનની આગેવાની હેઠળ જુલાઈ, 1857માં બળવો કર્યો. રાજાએ પોતાના દાગીના શરાફને ત્યાં મૂકીને મુસ્તફાને કેટલીક રકમ આપી; પરંતુ તેનો ઘેરાવો ચાલુ રહેતાં રાજાએ અંગ્રેજોની મદદ માગી. કૅપ્ટન આલ્બન લશ્કરની ટુકડી લઈને આવ્યો. મુસ્તફાખાને સામનો કર્યો, પરંતુ તે આલ્બનની ગોળીથી મરાયો. કેટલાક બળવાખોરો પણ મરાયા અને બાકીના નાસી ગયા; છતાં તેમનાં બંડો 1858 સુધી ચાલુ રહ્યાં હતાં.
ઈ. સ. 1872માં ભવાનસિંહ માત્ર 40 વર્ષની વયે નિ:સંતાન અવસાન પામ્યો. તેથી તેની વિધવા રાણીએ પ્રતાપસિંહને દત્તક લીધો અને મુંબઈ સરકારે તેને માન્ય રાખ્યો. એપ્રિલ, 1881માં તાલીમ આપ્યા બાદ તેનો રાજ્યાભિષેક થયો. રાજાએ રાજ્યનાં કલ્યાણનાં કાર્યોમાં સક્રિય રસ લીધો. ઈ. સ. 1887 સુધીમાં ઉપદ્રવ કરતા સરહદના ભીલો પર અંકુશ રાખીને વ્યવસ્થા સ્થાપવામાં આવી. અફીણની ગેરકાયદે થતી હેરાફેરી કડક હાથે દાબી દેવામાં આવી. પોલીસતંત્ર, જેલ, દવાખાનું અને શાળાઓ સ્થાપવામાં આવ્યાં. રાજા પ્રતાપસિંહ 10 જાન્યુઆરી 1896ના રોજ અપુત્ર મરણ પામ્યો. તેણે દત્તક પણ લીધો ન હતો. તેથી એજન્સી દ્વારા વહીવટ કરવામાં આવ્યો અને સરકારે ભાયાતોની બાબરોલ શાખાના જોરાવરસિંહને ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યો. પોલિટિકલ એજન્ટ દ્વારા 31 ઑગસ્ટ 1896ના રોજ જોરાવરસિંહનો સૂંથની ગાદીએ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તેની સગીરવયને કારણે 1896થી 1902 સુધી રાજ્યનો વહીવટ બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવ્યો. તેને 10 મે 1903ના રોજ સત્તા સોંપવામાં આવી. તેના સમયમાં દુકાળ તથા આર્થિક સ્થિતિ બગડી હોવાથી આપત્તિનો સામનો કરવો પડ્યો.
ઈ. સ. 1913માં ગોવિંદગર બેચરિયા નામના વણજારાએ ધાર્મિક સુધારાના પ્રચાર હેઠળ માનગઢના ડુંગર ઉપર ભીલ રાજ સ્થાપવાનો પ્રયાસ અને બળવો કર્યો. તેણે સમાજસુધારક તરીકે શરૂઆત કરી અને રાજકીય નેતા બન્યો. સૂંથ, વાંસવાડા, ડુંગરપુર અને આસપાસનાં બીજાં સ્થળોએથી મોટી સંખ્યામાં ભીલો માનગઢ ઉપર ભેગા થયા અને હિંસક પ્રવૃત્તિ કરવા લાગ્યા. પરિસ્થિતિ ગંભીર બનવાથી, પૉલિટિકલ એજન્ટ મિ. હડસને લશ્કર બોલાવ્યું અને બળવાખોરોને વિખેરી નાખ્યા. ગોવિંદગર અને બીજા આગેવાનોની ધરપકડ કરી, કેસ ચલાવી, સજા કરવામાં આવી.
જોરાવરસિંહ પછી મહારાણા પ્રવીણસિંહ ગાદીએ બેઠા. તેમનું 1948માં અવસાન થયું. જૂન, 1948માં રાજ્યનું વિલીનીકરણ થયું અને રાજાને સાલિયાણું આપવામાં આવ્યું.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ