ષડ્ભાષાચંદ્રિકા (16મી સદી) : છ પ્રાકૃત ભાષાઓ વિશેનો વ્યાકરણગ્રંથ. લક્ષ્મીધર ‘ષડ્ભાષાચંદ્રિકા’ના લેખક છે. તેમનો સમય 16મી સદીનો હોવાનું અનુમાન છે. એ રીતે લક્ષ્મીધર ટીકાકાર મલ્લિનાથના સમકાલિક હતા. એનું કારણ એ છે કે રાજા ચિન્નબોમ્મે પ્રાકૃત વૈયાકરણો હેમચંદ્ર અને અપ્પય્ય દીક્ષિત સાથે લક્ષ્મીધરનો પણ ઉલ્લેખ કર્યો છે. લક્ષ્મીધરે પ્રસ્તુત ગ્રંથના ઉપોદ્ઘાતમાં લખ્યું છે કે પોતે ચરકૂરિ વંશના હતા તથા આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના તટે રહેતા હતા. વળી તેઓ કાદૃશ્યપ ગોત્રના ઋગ્વેદી બ્રાહ્મણ અને શિવભક્ત હતા. તેમના પૂર્વજ તિમ્મય સોમયાજી અષ્ટભાષામાં વિશારદ હતા. લક્ષ્મીધરના પિતા યજ્ઞેશ્વર શ્રેષ્ઠ કવિ અને પંડિત હતા, જ્યારે માતાનું નામ સર્વાંબિકા હતું. તેમના મોટા ભાઈ કૌંડભટ્ટ મહાન દાર્શનિક અને પંડિત હતા. લક્ષ્મીધરનું ‘લક્ષ્મણસૂરિ’ એવું નામ એક હસ્તપ્રતમાં લખાયેલું છે. લક્ષ્મીધરની કૃતિઓમાં ‘ષડ્ભાષાચંદ્રિકા’ ઉપરાંત જયદેવના ‘ગીતગોવિંદ’ પર ‘શ્રુતિરંજની-અષ્ટપદીવ્યાખ્યા’, જયદેવના ‘પ્રસન્નરાઘવ નાટક’ અને મુરારિના ‘અનર્ઘરાઘવ નાટક’ પર ટીકાઓ અને ‘સ્વરમંજરી’ નામની રચનાઓનો સમાવેશ થાય છે.
‘ષડ્ભાષાચંદ્રિકા’માં તેમણે વિષ્ણુ અને લક્ષ્મીની સ્તુતિ કરી છે. એ પછી પોતે પ્રાકૃત ભાષાના વ્યાકરણના વાલ્મીકિએ લખેલાં સૂત્રો પર વૃત્તિ લખવાની વાત કરી છે. આ વાલ્મીકિ તે મૂળ વાલ્મીકિ નહિ, પરંતુ ‘વાલ્મીકિ’-નામધારી પાછળનો કોઈ લેખક છે એમ રાવબહાદુર કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી માને છે. ભામહ, હેમચંદ્ર અને ત્રિવિક્રમનાં પ્રાકૃત વ્યાકરણોને આધારે આ ગ્રંથ રચવાની વાત પણ તેમણે કરી છે.
પ્રસ્તુત ગ્રંથના ઉપોદ્ઘાતમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની વાત કરીને પ્રથમ પ્રાકૃત ભાષાનો વિભાગ આપ્યો છે. તેમાં પ્રથમ સંજ્ઞાઓનો ખ્યાલ આપી તે પછી પ્રાકૃત ભાષાની વર્ણમાલા, સંધિ, નામ અને સર્વનામ વગેરેનાં રૂપો, અવ્યય, તદ્ધિત, કારક, નિપાત, કાળ, પ્રક્રિયાઓ, ધાત્વાદેશો વગેરેની વાત કરી છે. તે પછી શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશના વિશેષ નિયમો જુદાં જુદાં પ્રકરણોમાં આપ્યાં છે. આમ છ પ્રાકૃત ભાષાઓના વ્યાકરણના નિયમો તેમણે આ ગ્રંથમાં આપ્યા હોવાથી તેનું શીર્ષક ‘ષડ્ભાષાચંદ્રિકા’ યોગ્ય રીતે આપ્યું છે. પ્રથમ પ્રાકૃત ભાષાનું વ્યાકરણ વિસ્તારથી રજૂ કરી બાકીની પાંચ પ્રાકૃત ભાષાઓના ફક્ત અલગ પડતા નિયમો જ તેમણે આપ્યા છે.
‘ષડ્ભાષાચંદ્રિકા’ ગ્રંથમાં વાલ્મીકિનાં લગભગ તમામ સૂત્રોને પ્રક્રિયા પ્રમાણે ગોઠવ્યાં છે. ત્રિવિક્રમની જેમ થોડાંક જ સૂત્રો નથી આપ્યાં. આચાર્ય હેમચંદ્રને અનુસરવા છતાં હેમચંદ્રથી જુદા પડીને આચાર્ય પાણિનિની જેમ સંજ્ઞાઓ બનાવી હોવાથી હેમચંદ્ર કરતાં ટૂંકાં અને સારાં સૂત્રો આપણને જોવા મળે છે. હેમચંદ્રે અપભ્રંશના ઉદાહરણશ્લોકો આપ્યા છે તેવા ઉદાહરણશ્લોકો નથી આપ્યા. હેમચંદ્રે ક્યાંય દેદૃશ્ય શબ્દો નથી આપ્યા જે લક્ષ્મીધરે આપ્યા છે. આ રીતે હેમચંદ્ર કરતાં વધુ સારો વ્યાકરણગ્રંથ લક્ષ્મીધરે રચ્યો છે. લક્ષ્મીધરનો પ્રતિપાદ્ય પ્રાકૃત ભાષાઓનો કવિ છે.
આ ‘ષડ્ભાષાચંદ્રિકા’ ગ્રંથ 1916માં રાવબહાદુર કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીએ બૉમ્બે સંસ્કૃત પ્રાકૃત સિરીઝમાં સંપાદિત કર્યો છે. ચેન્નાઈ અને મૈસૂરની હસ્તપ્રતોના આધારે તેમનું સંપાદન ઉપયોગી પરિશિષ્ટો સાથે થયું છે.
પ્ર. ઉ. શાસ્ત્રી