શ્વાઇન્ગર, જુલિયન (. 12 ફેબ્રુઆરી 1918, ન્યૂયૉર્ક સિટી; . 16 ઑગસ્ટ 1994) : ભૌતિકવિજ્ઞાનમાં પ્રાથમિક કણોના મૂળ સુધી લઈ જતા તેમના ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનડાઇનૅમિક્સના મૂળભૂત કાર્ય બદલ જાપાની વિજ્ઞાની ટોમોનાગા અને અમેરિકન વિજ્ઞાની રિચાર્ડ ફીનમૅનની ભાગીદારીમાં વર્ષ 1965નો નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા અમેરિકન ભૌતિકવિજ્ઞાની.

નાનપણથી ભૌતિકવિજ્ઞાનમાં અપૂર્વ રસને કારણે, પહેલેથી જ તેમની કારકિર્દીની દિશા નક્કી થઈ ચૂકી હતી. ભૌતિકવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ અને તેને લગતી પ્રવૃત્તિ એ જ તેમનું ધ્યેય બની ગયું. માત્ર 16 વર્ષની વયે પ્રથમ સંશોધનલેખ પ્રગટ કરીને તેમણે વ્યાવસાયિક ભૌતિકવિજ્ઞાનની જેમ પ્રથમ દેખા દીધી. ન્યૂયૉર્ક સિટીની જાહેર શાળાએ તેમને ઝડપી પ્રગતિ કરવા તમામ સુવિધાઓ પૂરી પાડી. કોલંબિયા યુનિવર્સિટીના નોબેલ પુરસ્કારવિજેતા ભૌતિકવિદ આઇ. આઇ. રાબીએ શ્વાઇન્ગરને રસપૂર્વક ટેકો આપ્યો. 1939માં તેમને પીએચ.ડી.ની ઉપાધિ મળી. જોકે તે માટેનો તેમનો મહાનિબંધ ત્રણેક વર્ષ અગાઉ તૈયાર કરી દેવાયો હતો.

જુલિયન શ્વાઇન્ગર

બે વર્ષ બાદ તે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી (બર્કલી) ખાતે પહેલાં નૅશનલ રિસર્ચ ફેલો અને તે પછી જે. આ. ઓપનહેમરના મદદનીશ તરીકે રહ્યા. પૅસિફિક યુદ્ધ ફાટી નીકળતાં, શ્વાઇન્ગરે પર્દૂ યુનિવર્સિટીમાં ઇજનેરીના વિદ્યાર્થીઓને પ્રારંભિક ભૌતિકવિજ્ઞાન ભણાવવાનું કાર્ય કર્યું.

મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી(કેમ્બ્રિજ)ની રેડિયેશન લૅબોરેટરી યુદ્ધની પ્રવૃત્તિઓ તથા કામગીરી સાથે સંકળાયેલી હતી. નૈષ્ઠિક એકાન્તવાસી કાર્યકર તરીકે તેમને સંશોધકગણમાં સમાવી લીધા. ઘણીબધી વૈજ્ઞાનિક કામગીરીઓ કરવાની હતી. ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની તરીકે તેમણે ઇલેક્ટ્રોમૅગ્નેટિક રડારને લગતી સમસ્યાઓને હાથ ધરી. તે સાથે ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનનો પણ વિચાર શરૂ કર્યો. તેમાં તેમણે ન્યૂક્લિયર-પ્રકીર્ણનની અસરકારક અવધિને સૂત્રબદ્ધ કરી. તે પછી ઇલેક્ટ્રૉન-પ્રવેગક(accelerator)નો કાર્યક્રમ હાથ ધર્યો. તેમાંથી ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રૉન વડે મળતા વિકિરણનો પ્રશ્ન સાંપડ્યો. ઇલેક્ટ્રૉનથી ઉત્સર્જિત થતા વિકિરણથી તેમને ખ્યાલ આવ્યો કે પ્રશિષ્ટ સ્તરે, ઇલેક્ટ્રૉનના ક્ષેત્રની પ્રતિક્રિયાથી કણના દળ સહિત કણના અન્ય ગુણધર્મોમાં બદલાવ આવે છે. આ બાબત ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનડાઇનૅમિક્સના વિકાસ માટે મહત્વની પુરવાર થઈ.

યુદ્ધની સમાપ્તિ બાદ શ્વાઇન્ગરે હાર્વર્ડ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકેની નિમણૂક સ્વીકારી. બે વર્ષ બાદ તેઓ પ્રાધ્યાપક બન્યા.

તે પછી તેમણે વિવિધ ક્ષેત્રે સંશોધનકાર્ય આદર્યું. તે બધામાં એ વસ્તુ સ્પષ્ટ હતી કે તે વિશેષે કરીને સૈદ્ધાંતિક મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને પ્રાયોગિક પાસાં પ્રત્યે ઓછું લક્ષ આપતા હતા. ભૌતિકવિજ્ઞાનમાં કાલ્પનિક (સટ્ટા જેવાં) વલણોથી જોખમો (ભયસ્થાનો) સામે આવતાં હોય છે, પણ સાવ તેવું નથી; કેટલીક વખતે આવાં વલણોનો બદલો મળતો હોય છે. 1957માં તેમણે બે પ્રકારનાં ન્યૂટ્રિનોના અસ્તિત્વનું પૂર્વાનુમાન કર્યું હતું. આવાં બે ન્યૂટ્રિનો ઇલેક્ટ્રૉન અને મ્યૂઑન સાથે સંકળાયેલાં હોય છે. આ પ્રકારનાં બે ન્યૂટ્રિનો ઇલેક્ટ્રૉન ન્યૂટ્રિનો (ne) અને મ્યૂઑન ન્યૂટ્રિનો (nm) તાજેતરમાં પ્રાયોગિક રીતે નક્કી થયાં છે. પ્રાયોગિક રીતે જે કણો અજ્ઞાત છે તેમના સૈદ્ધાંતિક ગુણો શોધવાની (જાણવાની) તેમની નીતિએ આજકાલ જોર પકડ્યું છે. આ બધાંની પાછળ પ્રબળ આંતરક્રિયાઓ વિશે વધુ જાણકારી મેળવવાનો હેતુ રહેલો હોય છે.

જીવનનાં પાછળનાં વર્ષોમાં શ્વાઇન્ગરે તેમની નીતિ પ્રમાણે આગળ વધવાનું યોગ્ય માન્યું, ખાસ કરીને કણોના ઘટનાવિજ્ઞાન સંબંધી (phenomenological) સિદ્ધાંતનું વ્યાવહારિક મહત્વ સમજવામાં. આ બાબતે, તેમણે ફોટૉન અને ગ્રેવિટૉન જેવા પ્રબળ આંતરક્રિયા કરતા કણોને એકસરખી રીતે લાગુ પડે તેવો સિદ્ધાંત શોધીને વિકસાવ્યો છે. આ રીતે તમામ ભૌતિક ઘટનાઓ પ્રત્યે વ્યાપક અભિગમ મળી રહે છે. આ બધાં કાર્યનું ‘પાર્ટિકલ્સ, સોર્સિસ ઍન્ડ ફિલ્ડ્ઝ’ નામે ગ્રંથના બે ખંડોમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે.

1951માં આઇન્સ્ટાઇન પુરસ્કાર, 1964માં નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ, 1961માં પર્દૂર યુનિવર્સિટીમાં અને 1962માં હાવર્ડ યુનિવર્સિટી દ્વારા માનાર્હ ડી.એસસી.ની ઉપાધિ. ઉપરાંત નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝનો નેચર ઑવ્ લાઇટ ઍવૉર્ડ પણ તેમને પ્રાપ્ત થયા છે. શ્વાઇન્ગર આ એકૅડેમીના સભ્ય તેમજ ‘ઍટમિક સાયન્ટિસ્ટ્સ બુલેટિન’ના સંસ્થાપક (પ્રયોજક) પણ હતા.

પ્રહલાદ છ. પટેલ