સંઘવી, દિલીપ
July, 2026
સંઘવી, દિલીપ (જ. 1 ઑક્ટોબર 1955) : એક ભારતીય બિલિયોનર બિઝનેસમૅન અને દેશની સૌથી શ્રીમંત વ્યક્તિઓમાંના એક. તેમણે પ્રદીપ ઘોષની ભાગીદારીમાં સન ફાર્માસ્યુટિકલની સ્થાપના કરી હતી. ભારત સરકારે તેમને 2016માં પદ્મશ્રીનો ઇલકાબ આપ્યો હતો. `ઇન્ડયા ટુડે’ સામયિકે 2017ના ભારતના સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં એમને આઠમો ક્રમાંક આપ્યો હતો.
દિલીપ સંઘવી ગુજરાતી છે. પિતાનું નામ શાંતિલાલ સંઘવી અને માતાનું નામ કુમુદબહેન સંઘવી. તેમણે વાણિજ્ય શાખામાં યુનિવર્સિટી ઑફ કૉલકાતામાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમનું બાળપણ અને કૉલેજકાળ બડા બજાર વિસ્તારમાં રહેતાં તેમનાં માતા-પિતા સાથે કૉલકાતામાં વિતાવ્યાં હતાં અને શાળા તેમજ સ્નાતક કક્ષાનો અભ્યાસ પણ ત્યાં જ કર્યો હતો.
તેમણે કૉલકાતાના જેનરિક દવાઓના વેપારના ધંધામાં પિતાને મદદ કરીને વ્યવસાય શરૂ કર્યો હતો. આ સમય દરમિયાન બીજાનાં ઉત્પાદનો વેચવાને બદલે જાતે જ ઉત્પાદન કરીને પોતાની દવાઓ વેચવાનો વિચાર તેમને આવ્યો.
સંઘવીએ 1982માં પોતાની દસ હજાર રૂ. ની મૂડીથી વાપીમાં માનસિક રોગ ચિક્ત્સિાના એક ડ્રગ અને એકમાત્ર ભાગીદાર એવા શ્રી પ્રદીપ ઘોષ સાથે `સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી’ શરૂ કરી. 1997માં અમેરિકામાં પોતાની કંપનીનું વિસ્તરણ કરવાના હેતુથી `સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી’એ ખોટ કરતી અમેરિકન કંપની `કારાકો ફાર્મ’ હસ્તગત કરી લીધી. 2007માં `સને’ ઇઝરાયલની `ટારો ફાર્મ’ હસ્તગત કરી હતી. 2012માં સંઘવીએ ચૅરમૅન તરીકે અને સીઈઓ તરીકે રાજીનામું આપ્યું અને ઇઝરાયલના મકોવ કે જે `ટેવા ફાર્માસ્યુટિકલ્સ’ના ભૂતપૂર્વ સીઈઓ હતા તેમને તેમના ઉત્તરાધિકારી બનાવ્યા અને તેઓ મૅનેજિંગ ડાયરેક્ટર બન્યા. એપ્રિલ, 2014માં `રેનબક્ષી’ અને `ડૈચી સાન્ક્યો’ના શૅરો 3.2બી ડૉલરમાં હસ્તગત કરવા સંમત થઈ અને આ ડીલ માર્ચ, 2015માં પૂરી થઈ. આને કારણે `સન’ દુનિયાની પાંચમા ક્રમની સૌથી મોટી ડ્રગ કંપની બની અને `ડૈચી’ સનમાં સૌથી વધારે શૅર ધરાવનાર બન્યો.
અમરેલીના વતની આ ઉદ્યોગપતિ દેશની વાણિજ્યનીતિ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવશે કારણ કે તેમને રિઝર્વ બૅન્ક કમિટીમાં સામેલ કરાયા છે. દેશના સૌથી ધનાઢ્ય એવા દિલીપ સંઘવીની સેવાનો લાભ આર.બી.આઇ.ને મળશે. આર.બી.આઇ.માં 21 સભ્યોની સમિતિ હોય છે જે બૅન્કોની નીતિ, વ્યાજના દર સહિતની અર્થવ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
તેમની પત્નીનું નામ વિભા સંઘવી છે. તેમને એક પુત્ર- આલોક અને એક પુત્રી- વિધિ છે. બંને પુત્રો ફાર્માસ્યુટિકલ્સ માટે કામ કરે છે. દિલીપ સંઘવી ઑક્સફોર્ડ યુનિવિર્સિટીના રહોડસ સ્કૉલરશિપ પ્રોગ્રામના ટ્રસ્ટી છે.
શ્રી દિલીપ સંઘવીની સાફલ્ય ગાથા જોઈએ તો, ઈ. સ. 1983માં પાંચ માનસિક રોગ ચિકિત્સાનાં ડ્રગ ઉત્પાદનોના વેચાણ સાથે સન ફાર્માની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1989માં નિકાસનો પ્રારંભ થયો. ઈ. સ. 1994માં સન ફાર્માનો પબ્લિક ઇશ્યૂ બહાર પડ્યો જે 55 ગણો છલકાયો હતો. ઈ. સ. 1997માં કંપનીએ યુ.એસ.સ્થિત `કારાકો’ની ખરીદી સાથે પોતાનું સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એક્વિઝિશન કર્યું હતું. ઈ. સ. 1999માં ભારતની ટોચની 10 ફાર્મા કંપનીઓમાં સ્થાન મેળવ્યું. છેલ્લાં 20 વર્ષોમાં 20 એક્વિઝિશન કર્યાં છે. ઈ. સ. 2014માં રેનબક્ષીના એક્વિઝિશનની જાહેરાત કરી જે તે સમયે ભારતની સૌથી વિશાળ ફાર્મા કંપની હતી. રેનબક્ષીને ખરીદ્યા પછી પણ સન ફાર્માની વિકાસયાત્રા ચાલુ રહી છે.
જનક શાહ
