સંત : સારો ધાર્મિક માણસ. ‘સંત’ શબ્દના મૂળમાં સં. सत् શબ્દ છે, એ अस् (હોવું) બીજા ગણના ક્રિયાર્થક ધાતુનું વર્તમાન કૃદંત છે, જે ‘હોતું હોનાર’, ‘છેસ્થિતિ છે, વર્તમાન’ એવા અર્થ આપે છે. અતિ પ્રાચીન કાલથી ‘સદા વર્તમાન સત્ત્વ’ને માટે એ રૂઢ છે. ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ એ વેદવાક્ય ઘણું જ જાણીતું છે. ગીતામાં આ અર્થ જાણીતો છે (9-19, 11-37, 13-23, 26, 27), જે ‘પરબ્રહ્મ-પરમાત્મા પરમેશ્વર’ એવો સ્પષ્ટ અર્થ સૂચવે છે. વિદ્વાનોમાં એના ઘણા અર્થ વિકસેલા છે. ‘ઇંદ્ર-યમ-વરુણ-વાયુ’ વગેરે દેવયોનિઓના પુરુષો કહેવાય છે. એ सत्ના જ વિકસેલા અર્થ છે.
આ વર્તમાન કૃદંત सत्નું પહેલી વિભક્તિનું પુંલિંગ બહુવચનનું રૂપ सन्त: છે, જેનો અર્થ ‘હોનાર’‘વર્તમાન’ લોકસમૂહ થાય, પરંતુ અર્થનો વધુ વિકાસ થતાં ‘સત્પુરુષ’ એવો અર્થ પ્રચારમાં છે. એ પણ ગીતામાં જ જોવા મળે છે : ‘यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्षिषै: (ગી. 3.13) યજ્ઞોના પ્રસાદી રૂપે મળતાં ખાદ્ય ખાનારા સત્પુરુષો બધાં પાપોમાંથી મુક્ત થાય છે.’ આવો જ અર્થ આપતા કવિ કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકના આરંભમાં સૂત્રધાર એક શ્લોક ગાય છે :
શ્લોકાનુવાદ : ‘‘પુરાણું છે કે સહુ સારુ એના,
નવું કવ્યું લેશ અવદ્ય છે ના;
સંતો તપાસી સવળે વળે છે,
મૂઢો પરજ્ઞાનધરા મળે છે.’’
‘સત્પુરુષો – સંતો એટલે પ્રામાણિક સત્યનિષ્ઠ સજ્જનો’ એ અર્થ સ્પષ્ટ છે. આજે આ અર્થ લગભગ ઓસરી ગયો છે અને વિરક્ત સાધુ-સંન્યાસીઓને માટે રૂઢ થઈ ચૂક્યો છે; સંસાર છોડી વિરક્ત થયા છે એવા પુરુષોને માટે તે મર્યાદિત થયો છે. મૂળ અર્થ માનવાચક હોઈ બહુવચને સન્ત: રૂપ છે એ જ તદ્ભવની કોટિનો તત્સમ બની ગયો છે. અંગ્રેજીમાં ‘Saint’ શબ્દ સં. સન્ત:માંથી વિકસેલો છે. ખ્રિસ્તી ધર્મમાં મૃત વ્યક્તિને સંતની શ્રેણીમાં મૂકવાનો અધિકાર ‘વેટિકન ઑથૉરિટી’ એટલે કે પોપને હોય છે. મૃત વ્યક્તિના ચારિત્ર્ય અને ધાર્મિકતાને ધ્યાનમાં રાખીને તેને સંત જાહેર કરવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં જીવિત વ્યક્તિને સંતની શ્રેણીમાં મુકાતી નથી – તેમાં કૅથલિક સંપ્રદાયમાં જ સંતોની શ્રેણી છે. આવા સંત સાધુ-સાધ્વી કે સંસારી વ્યક્તિ પણ હોઈ શકે. બાઇબલ અંતર્ગત ‘નવા કરાર’માં ઈસુએ સંતોને ‘ધરતીનું લૂણ’ અને ‘જગતના પ્રકાશ’ તરીકે સંબોધ્યા છે.
આર્યકુલની ભારતીય ભાષાઓમાં આ ‘સંત’ શબ્દ બહુવચનમાં માનવાચક બનેલા, વિરક્ત સાધુઓ માટે રૂઢ થયો છે.
સંત સાદો, ભલો અને સજ્જન હોય છે. યોગી, મહાત્મા, સાધુને પણ સંત કહેવામાં આવે છે. તે ભક્ત, વૈરાગી, ધર્મિષ્ઠ, સાંસારિક, પ્રપંચ વગરનો પવિત્ર, નીતિમાન, પ્રામાણિક અને સત્ત્વશીલ મનુષ્ય હોય છે. ગૃહસ્થ પણ આવા ગુણોવાળો હોય તો તેને પણ સંત કહી શકાય. રાગદ્વેષાદિને શમાવવાનું શાંતિ પમાડવાનું સામર્થ્ય સંતમાં હોય છે.
કે. કા. શાસ્ત્રી
થૉમસ પરમાર