સંકરાર્બુદ (Hybridoma) : બે જુદા જુદા પ્રકારના કોષોને એકસાથે ઉછેરી એકબીજાના ગુણો ઉમેરવા તે. શાસ્ત્રીય રીતે સંકરાર્બુદ અર્થાત્ બે જુદા જુદા કોષોનું સંકરણ. સંકરાર્બુદ કોષોને એક જ પટલમાં સંકરણ પદ્ધતિથી બનાવવામાં આવે છે અને તે દ્વારા ઇચ્છિત એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય (monoclonal antibody) બનાવી શકાય છે. સંકરની પ્રક્રિયામાં બે જુદા પ્રકારના કોષોને એકસાથે ઉછેરીને તેમાં એક કે બીજાના ગુણ કે ક્રિયાઓ ઉમેરાય છે. આવા કોષને સંકર (hybrid) કહે છે.

એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય (antibody) બનાવવા માટે ચોક્કસ પ્રતિજન(antigen)ને ઇંજેક્શન દ્વારા ઉંદરમાં દાખલ કરવામાં આવે છે. પ્રતિજનના દાખલ થવાથી તેના પ્રતિકાર રૂપે પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પ્રતિદ્રવ્ય બનાવતા B લસિકા કોષોને ઉંદરની બરોળમાંથી અલગ કરી તેનું સંકરણ દીર્ઘજીવી (long-lived) માનવ B લસિકાના કૅન્સર-કોષો સાથે કરી, અમર્યાદિત સમય માટે સંવર્ધનમાં વિકસાવવામાં આવે છે. આ કોષોનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય મેળવવા માટે બે રીતનો ઉપયોગ થાય છે. તેનું ઉત્પાદન જીવંત પ્રાણીઓમાં અથવા કોષસંવર્ધન દ્વારા કરવામાં આવે છે. પ્રથમ રીતમાં સંકરાર્બુદ કોષોનું પ્રત્યારોપણ ઉંદરના પેટના પોલાણ(પરિતનગુહા)માં કરવામાં આવે છે. તેથી તેને કૅન્સરની સાથે સાથે જળોદર (ascites) થાય છે. પેટમાં ભરાતા પ્રવાહીમાં પ્રતિદ્રવ્યો પણ હોય છે. તે પ્રવાહીમાંથી એકકોષગોત્રી પ્રતિદ્રવ્યનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. દ્વિતીય રીતમાં સંકરાર્બુદ કોષોનો સંવર્ધનમાં વિકાસ કરી તેમાંથી એકકોષગોત્રી પ્રતિદ્રવ્યનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. કોષસંવર્ધનથી થતા ઉત્પાદનને અગ્રિમતા આપવામાં આવે છે, કારણ કે જળોદર પદ્ધતિ ખૂબ જ પીડાકારક છે. હાલમાં એકકોષગોત્રી પ્રતિદ્રવ્યના ઉત્પાદન માટે આથવણ-પ્રક્રિયા માટેના ખંડોનો (Fermenter Chambers) વપરાશ મોટા પાયે થાય છે. આ પ્રક્રિયા માટે મજ્જાર્બુદ કોષરેખા(myeloma cell line)નો વપરાશ થાય છે. તે કોષોએ પોતાના પ્રતિદ્રવ્ય અથવા પ્રતિજનની હારમાળા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ગુમાવી દીધું હોય છે. તેથી મજ્જાર્બુદ કોષરેખા ઇચ્છિત એકકોષગોત્રી પ્રતિદ્રવ્યના ઉત્પાદનને પ્રદૂષિત કરતા નથી.

એકકોષગોત્રી પ્રતિદ્રવ્યના ઉત્પાદનની પ્રક્રિયાની શોધ સન 1975માં Georges Kohler અને Cesar Milsteinએ કરી. તેઓની આ શોધ માટે સન 1984માં તેઓને તબીબી વિજ્ઞાન/શરીરવિજ્ઞાન વિષય માટે ભાગીદારીમાં નોબેલ પારિતોષિક તબીબી એનાયત થયું હતું. આ પાછળ તેમનો મુખ્ય વિચાર મજ્જાર્બુદ કોષરેખાના વપરાશનો હતો. સન 1988માં Greg Winter અને સહકાર્યકરોએ માનવસંગામી (humanised) એકકોષગોત્રી પ્રતિદ્રવ્યનું ઉત્પાદન કરતી પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિમાં તેમણે એકકોષગોત્રી પ્રતિદ્રવ્યમાંથી ઉંદરનું જનીનદ્રવ્ય દૂર કર્યું અને વિરૂપી (variant) એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય બનાવ્યું. માનવ-વપરાશમાં ઉંદરના પ્રોટીનથી થતી આડઅસરોને નિવારી શકાઈ હતી. આ પ્રક્રિયાને માનવસંગામી-કરણ (humanisation) કહે છે.

સંકરાર્બુદ પદ્ધતિ દ્વારા કોઈ પણ પદાર્થ માટે ઇચ્છિત એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય મોટા જથ્થામાં બનાવી શકાય છે. તેના પ્રતિજન સાથેના બંધનની ચકાસણી એલિઝા (Eliza) અને Immunodot-blot  એમ બે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ પદાર્થની હાજરી તથા જથ્થો માપવા માટે એકકોષગોત્રી પ્રતિદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. તે માપવા માટે Western Blot પદ્ધતિ (કોષપટલ-સ્થિત પ્રોટીનની શોધ માટે), Immunofluorescence પદ્ધતિ (કોષમાંના પદાર્થની શોધ માટે) તથા Immunohisto-chemisty (પ્રતિરક્ષાલક્ષી પેશી-રાસાયણિક) પદ્ધતિ ઉપયોગી છે. એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય કોઈ પણ પદાર્થને શુદ્ધ કરવા માટે વપરાય છે. તે પદ્ધતિને પ્રતિરક્ષાલક્ષી અવક્ષેપન (Immunoprecipitation) તથા અભિરાગી વર્ણાલેખન (Affinity Chromatography) કહે છે.

એકકોષગોત્રી પ્રતિદ્રવ્યના ઘણા ઉપયોગો છે; જેવા કે, રોગનું નિદાન, સારવાર અને રોગના પ્રસારનો અટકાવ. તેનો ઉપયોગ લોહીના કૅન્સરનો પ્રકાર જાણવા માટે, કૅન્સરનો પ્રસાર અટકાવવા માટે તથા તેની સારવાર માટે થાય છે, તદુપરાંત તેના વડે સંરચિત જનીનજન્ય (genetically engineered) પ્રોટીન બનાવી તેનો ઉપયોગ રોગપ્રતિકારક રસી (vaccine) બનાવવા માટે થાય છે. AIDSના રોગમાં B લસિકાકોષો તથા helper T કોષોની સંખ્યા ગણવા માટે તે ઉપયોગી છે. એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય-ઉત્સેચક (enzyme) તરીકેનું કાર્ય પણ તે કરે છે. તે પ્રતિજન સાથે બંધન કરી તેના ભાગ કરે છે. તેનો ઉપયોગ લોહીના ગઠ્ઠાને ઓગાળવા તથા કૅન્સરના કોષોને નાબૂદ કરવા માટે લાભકારક છે.

ઘણા વૈજ્ઞાનિકોએ બે સંકરાર્બુદ કોષોનું સંકરણ કરી સંકર-સંકરાર્બુદ બનાવ્યા છે. આ કોષો દ્વિવૈશિદૃષ્ટિક (bispecific) પ્રતિદ્રવ્યનો સ્રાવ કરે છે. તેનો એક ભાગ પદાર્થ સાથે અને બીજો લક્ષ્યકોષ (target cell) સાથે જોડાય છે અને આ રીતે તેમનો નાશ કરીને રોગને અટકાવે છે.

હેમાંગિની હસિત વોરા