શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ)

January, 2006

શ્વાસરોગ (આયુર્વેદ દૃષ્ટિએ) : દમ રોગ. આ રોગને પ્રાણાંતક રોગ કહેવામાં આવે છે. શ્વાસરોગ પ્રાણવહ સ્રોતની દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. ચરક કહે છે કે, પ્રાણનું હરણ કરનારા અનેક રોગો છે. પણ શ્વાસ અને હેડકી જે રીતે તાત્કાલિક પ્રાણનાશ કરે છે તે રીતે કોઈ રોગ કરતો નથી.

શ્વાસરોગ પાંચ પ્રકારના છે : (1) મહા શ્વાસ, (2) ઊર્ધ્વ શ્વાસ, (3) છિન્ન શ્વાસ, (4) તમક શ્વાસ અને (5) ક્ષુદ્ર શ્વાસ.

શ્વાસરોગમાં વિશેષત: વાતદોષનો પ્રકોપ હોય છે. તે પ્રાણવહ સ્રોતમાં અવરોધ થવાથી શ્વાસ લેવા-મૂકવામાં રુકાવટ થઈ શ્વાસરોગ ઉત્પન્ન થાય છે.

(1) મહા શ્વાસ : જેમાં વાયુ નીકળતી વખતે મહાન (ભારે) અવાજ કરે છે તે. તેમાં છાતીમાં ખૂબ પીડા થાય છે. જે પ્રમાણે મદમત્ત બળદ જોરજોરથી શ્વાસ લે છે તે પ્રમાણે આ રોગનો દરદી જોરજોરથી શ્વાસ લે છે. દૂરથી જ આ પ્રકારનો મહા અવાજ સાંભળીને રોગીના રોગનું નિદાન થઈ શકે છે.

(2) ઊર્ધ્વ શ્વાસ : જે રોગમાં બહાર છોડવાનો શ્વાસ લાંબો (દીર્ઘ) ચાલે છે પણ અંદર લેવામાં આવતો શ્વાસ ટૂંકો હોય છે. તેને ‘ઊર્ધ્વ શ્વાસ’ કહે છે. આ પ્રકાર અત્યંત પીડાદાયક હોય છે. આંખોની ટકટકી બંધાઈ જાય છે. મોઢામાં શોષ પડે છે. રોગી બેભાન પણ થઈ જાય છે. આ શ્વાસ પ્રાણાંતક હોય છે.

(3) છિન્ન શ્વાસ : જે શ્વાસરોગમાં શ્વાસ પૂર્ણ લેવાતો નથી, કટકે કટકે લેવાય છે અથવા તો અત્યંત પીડાના કારણે દરદી શ્વાસ જ લઈ શકતો નથી. હૃદયમાં પીડા થાય છે, પેટ ફૂલી જાય છે અને મૂર્ચ્છા થાય છે. શરીરમાં ફિકાશ થઈ દરદી પ્રાણ છોડી દે છે. તે છિન્ન શ્વાસ છે.

(4) તમક શ્વાસ : જે શ્વાસરોગમાં આંખની સામે અંધારું થાય (તમક), પીનસ ઉત્પન્ન થઈ ઘુર્ઘુર જેવો ધ્વનિ ગળામાંથી ઉત્પન્ન થાય, ખાંસી આવે અને કફ ફેફસામાં અટકી (ચોંટી) જવાથી ખૂબ પીડા થાય છે તેમજ કફ નીકળી જવાથી પીડામાં થોડીક રાહત થઈ જાય છે. બેસવાથી સારું લાગે પણ સૂવાથી વધારે તકલીફ થાય છે. તેને ‘તમક શ્વાસ’ કહે છે. આ શ્વાસ ‘યાપ્ય’ કહેવાય છે. એટલે કે યોગ્ય ચિકિત્સા કરવાથી દર્દીને રાહત થાય છે, પણ ચિકિત્સા ન કરવાથી તે ફરી ઊપડે છે.

(5) ક્ષુદ્ર શ્વાસ : લૂખા (રૂક્ષ) ભોજનાદિ દ્વારા ઉત્પન્ન, અન્ય રોગોથી અથવા અતિમેદના કારણે ઉત્પન્ન ટૂંકો શ્વાસ ક્ષુદ્ર શ્વાસ કહેવાય છે. તેમાં વધારે પીડા થતી નથી કે પ્રાણાંતક પણ હોતો નથી. આ પ્રકારનો શ્વાસ દવાથી સંપૂર્ણ મટી શકે છે.

ચિકિત્સા : મહા શ્વાસ, ઊર્ધ્વ શ્વાસ અને છિન્ન શ્વાસ અસાધ્ય છે. તેમાં પ્રાય: સારવાર કરવામાં આવતી નથી. પ્રાય: મરણ સમયે આ પ્રકારનો શ્વાસ લગભગ બધાંને થાય છે. તમક શ્વાસની ચિકિત્સા કરાય છે. ક્ષુદ્ર શ્વાસ સામાન્ય ચિકિત્સાથી મટી જાય છે.

શ્વાસરોગમાં સ્નેહપાન, નમન, વિરેચન, બસ્તિ (ઍનિમા) અપાય છે. છાતી ઉપર અભ્યંગ, નાડીસ્વેદ તથા પરિષેક પણ કરાય છે. શ્વાસહર ઔષધોમાં અરડૂસી, ભારંગમૂળ, લીંડીપીપર, પુષ્કરમૂળ, દશમૂળ, કંટકારિ સૂંઠ, બલા, કાસમર્દ, રાસ્ના, કાળાં મરી વગેરેના ઉકાળા તથા લવણ, લિંબુ, હિંગ, સંચળ, ખારના યોગો પ્રયોજાય છે. વાસાદિક્વાથ, વાસાદિઘૃત, અગસ્ત્ય હરિતકી અવલેહ, કંટકારિઅવલેહ, ભારંગ્યાદિ ક્વાથ, દશમૂળ ક્વાથ, શ્વાસકુઠાર રસ, સિતોપલાદિ ચૂર્ણ, ભાગોત્તર રસ, મલ્લસિદૂર, રસમાણિક્ય, સમીર પન્નગ રસ તથા શ્વાસકાસચિંતામણિરસ જેવા યોગો ચિકિત્સકની સલાહ મુજબ પ્રયોજાય છે.

વૈદ્ય હરદાસ શ્રીધર કસ્તૂરે