સંકલિત ગ્રામીણ વિકાસ :  વિકાસશીલ દેશોમાં ગ્રામીણ ગરીબોની આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી સંકલિત કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિકાસ સાધવા માટેના પ્રયાસો. સરકાર આર્થિક વિકાસ કે ગ્રામીણ આર્થિક વિકાસ અંગેની પોતાની નીતિનો પોતાનાં અલગ અલગ ખાતાંઓ મારફતે પ્રયાસ કરે છે. સરકારની કામ કરવાની આ પરંપરાગત પદ્ધતિ છે. આ ખાતાવાર કે વિભાગવાર કે ક્ષેત્રવાર અભિગમ કરતાં જુદી રીતે સુસંકલિત ગ્રામવિકાસ અભિગમ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે. ગ્રામવિકાસ માટેનાં જરૂરી પગલાંનું અમલના સ્તરે સંકલન સાધવામાં આવે છે ને તેને કારણે અનેકવિધ કાર્યક્રમો એકમેકના પૂરક બને છે, એકમેકમાં બળ પૂરે છે. અસંકલિત ક્ષેત્રવાર પ્રયત્નની સરખામણીમાં આ પ્રકારનો સંકલિત પ્રયત્ન વધુ કાર્યસાધક બને છે.

ક્ષેત્રવાર નહિ પણ સંકલિત અભિગમથી ગ્રામવિકાસ વિશે વિચાર કરનાર ચાર મૉડેલ આપણને મળે છે : 1. ઉત્પાદનકેન્દ્રી મૉડેલ, 2. જૂથકેન્દ્રી મૉડેલ, 3. વિસ્તારકેન્દ્રી કે પ્રદેશકેન્દ્રી મૉડેલ, 4. સર્વાંગી સંકલિત ગ્રામવિકાસને કેન્દ્રમાં રાખતું મૉડેલ.

વીસમી સદીના છેલ્લા કેટલાક દસકાઓમાં ઓછી ને મધ્યમ આવક ધરાવતા વિકાસશીલ દેશોએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવામાં ઠીક ઠીક પ્રગતિ સાધી છે. ચિંતાનો વિષય એ રહ્યો છે કે તેમાંનાં બધાં આવકજૂથોને આ આર્થિક વિકાસનો એકસરખો લાભ મળ્યો નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતી ગરીબ પ્રજાને માટે એકંદર પ્રગતિ સંતોષકારક જીવનસુધારણા લાવી શકી નથી. ગરીબાઈ-નિવારણ દ્વારા ને ગ્રામવિસ્તારના જીવનની ગુણવત્તા સુધારીને દરિદ્ર પ્રજાની સ્થિતિમાં પરિવર્તન લાવવાના હેતુથી ઘણા વિકાસશીલ દેશોમાં સંકલિત ગ્રામવિકાસનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ, ભારત, નેપાલ, પાકિસ્તાન, શ્રીલંકા, વિયેટનામ, થાઇલૅન્ડ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા  આ સર્વનો તેમાં સમાવેશ થાય છે. ભૌગોલિક અને સામાજિક-રાજકીય દૃષ્ટિએ તેઓ એકમેકથી જુદા પડે છે, પરંતુ તેઓ સૌ ગ્રામપ્રધાન ને ખેતીપ્રધાન છે. વિશ્વની ગરીબ પ્રજાનો મોટો ભાગ આ દેશોમાં વસે છે. શહેરી ને ગ્રામીણ પ્રજા વચ્ચે અહીં આવકની અસમાનતા છે. ગામડાંમાં માળખાકીય સગવડ ને ખરીદવેચાણની સુવિધા અપૂરતી છે, શાળા કે દવાખાનાં ઓછાં છે, ને પ્રજા ગરીબ અવસ્થામાં જીવન ગુજારે છે. ભૂતકાળમાં ગણનાપાત્ર પ્રયત્ન થયો છે, છતાં ગરીબાઈના પ્રશ્ર્ને મચક આપી નથી. વિકાસને અગ્રિમતા આપતી આર્થિક વ્યૂહરચનાનાં સુફળ ગરીબો સુધી ઝમીને પહોંચ્યાં નથી.

અર્થતંત્રમાં અન્ય ક્ષેત્રો ને વિસ્તારોમાં વધતી જતી આવક અને સમૃદ્ધિ સામે ગ્રામીણ અલ્પવિકાસ ને ગરીબાઈના આ અનુભવને કારણે માત્ર વિકાસને અગ્રિમતા આપતી વિચારણાને બદલે, ક્ષેત્રવાર યોજનાને બદલે સંકલિત ગ્રામવિકાસની સંકલ્પના કેન્દ્રમાં આવી છે. ક્ષેત્રવાર છૂટા-છવાયા અનેક કાર્યક્રમો પાછળ સરકાર ભારે ખર્ચ કરે તેના કરતાં ગરીબાઈનિવારણના ધ્યેય સાથે મેળ ધરાવતા પરસ્પર સુસંગત નીતિસમૂહ ને કાર્યક્રમ તે અપનાવે તો તેમાં સફળતા મળવાની શક્યતા વધુ છે. આ સંકલિત ગ્રામવિકાસની સંકલ્પનાની પાયાની વાત છે. અનેક દેશોમાં ચાલતો આ પ્રકારનો અભ્યાસ ઢાકાસ્થિત સેન્ટર ઑન ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવેલપમેન્ટ ફૉર એશિયા ઍન્ડ ધ પૅસિફિક કરે છે.

અહીં ભારતને કેન્દ્રમાં રાખીને આ વિશે વધુ વિચારણા પ્રસ્તુત છે.

ભારતમાં જુદી જુદી પંચવર્ષીય યોજનાઓના ગાળામાં થયેલા પ્રયત્નને કારણે એકંદર આર્થિક વિકાસ થયો છે. તેનું પ્રતિબિંબ નીચેના આંકડામાં પડે છે :

પંચવર્ષીય યોજનાઓમાં વિકાસદરની સિદ્ધિ : વાર્ષિક વિકાસદર (ટકામાં)

પ્રથમ યોજના 3.6 (1951-1956)
બીજી યોજના 4.21 (1956-1957 થી 1960-61)
ત્રીજી યોજના 2.27 (1961-62 થી 1965-66)
ચોથી યોજના 2.05 (1969-1974)
પાંચમી યોજના 4.83 (1974-1979)
છઠ્ઠી યોજના 5.54 (1980-1985)
સાતમી યોજના 6.02 (1985-1990)
આઠમી યોજના 6.68 (1992-1997)
નવમી યોજના 5.35 (1997-2002)

છતાં નવી સહસ્રાબ્દીના આરંભે 26 કરોડ માણસો ગરીબાઈની રેખા નીચેની આવક ધરાવે છે. તેમાંથી 75 ટકા ગ્રામવિસ્તારોમાં રહે છે. વિશ્વની ગરીબ પ્રજામાંથી 22 ટકા ભારતમાં નિવાસ કરે છે.

ગરીબાઈને નાબૂદ કરવાનું તો નહિ પણ હળવી બનાવવાનું ભારતની પંચવર્ષીય યોજનામાં આરંભથી વિચારાતું આવ્યું છે.

અર્થતંત્રમાં બચત-રોકાણ વધે ને ઉત્પાદન વધે ત્યારે આનુષંગિક રીતે રોજગારીની તકોની વૃદ્ધિ થાય જ છે. બીજું, વિકાસની તરાહ એવી અપનાવાઈ છે કે વધુ ને વધુ માણસોને એની પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ થવાની વધુ ને વધુ તક મળે. રોકાણ માટેનાં ક્ષેત્રો પસંદ કરતી વખતે ખેતી, જંગલો, ગ્રામોદ્યોગ, માળખાકીય સવલતો પર ભાર મૂકીને આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તંદુરસ્તી, શિક્ષણ ને અન્ય પાયાની સેવાઓ પાછળ થનાર ખર્ચનું આયોજન કરતી વખતે ગરીબ વર્ગ ને તેમાંય ગ્રામીણ ગરીબ માટે તે લાભકર્તા રહે ને તેમની ઉત્પાદનક્ષમતા વધારે તેનો ખ્યાલ રાખવામાં આવે છે. ત્રીજું, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉત્કર્ષ માટે ખાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. ચોથું, અન્ન માટેની જાહેર વિતરણ-વ્યવસ્થા દ્વારા વાજબી ભાવે અન્ન પૂરું પાડવાનું કામ ગ્રામીણ ગરીબોને અનુલક્ષીને થાય તેવી ગોઠવણ કરવામાં આવે છે ને આવદૃશ્યક ચીજોના ભાવોમાં થતા વધારાની અસરો સામે તેમને રક્ષણ આપવામાં આવે છે. પાંચમું, જમીનધારાની સુધારણા દ્વારા નાના ને સીમાન્ત ખેડૂતોનું ખેડાણઘટક મોટું થાય ને ભૂમિહીનને જમીન મળે એવી મથામણ પણ કરવામાં આવી છે. આ કામ બહુ સંતોષકારક રીતે થયું નથી; વર્તમાન સામાજિક, આર્થિક ને રાજકીય સત્તાનું માળખું એમાં અવરોધરૂપ બન્યું છે.

હવે સંકલિત ગ્રામવિકાસ અભિગમથી પ્રશ્નનો સામનો કરવાની મથામણ ચાલે છે.

છઠ્ઠી યોજનાથી ગ્રામીણ ગરીબાઈ ને બેરોજગારી નિવારવા માટે સઘન પ્રયાસો થયા છે. દેશના એકંદર વિકાસને સ્પર્શતા ક્ષેત્રવાર કાર્યક્રમો ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં (1) સ્વરોજગારલક્ષી, (2) વેતનયુક્ત રોજગારલક્ષી ને (3) ગરીબ પ્રજા વસે છે તે પ્રદેશોને, ખાસ કરીને વરસાદ-આધારિત ખેતીના પ્રદેશોને કેન્દ્રમાં રાખતા કાર્યક્રમ ઉપાડવામાં આવ્યા છે. તે સર્વ સંકલિત ગ્રામવિકાસ માટેના પ્રયત્નના ભાગરૂપ છે. તે સર્વનો ઉદ્દેશ ગ્રામીણ ગરીબાઈ ને બેરોજગારીને ઘટાડવાનો છે. તેમાં અનેક પ્રોગ્રામ, સ્કીમ ને કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અનુભવ અનુસાર જૂની યોજનાઓને ભેગી કરાય છે, નવી યોજનાઓ ઉમેરાય છે. પાયાની વાત છે  ઉદ્દેશ માટેનો સંકલિત પ્રયત્ન.

સરકારના નેતૃત્વને બદલે બજાર પર ભાર મૂકતી 1990-91 પછી અમલમાં આવેલી આર્થિક નીતિમાં પણ ગરીબાઈ-નિવારણ રાજ્યના કર્તવ્ય તરીકે સ્વીકારાયું છે.

તેમાંથી કેટલીક યોજનાઓની વિગતો જોઈએ. સ્વરોજગારલક્ષી યોજનાઓને પહેલી લઈએ.

સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના 1 એપ્રિલ 1999થી અસ્તિત્વમાં આવેલ છે. સંકલિત ગ્રામવિકાસ યોજના, તેના જેવી સ્વરોજગારલક્ષી અન્ય યોજનાઓ, અને દસ લાખ કૂવા અંગેની સ્કીમ – આ સર્વને એકત્રિત કરીને તેની રચના થઈ છે. 1997માં નિમાયેલ આયોજનપંચની સ્વરોજગાર ને વેતનલક્ષી રોજગાર અંગેની યોજનાઓની સમીક્ષા માટેની કમિટીએ આવા એકત્રીકરણની ભલામણ કરી હતી.

આ ગ્રામવિસ્તારમાં ફળની બનાવટ જેવાં નાનાં સ્વરોજગારી આપતાં સાહસો વિકસાવવાની યોજના છે. ગામના ગરીબોને સ્વાશ્રયી જૂથમાં સંગઠિત કરવાના છે; તેમને એકમેકને ટેકો આપતી સંકલિત પ્રવૃત્તિસમૂહ માટે તૈયાર કરવાના છે; માળખાકીય ટેકો, ટૅક્નૉલૉજી, ધિરાણની સગવડો ને ખરીદ-વેચાણના બજાર સાથેની કડીઓ પૂરી પાડવાની છે. જિલ્લા ગ્રામવિકાસ એજન્સી, રાજ્ય સરકારોના ખાતાકીય વિભાગો, બૅંકો, બિનસરકારી સંગઠનો  પંચાયતો આ કાર્યક્રમ માટે સાથે મળીને કામ કરશે એવી અપેક્ષા છે. છૂટીછવાયી પ્રવૃત્તિ નહિ પણ પ્રવૃત્તિના સમૂહને વિકસાવવા પર અહીં ભાર છે. વળી 50 ટકા સ્વાશ્રયી જૂથ સ્ત્રીઓનાં હોય ને લાભનો 50 ટકા હિસ્સો અનુસૂચિત જાતિ ને જનજાતિને મળે એ રીતે આયોજન કરવાનું છે. ક્ષતિગ્રસ્તો માટેની જોગવાઈ પણ તેમાં છે. મુખ્યત્વે કાર્યક્રમ સંસ્થાગત ધિરાણ પર આધારિત છે. આર્થિક સહાય પર તેમાં ભાર નથી. ધિરાણ  આર્થિક સહાયનું પ્રમાણ 3 : 1નું રહેશે. આર્થિક સહાય વ્યક્તિગત પ્રોજેક્ટ પાછળના ખર્ચના 30 ટકા ને વધુમાં વધુ વ્યક્તિગત લાભાર્થી દીઠ રૂ. 7,500 જેટલી રહેશે. પ્રોજેક્ટ અનુસૂચિત જાતિ ને જનજાતિના લાભાર્થીઓને માટેનો હશે તો આર્થિક સહાય પ્રોજેક્ટ પાછળના ખર્ચના 50 ટકા જેટલી ને લાભાર્થીદીઠ વધુમાં વધુ રકમ રૂ. 10,000 જેટલી રહેશે. જો પ્રોજેક્ટ સમૂહને સ્પર્શતો હશે તો આર્થિક સહાય ખર્ચના 50 ટકા ને વધુમાં વધુ રૂ. 1.25 લાખ જેટલી રહેશે. આ યોજના માટેનો ખર્ચ કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારો 75 ટકા : 25 ટકાના  અનુક્રમ પ્રમાણે વહેંચી લેશે.

વહીવટી તંત્ર લાભાર્થીઓનાં જૂથ રચવાની ફાવટ નથી ધરાવતું ને બધે બિનસરકારી સંસ્થાઓ હોતી નથી તેથી કાર્યક્રમને આરંભમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ને લક્ષ્યાંક મુજબ કામ થતું નથી.

હવે વેતનલક્ષી રોજગારી વધારનાર યોજનાઓનો વિચાર પ્રસ્તુત છે.

જવાહર રોજગાર યોજનામાં એપ્રિલ 1989થી નૅશનલ રુરલ ઍમ્પ્લૉયમૅન્ટ પ્રોગ્રામ (એન.આર.ઈ.પી.) તથા નૅશનલ રુરલ લૅંડવેસ્ટ ઍમ્પ્લૉયમૅન્ટ ગેરંટી પ્રોગ્રામ (આર.એલ.ઈ.જી.પી.) ભેળવી દેવામાં આવ્યા છે. આર્થિક માળખાકીય સગવડો તેમજ સામુદાયિક ને સામાજિક અસ્કામતોનાં સર્જન દ્વારા બેકાર ને અર્ધબેકારને ગ્રામવિસ્તારમાં વેતનયુક્ત રોજગારીની તકો ઊભી કરવાનું જવાહર રોજગાર યોજનામાં વિચારાયું છે. 1998-99 સુધીમાં આ યોજના હેઠળ 73,764 લાખ માનવદિનની રોજગારી સર્જવામાં આવી છે. નવમી યોજનામાં કેન્દ્રે ઓછી રકમ આ યોજના માટે ફાળવી ને રોજગારી-સર્જનનો ખર્ચ વધ્યો તેથી રોજગારી-સર્જન ધીમું પડતું ગયું છે. મુખ્યત્વે રસ્તા ને મકાનબાંધકામ પાછળ રકમ વપરાઈ છે. ભૂમિહીન મજૂરોની તેમજ અનુસૂચિત જાતિ/જનજાતિની સંખ્યા લાભાર્થીઓમાં 36 ટકા ને 47 ટકા જેટલી રહી છે. અલબત્ત, કામ શોધનાર બધાંને કામ આપી શકાયું નથી.

જવાહર રોજગાર યોજના 1 એપ્રિલ 1999થી જવાહર ગ્રામસમૃદ્ધિ યોજનામાં નવું રૂપ પામી છે. તેનો મુખ્ય હેતુ ગામડાંમાં આર્થિક માળખાકીય સગવડ વધારવાનો બની રહે છે. રોજગારી-સર્જન હવે ગૌણ સ્થાન પામે છે. વર્ષે સરેરાશ 27 કરોડ માનવદિનની રોજગારી તે સર્જે છે. આ સામે 1993-94માં 103 કરોડ માનવદિનની જવાહર રોજગાર યોજના હેઠળ સર્જાઈ હતી. યોજના હેઠળ દરેક ગ્રામપંચાયતને આવરી લેવાની હોવાથી તેને કેટલીક વાર આ યોજનાની પ્રવૃત્તિ માટે રૂ. 10,000 કરતાં ઓછી રકમ મળી છે. પંચાયત અર્થપૂર્ણ માળખાકીય સગવડ ઊભી કરી શકે તેટલી રકમ મેળવી શકી નથી.

ઍમ્પ્લૉયમૅન્ટ એશ્યૉરન્સ સ્કીમ (ઈ.એ.એસ.) 2 ઑક્ટોબર 1993માં અછત(અનાવૃદૃષ્ટિ)ગ્રસ્ત, રણપ્રદેશના, આદિવાસી ને પર્વતાળ પ્રદેશના 1778 બ્લૉકમાં શરૂ કરાઈ છે ને 1997-98માં તમામ બ્લૉક સુધી તે વિસ્તારાઈ છે. એનો ઉદ્દેશ અસંતોષકારક ખેતીની મોસમ વખતે શ્રમકામદારને કામ પૂરું પાડવાનો છે. લોકો જરૂર અનુભવતા હોય તેવાં આર્થિક-સામાજિક-માળખાકીય ટકાઉ બાંધકામ તેમાં ઉપાડાયાં છે. મંદિર, સ્મારક, માધ્યમિક શાળાનું કે કૉલેજનું મકાન, પંચાયતઘર જેવાં બાંધકામ તેમાં ઉપાડી શકાતાં નથી. કેન્દ્ર 75 ટકા ને રાજ્ય 25 ટકા ભંડોળ પૂરું પાડે છે. જિલ્લા-પંચાયત ને પંચાયત-સમિતિ તેનો વહીવટ કરે છે. દેશવ્યાપી બનાવાઈ હોવાથી સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમ અનેક બ્લૉકમાં વહેંચાઈ જાય છે ને પ્રત્યેક બ્લૉકને અલ્પ રકમ મળે છે. આથી વધુ ગરીબ વિસ્તારોમાંય અલ્પ માનવદિનની રોજગારી તેમાં સર્જાય છે. ઉપાડાયેલાં કામ ઘણી વાર શ્રમપ્રધાન હોતાં નથી. હાજરીપત્રકમાં કરવામાં આવતો ભ્રષ્ટાચાર પણ વ્યાપક છે; છતાં આફતગ્રસ્ત મોસમી પરિસ્થિતિમાં ગામના ગરીબોને ભૂખે મરતાં આ યોજનાએ થોડેઘણે અંશે અટકાવ્યાં છે. જરૂરી માળખાકીય સગવડો તેમાં ઊભી કરવામાં આવી છે. શ્રમની માગ ઊભી કરીને ગામમાં રોજીના દર ટકાવવામાં તે સહાય કરે છે. રોજીના દર આ કાર્યક્રમમાં નીચા રાખવામાં આવ્યા હોવાને કારણે માત્ર ગરીબ કુટુંબોને જ તેના પ્રોજેક્ટમાં કામ કરવાનું આકર્ષણ રહે છે.

ફૂડ ફૉર વર્ક કાર્યક્રમ 2000-2001માં શરૂ કરવામાં આવ્યો હતો. આઠ વિસ્તાર જુદાં જુદાં અનાવૃદૃષ્ટિપીડિત રાજ્યોમાંથી આ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તે ઈ.એ.એસ. સ્કીમના ઘટક રૂપે કામ કરે છે. રોજીનો મુકરર ભાગ આ વિસ્તારોમાં અન્નના રૂપમાં ચૂકવાય છે. કેન્દ્ર આ માટે રાજ્યોને અન્ન વિનામૂલ્યે પૂરું પાડે છે. સંકળાયેલાં રાજ્યો ફાળવવામાં આવેલ અનાજ પૂરેપૂરું ઉપાડતાં નથી એમ જોવા મળ્યું છે.

સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનામાં સપ્ટેમ્બર 2001થી અન્યોન્ય પૂરક રોજગારીસર્જક જવાહર ગ્રામસમૃદ્ધિ યોજના, ઍમ્પ્લૉયમૅન્ટ એશ્યૉરન્સ સ્કીમ અને ફૂડ ફૉર વર્ક પ્રોગ્રામને એકત્ર કરી દેવામાં આવ્યાં છે. ગ્રામવિસ્તારમાં વેતનયુક્ત રોજગારી વધારીને ગ્રામવિસ્તારોમાં આર્થિક માળખાકીય સગવડોની વૃદ્ધિ કરવી, અન્નની બાબતમાં ગરીબ વર્ગને નિશ્ચિત બનાવવો  આ સર્વ તેના ઉદ્દેશ છે. શ્રમપ્રધાન યોજનાકાર્ય તેમાં ઉપાડવામાં આવે છે ને શ્રમિકને રાજ્યે મુકરર કરેલી ન્યૂનતમ રોજી ચૂકવાય છે. શ્રમિકને પાંચ કિલો અનાજ ને બાકીનો ભાગ રોકડ રકમના રૂપમાં રોજ તરીકે ચૂકવાય છે. યોજનાનો ખર્ચ કેન્દ્ર-રાજ્ય 75 : 25ના પ્રમાણમાં વહેંચી લે છે.

આ કાર્યક્રમની સમીક્ષામાં જણાયું છે કે તેને માટેની ફાળવણી ને તેને કારણે સર્જાતી રોજગારી ઘટતાં ગયાં છે. રોજગારી સર્જવાનો ખર્ચ વધ્યો છે તેણે પણ આમાં પોતાનો ભાગ ભજવ્યો છે. આઠમી યોજનામાં જવાહર રોજગાર યોજના ને ઍમ્પ્લૉયમૅન્ટ એશ્યૉરન્સ સ્કીમ હેઠળ 513 કરોડ માનવદિનની રોજગારી સર્જાઈ હતી : નવમી યોજનામાં એમને કારણે 286 કરોડ માનવદિનની રોજગારી સર્જાઈ હતી.

ગ્રામીણ ક્ષેત્રોમાં આવાસો માટે 1985-86થી ઇન્દિરા આવાસ યોજના કામ કરે છે. તેમાં ગરીબાઈની રેખા નીચે જીવતાં કુટુંબોને વિનામૂલ્યે આવાસ બાંધી આપવાનું અને અનુસૂચિત જાતિ ને જનજાતિ અને મુક્ત કરાયેલ વેઠ કરનાર શ્રમિક કુટુંબોને તે લક્ષમાં રાખી કામ કરે છે. 1989માં તેને જવાહર રોજગાર યોજનામાં ભેળવી દેવાય છે. 1996થી એ ગરીબોના આવાસ અંગેની અલગ સ્કીમના રૂપમાં ફરી કાર્યરત બને છે. નવમી યોજનામાં તેમાં તમામ ગ્રામીણ ગરીબોને આવાસ પૂરો પાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આમ છતાં ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત મકાન-બાંધકામ મુકરર કરેલ લક્ષ્યાંક સુધી પહોંચી શક્યાં નથી. 199798 અને 2001-2002 વચ્ચે 109.53 લાખ નવાં ને સુધારવામાં આવેલ જૂનાં મકાનોની આવદૃશ્યકતા રહેશે તેવા અંદાજ સામે ખરેખર બાંધકામ 45 લાખ આવાસોનું થયું હતું. અલબત્ત, આઠમી યોજનાના ગાળામાં બંધાયેલ 26 લાખ મકાનોની સરખામણીમાં આ સંતોષકારક પ્રગતિ ગણાય.

ગરીબાઈની રેખા નીચે જીવતાં ઘણાં કુટુંબોને ગામમાં આ યોજના હેઠળ પાકાં મકાન અપાયાં છે, પણ નાણાકીય સાધનોની મર્યાદાને કારણે સૌ ગરીબોને આ લાભ આપી શકાયો નથી. અહીં પણ મુકરર કસોટીમાં પાર ન ઊતરે એવાં કુટુંબો મકાનો લઈ બેસી ગયાંના દાખલા છે.

ઇંદિરા આવાસ યોજના અંતર્ગત આર્થિક સહાય ને ધિરાણ મકાન માટે ગરીબ ગણવા માટે જરૂરી આવક કરતાં બમણી આવક ધરાવતાં કુટુંબો માટે એક પેટા-યોજના છે પણ તે બહુ લોકપ્રિય બની નથી. મકાન-બાંધકામ માટે તેમાં રૂ. 40,000નું ધિરાણ ને રૂ. 10,000ની સહાય આપવાની જોગવાઈ છે. 1999 ને 2001 વચ્ચે માત્ર 42,000 આવાસ બંધાયા હતા. તે જ રીતે સમગ્ર આવાસ યોજના મકાન, શુદ્ધ પાણી, સ્વચ્છતા ને ગટરવ્યવસ્થા આ સર્વને આવરી લે છે. તેને પણ સંતોષકારક પ્રતિભાવ મળ્યો નથી. સસ્તા, ઓછા ખર્ચાળ, ગ્રામીણ પર્યાવરણને અનુકૂળ, આધુનિક ઢબના આવાસો અંગેની નવીનતાભરી યોજનાનીય એ જ દશા થઈ છે.

હૂડકોએ ગ્રામવિસ્તારમાં આવાસ અંગેના કાર્યક્રમ આરંભ્યા છે. સરકારે આ માટે હૂડકોને અંશત: નાણાં પૂરાં પાડ્યાં છે. કેટલાંક રાજ્યોએ આ સ્કીમનો લાભ લીધો છે. કેન્દ્ર તરફથી ગ્રાન્ટ ને લોનના સંયુક્ત રૂપમાં નાણાં મેળવવાનો માર્ગ રાજ્યોને પસંદ પડ્યો નથી. ગ્રાન્ટ-આધારિત સહાય ધરાવતા પ્રોજેક્ટ તેઓ પસંદ કરે છે.

નૅશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ, નૅશનલ ફૅમિલી બૅનિફિટ સ્કીમ અને નૅશનલ મૅટર્નિટી બૅનિફિટ સ્કીમ – આ ત્રણ યોજના નૅશનલ સ્પેશિયલ એસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ 1995માં આરંભાઈ છે. પ્રથમ યોજનામાં 65 વર્ષ ઉપરનાં ગરીબાઈની રેખા હેઠળ જીવતાં અકિંચન માણસોને દર મહિને રૂ. 65 આપવામાં આવે છે. બીજી યોજના હેઠળ ગરીબાઈની રેખા નીચે જીવતાં કુટુંબને કમાનાર વ્યક્તિના અવસાન પ્રસંગે રૂ. 10,000 આપવામાં આવે છે. ત્રીજી યોજના હેઠળ ગર્ભવતી મહિલાને પોષણયુક્ત આહાર માટે રૂ. 500ની સહાય કરવામાં આવે છે.

અન્નપૂર્ણા સ્કીમ હેઠળ પ્રથમ યોજના હેઠળ પેન્શન મેળવવાપાત્ર વૃદ્ધોમાંથી 20 ટકાને દર મહિને 10 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે.

ગરીબાઈના નિવારણ માટે કેટલાંક જૂથોને અનુલક્ષીને ખાસ સ્કીમ કે યોજના કે પ્રોગ્રામ રચવામાં આવ્યા છે. તે જ રીતે કેટલાક વિસ્તારોને કેન્દ્રમાં રાખીને ખાસ કાર્યક્રમની રચના કરવામાં આવી છે.

ભારત વિશ્વના ભૌગોલિક વિસ્તારનો 2.4 ટકા ભાગ ધરાવે છે પણ તેમાં વિશ્વની 16 ટકા વસ્તી આવેલી છે. તે જ રીતે વિશ્વનાં ઢોરોની 18 ટકા સંખ્યા ભારતમાં છે, પણ તે દુનિયાના ચરિયાણ વિસ્તારનો માત્ર 0.5 ટકા હિસ્સો ધરાવે છે. વળી જનસંખ્યા ને ઢોરોની સંખ્યા વધી રહી છે. આ હકીકતો પરથી જમીન પરના દબાણનો ખ્યાલ આવે છે.

ભારતની ખેતી મહદંશે વરસાદ-આધારિત છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ કાયમ અપૂરતો હોય છે, તો કેટલાક વિસ્તારમાં ક્યારેક અતિવૃદૃષ્ટિ તો ક્યારેક અનાવૃદૃષ્ટિ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં વરસોવરસ થયા કરતી ખેતીની જમીનની પ્રત પર અવળી અસર પડે છે. ઘનિષ્ઠ ખેતીવાળા વિસ્તારોમાં સિંચાઈ, રાસાયણિક ખાતર ને જંતુઘ્ન દવાઓને કારણે પાણીના ભરાવાના ને ખારાશના પ્રશ્નો ઊભા થાય છે.

નદીમાં આવતાં પૂરને કારણે થતું ધોવાણ; પવનને કારણે રણ આસપાસના પ્રદેશોમાં ફેલાતી રેતી; કોતરો, દરિયાના ને ભૂગર્ભ જલસ્તર ઊંચે આવવાને કારણે જમીનમાં ફેલાતી ખારાશ; પાણીનો ભરાવો; આદિવાસી વિસ્તારોની ફરતી કે ઝૂમ ખેતી; નદી કે દરિયા-કિનારાનાં ભાડાં; ગુણવત્તા ગુમાવતી જંગલની જમીનો; સાર્વજનિક માલિકીનાં ગોચર, જંગલ, ખરાબા – આ સર્વ જમીનની ગુણવત્તા ઘટતી જાય છે તેનાં કારણો છે. હલકી પ્રતની જમીનો પર નભતી પ્રજામાં ગરીબાઈની તીવ્રતા ને પ્રમાણ પણ વધુ હોય છે. તેમના પ્રશ્ન હલ કરવા ખાસ કાર્યક્રમો અપનાવાયા છે.

1973-74માં સ્વીકારાયેલ ડ્રાઉટપ્રોન એરિયા પ્રોગ્રામ (ડી.પી.એ.પી.) અનાવૃદૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં જમીન ને ભેજને રક્ષનાર આવો એક કાર્યક્રમ છે. સોળ રાજ્યોના 971 બ્લૉકમાં તે અમલમાં છે. સીમાન્ત ને ગરીબાઈગ્રસ્ત વર્ગોના એકંદર આર્થિક વિકાસને તે કેન્દ્રમાં રાખે છે.

1977-78માં શરૂ કરાયેલ ડૅઝર્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ડી.ડી.પી.) 7 રાજ્યોના 234 બ્લૉકમાં કામ કરે છે. જમીન ને પાણીની જાળવણી, રણને ફેલાતું અટકાવવા માટે આસપાસના પટ્ટાઓમાં વનીકરણ ને પ્રાકૃતિક સમતુલાનું જતન તેની પાછળના મુખ્ય ઉદ્દેશો છે.

1993-94માં આરંભાયેલી ટૅક્નૉલૉજી ડેવલપમેન્ટ ઍક્સ્ટેન્શન સ્કીમ હલકી પ્રતોની જમીનના વિકાસ માટેની ટૅક્નૉલૉજીના નિદર્શનને સ્પર્શે છે.

જંગલની ન ગણાતી ખરાબાની (waste-lands) જમીનના વિકાસના કામમાં નાણાકીય સંસ્થાઓ અને કંપનીઓની ભાગીદારીને પ્રેરવા 1994-95માં ઇન્વેસ્ટમૅન્ટ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી. નવમી યોજનામાં સીમાવર્તી, નાના, આદિવાસી, અનુસૂચિત જાતિના ખેડૂતોની હલકી પ્રતની જમીન સુધારવાના કામ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

1989-90માં સરકારી ખરાબાની જમીન અને સાર્વજનિક માલિકી હેઠળની આવી જમીનને વિકસાવવા માટે ઇન્ટિગ્રેટેડ વેસ્ટલૅન્ડ ડેવલપમૅન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. અલ્પ સાધન ધરાવનાર ગરીબ વસ્તીના વિકાસનો હેતુ તેની પાછળ છે.

નૅશનલ વૉટરશેડ ડેવલપમૅન્ટ પ્રોજેક્ટ ફૉર રેઇનફેડ એરિયાઝ (એન. ડબ્લ્યૂ. ડી. પી. આર. એ.) 1990-91માં શરૂ કરવામાં આવ્યો હતો ને તેનો હેતુ વરસાદ પર નિર્ભર વિસ્તારોમાં ખેત-ઉત્પાદન વધારવાનું ને પ્રાકૃતિક સમતુલાને ફરી સ્થાપવાનું છે. હરિત ક્રાંતિના વિસ્તારોમાં કૃષિ-ઉત્પાદનની વૃદ્ધિનો દર મંદ પડ્યો ત્યારે અન્ન અંગેની નિશ્ર્ચિંતતા માટે વરસાદ પર નિર્ભર ખેતીના વિસ્તારો તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો આ પ્રયત્ન છે.

આ માટે 2001-02માં નૅશનલ બૅંક ફૉર એગ્રિકલ્ચર ઍન્ડ રુરલ ડેવલપમૅન્ટ(નાબાર્ડ)માં વૉટરશેડ ડેવલપમૅન્ટ ફંડ (રૂ. 200 કરોડ) રચવામાં આવ્યું છે. વરસાદ-આધારિત વિસ્તારોમાં તેમાંથી કૃષિવિકાસ થશે. 14 રાજ્યોના 100 અગ્રિમતા ધરાવતા જિલ્લાઓમાં ભાગીદારીના ધોરણે સંકલિત વૉટરશેડ વિકાસ એમાંથી થશે.

પાંચમી પંચવર્ષીય યોજનામાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે આરંભાયેલા ફરતી ખેતીની સુધારણાના કાર્યક્રમને 1994-95માં ઈશાનનાં રાજ્યો માટે સજીવન કરી તેને વૉટરશેડ ડેવલપમૅન્ટ પ્રોગ્રામ ઇન શિફ્ટિંગ કલ્ટિવેશન એરિયાઝ નામે ફરી અમલી બનાવવામાં આવે છે. ફરતી ખેતીનું નિયંત્રણ કરવાનો ને તેમાં સંકળાયેલાં કુટુંબોને કાયમી ધોરણે વસાવવાનો તેમાં પ્રયત્ન કરવામાં આવે છે.

ઈશાની રાજ્યોમાં ઇન્ટિગ્રેટેડ ડેવલપમૅન્ટ પ્રોગ્રામ હેઠળ ફળદ્રૂપતા ગુમાવી ચૂકેલી જમીનનો વિકાસ કરવા માટે અનેક પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે છે ને નાણાં છૂટાં કરાય છે.

રિવર વૅલી પ્રોજેક્ટ ને ફ્લડપ્રોન રિવર્સ હેઠળ વીસ રાજ્યોનાં નદીઓનાં 45 આવરાક્ષેત્ર (catchment areas) આવરી લેવાયાં છે.

ખારાશયુક્ત જમીનને લગતી યોજનાને નવમી યોજનામાં બધાં રાજ્યોમાં વિસ્તારાય છે. જમીનને અનુકૂળ પાક લેવા તેમાં ખેડૂતને પ્રોત્સાહન આપવામાં આવે છે. બાગાયત ખેતી અપનાવવા, બળતણ-યોગ્ય લાકડાનાં પ્લાન્ટેશન ખીલવવા અને અનુકૂળ હોય તે પ્રકારનો ઘાસચારો ઉગાડવા ખેડૂતોને પ્રોત્સાહન અપાય છે.

કેટલાક ખાસ વિસ્તારો માટે રાજ્ય સરકારના પ્રયત્નોની પૂર્તિ યોજના પંચ ને કેન્દ્ર સરકાર ખાસ તેમને માટેના કાર્યક્રમ દ્વારા કરે છે.

ઈશાન ખૂણે આવેલાં સાત રાજ્યો આ પ્રકારના ખાસ વિસ્તાર છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ ને ત્રિપુરા – આ સર્વનો ખાસ વિસ્તારમાં સમાવેશ થાય છે. દેશના ભૌગોલિક વિસ્તારના 7.7 ટકાને તે આવરે છે : દેશની 4 ટકા વસ્તી અહીં રહે છે. આસામને બાદ કરીએ તો દરેક રાજ્યમાં 60 ટકા વસ્તી આદિવાસીની છે. ભૌગોલિક સ્થાન, વાહનવ્યવહારની મુશ્કેલી, કુદરતી આપત્તિ વગેરેને કારણે દેશના બાકીના ભાગ કરતાં અહીં આર્થિક વિકાસ ધીમી ગતિએ થયો છે. ત્રિપુરા આ દૃષ્ટિએ અપવાદરૂપ રાજ્ય છે.

આઠમી ને નવમી પંચવર્ષીય યોજનામાં માળખાકીય ઊણપો દૂર કરવાનો, ન્યૂનતમ પાયાની સેવાઓ આપવાનો ને ખાનગી રોકાણ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન થયો હતો.

સરકારે 2001માં કેન્દ્રીય સ્તરે ઈશાન વિસ્તારના વિકાસ માટે ખાસ અલગ ડિપાર્ટમેન્ટ રચ્યું છે. આ રાજ્યોની યોજનાઓમાં કેન્દ્ર સરકાર ઉદારતાથી સહાય પૂરી પાડે છે. 1972માં રચાયેલ નૉર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ પ્રાદેશિક આયોજનનું ને ઝોનલ કાઉન્સિલ તરીકેનું કાર્ય કરે છે. દસમી યોજનામાં આ નૉર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ માટે રૂ. 3,500 કરોડની રકમ નિર્ધારિત થઈ છે. આ વિસ્તારના વિકાસ માટે નવું રચાયેલું ખાતું (કેન્દ્રીય ડિપાર્ટમેન્ટ) રાજ્યો ને કેન્દ્રના વિકાસ માટેના પ્રયત્નોનું સંકલન કરશે. તે યોજનાઓના અમલીકરણને સુધારશે; કેન્દ્ર, રાજ્ય સરકારને નાણાકીય સંસ્થાઓ તરફથી મહત્ત્વનાં વિકાસકામો માટે નાણાં મળી રહે તે જોશે; યુવાનોને યોજનાની રોજગારીની તકનો લાભ લઈ શકે તે માટે તાલીમ આપશે, પ્રોજેક્ટ-રચનાના કામ માટે સરકારી કર્મચારીઓને તૈયાર કરશે ને વિકાસકાર્યમાં પ્રજા ભાગીદાર બને તે જોશે.

રાજ્યમાં આવેલ પ્રદેશોમાં આયોજન ને વિકાસની જવાબદારી રાજ્ય સરકારની છે; પરંતુ ખાસ વિસ્તારો માટે ખાસ કેન્દ્રીય સહાયની ભારત સરકાર જોગવાઈ કરે છે. હિલ એરિયા ડેવલપમૅન્ટ પ્રોગ્રામ ને વેસ્ટર્ન ઘાટ ડેવલપમૅન્ટ પ્રોગ્રામ (પર્વતાળ પ્રદેશો) અને બોર્ડર એરિયા ડેવલપમૅન્ટ પ્રોગ્રામ (સરહદી વિસ્તારો) આનાં દૃષ્ટાંત છે. ઓરિસાના દક્ષિણે ને પશ્ચિમે આવેલ ગરીબાઈગ્રસ્ત આઠ જિલ્લા માટેય કેન્દ્રીય સહાય આપવામાં આવી છે.

ગુજરાતમાં 2001ની વસ્તીગણતરી અનુસાર 62.33 ટકા વસ્તી ગામડાંમાં રહે છે. ગ્રામવિસ્તારમાં 23.69 લાખ કુટુંબ ગરીબાઈની રેખા નીચે જીવી રહ્યાં છે. તેમનાં ઉત્થાન માટે સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના, સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના, ઇંદિરા આવાસ યોજના, વિવિધ પ્રદેશકેન્દ્રી વિકાસયોજનાઓ જેવી કેન્દ્ર સરકાર પ્રેરિત યોજનાઓને રાજ્ય સરકાર કાર્યાન્વિત કરી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે પોતાનાં સાધનોમાંથી સોળ પાયાની સગવડો (રસ્તા, પીવાનું પાણી, શાળાના ઓરડા, આંગણવાડી, બાલવાડી, તળાવ, જાજરૂ જેવી) ધરાવતા ગામ સર્જવાની ગોકુળ ગ્રામ યોજનાનું આયોજન પણ કર્યું છે. 2002-2007ની દસમી યોજનામાં રાજ્ય સરકાર ગ્રામવિકાસની ખાસ યોજનાઓ પાછળ એકંદરે રૂ. 13.25 અબજ ખર્ચવાની છે અને ગ્રામવિકાસ પાછળનો સમગ્ર આયોજિત ખર્ચ છે રૂ. 16.00 અબજ. માર્ચ 2003 સુધીમાં 11,690 ગામોને ગોકુલ ગ્રામ જાહેર કરવામાં આવ્યાં છે.

આ સર્વ પ્રદેશવિકાસને લગતા પ્રોજેક્ટમાં કેટલીક ઊણપો જણાઈ છે. લોકભાગીદારી તેમાં ખાસ નજરે પડતી નથી. આ માટે કઈ રીતે પ્રયત્ન કરવો તેની સ્થળ પરના તંત્રને સૂઝ નથી. ભંડોળોની પ્રાપ્તિ અંગેય અનિશ્ચિતતા પ્રવર્તતી હોય છે. પૂરતી તૈયારી માટે સમય મળતો નથી. પ્રયત્ન માટે જૂથરચના પર ભાર મુકાતો નથી. પ્રદેશ ને ગામની પસંદગીનાં પારદર્શક ધોરણ હોતાં નથી. ઉપરના અમલદારી તંત્રની સામેલગીરી ઓછી હોય છે. જિલ્લા કક્ષાએ અનેક પ્રોજેક્ટનો અમલ કરનાર વચ્ચે સંકલન ઓછું જોવા મળે છે. વિવિધ નામધારી અનેક યોજનાઓ, સ્કીમ, કાર્યક્રમમાં અલગ અલગ માર્ગદર્શક નીતિનિયમો હોય છે ને ખર્ચનાં ધોરણોમાંય વિવિધતા જોવા મળે છે.

વરસાદ-આધારિત ખેતી ધરાવતા વિસ્તારોના વિકાસ માટે 1997માં આયોજન પંચે એક કમિટી નીમી હતી તેને 25 વર્ષ માટેની યોજના તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. તેણે લોકભાગીદારી વધારવાનું, યોગ્ય ટૅક્નૉલૉજીના ઉપયોગનું ને સંકલિત રીતે પ્રયત્ન થાય તે જોવાનું સૂચવ્યું છે. ખરાબાની જમીન, ફળદ્રૂપતાનો હ્રાસ અનુભવતી જમીન ને વરસાદ-આધારિત ખેતી હેઠળની જમીનમાં જમીન અનુસાર અન્નઉત્પાદન, બાગાયત, વનીકરણ (સામાજિક ને ખેતીસંલગ્ન વનીકરણ) અપનાવી આવક ને રોજગારી વધારવામાં આવનાર છે. વૉટરશેડ પ્લસના નવા દર્શન સાથે કાર્યક્રમને ક્રમશ: અમલી બનાવાશે.

ગ્રામીણ વિકાસ પાછળ કેન્દ્ર, રાજ્યો ને કેન્દ્રશાસિત પ્રદેશોએ છઠ્ઠી યોજના પાછળના કુલ ખર્ચના 6.4 ટકા રકમ ખર્ચી હતી. આ પ્રમાણ સાતમી યોજનામાં 7.00 ટકા, આઠમી યોજનામાં 7.9 ટકા, ને નવમી યોજનામાં 8.7 ટકા રહ્યું છે. દસમી યોજનામાં 8 ટકા નાણાં આ રીતે વપરાશે.

ગરીબાઈ, સવિશેષ તો ગ્રામીણ ગરીબાઈને હળવી કરવાના પ્રયત્નોને સફળતા મર્યાદિત પ્રમાણમાં મળી રહે છે ખરી. 1993-94માં ગરીબાઈની રેખા નીચે ગ્રામવિસ્તારોમાં 37.27 ટકા વસ્તી હતી : 1999-2000માં આ પ્રમાણ 27.09 ટકા થઈ ગયું છે. ગ્રામીણ ગરીબોની સંખ્યા 1973-74થી જોઈએ તો પ્રથમ વાર 20 કરોડથી નીચે ગઈ છે. નવમી પંચવર્ષીય યોજનાનું લક્ષ્યાંક 2001 સુધીમાં ગરીબાઈની રેખા નીચે માત્ર 18.61 ટકા વસ્તી રહે તે જોવાનું હતું. લક્ષ્યાંક કરતાં સિદ્ધિ ઓછી છે છતાં પ્રયત્ન ઠીક ઠીક સફળ થયો ગણાય.

બદરીપ્રસાદ ભટ્ટ