શ્વેત રવ (white noise) : શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓના સંપૂર્ણ પરાસને એકસાથે સાંભળતાં અનુભવાતી અસર.
શ્વેત રવ શ્વેતપ્રકાશને અનુરૂપ છે. શ્વેતપ્રકાશ દૃશ્યપ્રકાશની આવૃત્તિઓના સંપૂર્ણ પરાસનું દૃષ્ટિસંવેદન છે.
શ્વેત રવ અનાવર્તી ધ્વનિ છે એટલે કે તેની તરંગભાત અસમાન હોય છે. તેની ઘટક આવૃત્તિઓ યાદૃચ્છિક કંપવિસ્તારની હોય છે અને યાદૃચ્છિક અંતરાલે મળે છે. શ્વેત રવ 100 % યાદૃચ્છિક શ્રાવ્ય માહિતી છે, જે સંપૂર્ણ શ્રાવ્ય ધ્વનિ વર્ણપટને આવરી લે છે. તે પવનના સુસવાટ કે મહાસાગરના તરંગભંગ જેવો સંભળાય છે; પરંતુ તે સતત અને પુનરાવર્તિત હોય છે. તે એવો ધ્વનિ છે, જેમાં શ્રાવ્યધ્વનિ વર્ણપટના એક છેડાથી બીજા છેડા સુધી એકસરખી ઊર્જાવાળી માનવીને શ્રાવ્ય એવી તમામ આવૃત્તિઓ (20થી 20 કિલોહટર્ઝ) હોય છે. એકસાથે 20,000 સ્વરો બજતા હોય ત્યારે સંભળાતા ધ્વનિ સાથે તેને સરખાવી શકાય.
શ્વેત રવનો આવૃત્તિ-વર્ણપટ વિસ્તૃત હોય છે. શ્વેત રવના વિવિધ ઉદ્ગમો હોય છે. તે પૈકી સામાન્ય ઉષ્મીય રવ અને યાદૃચ્છિક રવ છે. ઉષ્મીય રવનું કારણ કોઈ પદાર્થમાં અથવા કોઈ પદાર્થ અને તેની આસપાસના વચ્ચે ઉષ્માગતિકીય ઊર્જાનું આદાનપ્રદાન છે. યાદૃચ્છિક રવ(random noise)નું કારણ કોઈ પણ ક્ષણિક વિક્ષોભ છે. સંચારનાં સાધનોમાં શ્વેત રવ ધ્વનિવર્ધક ઉપકરણ(loud speaker)માં સુસવાટ અને ટેલિવિઝન પડદે ‘સ્નો’ આપે છે.
શ્વેત રવનો ઉપયોગ આસપાસના પરિવેશી ધ્વનિના વિક્ષેપને ઢાંકવા માટે થાય છે. તેનો ઉપયોગ અનિદ્રાને અટકાવવા, પીડા ઘટાડવા અને સભાનતા વધારવા તેમજ અન્ય કેટલાક કુદરતી ઉપચાર માટે થાય છે.
લાખો લોકો કર્ણરવ(tinnitus)થી પીડાતા હોય છે. તેઓને આખો વખત કાનમાં ઘંટડી સંભળાયા કરવી, ઝણઝણાટ સંભળાયા કરવો, મોટા અવાજો સંભળાવા, તમરાં બોલવાં અથવા સુસવાટા જેવો ધ્વનિ સંભળાવો જેવા અનુભવો થતા હોય છે. તેથી કેટલાકને બહેરાશ પણ આવી જાય છે તો કેટલાકને શિરદર્દ પણ થાય છે. શ્વેત રવ ઘંટડી જેવા ધ્વનિને ઢાંકવામાં અસરકારક સાબિત થયેલ છે. તેના થકી કર્ણરવના દર્દીઓ નિદ્રા લઈ શકે છે અને પોતાનાં કામ કરી શકે છે.
કોઈ શંકિત વ્યક્તિ પર ઇલેક્ટ્રૉનિક દેખરેખ રાખવામાં આવી હોય તો તેને નાકામ કરવા શ્વેત રવ વપરાય છે. તેવી રીતે શ્રાવ્ય ધ્વન્યાલેખનમાંની નાજુક વાતચીતને ઢાંકવા માટે શ્વેત રવનો ઉપયોગ થાય છે.
વિહારી છાયા