સંતરા(નારંગી)ના રોગો
January, 2007
સંતરા(નારંગી)ના રોગો : સંતરાના ફૂગ અને બૅક્ટેરિયાથી થતા રોગો.
(1) ફૂગથી થતા રોગો :
(i) ગુંદરિયો : આ રોગ ડાળીના સડા કે ટોચના સડા તરીકે પણ જાણીતો છે. તે પાકને ઘણું નુકસાન પહોંચાડતો રોગ છે અને વધુ વરસાદવાળા વિસ્તારમાં લીંબુ (Citrus) વર્ગની જાતિઓમાં ખાસ જોવા મળે છે. આ રોગ મોસંબીમાં વધારે, જ્યારે સંતરામાં ઓછા પ્રમાણમાં થાય છે. રોગ મૃદાજન્ય (soilborne) છે અને વધુ ભેજવાળી પરિસ્થિતિમાં ખૂબ વિકાસ પામે છે. ફૂગના બીજાણુઓ જમીન પર ઉત્પન્ન થાય છે અને વરસાદ, પિયતના પાણી કે પવન દ્વારા તે ફેલાય છે. ઝાડને ચઢાવેલ આંખ કે ઈજા પામેલા ભાગ દ્વારા આ ફૂગના બીજાણુઓ યજમાનમાં પ્રવેશી, વિકાસ પામી રોગની શરૂઆત કરે છે.
રોગજન (pathogen) ફૂગ Phytophthora નામની પ્રજાતિની છે અને તેનાથી થતા રોગો દ્વારા મૂળ કે થડ કોહવાઈ જાય છે. રોગિષ્ઠ પર્ણો પીળાં પડી, ચીમળાઈ જઈ ખરી પડે છે. રોગ શરૂ થતાં થડના નીચેના ભાગે જમીન પાસે પાણીપોચા ડાઘા જોવા મળે છે. થડ અને શાખાઓ પર ગુંદર જેવા ચીકણા પ્રવાહીનો સ્રાવ થાય છે. રોગની તીવ્રતા વધતાં છાલમાં તિરાડો પડે છે અને છાલ સુકાઈને પટ્ટી સ્વરૂપે ખરી પડે છે. ઘણી વખત મૂળ પર આ રોગની અસર થાય છે. તેમાં જમીન પાસેની થડની છાલ ફાટી જાય છે, જેથી થડ નબળું પડે છે અને તે સુકાઈ જાય છે.
નિયંત્રણ : રોગના નિયંત્રણ માટે અજમાવવામાં આવતા કેટલાક ઉપાયો આ પ્રમાણે છે : (1) રોગમુક્ત જગાએ ધરુવાડિયું (nursery) ઉગાડવામાં આવે છે; (2) રોગપ્રતિકારક જાતો વવાય છે; (3) ઝાડની ફરતે પાણી ન ભરાય તેવી કાળજી રખાય છે અને યોગ્ય નિતાર વ્યવસ્થા જાળવવામાં આવે છે; (4) ઝાડના થડને 50-60 સેમી. સુધી બોર્ડો પેસ્ટ લગાવાય છે; (5) જમીનથી 30 સેમી. ઊંચે કલમની આંખ ચઢાવાય છે; (6) ખેતીકામ કરતી વખતે વનસ્પતિના થડ કે ડાળીને ઈજા ન થાય તેની કાળજી રખાય છે; (7) રોગિષ્ઠ ભાગની ફરતે 2.5 સેમી. જેટલી સારી શાખા કે થડની છાલ ચપ્પુ વડે કાળજીપૂર્વક છોલી છાલને એકત્રિત કરી ખેતરની બહાર લાવી બાળી નંખાય છે અને રોગિષ્ઠ ભાગ અને આજુબાજુના ભાગ પર બોર્ડો પેસ્ટ લાગવાય છે; (8) ઓરિયો ફંજીન દવા 3 ગ્રા./30 લિ. પાણીમાં ઓગાળી 2થી 3 છંટકાવ કે ઝાડની ફરતે નાખવાથી અથવા ઝાડની ફરતે ટેડોમિલ (2.0 %) નાખવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
(ii) કાલવ્રણ (anthracnose) : આ રોગ Colletotrichum gloeosporoides અને Gloeosporium નામની ફૂગથી થાય છે. આ રોગને ‘ડાળીની ટોચનો સુકારો’ પણ કહે છે.
આ રોગમાં પર્ણો પર શરૂઆતમાં આછા લીલા રંગના ડાઘ પડે છે; જે પછીથી કથ્થાઈ રંગના થાય છે, તેઓ વિકૃત બને છે અને છેવટે ખરી પડે છે. કુમળી ડાળી સુકાઈ જાય છે. સુકાયેલી ડાળી ચળકતી ભૂરી દેખાય છે. આ મૃત ડાળી પર ગોળ કાળા રંગના ડાઘા ઉત્પન્ન થાય છે. રોગની વધારે તીવ્રતાએ અંતે ઝાડ થોડાં વર્ષમાં સુકાઈ જાય છે. પુષ્પને અને આંખને ચેપ લાગતાં તેનો વિકાસ અટકી જાય છે. ફળ પર અસર થતાં તેઓ ખરી પડે છે.
નિયંત્રણ : (1) ઝાડ સામાન્ય રીતે તંદુરસ્ત રહે તે માટે પિયત, ખાતર અને નિતારનો યોગ્ય પ્રબંધ કરવામાં આવે છે અને પાકસંરક્ષણનાં પગલાં લેવાય છે; (2) રોગથી સુકાઈ ગયેલ ડાળીઓનો કાપીને નાશ કરાય છે અને કપાયેલા ભાગ પર બોર્ડો પેસ્ટ લગાવાય છે અથવા બોર્ડો મિશ્રણ(1.0 %)નું દ્રાવણ ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર માસમાં છાંટવામાં આવે છે; (3) 0.8 % બોર્ડો મિશ્રણ, 1 % કૉપર સલ્ફેટ અને 2 % ફૉર્મેલિનનું મિશ્રણ ફળ પર છાંટવાથી ફળ ખરતાં અટકાવી શકાય છે; (4) બોર્ડો મિશ્રણ(0.8 %)ના ત્રણ છંટકાવ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાથી શરૂ કરી પંદર દિવસના અંતરે છાંટવાથી અપરિપક્વ ફળને પડતાં અસરકારક રીતે અટકાવી શકાય છે.
(iii) ભૂકી છારો (powdery mildew) : આ રોગ એક્રિસ્પોરિયમ ટોગિટેનિયમ નામની ફૂગથી થાય છે. રોગજન ફૂગ યજમાનની જીવંત પેશીઓમાંથી ચૂષક (haustorium) દ્વારા પોષક તત્ત્વોનું શોષણ કરે છે. તેનો ફેલાવો પવન દ્વારા થાય છે. હૂંફાળી અને ભેજવાળી આબોહવામાં તેની વૃદ્ધિ ઝડપથી થાય છે.
રોગની શરૂઆતમાં નવાં પર્ણો, કુમળી ડાળીઓ, પુષ્પો અને ફળો ઉપર સફેદ રાખ જેવું ચૂર્ણ જામે છે. અસરગ્રસ્ત પર્ણો વિકૃત અને વામન બની જાય છે. કુમળી શાખાઓની પેશીઓનો નાશ થાય છે. રોગની તીવ્રતામાં પર્ણો અને અપરિપક્વ ફળો ખરી પડે છે. તેમની પેશીઓ મૃત્યુ પામે છે; જેથી ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે.
નિયંત્રણ : (1) 200-250 મેશ ગંધકના પાઉડરનો 30 કિગ્રા./હેક્ટર પ્રમાણે વહેલી સવારે આઠ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી ભૂકી છારાનું અસરકારક નિયંત્રણ થાય છે; (2) કોસાન, થાયોયેટ, બાવિસ્ટિન અને કાલિકઝીનનો છંટકાવ કરાય છે; (3) પાણી પીલાને કાપવાથી રોગનું નિયંત્રણ થાય છે.
(iv) ભીંગડા(scab)નો રોગ : આ રોગ એલ્સિનોઇ ફેવસિટી નામની ફૂગથી થાય છે. આ રોગ પર્ણો, શાખાઓ અને ફળ પર જોવા મળે છે. પર્ણો પર નાનાં આછાં પારદર્શક ટપકાં જોવા મળે છે. આ ટપકાં મસા જેવા થઈ ભીંગડામાં ફેરવાય છે. પર્ણના પાછળના ભાગમાં લાલ કે ગુલાબી રંગનો ખાડો જોવા મળે છે. મોટા ભાગનાં ટપકાં પર્ણની એક જ બાજુએ જોવા મળે છે. શાખાઓ અને ફળ ઉપર પણ આવાં ટપકાં ઉત્પન્ન થાય છે.
નિયંત્રણ : (1) છોડ ભીનો હોય ત્યારે ફૂગનાશક છાંટવાથી આંતરભાગ રોગથી બચી શકે છે. (2) રોગિષ્ઠ પર્ણો, શાખાઓ અને ફળ ભેગાં કરી નાશ કરાય છે. (3) બોર્ડો મિશ્રણ કે ડાયફોલાટન (0.2 %)નો છંટકાવ કરાય છે.
(v) ગુલાબી રોગ : આ રોગ Botryobasidium salmonicolor નામની ફૂગથી થાય છે. આ રોગ ચોમાસા દરમિયાન કે તે પછી તરત જ થાય છે. શરૂઆતમાં પર્ણો અને શાખાઓ ચીમળાઈને સુકાય છે. છાલ કઠણ થઈ ગુંદર જેવા પ્રવાહીનો સ્રાવ થાય છે. અસરગ્રસ્ત ભાગ પર સફેદ ચળકતું પડ જોવા મળે છે. રોગની તીવ્રતામાં અસર પામેલ છાલ ફાટીને તૂટી જાય છે અને કાષ્ઠ ખુલ્લું થાય છે. પર્ણો પીળાં પડી સુકાઈ જાય છે અને શાખાઓ પર લાંબી ફાટો જોવા મળે છે.
નિયંત્રણ : (1) અસરગ્રસ્ત છોડના ભાગને કાપીને નાશ કરવો અને કાપેલ ભાગ પર બોર્ડો પેસ્ટ લગાવાય છે; (2) શુષ્કઋતુમાં બોર્ડો મિશ્રણ(1.0 %)નું દ્રાવણ ક્રૂડ-ઑઇલ સાથે મિશ્ર કરી છાંટવામાં આવે છે.
(vi) મૂળનો કોહવારો : જુદી જુદી જાતની ફૂગ દ્વારા આ રોગ થાય છે. જમીનમાં રહી ફૂગ રોપમાં સુકારો કરે છે. હવાની ઓછી અવર-જવરવાળી જમીનમાં તે સૂકા મૂળનો કોહવારો કરે છે. તે શરૂઆતમાં છાલનો ભીનો કોહવારો કરે છે. પાછળથી યજમાનની છાલ સુકાઈને ફાટી જાય છે. અસરગ્રસ્ત પર્ણો પીળાં પડી જાય છે. બહુ સંખ્યામાં નાનાં કદનાં ફળો બેસે છે. મૂળમાંથી ગંદી વાસ આવે છે અને છોડ મૃત્યુ પામે છે.
બીજી જાતની ફૂગથી છોડનું પ્રકાંડ પોચું પડી સડી જાય છે. તે મૂળતંત્રને નુકસાન પહોંચાડી મુખ્ય પ્રકાંડના પાયા પર ગંભીર અસર કરે છે. સડતા કાષ્ઠમાં ફૂગ જીવે છે. તેનો ફેલાવો પવન દ્વારા થાય છે.
ત્રીજી જાતની ફૂગ મૂળ ઉપર અસર કરે છે, જેનો ખ્યાલ છોડ એકદમ સુકાઈ ગયા પછી આવે છે.
નિયંત્રણ : (1) અસરગ્રસ્ત મૂળનો નાશ કરવામાં આવે છે. કાપેલ ભાગ ઉપર બોર્ડો પેસ્ટ લગાવાય છે. (2) અસરગ્રસ્ત છોડની ફરતે 90 સેમી. જેટલી ઊંડી નીક કરી બીજા છોડના મૂળ સુધી રોગજનને પહોંચતા અટકાવાય છે.
(vii) ધરુનો કોહવારો : Rhizoctonia, Pythium, Phytophthora, Sclerotium, Sclerotinia, Botrytis ફૂગની જાતિઓ દ્વારા ધરુવાડિયામાં રોપનો નાશ થાય છે. R. solani અને Fusarium solani અત્યંત નુકસાન પહોંચાડતી ફૂગ છે. ધરુવાડિયાની જમીનની બેકાળજીભરી પસંદગી, જમીનની નબળી નિતારશક્તિ, ખામીયુક્ત પિયત વ્યવસ્થા, છોડની વધુ પડતી સંખ્યા અને અન્ય ત્રુટિવાળી ક્ષેત્રીય પદ્ધતિઓ આ રોગમાં વધારો કરે છે.
નિયંત્રણ : (1) ધરુવાડિયા માટે વધારે ફળદ્રૂપ અને સારી નિતારવાળી જમીન પસંદ કરવી જરૂરી છે; (2) ધરુવાડિયામાં પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે છે; (3) ધરુવાડિયામાં પૂરતા છોડ રાખવામાં આવે છે, વધુ પડતા છોડને કારણે ચેપનો સામાન્ય જુસ્સો જોવા મળતો નથી અને તે રોગગ્રાહ્ય બની જાય છે; (4) ધરુવાડિયાની જમીનને બોર્ડો મિશ્રણ (1.0 %) આપવાથી બધી જાતના મૃદાજન્ય (soilborne) રોગો સામે રક્ષણ મેળવી શકાય છે; (5) ધરુવાડિયાની જમીનને ઉનાળામાં પિયત આપી પારદર્શક પ્લાસ્ટિક વડે 45 દિવસ ઢાંકી રાખવાથી મૃદાજન્ય રોગોથી રોપને અસરકારક રીતે મુક્ત રાખી શકાય છે.
(2) જીવાણુથી થતા રોગ :
(i) બળિયા ટપકાં(Canker)નો રોગ : આ રોગ Xanthomonas citri નામનાં બૅક્ટેરિયા દ્વારા થાય છે. આ બૅક્ટેરિયા મૂળ સિવાયના બધા જ ભાગો (શાખાઓ, કાંટા, પુષ્પો અને ફળો) પર રોગ ઉત્પન્ન કરે છે. રોગનો પ્રારંભ નાના, ગોળ, જલસિક્ત (water soaked) પારદર્શક ઊપસેલાં ટપકાંથી થાય છે. આ ટપકાં મોટાં બની કથ્થાઈ રંગનાં ટપકાંમાં ફેરવાય છે. રોગનું પ્રમાણ વધતાં આ ટપકાંની સંખ્યા અને કદ વધતાં જઈ ઘણી વખત સમગ્ર પર્ણ, ડાળી અને ફળ આવાં કથ્થાઈ રંગનાં ટપકાંથી છવાઈ જાય છે. રોગની વધારે તીવ્રતાએ આ ટપકાં ભૂરાં ખરબચડાં બની બૂચ જેવા ખાડા આકારમાં પરિણમે છે. પર્ણો પરનાં આ ટપકાંની ફરતે ઘેરી બદામી ધાર અને પીળો આભાસ ઉદ્ભવે છે. આવાં ટપકાંને કારણે પર્ણો ખરી પડે છે. ફળ પરનાં ટપકાં છાલ પૂરતાં જ મર્યાદિત રહે છે. ક્યારેક છાલમાં તિરાડ પડે છે.
વરસાદ, પવન અને પર્ણોને કોરતી જીવાતની મદદથી રોગનો ફેલાવો થાય છે. ફળ પર ઉદ્ભવતાં ટપકાંને કારણે તેમની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
નિયંત્રણ : (1) વાવણી માટે રોગમુક્ત રોપાઓ કે રોગપ્રતિકારક જાત પસંદ કરવામાં આવે છે; (2) રોપણી કરતાં પહેલાં રોપાને બોર્ડો મિશ્રણ(1.0 %)નો છંટકાવ કરાય છે; (3) ચોમાસું શરૂ થતાં પહેલાં વાડીની સફાઈ કરી રોગગ્રસ્ત શાખાઓ કાપી 1.0 % બોર્ડો મિશ્રણનો છંટકાવ કરાય છે; (4) બે વાર છટણી અને ચાર વાર બોર્ડો મિશ્રણ કે કૉપર ઑક્સિક્લોરાઇડ(500 પી.પી.એમ.)નો છંટકાવ કરાય છે અને (5) સ્ટ્રૅપ્ટોમાયસિન સલ્ફેટ, એગ્રિમાયસિન, સ્ટ્રૅપ્ટોસાયક્લિન અને બોર્ડો મિશ્રણ તથા થાયરમનો છંટકાવ પણ અસરકારક નિયંત્રણ કરે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ