શ્વાન થિયૉડોર (જ. 1810; અ. 1882) : કોષસિદ્ધાંત(cell theory)નું પ્રતિપાદન કરનાર એક પ્રમુખ જર્મન દેહધર્મવિજ્ઞાની (physio-logist). બ્રિટિશ વિજ્ઞાની રૉબર્ટ હૂકે ઈ.સ. 1665માં બૂચ(cork)નો પાતળો ટુકડો કરી તેને પોતે બનાવેલ સૂક્ષ્મદર્શકની નીચે નિહાળ્યું. તેણે જોયું કે આ ટુકડો અનેક ખાના(compartments)નો બનેલો છે અને તેની ફરતે એક દીવાલ આવેલી છે. આ ખાનાના એકમને કોષ (cell) નામ આપ્યું અને તે સજીવના એકમ તરીકે આવેલો છે તેમ જણાવ્યું (આકૃતિ 1). ત્યારબાદ ઘણા વિજ્ઞાનીઓએ શરીરની પેશીનું સૂક્ષ્મદર્શન કરી ‘કોષ’ એ સજીવનો પાયારૂપ એકમ છે તેમ જાહેર કર્યું. ઈ.સ. 1838ના અરસામાં વનસ્પતિવિજ્ઞાની મથિયન શ્ર્લીડન અને શ્વાને સાથે કોષસિદ્ધાંતની રજૂઆત કરી.

થિયૉડોર શ્વાન
શ્વાન ઈ.સ. 1834માં બર્લિનમાં આયુર્વિજ્ઞાનના સ્નાતક બન્યા અને ચારેક વર્ષો સુધી મ્યુલરના સહાયક તરીકે સંશોધનમાં રસ લીધો. તેમણે જઠરમાંથી પ્રવાહી મેળવી પચન(digestion)નો અભ્યાસ કર્યો અને પ્રોટીનનું વિઘટન કરનાર પેપ્સિન ઉત્સેચક અલગ કરવામાં સફળતા મેળવી. ઈ.સ. 1836માં ફૂગ દ્વારા થતી આથવણ પ્રક્રિયા-(fermentation)નું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું અને એક પૂર્વમાન્ય કથન મુજબ સજીવોનું સ્વયંસ્ફૂર્ત (spontaneous) નિર્માણ થાય છે તે વિશે શંકાશીલ બન્યા. પરંતુ તેમના કમનસીબે તેમના સંશોધનલેખોની સખત ટીકા સમકાલીન લીબિગ જેવા શાસ્ત્રજ્ઞોએ કરી. જેથી શ્વાન હતાશ થઈને જર્મનીની વિદાય લઈ અને બેલ્જિયમમાં સ્થાયી થયા.

આકૃતિ 1 : રોબર્ટ હૂકે નિહાળેલાં કોષ અને સૂક્ષ્મદર્શક

આકૃતિ 2 : શ્વાન થિયૉડોરે પોતે દોરેલી કોષની આકૃતિઓ
દરમિયાન શ્વાને પરિઘીય ચેતાતંત્ર(peripheral nervous system)ની ચેતા(axon)ને ફરતે મજ્જાવરણ (myelin sheath) હોય છે અને આ આવરણ કોષોનું બનેલું હોય છે તેમ જણાવ્યું. એ કોષો શ્વાનના કોષો તરીકે જાણીતા છે. વળી, શ્વાને ફલિતાંડ (embryo) એકકોષીય હોય છે અને તે વિકાસથી સંકીર્ણ સ્વરૂપ ધારણ કરી સજીવમાં પરિણમે છે તેની સાબિતી આપી. દરમિયાન શ્વાનના એક મિત્ર અને વનસ્પતિશાસ્ત્રજ્ઞ શ્ર્લીડિને વનસ્પતિનું બંધારણ કોષોનું બનેલું છે તેનું પ્રતિપાદન કર્યું, જ્યારે શ્વાને પ્રાણીપેશીનો અભ્યાસ કરી વનસ્પતિ કોષોના પ્રમાણમાં પ્રાણીકોષો વૈવિધ્યપૂર્ણ હોય છે તેમ જણાવ્યું. આ બંને વિજ્ઞાનીઓ કોષસિદ્ધાંતના પ્રમુખ સમર્થકો બન્યા. તેમ છતાં આ બંને વિજ્ઞાનીઓ નવા કોષો વિભાજનથી નિર્માણ થાય છે તે હકીકતથી સાવ અજ્ઞાત રહ્યા અને જીવરસ (protoplasm) કોષનો એક અગત્યનો ઘટક હોવા છતાં તેને તેમણે જરાય મહત્વ ન આપ્યું.
મ. શિ. દુબળે