શ્વામરડૅમ યાન (Swammerdam Jan) (જ. 12 ફેબ્રુઆરી 1637, ઍમસ્ટરડૅમ; અ. 15 ફેબ્રુઆરી 1680, ઍમસ્ટરડૅમ) : ડચ પ્રકૃતિવિદ. તેમના જમાનામાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા સૂક્ષ્મ પદાર્થોનો ચીવટભર્યો અભ્યાસ કરવા માટે જાણીતા હતા. રક્તકણોનું નિરીક્ષણ અને વર્ણન કરનાર તેઓ પ્રથમ હતા (1658). સૂક્ષ્મ પદાર્થોના સંશોધનક્ષેત્રમાં તેમને એટલો બધો રસ જાગ્યો કે તબીબીનો અભ્યાસ પૂર્ણ કરવા છતાં (1667) તેમણે ક્યારેય દાક્તરીનો વ્યવસાય કર્યો નહિ.
કીટકોના અભ્યાસ તરફ વળતાં તેમણે કીટકોના જીવનચક્ર અને શરીરશાસ્ત્રનો ચીવટપૂર્વક અભ્યાસ કરી તેમનું સચિત્ર વર્ણન કર્યું. કીટકોના વિકાસનું નિરીક્ષણ કરી તેમનું ચાર મોટાં જૂથોમાં વર્ગીકરણ કર્યું. રૂપાંતરણ અને તેના પ્રકારો ઉપરથી જે 4 ભાગ પાડ્યા તે પૈકી ત્રણ ભાગ (જૂથો) આજે પણ કીટક-વર્ગીકરણમાં ચાલુ રાખ્યા છે. 1667-73 દરમિયાન કીટકશાસ્ત્ર(entomology)માં સંશોધન કરી ‘એ જનરલ હિસ્ટરી ઑવ્ ઇન્સેક્ટ’ નામનું પુસ્તક લખ્યું. તેની સાથે સાથે ‘બાઇબલ ઑવ્ નેચર’ નામના સૂક્ષ્મદર્શક યંત્ર વડે નિરીક્ષણ કરી શકાય તેવા સૂક્ષ્મ-જીવો અને પદાર્થોનો અભ્યાસ કર્યો, જે તે જમાનાનો લોકપ્રિય વિષય ગણાતો હતો.
શ્વામરડૅમના કીટકશાસ્ત્રના સૂક્ષ્મ અભ્યાસને કારણે માર્સેલો માલ્પિઘિના કીટકના મગજ અને ચેતાતંત્ર અંગેના ખ્યાલો બદલવા પડ્યા. તેમણે વિલિયમ હાર્વેનું કીટક-રૂપાંતરણ અંગેનું અર્થઘટન ખામી ભરેલું છે તેમ જણાવ્યું. આ ઉપરાંત તેમણે કેટલાંક ચોક્કસ નિરીક્ષણો કર્યાં. શરીરશાસ્ત્રના અન્ય અભ્યાસમાં ટૅડ્પોલ અને દેડકાના શરીર-વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. દેડકાનાં ઈંડાંમાં ખંડનક્રિયા (cleavage) અને લસિકાવાહિનીઓમાં પડદા(valves)ની શોધ કરી. આ પડદા (valves) ‘શ્વામરડૅમના પડદા’ તરીકે ઓળખાય છે.
માનવ-શરીરશાસ્ત્ર-ક્ષેત્રે તેમણે ઘણાં અગત્યનાં અવલોકનો કર્યાં. તેમનો સ્નાયુ-સંકોચન અંગેનો અભ્યાસ ઘણો દાદ માગી લે છે. જૂના જમાનાના ગ્રીક શરીર-વિદ્યાશાસ્ત્રી(physician)ની જાણીતી માન્યતા હતી કે સ્નાયુઓની હલનચલનક્રિયા થતાં ચેતાતંત્રમાંથી પ્રવાહી સ્નાયુઓમાં પ્રવેશે છે તેને શ્વામરડૅમે ખોટી પુરવાર કરી.
શ્વામરડૅમે દોરેલાં અને વર્ણવેલાં સચોટ-સુંદર ચિત્રો અને આકૃતિઓને તેમના મૃત્યુ બાદ (A.D. 1737-38માં) 2 ગ્રંથોમાં ડચ ભાષામાં પ્રકાશિત કરાયાં. તેઓ ધાર્મિક બાબતોના જાણકાર હતા. પ્રવર્તમાન ‘ત્વરિત જન્મ’ની માન્યતાના વિરોધી અને ઉત્ક્રાંતિવાદના તેઓ અગ્રગણ્ય અને અસરકારક સમર્થક રહ્યા હતા. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં માનસિક આઘાતોથી મુક્તિ પામવા ધર્મપ્રેમી ઍન્ટોઇનેટી બુરિગ્નોના શિષ્ય બન્યા હતા.
અરુણ ધોળકિયા
રા. ય. ગુપ્તે