સંકેતગ્રહ : સંસ્કૃત શબ્દશાસ્ત્રનો એક સિદ્ધાંત. શબ્દમાં રહેલી શક્તિ અથવા સંકેત વડે શબ્દમાંથી અર્થનું જે જ્ઞાન થાય તેનું નામ સંકેતગ્રહ. એ સંકેતગ્રહ આઠ રીતે થાય છે : (1) વ્યાકરણ વડે થતો સંકેતગ્રહ અથવા સંકેતજ્ઞાન; જેમ કે  ‘શરીર’ પરથી બનેલા ‘શારીરિક’ એ શબ્દનો અર્થ વ્યાકરણના તદ્ધિત પ્રત્યય વડે થયેલો જણાય છે. (2) ઉપમાન વડે થતો સંકેતગ્રહ; જેમ કે – ‘ગવય:’ એ શબ્દનો અર્થ તેના ઉપમાન गो એટલે બળદ એ ઉપમાન સાથેના સાદૃશ્ય વડે થાય છે. (3) કોશ વડે થતો સંકેતગ્રહ; જેમ કે – ‘ત્રિદશ’ એ શબ્દનો ‘દેવ’ એ અર્થ શબ્દકોશની મદદથી મળે છે. (4) આપ્તવાક્ય વડે થતો સંકેતગ્રહ; જેમ કે  વિદ્યાર્થીને ‘ગજ’ શબ્દનો અર્થ શિક્ષક જેવા આપ્ત માણસે કહેલા વાક્યથી ‘હાથી’ એવો જણાય છે. (5) વ્યવહાર વડે થતો સંકેતગ્રહ; જેમ કે – એક માણસ બીજા માણસને ગાયને કે ઘોડાને લાવવાનું કહે ત્યારે બીજો માણસ જે ગાય કે ઘોડાને લાવવાનો વ્યવહાર કરે તેનાથી તેના અર્થનું જ્ઞાન થાય છે. (6) વાક્યશેષ વડે થતો સંકેતગ્રહ; જેમ કે – ‘સૈન્ધવ’ શબ્દનો ભોજનનો સંદર્ભ હોય તો ‘મીઠું’ અને યુદ્ધનો સંદર્ભ અર્થાત્ વાક્યશેષ હોય તો ‘ઘોડો’ એવો અર્થ જણાય છે. (7) વિવૃતિ વડે થતો સંકેતગ્રહ; જેમ કે – ‘કલશ’ એ શબ્દનો અર્થ તેના સમાનાર્થી ‘ઘટ’ શબ્દ વડે વિવૃતિ એટલે કહેવામાં આવે તો સમજાય છે. (8) સિદ્ધ પદના સામીપ્ય વડે થતો સંકેતગ્રહ; જેમ કે – ‘લક્ષ્મણ’ પદ નજીક રહેલું હોય તો ‘રામ’ શબ્દનો અર્થ દશરથના પુત્ર રામ એવો જણાય છે બીજો કોઈ રામ નહિ. જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક અને દ્રવ્યવાચક શબ્દો જ સંકેતગ્રહનો વિષય હોય છે એમ વ્યાકરણશાસ્ત્રીઓ માને છે અને ફક્ત જાતિવાચક શબ્દો જ સંકેતગ્રહનો વિષય હોય છે એમ મીમાંસકો માને છે.

ભગવતીપ્રસાદ પંડ્યા