સંઘવી, વસંત ચુનીલાલ
January, 2007
સંઘવી, વસંત ચુનીલાલ (જ. 8 માર્ચ 1938, માંડવી, કચ્છ-ગુજરાત) : પક્ષી જગતના અચ્છા અને ચિત્રાત્મક (pictorial) શૈલીના તસવીરકાર. વેપારી પરિવારના પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માંડવીમાં. એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા પછી માંડવીમાં મહેસૂલ ખાતાની સેવામાં જોડાયા.
બાળપણથી જ પેઇન્ટિંગનું આકર્ષણ. કાળક્રમે ફોટોગ્રાફી તરફ ઢળ્યા. પિતા ચુનીલાલની નિશ્રામાં પોતાના નિવાસસ્થાને ફોટોગ્રાફી અને ડેવલપિંગ ત્રણેક વર્ષ ચાલુ રાખ્યું. ત્યારબાદ 1968માં વસંત સ્ટુડિયો શરૂ કર્યો, ત્યારે 120ના યાશિકા એ અને યાશિકા 635ના કૅમેરા અને ક્લિકની ફ્લૅશગનથી શરૂઆત કરી.
ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા પ્રકૃતિજગતના ફોટાગ્રાફર ટી. એસ. લાલના સંપર્કમાં આવ્યા. તેમણે લાલને જંગલી ઉંદરોની રહેણીકરણીના ફોટોગ્રાફ લેવામાં સહયોગ આપ્યો. તેના પરિણામરૂપ તેમણે પ્રકૃતિના વિષયોની ફોટોગ્રાફી પર પસંદગી ઉતારી અને 1960માં સરકારી નોકરી છોડી દીધી તથા ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો.
1972થી માંડવીની આજુબાજુના સાગરકાંઠે સીગલ અને સુરખાબ જેવાં સંખ્યાબંધ યાયાવર પક્ષીઓની સમૂહ તસવીરો ખેંચવામાં ખૂબ જહેમતપૂર્વક અને એકાગ્રતાપૂર્વક કલાકો સુધીની પ્રતીક્ષા અને અવિરત પુરુષાર્થ કરવાં પડ્યાં. તેમણે દરિયાઈ પક્ષીઓની તસવીરો ઑલ ઇન્ડિયા ફોટોગ્રાફી સ્પર્ધામાં મોકલવી શરૂ કરી. 1973માં આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફીમાં ભાગ લીધો અને અનેક ઇનામોને પાત્ર ઠર્યા. પક્ષીઓની દિનચર્યાની સુંદર કલાત્મક મુદ્રાઓ અને લાઇટ કંડિશન મેળવવામાં 400 ASAની ફાસ્ટ ફિલ્મ તેમજ 500 mmનો ટેલિલેન્સ વાપરી શીઘ્ર ભાવગ્રાહિતા (sharpness) પ્રાપ્ત કરી.
તેમની 100થી વધુ તસવીરો જુદાં જુદાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૅટલૉગમાં પ્રસિદ્ધ થઈ છે. સતત 2 વર્ષ સુધી અખિલ ભારતીય કક્ષાએ પ્રથમ દસમાં તેમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની 4 તસવીરો ઑસ્ટ્રેલિયાના મ્યુઝિયમમાં સ્થાયી સંગ્રહ માટે પસંદગી પામી છે. 1972થી 1996 દરમિયાન રાજસ્થાન પ્રવાસન નિગમ, ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત વન્ય પ્રાણી સ્પર્ધા અને ગુજરાત રાજ્ય લલિત કલા પ્રદર્શનમાં તેમની તસવીરો પસંદગી પામી છે. આ ઉપરાંત તેમની 1,000 તસવીરો મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બૅંગલોર, જયપુર, જોધપુર જેવાં ભારતનાં મોટાં શહેરોમાં પ્રદર્શિત કરાઈ છે. 200 જેટલી તસવીરો ચીન, અમેરિકા, સિડની, ન્યૂઝીલૅન્ડ, ઈસ્ટ લંડન, બેલ્જિયમ, શ્રીલંકા વગેરે જુદા જુદા દેશોમાં પણ પ્રદર્શિત કરાઈ છે. ગુજરાતનાં શહેરોમાં તેમનાં વૈયક્તિક પ્રદર્શનો પણ યોજાયાં છે. વળી ફોટોગ્રાફી સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે પણ તેમણે સેવા આપી છે.
આજ સુધીમાં તેમને 80થી 100 સુવર્ણચંદ્રકો, રજત અને કાંસ્ય ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. 200થી વધુ ગુણવત્તા પ્રમાણપત્રો અને 100થી વધુ રોકડ ઇનામો અને માનાર્હ ઇલકાબો મળ્યાં છે. ફોટોગ્રાફી-કલાક્ષેત્રે તેમના મહત્ત્વના પ્રદાન બદલ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તરફથી 1999-2000ના વર્ષનો લલિત કલા ગૌરવ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે.
બળદેવભાઈ કનીજિયા