શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt) [જ. 20 જૂન 1887, હેનોવર, જર્મની; અ. 8 જાન્યુઆરી 1948, લિટલ લૅન્ગ્ડેલ (Langdale), વૅસ્મૉલૅન્ડ, બ્રિટન] : જર્મન દાદા ચિત્રકાર અને કવિ.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરંપરાગત સૌંદર્યશાસ્ત્રનાં સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત સમગ્ર પશ્ચિમની કલાનો નાશ કરવાની નેમ ધરાવતી નકારાત્મક ચળવળ દાદા પ્રત્યે શ્વિટર્સ આકર્ષાયા; પરંતુ દાદા ચળવળના બર્લિન ખાતેના કલાકારોએ તેમનો અસ્વીકાર કરતાં તેમણે હેનોવરમાં એકલાં એકલાં જ કૉલાજ-પદ્ધતિએ ચિત્રો ચીતરવા માંડ્યાં. આ માટે તેઓ ચિત્રફલક ઉપર સિગારેટ, તેનાં ખોખાં, માચિસ, તેનાં ખોખાં, બસની અને નાટકની ટિકિટો, ટપાલટિકિટો, દોરીઓ, છાપાંના ટુકડા આદિ ચોંટાડાતા. તે જ રીતે જાહેરાતોનાં સૂત્રો અને છાપાંનાં મથાળાંઓને જોડી દઈ તેઓ કાવ્યો રચતા. પોતાનાં આ ચિત્રો અને કાવ્યોને તેમણે ‘મર્ઝ’ (merz) એવું નામ આપેલું. જર્મન ભાષાના શબ્દ કૉમર્ઝ(kommerz)માંથી ટૂંકાવેલા આ શબ્દનો અર્થ છે ‘ધંધો’. આ રીતે આધુનિક અતિવ્યવસાયીકરણ પર તેમણે હુમલો કર્યો.
1920થી શ્વિટર્સે આધુનિક ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત રોજબરોજના ઉપયોગની વસ્તુઓથી પોતાના ઘરના પ્રાંગણમાં ‘મર્ઝ-બૉ’ (merzbau મર્ઝમકાન) નામે કેથીડ્રલ બાંધવું શરૂ કરેલું. સોળ વરસ સુધી લગાતાર ચાલેલ તેનું બાંધકામ દુર્ભાગ્યે, બીજા વિશ્વયુદ્ધમાં નષ્ટ થઈ ગયું.
1937માં નાત્ઝી જર્મન સરકારે તેમને ‘સડેલો’ જાહેર કરેલો. તેથી તે નૉર્વે ચાલ્યા ગયા, જ્યાં તેમણે ફરીથી બીજું ‘મર્ઝ-બૉ’ કેથીડ્રલ બાંધવું શરૂ કર્યું; પરંતુ કમનસીબે આ બીજું કેથીડ્રલ પણ 1951માં અગ્નિમાં બળીને ખાખ થઈ ગયું !
1940માં જર્મનીએ નૉર્વે કબજે કરતાં શ્વિટર્સ નૉર્વે છોડીને બ્રિટન ભાગ્યા. ત્યાં ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટની નાણાકીય મદદ વડે તેમણે ત્રીજું ‘મર્ઝ-બૉ’ કેથીડ્રલ બાંધવું શરૂ કર્યું તો ખરું, પરંતુ તેને પૂરું કર્યા વિના જ તેઓ અવસાન પામ્યા. બ્રિટનમાં ન્યૂકૅસલ અપૉન ટાઇન ખાતે યુનિવર્સિટી ઑવ્ ન્યૂકૅસલમાં આ અપૂર્ણ ત્રીજું ‘મર્ઝ-બૉ’ કેથીડ્રલ સચવાયું છે.
અમિતાભ મડિયા