સંગઠિત બજારો (Organised Markets) : ઠરાવેલા નિયમો અને વિધિ અનુસાર ખરીદ અને વેચાણ કરવા માટે જ્યાં એકઠા થઈ શકાય તેવાં સોના-ચાંદી બજાર; રૂ બજાર અને ખનિજ તેલ બજાર (commodity exchange); શૅરબજાર (share and stock exchange), નાણાં બજાર વગેરે કાયદેસરની માન્યતાપ્રાપ્ત સ્થળો. આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે (1) ઉત્પાદન; (2) વિનિમય; (3) વિતરણ તથા (4) વપરાશમાં વહેંચાતી હોય છે. અવેજના બદલામાં માલ અને સેવાની તબદીલી દર્શાવતી પ્રક્રિયા ‘બજાર’થી ઓળખાય છે. આમ, બજારની મૂળભૂત વિભાવનાને સ્થળ સાથે નહિ, પણ પ્રક્રિયા સાથે સંબંધ છે. સાટાપદ્ધતિથી માંડી 19મી સદી સુધી આ પ્રક્રિયા કરનારાઓ કોઈ ને કોઈ સ્થળે ભેગા થતા હતા; તેથી લોકવ્યવહારમાં ‘બજાર એટલે કોઈ એક સ્થળ’ એવી વિભાવના લોકો વચ્ચે પ્રચલિત હતી. 19મી સદી અને ત્યારબાદ દૂરસ્થ સંદેશા, પ્રમાણીકરણ, એક જ ચલણ જેવાં અનેક પરિબળો કામ કરતાં થયાં, તેથી બજારને કોઈ એક સ્થળ સાથે સંબંધ નથી અને તે પ્રક્રિયા છે તે સ્પષ્ટ થયું. પ્રમાણીકરણ, એક ચલણ, વિનિમય અને વિતરણના બધાં જ સમજી શકે તેવા નિયમો, તોલમાપનું પ્રમાણીકરણ જેવાં અનેક પરિબળોએ પેદાશોના નમૂના જોઈને ખરીદ-વેચાણ એટલે કે બજાર કહી શકાય તેવી પરિસ્થિતિ પેદા થઈ. ધંધાના વ્યવસ્થાતંત્રમાં પણ ઘણા ફેરફારો થયા, મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓ સુધીના પ્રકારો અસ્તિત્વમાં આવ્યા અને મંડળીની મૂડીના નક્કી કરેલા એકસરખા ભાગ શૅર તરીકે ઓળખાવા માંડ્યા. બજાર કાર્યરત કરવા માટે એક એવી પરિસ્થિતિ પેદા થઈ કે જેમાં મૂડીનું પ્રમાણીકરણ થયું અને પ્રમાણીકરણ થયેલ શૅરની લે-વેચમાં અમર્યાદિત જવાબદારીનું તત્ત્વ કામ કરતું બંધ થયું. આમ એક બાજુ ચોક્કસ પેદાશો જેવી કે રૂ, શણ, સિંગતેલ અને બીજી બાજુ શૅર, ડિબેન્ચર, બૉન્ડ જેવાં કાગળિયાં ઝડપથી ખરીદ-વેચાણમાં આવી શકે તેવી પરિસ્થિતિ પેદા થઈ. સમયના આ તબક્કે જો આ ખરીદ-વેચાણને નિયમોથી અંકુશમાં રાખવામાં આવે નહિ તો સોદા કરનારા પક્ષકારોને જ માત્ર નહિ, પરંતુ સમાજના વિવિધ વિભાગો અને અર્થકારણ પર પણ ગંભીર વિપરીત અસરો પડે. પરિણામે કાયદાથી આ બજારોને નિયમન હેઠળ મૂકવામાં આવ્યાં. નિયમન હેઠળ મુકાયેલાં આ બજારો સંગઠિત બજારો તરીકે ઓળખાયાં. આમ તો બજાર એક પ્રક્રિયા છે, છતાં નિયમનના હેતુથી સંગઠિત બજારોને કોઈ ને કોઈ સ્થળ સાથે જોડવામાં આવ્યાં છે. આ મુજબ સંગઠિત બજાર તરીકે ઓળખાતાં આ ચોક્કસ સ્થળોએ લેખિત ધારા-ધોરણો અને નિયમો, સ્થાપિત પ્રણાલિકાઓ અને રીત-રસમો મુજબ સભ્યો દ્વારા વેચાણ અને ખરીદીને લગતા સોદાઓ સ્થાપિત વિધિઓ મુજબ કરવામાં આવે છે. પરંતુ ઈ-કૉમર્સનું તત્ત્વ દાખલ થવાથી સંગઠિત બજારની આ સંકલ્પનામાં ફેર કરવો પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. નમૂના અને શૅરના નામ પર આધાર રાખીને સંગઠિત બજારમાં થતા સોદાઓ એ દિશામાં તો ગયા હતા જ કે જેમાં માલ/શૅરની ડિલિવરી આપ્યા વિના કે નક્કી કરેલી કિંમત પ્રમાણે સંપૂર્ણ રકમ ચૂકવ્યા વિના વાયદાથી ઓળખાતા સોદા થવા માંડ્યા હતા અને આજે પણ થાય છે. આમ સંગઠિત બજારોએ માલ/શૅરના કુલ વેચાણપાત્ર જથ્થા કરતાં અનેકગણો વધારે ધંધો થઈ શકે તેવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે. આથી સંગઠિત બજારોમાં સોદાની મુખ્ય બે બાબતો માંગ અને પુરવઠો કરતાં પણ આર્થિક સત્તાનું મહત્ત્વ વધી જાય છે. ઈ-કૉમર્સ દાખલ થતાં વિશ્વના કોઈ પણ ખૂણેથી બીજા કોઈ પણ ખૂણે ઇન્ટરનેટ પર નમૂનાનું વર્ણન કરીને અને તેનું તાદૃશ ચિત્ર દર્શાવીને સંગઠિત બજારોના રોકડ સોદાઓની જેમ ક્રેડિટ/ડેબિટ કાર્ડની મદદથી સોદા કરવાનું શક્ય બન્યું છે. એ જ પ્રમાણે નાણાં અને મૂડીબજારોમાં પણ શક્ય બન્યું છે. ખરીદ-વેચાણ કિંમતના તફાવતમાં સોદો કરવાની રમત જાણે કે ઈ-કૉમર્સમાં હરણફાળ ભરી રહી છે. નાણાબજારમાં કોઈ પણ બે ચલણના રૂપાંતર-દરમાં 0.01 જેટલા તફાવતથી પણ અબજો ડૉલરોના સોદા થાય છે. એ જ પ્રમાણે જે દેશોનાં પેદાશ અને મૂડીનાં સંગઠિત બજારો વિશ્વ માટે ખુલ્લાં થઈ ગયાં છે ત્યાં પણ જંગી રકમના સોદા થાય છે. સંગઠિત બજારની વિભાવના ભલે સ્થળ સાથે સંકળાયેલી હોય, પરંતુ ઈ-કૉમર્સના કારણે આ પ્રકારની વિભાવના લુપ્ત થવા માંડી છે.
અશ્વિની કાપડિયા