શ્વસનતંત્ર (માનવ)
વાતાવરણ અને લોહીની વચ્ચે પ્રાણવાયુ અને અંગારવાયુનો વિનિમય કરતું તંત્ર. શરીરના બધા જ કોષોને તેમના કાર્ય માટે તથા જીવતા રહેવા માટે ઑક્સિજન(પ્રાણવાયુ)ની જરૂર પડે છે. તેમની ઘણી ક્રિયાઓમાં કાર્બનડાયૉક્સાઇડ (અંગારવાયુ) ઉત્પન્ન થાય છે. તેનો વધારો થાય તો તે અમ્લીય સ્થિતિ (acidic condition) સર્જે છે. માટે તેનો ઝડપી અને અસરકારક નિકાલ જરૂરી છે. તે માટે શરીરના 2 અવયવી તંત્રો સક્રિય છે – હૃદ્વાહિનીતંત્ર (cardiovascular system) અને શ્વસનતંત્ર. શ્વસનતંત્ર વાતાવરણ સાથે વાયુઓનો વિનિમય કરે છે, જ્યારે હૃદ્વાહિનીતંત્ર લોહીના પરિભ્રમણ દ્વારા તેમનું શરીરમાં વહન કરે છે.
શ્વસનતંત્રના મુખ્ય અવયવો છે નાક, ગળું, (ગ્રસની, pharynx), સ્વરપેટી (larynx), શ્વાસનળી (trachea), 2 શ્વસનનલિકાઓ (bronchi) અને 2 ફેફસાં.
તેમાંથી નાક અને ગળાને ઉપલો શ્વસનમાર્ગ અને બાકીના અવયવોને નીચલો શ્વસનમાર્ગ કહેવામાં આવે છે. વાતાવરણ, લોહી તથા શરીરના કોષો વચ્ચેના વાયુઓના વિનિમયને શ્વસન (respiration) કહે છે. તેમાં મુખ્ય 3 ક્રિયાઓ થાય છે : (1) નાક દ્વારા પ્રવેશતી અને બહાર નીકળતી તથા શ્વસનમાર્ગ (air passage) દ્વારા ફેફસાં સુધી પહોંચતી હવાનું આવાગમન. તેને ફેફસી અથવા ફુપ્ફુસીય વાતાયન (pulmonary ventilation) કહે છે; (2) ફેફસાં અને લોહી વચ્ચે થતા વાયુઓના વિનિમયને બાહ્ય શ્વસન (external respiration) અને (3) લોહી અને શરીરના કોષો વચ્ચેના વાયુઓના વિનિમયને આંતરિક શ્વસન (internal respiration) કહે છે.
શ્વસનતંત્રના અવયવો : ઉપલા અને નીચલા શ્વસનમાર્ગમાં આવેલા અવયવો વાતાયન અને બાહ્ય શ્વસનક્રિયાનું કાર્ય કરે છે. તેમાંથી નાક, ગળું, સ્વરપેટી, શ્વાસનળી અને શ્વસનનલિકાઓ અને ફેફસાંમાં આવેલી તેમની શાખાઓમાં હવાનું આવાગમન થાય છે, જેને વાતાયન (ventilation) કહે છે. ફેફસાંમાં આવેલા વાયુપોટાઓ(alveoli)માં હવાનું પ્રસરણ (diffusion) થાય છે અને તેમની દીવાલમાં આવેલી લોહીની કેશવાહિનીઓ (capillaries) અને તેમની વચ્ચે વાયુઓનો વિનિમય થાય છે, જેને બાહ્ય શ્વસન કહે છે.
નાક : તેના 2 ભાગ છે. એક ચહેરા પર ઊપસી આવેલો બહારનો ભાગ અને બીજો ખોપરીની અંદર આવેલો ભાગ. બહારનો ભાગ હાડકાં અને કાસ્થિ(cartilage)થી બનેલો છે અને બહારથી ચામડી વડે અને અંદરથી શ્લેષ્મકલા (mucous membrane) વડે ઢંકાયેલો છે. તેના આકૃતિ 2માં દર્શાવ્યા મુજબના ભાગો છે. બે ભ્રમરની વચ્ચે અને કપાળ સાથે જોડાતા ભાગને નાસામૂલ (root) કહે છે. ત્યાંથી આગળ અને નીચે તરફ જતાં હાડકાંથી બનેલા અને પોતાના સ્થાને સુઢ રીતે પ્રસ્થાપિત થયેલા નાકના ભાગને નાસાસેતુ (bridge) કહે છે. નાકની આગળ તરફની સપાટી જેવી કિનારીને નાસાપૃષ્ઠિકા (dorsum nasi) કહે છે. નાસાપૃષ્ઠિકાના ઉપરના છેડાવાળા ભાગ પર નાસાસેતુ આવેલો છે. ચહેરા પર જે ભાગથી નાક ઊપસીને આગળ તરફ પ્રવર્ધિત (projected) થાય છે, તેને નાસામુખકોણ (nasofacial angle) કહે છે. નાકના નીચલા છેડે નીચે તરફની સપાટી પર બે છિદ્રો છે તેમને બાહ્ય નાસાછિદ્ર (external nares) કહે છે. બન્ને છિદ્રો નાસાપટલ (nasal septum) નામના પડદાથી છૂટા પડે છે. છિદ્રોની બહારની બાજુએ મૃદુપેશીની બનેલી નાસાપક્ષિકા (ala) આવેલી છે જે ઉપલા હોઠ સાથે જોડાય છે. નાસાપટલથી નાકની અંદર બે ભાગ પડે છે તેમને નસકોરાં (nostrils) કહે છે. નાકના બહારના ભાગમાં નાસાસેતુમાં હાડકાં હોય છે જ્યારે તેનાથી આગળ અને નીચેનો ભાગ વાળી શકાય તેવા કાસ્થિ અને મૃદુપેશીનો બનેલો છે.
નાકનો અંદરનો ભાગ ખોપરીમાં આવેલું એક મોટું પોલાણ છે. તે કર્પરીગુહા(cranial cavity)ની નીચે અને મુખગુહાની ઉપર આવેલું છે. આગળ તે નાકના બાહ્ય ભાગ સાથે સળંગ પોલાણ ધરાવે છે જ્યારે પાછળ તે ગળા (ગ્રસની) સાથે બે છિદ્રો વડે જોડાય છે. આ છિદ્રોને અંત:નાસાછિદ્ર (internal nares) કહે છે. બાહ્ય નાસાછિદ્રની તરત અંદર કાસ્થિ અને મૃદુપેશીથી બનેલા નાકના બહારના ભાગના પોલાણને નાસાદેહલી (vestibule) કહે છે. તેની પાછળ નાકની અંદરના ભાગનું પોલાણ સળંગ આવેલું છે. નાકના અંદરના અને બહારના ભાગમાં આવેલા સળંગ પોલાણને નાસાગુહા (nasal cavity) કહે છે.
નાકના અંદરના ભાગમાં વચ્ચે પડદો આવેલો છે જેને નાસાપટલ કહે છે. તેનો પાછળનો ભાગ હાડકાંનો બનેલો છે. તે નાકના બહારના ભાગમાં આવેલા અને કાસ્થિ તથા મૃદુપેશીથી બનેલા નાસાપટલ સાથે સળંગ છે.
નાસાગુહાની બહારની દીવાલ ગલનીસમ (ethmoid), ઊર્ધ્વહનુ (maxilla) તથા અધ:નાસા છીપલાસમ (inferior nasal concha) નામનાં હાડકાંની બનેલી છે. ગલનીસમ હાડકું તેની છત પણ બનાવે છે. તેનો અધસ્તલ (floor) પ્રદેશ અથવા નીચલી સપાટી તાળવાના હાડકાથી તથા ઊર્ધ્વહનુના તાલવ્ય પ્રવર્ધ (palatine process of maxilla) નામનાં હાડકાંથી બને છે. આમ નાકનો અંદરનો ભાગ ખોપરીનાં વિવિધ હાડકાંથી બનાવેલી ડબ્બી જેવો છે. તેમાં અગ્રકાપલી (frontal), ફાચરસમ (sphenoid), ઊર્ધ્વહનુ (maxillary) અને ગલનીસમ (ethmoid) હાડકાંના પોલાણો તથા નાસાશ્રુનલિકા (nasolcrimal duct) ખૂલે છે. હાડકાંનાં પોલાણોને વિવરો (sinuses) કહે છે અને તે નાકની આસપાસ આવેલાં હોવાથી તેમને પરાનાસા વિવરો (paranasal sinuses) અથવા નાસાવિવરો (nasal sinuses) કહે છે. આંખના ડોળાની આગળના ભાગમાં બનતું પ્રવાહી અશ્રુ કહેવાય છે. તે આંખમાંથી એક નળી દ્વારા નાકમાં વહી જાય છે. તેને નાસાશ્રુનલિકા કહે છે.
નાકની અંદરની સંરચના મુખ્યત્વે 3 કાર્યો કરે છે : (1) શ્વાસમાં અંદર લેવાતી હવાને ગાળે છે, હૂંફાળી અને ભેજવાળી કરે છે; (2) ગંધ વિશેની સંવેદનાઓ ઝીલે છે અને (3) તેના અને તેની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણો વડે બોલાતા અવાજની ગુણવત્તા ઉમેરતો મોટો અનુનાદી વિસ્તાર (resonanting chamber) બનાવે છે. નાકમાં પ્રવેશતી હવા સૌપ્રથમ નાસાદેહલી(vestibule)માંના ઝીણા વાળમાં ગળાય છે અને પછી ઉપલી નાસાગુહામાં જાય છે. તેની બહારની બાજુની દીવાલમાંથી 3 છાજલી જેવા પ્રવર્ધો (projections) નીકળે છે. તેમને ઊર્ધ્વ, મધ્ય અને અધ:નેઝલ કૉન્ચા (superior, middle and inferior nasal conchae) કહે છે. તે લગભગ નાસાપટલ સુધી લંબાય છે અને તેથી નાસાગુહા 3 ગડીઓ(grooves)માં વહેંચાઈ જાય છે. તેમને નાસામાર્ગિકાઓ (meatuses) કહે છે. સમગ્ર નાસાગુહાની દીવાલની અંદરની સપાટી પર તથા છાજલીઓ (સાલાર) પર શ્લેષ્મકલાનું આચ્છાદન (lining) હોય છે. ઊર્ધ્વ નેઝલ કૉન્ચાની ઉપરની શ્લેષ્મકલામાં ઘ્રાણેન્દ્રિયનો વિસ્તાર (olfactory region) આવેલો છે. નીચેના ભાગમાં સ્તંભાકાર કોષો હોય છે, જેના પર તંતુઓ (કશાઓ, cilia) હોય છે. તે શ્લેષ્મમાં ચોંટેલા કચરાને ખસેડે છે. દીવાલમાંની કેશવાહિનીઓ હવાને ગરમ કરે છે અને નાકની ગ્રંથિઓ તથા અશ્રુનલિકામાંથી આવતું પ્રવાહી હવાને ભેજવાળી કરે છે.
ગળું : તેને શાસ્ત્રીય રીતે ગ્રસની (pharynx) કહે છે. તે ગળણીના આકારની 13 સેમી. લાંબી સંરચના છે, જે આંતરિક નાસાછિદ્રથી ડોક સુધી લંબાય છે. તે નાક અને મોંનાં પોલાણની પાછળ તથા મૃદુતાળવાની પાછળ અને ડોકના કરોડસ્તંભના મણકાની આગળ હોય છે. તેની દીવાલમાં ઐચ્છિક સ્નાયુઓ આવેલા છે અને તેના પોલાણની સપાટી પર શ્લેષ્મકલા આવેલી છે. તેના ઉપલા ભાગને નાસાગ્રસની (nasopharynx), વચલા ભાગને મુખગ્રસની (oropharynx) અને નીચલા ભાગને અધ:ગ્રસની (hypopharynx) કહે છે. નાસાગ્રસનીનું પોલાણ આંતરિક નાસાછિદ્રો સાથે જોડાય છે જ્યારે અધ:ગ્રસની નીચે સ્વરપેટી અને અન્નનળીનાં મુખછિદ્રો સાથે જોડાય છે. નાસાગ્રસનીમાં બંને મધ્યકર્ણોમાંથી આવતી નળીઓનાં છિદ્રો ખૂલે છે. નાસાગ્રસનીની પાછલી દીવાલમાં ગ્રસનીગંડાભ (pharyngeal tonsils) અને નાકકાકડા (adenoids) આવેલા છે. આંતરિક નાસાછિદ્રોમાંથી ગળાયેલી હવા અને રજકણોવાળું શ્લેષ્મ નાસાગ્રસનીમાં પ્રવેશે છે. તેની સપાટી પરની કશાઓ (cilia) – સૂક્ષ્મતંતુઓ શ્લેષ્મને મોં તરફ ધકેલે છે. તેમાં મધ્યકર્ણની નળીઓ (eustatian tubes) ખૂલે છે જે મધ્યકર્ણમાં હવાનું દબાણ જાળવી રાખે છે. ગ્રસનીના મધ્યભાગને મુખગ્રસની (oropharynx) કહે છે; જે નાસાગ્રસની અને અધ:ગ્રસનીની વચ્ચે અને મુખગુહાની પાછળ આવેલો છે. તેમાં ફક્ત એક છિદ્ર ખૂલે છે અને તેને પશ્ચમુખછિદ્ર (fauces) કહે છે. ગ્રસનીનો આ ભાગ શ્વસનતંત્ર તથા અન્નમાર્ગ એમ બંનેનું કાર્ય કરે છે અને તે હવા તથા ખોરાક બંને માટેનો માર્ગ છે. તેમાં 2 તાલવ્ય કાકલગંડ (palative tonsils) અને 2 જિહ્વીય કાકલગંડ (lingual tonsils) આવેલા છે. જિહ્વીય કાકલગંડ પશ્ચમુખછિદ્રમાં બંને બાજુએ જીભના મૂળ પાસે આવેલા છે. તેમને સામાન્ય રીતે કાકડા(tonsil)ને નામે ઓળખવામાં આવે છે. તે લસિકાભ પેશી(lymphoid tissue)ના બનેલા છે અને રોગપ્રતિરક્ષામાં સક્રિય છે.
અધ:ગ્રસનીને સ્વરતંત્રીય ગ્રસની (laryngo-pharynx) પણ કહે છે. તે અશ્વનાલાભ (hyoid) કાસ્થિ અથવા હાડકાથી શરૂ થઈને અન્નનળીના અને સ્વરપેટીના મુખછિદ્ર સુધી લંબાય છે.
સ્વરપેટી (larynx) : તેને અંગ્રેજીમાં voice-box કહે છે. તે ગ્રસની અને શ્વાસનળીની વચ્ચે આવેલી છે. તેની દીવાલમાં કાસ્થિના 9 ટુકડાઓ છે, જેમાંના 3 એકલા છે તો 3 જોડમાં છે. જે ત્રણ એકલા છે તે છે ગલાગ્રીય અથવા કાકલ કાસ્થિ (thyroid cartilage), અધિસ્વરછિદ્રીય કાસ્થિ (epiglottic cartilage) તથા વલયાકારી કાસ્થિ (cricoid cartilage) કહે છે તથા જે ત્રણ જોડમાં છે તે છે પિરામિડના આકારનો ચતુ:પાર્શ્ર્વિક (arytenoid) કાસ્થિ, શંકુરૂપ (corniculate) કાસ્થિ અને દંડરૂપ (cuneiform) કાસ્થિ કહેવાય છે.
ગલાગ્રીય (કાકલ) કાસ્થિ ગળાના આગળના ભાગમાં હોય છે અને પુખ્ત વયે પુરુષોમાં તે એક ઢેકો બનાવે છે. તેને હૈડિયો (Adam’s apple) કહે છે. તે સ્વરપેટીની આગળની દીવાલ બનાવે છે અને સ્વરપેટીને તેનો ત્રિકોણાકાર દેખાવ આપે છે. તે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ મોટો હોય છે. અધિસ્વરછિદ્રીય કાસ્થિ મોટો, પાંદડાના આકારનો છે જે સ્વરછિદ્રની ઉપર છાપરું બનાવે છે. તેનો એક છેડો જીભના મૂળ પાસે જોડાયેલો છે જ્યારે બીજો મુક્ત છે અને તે ખોરાક ગળવાની ક્રિયા વખતે ખસીને સ્વરછિદ્રનું ઢાંકણ બનાવે છે. તેના બદ્ધ છેડાને પ્રકાંડ (stem) તથા મુક્ત છેડાને પર્ણિક (leaf) કહે છે. ખોરાક ગળતી વખતે સ્વરપેટી પણ ઉપર તરફ ખસે છે. તેથી તે અધિસ્વરછિદ્રીય કાસ્થિની પાસે આવે છે અને તેનું છિદ્ર ઢંકાઈ જાય છે. તેથી ખોરાક સ્વરપેટીમાં જવાને બદલે અન્નનળીમાં પ્રવેશે છે.
વલયાકારી (cricoid) કાસ્થિ સ્વરપેટીનો નીચલો ભાગ બનાવે છે અને શ્વાસનળીની પ્રથમ વલયિકા (ring) સાથે જોડાય છે. વલયાકારી કાસ્થિની ઉપર ચતુષ્પાર્શ્ર્વક (arytenoid) કાસ્થિ આવેલા છે, જે ધ્વનિરજ્જુઓ (vocal cords) અને ગ્રસનીના સ્નાયુઓ સાથે જોડાયેલાં છે. તે ગ્રસનીય સ્નાયુઓ(pharyngeal muscle)ના સંકોચન-શિથિલન વડે ધ્વનિરજ્જુઓને હલાવે છે. દરેક ચતુષ્પાર્શ્ર્વક કાસ્થિના શિરોબિંદુ પાસે શંકુરૂપ (cornicate) કાસ્થિઓ આવેલાં છે. ચતુષ્પાર્શ્ર્વક કાસ્થિને અધિસ્વરછિદ્રીય કાસ્થિ જોડે જોડતું કાસ્થિ છે દંડરૂપ (cuneiform) કાસ્થિ. આ કાસ્થિઓને તંતુઓની બનેલી પેશી જોડે છે. તેમને તંતુબંધો (ligments) કહે છે. કાસ્થિ તથા તંતુબંધો વડે સ્વરપેટી બને છે. તેની અંદરની દીવાલ પર કશામય સ્તંભાકાર કોષો (ciliated columnar cells), વ્રણિત કોષો (goblet cells) અને તલીય કોષો(basal cells)વાળી શ્લેષ્મકલા આવેલી છે. તેમાં પણ અગાઉ જે ગળાઈ ન ગયા હોય તેવા રજકણો પકડાઈ જાય છે.
સ્વરપેટીની શ્લેષ્મકલા ગડીઓની 2 જોડ બનાવે છે. તેમાંની ઉપરની જોડને છદ્મધ્વનિરજ્જુઓ (false vocal cords) અને નીચેની જોડને ધ્વનિરજ્જુઓ (true vocal cords) કહે છે. તેમની વચ્ચેના છિદ્રને સ્વરછિદ્ર (glottis) કહે છે. છદ્મધ્વનિરજ્જુઓ પાસે આવીને છાતીમાં દબાણ વધેલું હોય ત્યારે તેની સામે પણ શ્વાસ રોકવાની ક્રિયા કરે છે (દા.ત., ભારે વજન ઉઠાવતી વખતે શ્વાસ રોકવાની ક્રિયા). ધ્વનિરજ્જુઓ શ્લેષ્મકલાના આવરણથી ઢંકાયેલા લવચીક તંતુબંધો (elastic ligaments) છે. જેમ કોઈ તંતુવાદ્યના તંતુઓ મજબૂત અને અક્કડ વસ્તુ સાથે જોડાયેલા હોય છે તેમ આ તંતુબંધો અક્કડ કાસ્થિ સાથે જોડાયેલા હોય છે. સ્વરપેટીની અંદર આવેલા સ્નાયુઓને અંતર્ગત સ્નાયુઓ (intrinsic muscles) કહે છે. તે અક્કડ કાસ્થિ અને ધ્વનિરજ્જુઓ સાથે જોડાયેલા હોય છે. તેમના સંકોચનને કારણે ધ્વનિરજ્જુઓ ખેંચાય છે, તણાય છે અને સીધા થાય છે; તેથી સ્વરછિદ્ર સાંકડું બને છે. તે સમયે જો તેમાંથી હવા પસાર કરાય તો તે ધ્રૂજે છે. આ ધ્રુજારી ગળું, મોં અને નાકમાં તરંગો ફેલાવે છે. જેટલા પ્રમાણમાં હવાનું દબાણ વધુ હોય તેટલો અવાજ મોટો રહે છે. ધ્વનિરજ્જુઓમાંના તણાવની મદદથી અવાજની સ્વરકક્ષા(pitch)નું નિયમન થાય છે. જો સ્નાયુઓ વધુ સંકોચાઈને ધ્વનિરજ્જુઓને મજબૂતીથી તાણે તો તેઓ વધુ ઝડપથી ધ્રૂજે છે અને અવાજની ઊંચી સ્વરકક્ષા (pitch) થાય છે. પુરુષોના ધ્વનિરજ્જુઓ જાડા અને લાંબા હોય છે અને તે ધીમે ધ્રૂજે છે; તેથી પુરુષોના અવાજની સ્વરકક્ષા(pitch)નો ગાળો નીચો હોય છે.
અવાજ(ધ્વનિ)ના ઉત્પન્ન થવામાં ધ્વનિરજ્જુઓની ધ્રુજારી મહત્વની છે; પરંતુ અન્ય અવયવો આ અવાજોને સમજી શકાય તેવી વાણીમાં પરિવર્તિત કરે છે. ગળું, મોં, નાકનું પોલાણ તથા નાકની આસપાસ આવેલાં હાડકાંનાં પોલાણો (પરાનાસાવિવરો) અનુનાદખંડો (resonating chambers) બનાવે છે. તેમની મદદથી અવાજને માનવીય અને વૈયક્તિક ગુણવત્તા મળે છે. ગ્રસનીના સ્નાયુઓના સંકોચન-શિથિલનથી સ્વરો(vowels)નાં ઉચ્ચારણો મળે છે. ચહેરો, જીભ અને હોઠના સ્નાયુઓના સંકોચન-શિથિલનથી વ્યંજનો(conso-nants)નાં ઉચ્ચારણો થાય છે. અને આમ સંયુક્ત રૂપે તેઓ શબ્દોનું ઉચ્ચારણ શક્ય બનાવે છે.
શ્વાસનળી (trachea) : તેને અંગ્રેજીમાં windpipe પણ કહે છે. તે 12 સેમી. લાંબી અને 2.5 સેમી. પહોળી નળી છે. તે ગળા અને છાતીમાં અન્નનળીની આગળ રહેલી છે અને સ્વરપેટીથી કરોડના 5મા વક્ષીય મણકા સુધી લંબાયેલી હોય છે. તે તેના નીચલા છેડે 2 નલિકાઓ શ્વસનનલિકાઓ(bronchi)માં વિભાજિત થાય છે. તેની શ્લેષ્મકલામાં પણ કશામય સ્તંભાકાર કોષો, વ્રણિત કોષો અને તલીય કોષો હોય છે; તેથી તે પણ ધૂળના રજકણો સામે રક્ષણ આપે છે. તેની દીવાલમાં અરૈખિક સ્નાયુઓ, કાચવત્ કાસ્થિ(hyaline cartilage)ની 15-20 સમક્ષિતિજ પણ અપૂર્ણ વલયિકાઓ (rings) અને સંયોજી પેશી હોય છે. વલયિકાઓ અંગ્રેજી ‘C’ આકારની હોય છે અને એક ઉપર એક ગોઠવાયેલી હોય છે. વલયિકાના ‘C’નો ખુલ્લો ભાગ અન્નનળી તરફ હોય છે અને તે અન્નનળીને કોળિયાના વહન સમયે ફૂલવા દે છે. કાસ્થિની વલયિકાના ખુલ્લા છેડે આડા સ્નાયુતંતુઓ (muscular fibres) હોય છે તેમને શ્વાસનલીય સ્નાયુ (trachealis muscle) કહે છે.
આ ખુલ્લા છેડાઓ વચ્ચે તંતુમય પેશી પણ હોય છે. શ્વાસનળીમાંના કાસ્થિ નળીને કઠિનતા અને મજબૂતાઈ આપે છે, જેથી હવાના આવાગમનને કારણે કે અન્ય દબાણના તફાવતને કારણે શ્વાસનળી દબાઈ જતી નથી.
શ્વાસનળીનું જે સ્થળે દ્વિવિભાજન થાય છે અને શ્વસનનલિકાઓ (bronchi) શરૂ થાય છે તે સ્થળે શ્વાસનળીની અંદર એક ઊપસેલી રૈખિક સંરચના હોય છે તેને ગિરિકા (carina) કહે છે. તે છેલ્લી વલયિકાના અધોપશ્ચપ્રવર્ધ(posteroin-inferior projection)ને કારણે હોય છે.
શ્વસનનલિકા (bronchus) : શ્વાસનળી વક્ષાસ્થિના ખૂણા આગળ પૂરી થાય છે અને તેના દ્વિભાજનથી 2 શ્વસનનલિકાઓ બને છે – જમણી અને ડાબી; જે અનુક્રમે જમણા અને ડાબા ફેફસાંમાં પ્રવેશે છે. જમણી શ્વસનનલિકા પ્રમાણમાં વધુ સીધી, ઊભી, ટૂંકી અને પહોળી છે; તેથી બહારથી આવતા પદાર્થો જમણી શ્વસનનલિકામાં પ્રવેશવાની સંભાવના વધુ રહે છે. પ્રારંભિક શ્વસનનલિકાઓમાં પણ કાસ્થિની અપૂર્ણ વલયિકાઓ હોય છે.
પ્રારંભિક શ્વસનનલિકાઓ ફેફસાંમાં પ્રવેશ બાદ દ્વૈતીયિક અથવા ખંડીય (lobar) શ્વસનનલિકાઓમાં વિભાજિત થાય છે. તેમનું ક્રમશ: વિભાજન થાય છે અને નાની અને નાની શ્વસનલિકાઓ બને છે. તેમની છેલ્લી પેઢીને અંતિમ (terminal) શ્વસનનલિકાઓ કહે છે, જે શ્વસનિકાઓ(bronchioles)માં દ્વિવિભાજિત થાય છે. શ્વસનિકાઓનું પણ ક્રમશ: વિભાજન ચાલુ રહે છે અને તેના છેલ્લા તબક્કાની નળીને અંતિમ શ્વસનિકા (terminal bronchiole) કહે છે. આ પ્રકારનું નળીનું સતત થતું વિભાજન એક પ્રકારના વૃક્ષ જેવી સંરચના રચે છે. માટે આ સમગ્ર સંરચનાને શ્વસનનલિકી વૃક્ષ (bronchial tree) કહે છે. જેમ જેમ નાની અને નાની શાખાઓ થતી જાય છે તેમ તેમ કાસ્થિની વલયિકાઓની સાથે કાસ્થિની પટ્ટિકાઓ (plates) જોવા મળે છે. વળી કાસ્થિનું પ્રમાણ ઘટે છે અને અરૈખિક સ્નાયુનું પ્રમાણ વધે છે. તેની સાથે સાથે કશામય કોષોને સ્થાને સાદા ઘનાકાર (cuboid) કોષો વડે અંદરની દીવાલનું આચ્છાદન થાય છે.
ફેફસાં : તે શંકુ આકારનાં છાતીની પોલાણમાં જોડ બનાવીને આવેલાં અવયવો છે. તેમની વચ્ચે હૃદય તથા મધ્યવક્ષ (mediastinum) આવેલાં છે. તેમને બહારથી 2 પડવાળું પરિફુપ્ફુસીય અથવા પરિફેફસી કલા (pleural membrane અથવા pleura) નામનું આવરણ ઢાંકે છે. તે તેમનું રક્ષણ કરે છે. પરિફેફસી કલાના બહારના પડને પરિધીય (parietal) પરિફેફસી કલા કહે છે, જ્યારે અંદરના પડને અવયવીય (visceral) પરિફેફસી કલા કહે છે. તેમની વચ્ચે પાતળી સંભાવ્ય (potential) જગ્યા છે તેને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. તેમાં થોડું ઊંજણ કરતું (lubricating) પ્રવાહી આવેલું છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયા વખતે આ પ્રવાહી ઘર્ષણ ઘટાડે છે.
હાંસડીનાં હાડકાંથી 1.5થી 2.5 સેમી. જેટલી ઊંચાઈથી ઉરોદરપટલ (thoraco-abdominal diaphragm) સુધી ફેફસું લંબાયેલું છે. તેની બહારની સપાટી પાંસળીઓના પાંજરાથી પરિફેફસી કલા વડે અલગ પાડેલી છે. તેના ઉરોદરપટલ પરની સપાટીને તલપ્રદેશ (base) કહે છે. તે અંતર્ગોળ આકારની છે અને ઉરોદરપટલના આકારને બંધબેસતી આવે છે. તેના સૌથી ઉપરના સાંકડા ભાગને ટોચ (apex) કહે છે. તેની પાંસળીઓ તરફની સપાટીને પર્શુકીય (costal) સપાટી અને મધ્ય રેખા તરફની (મધ્યવર્તી, medial) સપાટીને મધ્યવક્ષીય (mediastinal) સપાટી કહે છે. તેની મધ્યવક્ષીય સપાટી પર એક ઊભી ફાડ આવેલી છે; જેમાંથી શ્વસનનલિકાઓ, નસો તથા ચેતાઓ પ્રવેશે છે. તેને ફેફસી અથવા ફુપ્ફુસીય દ્વારછિદ્ર (hilus) કહે છે. શ્વસનનલિકાઓ, વાહિનીઓ અને ચેતાઓના સમૂહને ફેફસાંનું મૂળ (root) કહે છે. ડાબા ફેફસાંની મધ્યવર્તી (મધ્યવક્ષીય) સપાટીમાં હૃદયને સમાવવા માટે અંતર્ગોલિતા (concavity) જોવા મળે છે. તેને હૃદીય અંતર્ગોલિતા (cardiac notch) કહે છે. ડાબા કરતાં જમણું ફેફસું જાડું અને પહોળું છે, પરંતુ તે બાજુનો ઉરોદરપટલ ઊંચો હોવાથી તેની ઊંચાઈ ઓછી હોય છે.
ફેફસાંમાં એક અથવા બે ફાડ અથવા ગર્તિલો (fissures) હોય છે અને તેથી તે 2 અથવા 3 ખંડો(lobes)માં વિભાજિત થાય છે. બંને ફેફસાંમાં એક તિર્યક ગર્તિલ (oblique fissure) છે, જે કરોડના બીજા વક્ષીય (પૃષ્ઠીય) મણકાથી શરૂ થઈને આગળ વક્ષાસ્થિ(sternum)ના નીચલા છેડા સુધી ત્રાંસી રીતે લંબાય છે. જમણા ફેફસામાં બગલના નીચલા ભાગમાંથી વક્ષાસ્થિ તરફ એક આડું અનુપ્રસ્થ (transverse) ગર્તિલ હોય છે તેને સમક્ષિતિજ (horizontal) ગર્તિલ પણ કહે છે. તિર્યક ગર્તિલને કારણે ડાબા ફેફસામાં ઊર્ધ્વ (superior) અને અધ: (inferior) ખંડો બને છે. જમણા ફેફસામાં આ બંને ખંડો ઉપરાંત અનુપ્રસ્થ ગર્તિલને કારણે ઊર્ધ્વખંડમાંથી મધ્યસ્થ (middle) ખંડ પણ બને છે. દરેક ખંડને પોતાની આગવી દ્વૈતીયિક અથવા ખંડીય (lobar) શ્વસનનલિકા હોય છે. તેથી જમણી બાજુ 3 ખંડીય શ્વસનનલિકાઓ (lobar bronchi) હોય છે – ઊર્ધ્વ, મધ્ય અને અધ:. જ્યારે ડાબી બાજુ 2 ખંડીય શ્વસનનલિકા હોય છે : ઊર્ધ્વ અને અધ:. ડાબા ફેફસાંના ઉપલા (ઊર્ધ્વ) ખંડનો નીચલો ભાગ અલગ ખંડ રૂપે હોતો નથી પરંતુ તે અમુક અંશે અલગ પડતો હોવાથી અને તે જીભના જેવા આકારનો હોવાથી તેને જિહ્વાસ્વરૂપી (lingula) કહે છે. દરેક દ્વૈતીયિક અથવા ખંડીય શ્વસનનલિકામાંથી નિશ્ચિત સંખ્યા અને સ્થાન પ્રમાણે (તાર્તીયિક tertiary) અથવા તૃતીય શ્રેણીની શ્વસનનલિકાઓ નીકળે છે જે ફેફસાંની પેશીના ચોક્કસ ભાગમાં હવાની અવરજવર કરાવે છે. ફેફસાંના તે ભાગને શ્વસનનલિકા-ફેફસી વિખંડિકા (broncho-pulmonary segment) કહે છે. ફેફસાંના કેટલાક રોગો આવી વિખંડિકામાં સીમિત હોય છે અને તેમની સારવારમાં જે તે વિખંડિકાને શસ્ત્રક્રિયા વડે દૂર કરવાથી બાકીના ફેફસાંનું કાર્ય ખાસ ગંભીર રીતે બગડતું નથી.
દરેક વિખંડિકા નાની નાની ખંડિકાઓ(lobules)માં વહેંચાયેલી હોય છે. દરેક ખંડિકાને લવચીક સંયોજી પેશી(elastic connective tissue)નું આવરણ હોય છે અને તેમાં લસિકાવાહિની (lymphatic vessel), ધમનિકા (arteriote), લઘુશિરા (venule) અને અંતિમ શ્વસનિકાની એક શાખા હોય છે. અંતિમ (terminal) શ્વસનિકામાંથી સૂક્ષ્મદર્શકીય (microscopic) શાખાઓ નીકળે છે. તેમને સૂક્ષ્મ શ્વસનિકા (respiratory bronchiole) કહે છે. તેમનું પણ વિભાજન થાય છે અને છેલ્લે વાયુપોટા (alveloli) સુધી પહોંચતી સૂક્ષ્મનળીઓને વાયુપોટીય નલિકા (alveolar duct) કહે છે.
દરેક વાયુપોટીય નલિકાની આસપાસ જોડાયેલા ઘણા વાયુપોટાઓ તથા વાયુપુટિકાઓ (alveolar sacs) હોય છે. જ્યારે 2 કે 3 વાયુ-પોટાઓ એક છિદ્રથી વાયુપોટીય નલિકા સાથે જોડાય તો તેમને સંયુક્ત રૂપે વાયુપુટિકા કહે છે. વાયુપોટા ચા પીવાના કપ(cup)ના આકારના હોય છે. તેમની દીવાલમાં અધિચ્છદ (epithelium) અને તેને આધાર આપતી સંયોજી પેશી હોય છે. આમ તેની દીવાલ અધિચ્છદ લાદીસમ ફેફસી અધિચ્છદીય કોષો(squamous pulmonary epithelium cells)ની બનેલી હોય છે. તેમાં વચ્ચે વચ્ચે છૂટાછવાયા પટલકોષો (septal cells) હોય છે. પટલકોષોમાંથી સપાટીસક્રિયક (surfactant) નામનું ફૉસ્ફોલિપિડ દ્રવ્ય નીકળે છે, જે વાયુપોટામાં ઝરેલા પ્રવાહીનું પૃષ્ઠતાણ (surface tension) ઘટાડે છે, જેથી વાયુપોટા ખુલ્લા રહે છે અને તેમાં હવા ભરાઈ શકે છે. વાયુપોટાની દીવાલમાં ધૂલિકોષો (dust cells) હોય છે, જે હવામાં આવેલા રજકણોનું ભક્ષણ (phagocytosis) કરે છે. તેઓને વાયુપોટીય મહાભક્ષી કોષો (alveolar macrophages) પણ કહે છે. વાયુપોટાનું સૌથી બહારનું આવરણ તલીય કલા (basement membrane) છે, જેની ઉપર ધમનિકાઓ અને લઘુશિરાઓ કેશવાહિનીઓની જાળી બનાવે છે. આવી કેશવાહિનીઓની દીવાલમાં ફક્ત એક હરોળી કોષોનું બનેલું અંતછદ (endothelium) અને તલીય કલા હોય છે. આમ વાયુપોટામાંની હવા અને કેશવાહિનીઓમાંના લોહી વચ્ચે બહુ ઓછી અને એકદમ પાતળી જગ્યામાં નહિવત્ દ્રવ્ય અને થોડા કોષોના પાતળા પડ આવેલા હોય છે. વાયુપોટા અને કેશવાહિનીઓની દીવાલો સંયુક્ત રૂપે વાયુપોટા-કેશવાહિનીકલા (alveolar-capillary membrane) બનાવે છે. તેને શ્વસનકલા (respiratory membrane) પણ કહે છે. તેમાં વાયુપોટીય અધિચ્છદ, વાયુપોટા અને કેશવાહિનીઓની એક થયેલી તલીય કલા અને કેશવાહિનીઓનું અંતછદ હોય છે. તેની જાડાઈ 0.5 માઇક્રોમિટર હોય છે અને તે વાયુઓના પારપ્રસરણ (diffusion) માટે ઘણું અનુકૂળ રહે છે. એવું ગણી કઢાયું છે કે ફેફસાંમાં 3,000 લાખ વાયુપોટા હોય છે અને તેથી વાયુઓના પારપ્રસરણ માટે મળતી કુલ સપાટી 70 વર્ગમીટર જેટલી હોય છે.
ફેફસાંમાં બે પ્રકારનું રુધિરાભિસરણ થાય છે હૃદયના જમણા ક્ષેપકમાંથી ફેફસાં તરફ આવતી ફુપ્ફુસીય (ફેફસી) ધમનીઓ (pulmonary artery) અને તેની શાખાઓ જે વાયુપોટાઓની આસપાસ કેશવાહિનીઓની જાળી કરીને વાયુઓના વિનિમયમાં ભાગ લે છે અને ફુપ્ફુસીય (ફેફસી) શિરાઓ (pulmonary veins), જે હૃદયના ડાબા કર્ણકમાં લોહી પાછું લાવે છે. આને ફુપ્ફુસીય (ફેફસી) રુધિરાભિસરણ (pulmonary circulation) કહે છે. તેમાં ધમનીમાં અશુદ્ધ એટલે કે અંગારવાયુની અધિકતાવાળું લોહી અને શિરામાં ‘શુદ્ધ’ એટલે કે ઑક્સિજનની અધિકતાવાળું લોહી હોય છે. આ ઉપરાંત બહુતંત્રીય (systemic) અથવા આખા શરીરમાં ઑક્સિજન પહોંચાડતું રુધિરાભિસરણ શ્વાસનળી, શ્વસનનલિકાઓ અને ફેફસાંને પણ ‘શુદ્ધ’ લોહી પહોંચાડતી ધમનીઓ અને ‘અશુદ્ધ’ લોહી લઈ જતી શિરાઓ ધરાવે છે. આ પ્રકારના રુધિરાભિસરણને શ્વસનતંત્રીય રુધિરાભિસરણ (bronchial circulation) કહે છે. ફેફસાંમાં ફેફસી રુધિરાભિસરણ અને શ્વસનતંત્રીય રુધિરાભિસરણ વચ્ચે કોઈ સંબંધ કે જોડાણ હોતું નથી.
શ્વસનક્રિયા (respiration) : શ્વસનક્રિયાનો મુખ્ય હેતુ શરીરના કોષોને ઑક્સિજન પહોંચાડવાનો અને કાર્બનડાયૉક્સાઇડને બહાર કાઢવાનો છે તે માટે 3 પ્રક્રિયાઓ કરાય છે – ફેફસી વાતાયન (pulmonary ventilation), બાહ્ય શ્વસન (external respiration) અને આંતરિક શ્વસન (internal respiration).
ફેફ્સી (ફુપ્ફુસીય) વાતાયન : તેને શ્વાસોચ્છ્વાસની ક્રિયા (breathing) પણ કહે છે. આ ક્રિયા દ્વારા વાતાવરણમાંની હવાના વાયુઓ અને ફેફસાંના વાયુપોટાની હવાના વાયુઓનો વિનિમય થાય છે. આ માટે ફેફસાંની અંદર બદલાતું જતું દબાણ કારણરૂપ છે. શ્વાસ અંદર લેવાય છે ત્યારે બહારના વાતાવરણ કરતાં ફેફસાંમાં દબાણ ઘટેલું હોય છે અને ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળતી હવા વખતે ફેફસાંમાં દબાણ વધુ હોય છે તેથી ફેફસાંમાં વધતા-ઘટતા દબાણની યંત્રક્રિયાઓ (mechanics) સમજવી જરૂરી બને છે.
અંત:શ્વાસ (inspiration) અથવા અંત:શ્વસન (inhalation) : શ્વાસ દ્વારા હવાને અંદર લેવાની ક્રિયાને અંત:શ્વાસ કહે છે. અંત:શ્વાસ શરૂ થાય તે પહેલાંની ક્ષણે બહારના વાતાવરણનું દબાણ અને ફેફસાંમાંનું દબાણ સરખું હોય છે (750 મિમિ. પારો). ફેફસાંમાં હવાનું દબાણ ઘટાડવા તેનું કદ મોટું કરાય છે અને તે માટે ઉરોદરપટલ અને બાહ્ય આંતરપર્શુકા (intercostal) સ્નાયુઓ સંકોચાય છે. તેને કારણે ઉરોદરપટલ જે ઉપર તરફ ઊપસેલો હોય છે તે લગભગ સપાટ થવા જાય છે અને પાંસળીઓ ઉપર ઊંચકાય છે તથા વક્ષાસ્થિ (sternum) આગળ તરફ ધકેલાય છે. આમાં છાતી ઉપર-નીચે, આગળ-પાછળ તથા બંને બાજુએ પહોળી થાય છે. સામાન્ય શાંત શ્વાસોચ્છ્વાસની ક્રિયાને સુશ્વસન (eupnoea) કહે છે. તે હળવું કે ઊંડું શ્વસન હોઈ શકે. હળવા શ્વસનમાં છાતી ઉપર-નીચે થાય છે અને તે આંતરપર્શુકા સ્નાયુઓનાં સંકોચન-શિથિલનને કારણે થાય છે. તેને પર્શુકીય શ્વસન (costal breathing) કહે છે. ઊંડું શ્વસન કરવામાં આવે ત્યારે ઉરોદરપટલનું સંકોચન-શિથિલન વધુ મહત્વનું બને છે. તે સમયે પેટ ફૂલે છે. તેને ઉરોદરપટલીય શ્વસન (diaphragmatic breathing) કહે છે. બંને પ્રકારનાં શ્વસનમાં ઉરોદરીય સ્નાયુ અને આંતરપર્શુકા સ્નાયુઓનું વધતાઓછા પ્રમાણમાં સંકોચન – શિથિલન થતું હોય છે; પરંતુ પર્શુકીય શ્વસનમાં છાતીનું હલનચલન તો ઉરોદરીય શ્વસનમાં પેટના ફૂલવા-બેસવાનું હલનચલન વધુ દેખાય છે. તેથી તેમને અનુક્રમે વક્ષોદરીય શ્વસન (thoracoabdominal respiration) અને ઉદરવક્ષીય શ્વસન (abdominothoracic respiration) કહે છે. જ્યારે જોરથી ઊંડું અંત:શ્વસન કરવામાં આવે ત્યારે વધારાના સ્નાયુઓ પણ સક્રિય થાય છે અને તેઓ છાતીને વધુ ફુલાવે છે; દા.ત., ગળાના આગળના ભાગમાં આવેલા વક્ષાસ્થિ-કર્ણમૂલ સ્નાયુ(sternomastoid muscle)નું સંકોચન વક્ષાસ્થિને ઉપરની તરફ ખેંચે છે; જ્યારે વિષમભુજ(scalene)ની સ્નાયુઓ ઉપરની પાંસળીઓ(પર્શુકાઓ)ને ઉપર તરફ ખેંચે છે. અંત:શ્વસન એક સક્રિય ક્રિયા છે; કેમ કે, તેમાં સ્નાયુઓનું સંકોચન કરાય છે.
સુશ્વસન સમયે પરિફેફસીકલાના બંને પડ વચ્ચેનું દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય છે. તેને પરિફેફસી કલાંત: (interapleural) અથવા વક્ષાંત: (intrathoracic) દબાણમાં થતો ઘટાડો કહે છે. ખાંસી ખાતી વખતે અથવા સંડાસ માટે જોર કરતી વખતે તેમાં દબાણ વધે છે.
ઉચ્છ્વાસ (expiration) અથવા બહિ:શ્વસન (exhalation) : અંત:શ્વસનના સ્નાયુઓ શિથિલ થવા માંડે એટલે ઉચ્છ્વાસ શરૂ થાય છે. તે અસક્રિય (passive) ક્રિયા છે. પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓ શિથિલ થાય એટલે પાંસળીઓ નીચે ઊતરે છે. ઉરોદર સ્નાયુ શિથિલ થાય એટલે તે ઊંચે ચડીને મૂળ સ્થાને પહોંચે છે. આ સમયે છાતીની અંદરનું દબાણ વધે છે. તે સમયે તણાવ જતો રહેવાથી ફેફસાંમાંની લવચીક સંયોજી પેશી પણ મૂળ સ્વરૂપે આવે છે અને આમ તેના પણ તણાવાથી જે લાંબા થયા હોય તે તંતુઓ મૂળ કદના બને છે. જો ઉચ્છ્વાસમાં કોઈ અવરોધ હોય તો અંતરાંતરપર્શુકા સ્નાયુઓ (internal intercostal muscles) સંકોચાય છે અને પાંસળીઓ નીચે તરફ ખસે છે. આવા સમયે ઉચ્છ્વાસની ક્રિયા સક્રિય સ્વરૂપની હોય છે.
સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા વખતે પરિફેફસીગુહામાંનું દબાણ વાતાવરણમાં હવાના દબાણ કરતાં ઓછું રહે છે. તે તથા વાયુપોટાના પોલાણની સપાટી પર આવેલું સપાટી-સક્રિયક (surfactant) નામનું પ્રવાહી ઉચ્છ્વાસની ક્રિયામાં લવચીક સંયોજી પેશીના તાંતણા નાના થવાથી વાયુપોટા બંધ થઈ જતા અટકાવે છે.
ફેફસાં અને છાતીની દીવાલ જેટલી સહેલાઈથી પહોળાં થઈ શકે તેને તેમની અનુશીલતા (compliance) કહે છે. ફેફસાંની પેશીની વધુ લવચીકતા (elasticity) અને/અથવા ઓછી પૃષ્ઠતાણ તેમની અનુશીલતા વધારે છે. ઈજાગ્રસ્ત ફેફસાંમાં રૂઝ આવે ત્યારે તંતુપેશી બને તો પેશીની લવચીકતા ઘટે છે અને સપાટી-સક્રિયકનું પ્રમાણ પણ ઘટે છે અને તેથી ફેફસાંની અનુશીલતા ઘટે છે. તેને કારણે અંત:શ્વસન સમયે ફેફસાં અને છાતીના ફૂલવામાં અવરોધ સર્જાય છે.
શ્વસનમાર્ગ–અવરોધ (airway resistance) : હવાના સામાન્ય આવાગમન પ્રત્યે શ્વસનનલિકાઓ અને શ્વસનિકાઓ અમુક અંશે અવરોધ સર્જે છે. જ્યારે અંત:શ્વસન થતું હોય ત્યારે આખું ફેફસું પહોળું થતું હોવાથી અવરોધ ઘટે છે, પરંતુ જો શ્વસનમાર્ગમાં અટકાવ અથવા રોધ (obstruction) કરે તેવો કોઈ વિકાર થયો હોય (દા.ત., ગાંઠ, બાહ્ય પદાર્થ વગેરે) તો અંત:શ્વસન વખતે પણ અવરોધ થાય છે. ખાંસી ખાતી વખતે, જોર કરતી વખતે, રમતી વખતે કે કોઈ વાત વાદ્ય (windinstrument) વગાડતી વખતે (દા.ત., વાંસળી) છાતીની અંદર દબાણ વધે છે અને તે સમયે શ્વસનમાર્ગ દબાય છે અને અવરોધ વધે છે. દીર્ઘકાલી અવરોધજન્ય ફેફસી રોગ(chronic obstructive pulmonary disease – ‘COPD’)ના દર્દીમાં સામાન્ય બેઠેલી સ્થિતિમાં પણ ઉચ્છ્વાસ પ્રતિ અવરોધ વધેલો હોય છે.
શ્વસનલક્ષી વિવિધ વિશિષ્ટ સંચલનો : હસવું, બગાસું ખાવું, છીંક આવવી, હેડકી આવવી, નિ:શ્વાસ મૂકવો (sighing), રડવું કે ડૂસકાં ભરવાં જેવી ક્રિયાઓ એક પ્રકારે શ્વસનલક્ષી સંચલનો છે. ઉધરસ, અંતરાશ વગેરે બાહ્ય પદાર્થ ખોટે માર્ગે ગયો હોય તો તેને દૂર કરવા માટે થાય છે. આ બધી આમ તો શ્વસનતંત્રીય ચેતાપરાવર્તી ક્રિયાઓ (reflex action) છે, પરંતુ તેમને સ્વેચ્છાએ પણ શરૂ કરી શકાય છે. બોલવાની, ગાવાની કે અન્ય પ્રકારના અવાજો કરવાની ક્રિયાઓ પણ વિશિષ્ટ શ્વસનલક્ષી સંચલનો જ છે.
ફેફસી વાત–કદ અને વાતાયન–ક્ષમતા (pulmonary air volumes and capacities) : નિદાન-ચિકિત્સા(clinical)કાર્યોમાં શ્વસનક્રિયા એટલે એક અંત:શ્વસન (શ્વાસ) અને એક બહિ:શ્વસન (ઉચ્છ્વાસ). તંદુરસ્ત પુખ્ત વયની વ્યક્તિ આરામની સ્થિતિમાં દર મિનિટે 12 વખતે શ્વસનક્રિયા કરે છે. તેમાં ચોક્કસ પ્રમાણમાં વાયુઓનો વિનિમય થાય છે. જો તે વિનિમય ઓછો થાય તો તે ફેફસાંનું ઘટેલું કાર્ય ગણાય છે.
શ્વસનમાપન (spirometry) : શ્વસનક્રિયામાં આવાગમન પામતી હવાનું કદ તથા વાતાયનનો દર જાણવા માટે શ્વસનમાપક (spirometer અથવા respirometer) વપરાય છે. તેમાં પાણી ભરેલા નળાકારમાં એક ઊંધો ડુબાડેલો વજનવાળો નળાકાર ગોઠવેલો હોય છે. આ ઊંધા નળાકારમાં હવા અથવા પ્રાણવાયુ ભરેલો હોય છે. હવા ભરેલા આ ઊંધા નળાકાર સાથે એક નળી જોડેલી હોય છે, જેના વડે વ્યક્તિ શ્વાસોચ્છ્વાસ કરે છે. જ્યારે વ્યક્તિ શ્વાસ અંદર લે છે ત્યારે ઊંધા નળાકારમાં હવા ઘટે છે અને તે નીચે ખસે છે. તેને માપકયંત્રના ગોળ ફરતા નળાકાર સાથે જોડેલા કાંટાના હલનચલન વડે માપી શકાય છે. ઉચ્છ્વાસમાં ઊંધા નળાકારમાં હવા ઉમેરાય છે, તે ઊંચો જાય છે અને તેથી તેની સાથે જોડાયેલો કાંટો પણ ખસે છે : શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરતાં રહેવામાં આવે તો કાંટો ઉપર-નીચે ખસીને ગોળ ફરતા નળાકાર પર એક પ્રકારે આલેખ દોરે છે. તેને શ્વસનાલેખ (spirogram) કહે છે.
ફેફસી–કદ (pulmonary volume) : સામાન્ય શ્વસનક્રિયામાં દર અંત:શ્વસન સાથે 500 મિલિ. હવા અંદર જાય છે અને તેટલી જ હવા બહિ:શ્વસન વખતે બહાર આવે છે. આવી રીતે શ્વાસમાં લેવાયેલી કે ઉચ્છ્વાસ સાથે બહાર આવતી હવાના કદને આવાગમની કદ (tidal volume) કહે છે. આમાંથી ફક્ત 350 મિલિ. હવા વાયુપોટા સુધી પહોંચે છે, જ્યારે 150 મિલિ. હવા નાક, ગળું, સ્વરપેટી, શ્વાસનળી તથા શ્વસનનલિકામાં રહે છે. તેને નિરુપયોગી હવાનું કદ (dead space air volume) કહે છે. એક મિનિટમાં શ્વાસમાં લેવાયેલી હવાના કદને શ્વસનનું મિનિટ-કદ (minute volume of respiration) કહે છે. તેને ગણી કાઢવા આવાગમની કદને શ્વસનદર વડે ગુણવામાં આવે છે. સામાન્ય રીતે દર મિનિટે 12 શ્વસનના દરે 500 મિલિ.નું આવાગમની કદ હોય તો મિનિટ-કદ 6000 મિલિ/મિનિટ હોય છે. ઊંડો શ્વાસ લેવામાં આવે ત્યારે 500 મિલિ.થી વધુ હવાનું અંત:શ્વસન થાય છે. તે હવાના કદને અંત:શ્વાસ આરક્ષિત કદ (inspiratory reserve volume) કહે છે. સામાન્ય રીતે તે 3100 મિલિ. હોય છે. તેવી રીતે પૂરેપૂરું બહિ:શ્વસન કરતી વખતે બહાર નીકળતી હવાના કદને ઉચ્છ્વાસ-આરક્ષિત કદ (expiratory reserve volume) કહે છે. સામાન્ય રીતે 1200 મિલિ. હોય છે. ફેફસાંમાંથી શક્ય હોય એ બધી જ હવા બહાર કાઢી નાંખ્યા પછી જેટલી હવા ફેફસાંમાં રહી જાય તેને અવશિષ્ટ કદ (residual volume) કહે છે. તે આશરે 1200 મિલિ. હોય છે. જો પરિફેફસી ગુહામાં કાપો મૂકીને તેમાંનું દબાણ વાતાવરણના દબાણ જેટલું કરી નંખાય તે પછી પણ ફેફસાંમાં જે કંઈ હવા રહે તેને ન્યૂનતમ કદ (minimal volume) કહે છે. તેની મદદથી અવતરેલું શિશુ અવતરતાં પૂર્વે મૃત હતું કે અવતર્યા પછી મૃત પામ્યું તે જાણી શકાય છે.
ફેફસી વાતાયનક્ષમતાઓ (pulmonary capacities) : વિવિધ પ્રકારનાં ફેફસી-કદ માપીને ફેફસાંની વાતાયનક્ષમતા ગણી કઢાય છે; જેમ કે આવાગમની કદ વત્તા અંત:શ્વાસ આરક્ષિત કદ એટલે અંત:શ્વાસ વાતાયનક્ષમતા. તે 3600 મિલિ. જેવડી હોય છે. અવશિષ્ટ કદ વત્તા ઉચ્છ્વાસ-આરક્ષિત કદ એટલે ક્રિયાશીલ અવશિષ્ટ વાતાયનક્ષમતા (functional residual capacity). તે 2400 મિલિ. હોય છે. આવાગમની કદ તથા અંત:શ્વાસ અને ઉચ્છ્વાસ-આરક્ષિત કદના સરવાળાને શ્વસનીય વાતાયનક્ષમતા (vital capacity) કહે છે અને તે 4800 મિલિ. હોય છે. તેમાં જો અવશિષ્ટ કદ ઉમેરવામાં આવે તો તેને પૂર્ણ ફેફસી વાતાયનક્ષમતા (total lung capacity) કહે છે. તે 6000 મિલિ. હોય છે.
શ્વાસોચ્છ્વાસમાંની હવાનું કદ તથા ફેફસાંની વાતાયનક્ષમતા જાણવાથી ફેફસાં કેટલું સારું કામ કરી રહ્યાં છે તે જાણી શકાય છે. દમ તથા COPD જેવા રોગોમાં નિદાન માટે, રોગની તીવ્રતા જાણવા માટે તથા દવાની અસર જાણવા માટે શ્વસનમાપનનો ઉપયોગ કરાય છે. વાતસ્ફિતિ(emphysema)ના રોગમાં વાયુપોટા પહોળા થાય છે. તેથી તે બહિ:શ્વસન સમયે પૂરેપૂરા મૂળ સ્થિતિમાં આવતા નથી. તેને કારણે ઉચ્છ્વાસ-આરક્ષિત કદ ઘટે છે અને અવશિષ્ટ કદ વધે છે. ફેફસાંમાં પ્રવાહી ભરાય, ચેપ લાગે કે ગાંઠ થાય તો તે ફેફસાંની શ્વસનીય વાતાયનક્ષમતા ઘટાડે છે.
વાતવિનિમય (exchange of gases) : ફેફસાંમાં હવા આવે એટલે વાયુપોટામાંથી ઑક્સિજન લોહીમાં પારપ્રસરણ (diffusion) પામે છે. તે સમયે કાર્બનડાયૉક્સાઇડ પણ લોહીમાંથી વાયુપોટાઓમાં પારપ્રસરણ પામે છે. આ રીતે વાયુઓનો વિનિમય થાય છે. આ ક્રિયાનું નિયંત્રણ કરતા કેટલાક નિયમો છે – ચાર્લ્સનો નિયમ, ડાલ્ટનનો નિયમ, હેન્રીનો નિયમ વગેરે. ચાર્લ્સનો નિયમ દર્શાવે છે કે જો દબાણ સમાન રહે તો વાયુનું કદ તેના તાપમાન પર આધારિત છે. ડાલ્ટનનો નિયમ દર્શાવે છે કે વાયુઓના મિશ્રણમાં દરેક વાયુ પોતાનું આગવું આંશિક દબાણ અથવા આંશિક પ્રદમ (partial pressure) ધરાવે છે. બધા વાયુઓના આંશિક દબાણનો સરવાળો તે વાયુમિશ્રણનું કુલ દબાણ દર્શાવે છે. પેશીના કોષો, લોહી, વાયુપોટા અને હવામાં ઑક્સિજન, કાર્બનડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન વાયુઓનાં આંશિક દબાણો પ્રમાણે વધુ દબાણથી ઓછા દબાણ તરફ જે તે વાયુનું પારપ્રસરણ થાય છે. આ ચારેય મિશ્રણોમાં વાયુઓના આંશિક દબાણને સારણી 1માં દર્શાવ્યાં છે. સારણી 2માં તેમનાં શ્વાસોચ્છ્વાસ તથા વાયુપોટાની હવામાંની ટકાવારી દર્શાવી છે.
સારણી 1 : વાયુઓનું આંશિક દબાણ (એકમ–પારાના મિમિ)
આંશિક દબાણ | વાતાવરણીય હવા | વાયુપોટી હવા | અશુદ્ધ લોહી | શુદ્ધ લોહી | પેશીકોષો |
pO2* | 160 (21 %) | 105 | 40 | 105 | 40 |
pCO2* | 0.3 | 40 | 45 | 40 | 45 |
PN2* | 597 | 569 | 569 | 569 | 569 |
* ઑક્સિજન, કાર્બનડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ
સારણી 2 : વિવિધ વાયુઓની ટકાવારી
વાયુ | અંત:શ્વાસની હવા | વાયુપોટાની હવા | ઉચ્છ્વાસની હવા |
ઑક્સિજન | 21 | 14 | 16 |
કાર્બનડાયૉક્સાઇડ | 0.04 | 5.50 | 4.5 |
હેન્રીનો નિયમ સૂચવે છે કે કોઈ પણ વાયુ તેના આંશિક દબાણ અને દ્રાવણશીલતાના સહસૂચકાંક(solubility coefficient)ના સમપ્રમાણે પ્રવાહીમાં ઓગળે છે. આ નિયમને આધારે વાયુઓ કોષમાંના તથા કોષ બહારના પ્રવાહીમાં અને લોહીમાં ઓગળે છે. તેથી વ્યક્તિ દરિયાની ઊંડાઈથી એકદમ ઝડપથી સપાટી પર આવે તો લોહીમાં ઓગળેલા વાયુઓ પરપોટારૂપે છૂટા પડે છે અને લોહીની નસોમાં રોધ (obstruction) પેદા કરે છે.
બાહ્ય શ્વસન (external respiration) : ફેફસાંના વાયુપોટામાંની હવા અને ફેફસાંમાંની કેશવાહિનીઓમાંના લોહી વચ્ચે વાયુઓની આપ-લેને વાતવિનિમય કહે છે. તે હૃદયમાંથી આવતા ઑક્સિજનરહિત (અશુદ્ધ) લોહીને ઑક્સિજનયુક્ત (શુદ્ધ) કરે છે. અશુદ્ધ લોહીમાં કાર્બનડાયૉક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે શુદ્ધ લોહીમાં તે ઘટે છે. સારણી 1 અને 2માં વાયુઓનાં આંશિક દબાણ અને ટકાવારી દર્શાવ્યાં છે.
બાહ્ય શ્વસનને અસર કરતાં કેટલાંક પરિબળો છે; જેમ કે, હવામાં ઑક્સિજનનું પ્રમાણ, હવાનું દબાણ, શ્વસનદર, શ્વસનમાર્ગમાં રોધ કે અવરોધ, શ્વસનલક્ષી કે શ્વસનસહાયક સ્નાયુઓની બલશીલતા (power), સક્રિય વાયુપોટાઓની સંખ્યા, વાયુપોટાઓનું કદ, વાયુપોટા-કેશવાહિનીઓની કલાઓની જાડાઈ વગેરે. વાયુપોટાની સંખ્યા, કદ અને તેમની કલાની જાડાઈ વાયુઓના પારપ્રસરણને સીધી અસર કરે છે; જ્યારે અન્ય પરિબળો કેટલા વાયુપોટામાં કેટલી હવા પહોંચશે તે નક્કી કરે છે. જો પૂરતી સંખ્યામાં સામાન્ય વાયુપોટા હોય અને વાયુપોટા-કેશવાહિની કલાઓની જાડાઈ 0.5 માઇક્રોમિટર કે ઓછી હોય તો સામાન્ય રીતનું (અવિષમ પ્રકારનું) પારપ્રસરણ થાય છે અને તે રીતે સામાન્ય વાતવિનિમય થાય છે. વાયુપોટાની સંખ્યા આવા વિનિમય માટે કેટલી સપાટી ઉપલબ્ધ છે તે દર્શાવે છે. સામાન્ય રીતે તે 70 વર્ગમીટર હોય છે. તેની પરની કેશવાહિનીઓની જાળીમાં 900 મિલિ. લોહી હોય છે, જે વાતવિનિમયમાં ભાગ લે છે. જો ફેફસાંના વાયુપોટાને અસર કરતો રોગ થયો હોય તો વાતવિનિમય માટેની સપાટી ઘટે છે. તેવી રીતે દવાઓ કે રોગને કારણે શ્વસનદર ઘટે તો દર મિનિટે થતા વાતવિનિમયમાં પણ ઘટાડો થાય છે.
આંતરિક શ્વસન (internal respiration) : ઑક્સિજનયુક્ત (શુદ્ધ) લોહી હૃદય અને ધમનીઓ દ્વારા શરીરની પેશીઓ સુધી પહોંચે છે. પેશીઓમાં કોષો તથા લોહીની વચ્ચે ઑક્સિજન અને કાર્બન-ડાયૉક્સાઇડનો વિનિમય થાય છે. તેથી ઑક્સિજનયુક્ત લોહી ઑક્સિજનરહિત (અશુદ્ધ) લોહી બને છે જે હૃદય દ્વારા ફરીથી ફેફસાંમાં જાય છે જ્યાં બાહ્ય શ્વસન થાય છે. પેશીઓમાં પહોંચતા લોહીમાંના ઑક્સિજન અને કાર્બનડાયૉક્સાઇડનાં આંશિક દબાણો અને કોષોમાંના તથા તેમની આસપાસના પ્રવાહી(આંતરકોષીય જલ, extra cellular fluid)માં તે બંને વાયુઓનાં આંશિક દબાણો વચ્ચે તફાવત છે (સારણી 1). તેથી વધુ દબાણથી ઓછા દબાણ તરફ વાયુઓનું પારપ્રસરણ થાય છે. આમ કોષો સુધી ઑક્સિજન પહોંચે છે અને કાર્બનડાયૉક્સાઇડ કોષોમાંથી લોહીમાં પ્રવેશે છે. આ પ્રક્રિયાને આંતરિક શ્વસન કહે છે.
શ્વસનીય વાયુઓનું વહન (transport of respiratory gases) : ફેફસાં અને પેશીમાંના કોષો વચ્ચે શ્વસનીય વાયુઓ(ઑક્સિજન અને કાર્બનડાયૉક્સાઇડ)નું વહન લોહી કરે છે. લોહીમાંનો તેમનો પ્રવેશ, લોહી દ્વારા વહન અને લોહીમાંથી તેમનું વિમોચન જુદાં જુદાં પરિબળોને આધીન છે.
ઑક્સિજન (પ્રાણવાયુ) : સામાન્ય સંજોગોમાં દર 100 મિલિ. શુદ્ધ લોહીમાં 20 મિલિ. ઑક્સિજન હોય છે. તે પાણીમાં ઓગળતો નથી માટે તે દ્રાવ્ય સ્થિતિમાં બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે (3 %). બાકીનો (97 %) ઑક્સિજન હીમોગ્લોબિન નામના રક્તકોષોમાંના વર્ણકદ્રવ્ય (pigment) સાથે જોડાયેલો હોય છે. હીમોગ્લોબિનના અણુમાં હિમના અણુઓ હોય છે. તે ઑક્સિજન જોડે જોડાય છે. તેમને સાંકેતિક રીતે (Hb + O2 HBO2) દર્શાવાય છે. તેમાં Hb એ ઑક્સિજન-રહિત હીમોગ્લોબિન છે, O2 ઑક્સિજનનું સૂત્ર છે અને HbO2 ઑક્સિજનયુક્ત હીમોગ્લોબિન સૂચવે છે. હીમોગ્લોબિન સાથે ઑક્સિજનના જોડાવાનું પ્રમાણ તેના આંશિક દબાણ પર આધારિત છે; તેથી જ્યારે તે વધુ હોય ત્યારે HbO2 (સંતૃપ્ત અથવા saturated હીમોગ્લોબિન)નું પ્રમાણ વધે છે અને જ્યારે તે ઘટે છે ત્યારે ઑક્સિજન છૂટો પડવાથી Hb(ઑક્સિજનરહિત હીમોગ્લોબિન)નું પ્રમાણ વધે છે.
આંશિક દબાણ ઉપરાંત લોહીની અમ્લતા (pH મૂલ્ય), તાપમાન તથા રક્તકોષોમાં રહેલા 2, 3 ડાયફૉસ્ફોગ્લિસરેટ(DPG)ની હાજરી વગેરે વિવિધ અન્ય પરિબળો પણ હીમોગ્લોબિન અને ઑક્સિજન વચ્ચેના જોડાણ તથા વિમોચનને અસર કરે છે. પેશીમાં જ્યારે કાર્બનડાયૉક્સાઇડનું પ્રમાણ વધે છે ત્યારે તે લોહીમાં પારપ્રસરણ પામે છે. કાર્બોનિક એન્હાઇડ્રેઝ નામના ઉત્સેચક(enzyme)ની હાજરીમાં તેમાંથી કાર્બોનિક ઍસિડ નામનો એક મંદ અમ્લ (acid) બને છે અને તેથી pH મૂલ્ય ઘટે છે. બ્હૉર (Bohr) અસરને કારણે હીમોગ્લોબિનમાંથી ઑક્સિજન છૂટો પડે છે. તેવી રીતે અમુક અંશ સુધી તાપમાન વધવાથી પણ ઑક્સિજન છૂટો પડવાનું પ્રમાણ વધે છે. સક્રિય કોષો અમ્લ (acid) અને ગરમીને ઉત્પાદન કરે છે અને તેથી તેમની પાસે વહેતા લોહીમાંથી ઑક્સિજન વધુ પ્રમાણમાં છૂટો પડે છે. રક્તકોષોમાં કાર્બોહાઇડ્રેટોનું દહન થાય ત્યારે મધ્યાંતર્વર્તી(intermediate) દ્રવ્ય તરીકે 2,3 DPG બને છે. તે પણ ઑક્સિજનનું વિમોચન વધારે છે. આમ વિવિધ પરિબળોને કારણે પેશીમાં પહોંચેલું લોહી ઑક્સિજન છૂટો કરીને કોષોને આપે છે.
કાર્બનડાયૉક્સાઇડ (અંગારવાયુ) : સામાન્ય આરામની સ્થિતિમાં દર 100 મિલિ. લોહીમાં 4 મિલિ. કાર્બનડાયૉક્સાઇડ હોય છે. લોહીમાં કાર્બનડાયૉક્સાઇડ વિવિધ સ્વરૂપે વહન પામે છે. આશરે 7 % જેટલા પ્રમાણમાં તે લોહીના પ્રરસ(plasma)માં ઓગળેલો (દ્રાવ્ય) હોય છે. તે ફેફસાંમાં પહોંચે એટલે ઝડપથી પારપ્રસરણ પામે છે. તેના 23 % જેટલું પ્રમાણ હીમોગ્લોબિન જોડે જોડાઈને કાર્બિનૉહીમોગ્લોબિન (HbNHCOOH) બનાવે છે (Hb + CO2 HbNHCOOH). Hb અને CO2નું જોડાણ અને વિમોચન કાર્બનડાયૉક્સાઇડના આંશિક દબાણ (pCO2) પર આધારિત છે અને તેથી પેશીમાં તેમનું જોડાણ વધુ હોય છે અને ફેફસાંમાં તેમના છૂટા પડવાનું પ્રમાણ વધુ રહે છે. આશરે 7 % કાર્બનડાયૉક્સાઇડ રુધિરપ્રરસ(blood plasma)માં બાયકાર્બોનેટ આયનો (HCO3)ના સ્વરૂપે વહન કરે છે. આ સ્થિતિ નીચેની રાસાયણિક પ્રક્રિયાને કારણે સંભવે છે :
તેમાંથી H+ હીમોગ્લોબિન સાથે સંયોજાય છે, પ્રરસમાંના સોડિયમ (Na) સાથે સંયોજાઈને NaHCO3 કરે છે. જ્યારે તેની સામે ક્લોરાઇડ આયન (Cl−) રક્તકોષમાં પ્રવેશીને પોટૅશિયમ આયન (K+) સાથે સંયોજાય છે. આને ક્લોરાઇડ શિફ્ટ કહે છે. આ પ્રક્રિયાને કારણે CO2 ના સ્વરૂપે વહન થાય છે.
પેશીના કોષોમાંથી પારપ્રસરણ દ્વારા કાર્બનડાયૉક્સાઇડ લોહીમાં પ્રવેશે છે, જેમાંથી 7 % રુધિરપ્રરસમાં ઓગળીને તથા 70 % રુધિર પ્રરસમાં આયન તરીકે વહન પામે છે, જ્યારે 23 % રક્તકોષોમાં પ્રવેશીને કાર્બિનૉહીમોગ્લોબિન બનાવીને વહન કરે છે.
ફેફસાંમાં લોહી પહોંચે ત્યારે દ્રાવ્ય CO2 સીધા પારપ્રસરણથી વાયુપોટામાં પ્રવેશે છે. અન્ય પ્રકારે વહન પામીને આવેલાં દ્રવ્યો અને કાર્બિનૉહીમોગ્લોબિન અગાઉ કરતાં ઊંધી દિશાની પ્રક્રિયા કરીને CO2ને મુક્ત કરે છે. રુધિરપ્રરસમાંનો CO2 પારપ્રસરણ પામીને વાયુપોટાની હવામાં પ્રવેશે છે. હીમોગ્લોબિનના ગ્લોબિન ભાગ સાથે જોડાયેલો CO2 છૂટો પડીને પારપ્રસરણથી વાયુપોટામાં પ્રવેશે છે. ફેફસાંમાં પરિભ્રમણ કરતા રક્તકોષોનું હીમોગ્લોબિન ઑક્સિજન પ્રાપ્ત કરે તેમ તેમ તે H+ને છેડે છે જેની સાથે સંયોજાવા રુધિરપ્રરસમાંથી રક્તકોષોમાં પ્રવેશે અને સામે KClમાંથી છૂટા પડીને Cl રક્તકોષોમાંથી રુધિરપ્રરસમાં જાય છે. રક્તકોષોમાં H+ અને સંયોજાઈને H2CO3 કરે છે. અહીં pCO2 (કાર્બન-ડાયૉક્સાઇડનું આંશિક દબાણ) ઓછું હોવાથી તેમાંથી H2O (પાણી) અને CO2 (કાર્બનડાયૉક્સાઇડ) છૂટા પડે છે. કાર્બનડાયૉક્સાઇડ પારપ્રસરણ પામીને વાયુપોટાની હવામાં જાય છે. વાયુપોટાની હવામાં આવેલો CO2 ઉચ્છ્વાસ દ્વારા શરીરની બહાર જાય છે.
પેશીમાં જ્યાં કાર્બનડાયૉક્સાઇડ(CO2)નું આંશિક દબાણ (pCO2) વધુ હોય છે ત્યાં તે કાર્બોનિક એન્હાઇડ્રેઝ નામના ઉત્સેચકની હાજરીમાં પાણી (H2O) સાથે સંયોજાઈને H2CO3 બનાવે છે. ફેફસાંમાં પહોંચેલા લોહીમાં pCO2 ક્રમશ: ઘટે છે માટે તે જ ઉત્સેચક ઊંધી દિશામાં ઉદ્દીપક (catalyst) તરીકે કાર્ય કરીને H2CO3માંથી પાણી અને કાર્બનડાયૉક્સાઇડ છૂટો પાડે છે.
શ્વસનક્રિયાનું નિયંત્રણ : શ્વસનક્રિયાનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રો લંબમજ્જા (medulla) અને મજ્જાસેતુ(pons)માં આવેલા છે. લંબમજ્જા અને મજ્જાસેતુ મોટા મગજની નીચે, નાના મગજની આગળ આવેલા મસ્તિષ્ક-પ્રકાંડ(brain stem)ના ભાગો છે. મસ્તિષ્ક-પ્રકાંડમાંનો લંબમજ્જા નીચે કરોડરજ્જુ સાથે સીધેસીધો જોડાયેલો છે. તેમાં આવેલાં ચેતાકેન્દ્રો શ્વસનક્રિયાની લયગતિ(rhythm)નું નિયમન કરે છે. લંબમજ્જા અને મજ્જાસેતુમાં આવેલા સૂક્ષ્મજાલીય વિસ્તાર(reticular formation)માં 3 ક્રિયાશીલતાની દૃષ્ટિએ અલગ પડતા વિસ્તારો આવેલા છે. તે છે : (1) લંબમજ્જામાં લયગતિ-નિયંત્રક વિસ્તાર (rhythmicity area), (2) મજ્જાસેતુમાં આવેલો લયગતિબદ્ધક વિસ્તાર (pneumotaxic area) અને (3) મજ્જાસેતુમાં આવેલો લયગતિ પ્રતિનિયંત્રક (apneustic) વિસ્તાર. આ ત્રણેય વિસ્તારોને સંયુક્ત રૂપે શ્વસનકેન્દ્ર (respiratory system) કહે છે.
લયગતિ-નિયંત્રક વિસ્તાર મજ્જાસેતુમાં આવેલો છે. તે શ્વસનની મૂળ લયગતિને જાળવે છે. સામાન્ય આરામની સ્થિતિમાં અંત:શ્વસન 2 સેકન્ડ અને બહિ:શ્વસન 3 સેકન્ડ ચાલે છે. બહિ:શ્વસન (ઉચ્છ્વાસ) ચાલે ત્યારે અંત:શ્વસન બંધ રહે છે, પણ 3 સેકન્ડે અચાનક અને આપોઆપ તે શરૂ થાય છે. આવું થવાનું કારણ લયગતિ-નિયંત્રક વિસ્તારના ચેતાકોષોની આંતરિક ઉત્તેજનક્ષમતા છે. તેમાં ઉદ્ભવેલી ઉત્તેજના ચેતાતંતુઓ દ્વારા આવેગ(impulse)ના સ્વરૂપે શ્વસનક્રિયાના સ્નાયુઓ (ઉરોદરપટલ સ્નાયુ, આંતરપર્શુકા સ્નાયુઓ તથા શ્વસનના અતિરિક્ત સ્નાયુઓ) સુધી પહોંચે છે.
મજ્જાસેતુમાં આવેલા લયગતિ-નિયંત્રક વિસ્તારમાં અંત:શ્વસનીય વિસ્તાર (inspiratory area) અને બહિ:શ્વસનીય વિસ્તાર (expiratory area) આવેલા છે. મોટેભાગે અંત:શ્વસનીય વિસ્તાર ઉપર દર્શાવ્યા પ્રમાણે સક્રિય રહીને શ્વાસ-ઉચ્છ્વાસની ક્રિયા કરાવે છે, જ્યારે બહિ:શ્વસનીય વિસ્તાર મોટેભાગે નિષ્ક્રિય રહે છે; પરંતુ જ્યારે શ્વસનનું સ્તર ઊંચું જાય ત્યારે બહિ:શ્વસનીય વિસ્તાર પણ સક્રિય થાય છે.
લયગતિબદ્ધક વિસ્તાર (pneumotaxic area) ચેતા-આવેગો મોકલીને અંત:શ્વસનનું ઉત્તેજન અટકાવીને બહિ:શ્વસન શરૂ કરાવે છે; જ્યારે લયગતિ-પ્રતિનિયંત્રક વિસ્તાર (apneustic area) અંત:શ્વસનને લંબાવે છે. સામાન્ય રીતે લયગતિ-બદ્ધક વિસ્તાર નિષ્ક્રિય હોય ત્યારે લયગતિ-વિનિયંત્રક વિસ્તાર સક્રિય બને, પરંતુ જ્યારે લયગતિબદ્ધક વિસ્તાર સક્રિય હોય ત્યારે તે લયગતિ-પ્રતિનિયંત્રક વિસ્તારની ઉપરવટ જાય છે. આ બંને વિસ્તારો મજ્જાસેતુમાં આવેલા છે.
શ્વસનકેન્દ્રની સક્રિયતાનું નિયમન કરતાં વિવિધ પરિબળો છે. મોટા મગજના બાહ્યક(cortex)ની અસર, આધ્માત, ચેતાપરાવર્તી ક્રિયા (inflation reflex), રાસાયણિક ઉત્તેજનાઓ તથા અન્ય પરિબળો. મોટા મગજનો બાહ્યક શ્વસનક્રિયા પર ઇચ્છાવર્તી નિયંત્રણ રાખે છે. તેથી થોડાક સમય માટે શ્વાસ લેવાનું અટકાવી શકાય છે. દીર્ઘ અને ઊંડો શ્વાસ લેવાય છે. અંદર લીધેલા શ્વાસને રોકી શકાય છે અને તેને ધીમે ધીમે લંબાવેલા ગાળામાં બહાર કાઢી શકાય છે. ટૂંકમાં, પ્રાણાયામ કે શ્વસનની કસરતો કરતી વખતે શ્વાસની ગતિ પર જે નિયંત્રણ જાળવી શકાય છે તે મોટા મગજના બાહ્યકની ક્રિયાથી થાય છે. જોકે આ પ્રકારનું નિયંત્રણ ટૂંકા સમય માટે જ શક્ય હોય છે.
ફેફસાંમાંની શ્વસનનલિકાઓ અને શ્વસનિકાઓની દીવાલમાં આતાન-સ્વીકારકો (stretch receptors) આવેલા છે; જે ફેફસાંમાં હવા ભરાય અને ફૂલે (આધ્માત, inflation) ત્યારે તણાય છે. તેમાંથી તે સંદેશા મોકલે છે; પરંતુ તે સમયે લંબમજ્જાના લયગતિ-નિયંત્રક વિસ્તારનો અંત:શ્વસનીય વિસ્તાર પણ ઓછા ઑક્સિજનને કારણે આ પ્રકારની ઉત્તેજનાઓનો યોગ્ય પ્રતિભાવ આપી શકતો નથી અને તેથી ક્રમશ: શ્વસનદર ઘટે છે અને બંધ થઈ જાય છે. તેથી બહારથી ઑક્સિજન આપવો કે શ્વસન-સહાયકની મદદથી વાતાયન (ventilation) જાળવી રાખવું જરૂરી બને છે.
શીર્ષસ્થ ધમની (carotid artery) અને મહાધમની (aorta) ઉપર પ્રદમ-સ્વીકારકો અથવા દાબ-સ્વીકારકો (baroreceptors) આવેલા છે. તેઓ લોહીનું દબાણ વધે ત્યારે ઉત્તેજિત થાય છે. તેઓ લોહીનું દબાણ ઘટાડવાની ચેતાપરાવર્તી ક્રિયા ઉપરાંત શ્વસનદર ઘટાડવાની ચેતાપરાવર્તી ક્રિયા સાથે પણ જોડાયેલા છે. શ્વસનદરને વધારતાં અન્ય પરિબળોમાં શરીરનું વધેલું તાપમાન, તીવ્ર દુખાવો, ગુદાના દ્વારરક્ષક(anal sphincter)નું ખેંચાવું તથા સ્પર્શ કે રસાયણો વડે ગળા કે સ્વરપેટીના સંક્ષોભન(irritation)નો સમાવેશ થાય છે. ગળા કે સ્વરપેટીનું સંક્ષોભન ખાંસી (ઉધરસ) કરે છે. જ્યારે શરીર એકદમ ઠંડું પડી જાય ત્યારે શ્વસનદર ઘટી જાય છે અથવા શ્વસન બંધ પડી જાય છે.
શ્વસનક્રિયાના વિકારો : ફેફસાંમાં હવાનું આવાગમન (વાતાયન, ventilation) ક્ષતિપૂર્ણ હોય, ફેફસાંના દરેક ભાગમાં હવા જઈ ન શકતી હોય અથવા હવા જતી હોય તે સર્વ ભાગોમાં રુધિરાભિસરણ બરાબર ન હોય તો શ્વસનક્રિયાનો વિકાર થાય છે. આ ઉપરાંત વાયુપોટા અને કેશવાહિનીઓ વચ્ચે O2 અને CO2 વાયુઓનું પારપ્રસરણ ક્ષતિપૂર્ણ હોય તોપણ તે વિકાર સર્જે છે. આ બધી તકલીફોને કારણે અલ્પપ્રાણવાતિતા (hypoxia) અને/અથવા અતિઅંગારવાતિતા (hypercapnia) થાય છે. લોહી કે પેશીમાં ઑક્સિજનનું પ્રમાણ કે આંશિક દબાણ ઘટે તેને અલ્પપ્રાણવાતિતા કહે છે. તેવી રીતે તેમાં કાર્બનડાયૉક્સાઇડનું પ્રમાણ કે આંશિક દબાણ વધે તેને અતિઅંગારવાતિતા કહે છે.
ધમનીના લોહીમાં કાર્બનડાયૉક્સાઇડનું આંશિક દબાણ (PaCO2) 6KPaથી વધે તો તેને અતિઅંગારવાતિતા કહે છે અને તેનાં મુખ્ય કારણો છે વાયુપોટીય અલ્પવાતાયન (alveolar hypoventilation) અથવા વાતાયન-પ્રસિંચનીય વિષમજોડ (ventilation perfusion mismatch). જ્યારે વાયુપોટામાં આવતી અને જતી હવાનું પ્રમાણ ઘટે તો તેને વાયુપોટીય અલ્પવાતાયન કહે છે અને વાયુપોટાનું વાતાયન અને તેની આસપાસ પરિભ્રમણ કરતા લોહીનું પ્રમાણ અસમાન હોય તો તેને વાતાયન-પ્રસિંચનીય વિષમજોડ કહે છે. તેનાં મુખ્ય કારણોમાં હોય છે મસ્તિષ્ક-પ્રકાંડની ઈજા, નિદ્રા સમયે થતું અશ્વસન (sleep apnoea).
શ્વસન–અવયવોનું નિયંત્રણ : ચેતાઆવેગો ઉત્પન્ન થઈને શ્વસનકેન્દ્રના લયગતિ-વિનિયંત્રક વિસ્તારમાં જાય છે અને અંત:શ્વસન અટકાવે છે. જ્યારે ફેફસાંમાંથી હવા બહાર નીકળી જાય ત્યારે આ આતાન-સ્વીકારકો ઉત્તેજાતા નથી અને તેથી લયગતિ-નિયંત્રક કે લયગતિ-પ્રતિનિયંત્રક વિસ્તારોને કોઈ સંદેશા મળતા નથી અને તેથી બીજું શ્વસન શરૂ થાય છે. આ ચેતાપરાવર્તી ક્રિયાને હેરિંગ-બ્રુઅર (Hering-Breuer)ની આધ્માત ચેતાપરાવર્તી ક્રિયા કહે છે.
કેટલાંક રાસાયણિક ઉત્તેજનો આપણા શ્વસનદરને અસર કરે છે. શ્વસનક્રિયા ઑક્સિજન-પ્રવેશ અને કાર્બન ડાયૉક્સાઇડના નિર્ગમ (exit) માટે થતી ક્રિયા છે. તેથી તેમના તથા તેમની સાથે સંલગ્ન રસાયણોના સ્તર પ્રતિ તેનું નિયંત્રણ સંપૂર્ણપણે સંવેદિત અને પ્રતિભાવશીલ છે. સામાન્ય રીતે શરીરમાં CO2 પાણી સાથે સંયોજાઈને H2CO3 બનાવે છે જે H+ (હાઇડ્રોજન આયન) અને HCO3માં વિઘટિત થાય છે; તેથી જ્યારે CO2 વધે ત્યારે H+ વધે છે અને CO2 ઘટે ત્યારે H+ ઘટે છે. H+ નો વધારો-ઘટાડો શ્વસનક્રિયાને અસર કરે છે, પરંતુ H+નો વધારો-ઘટાડો CO2ના વધારા-ઘટાડો સાથે સીધો સંબંધ ધરાવે છે; તેથી સાદી દૃષ્ટિએ CO2નો વધારો-ઘટાડો શ્વસનક્રિયાને અસર કરે છે એવું જણાય છે.
લંબમજ્જામાં રસાયણ-સંવેદી વિસ્તાર (chemosensitive area) આવેલો છે. તે લોહીમાંના CO2ની સાંદ્રતા (concentration) પ્રત્યે સંવેદિત છે. કેન્દ્રીય ચેતાતંત્રની બહાર રસાયણ-સ્વીકારકો (chemo- receptors) આવેલા છે. તેઓ શીર્ષસ્થ ધમની (carotid artery) અને મહાધમની (aorta) પાસે આવેલી પિંડિકાઓમાં સ્થિત છે. આ પિંડિકાઓને શીર્ષસ્થ-ધમનીય પિંડિકા (carotid body) અને મહાધમનીય પિંડિકા (aortic body) કહે છે. તેમાં આવેલા રસાયણ-સ્વીકારકો લોહીમાં CO2 તથા ઑક્સિજનના સ્તર પ્રતિ સંવેદિત હોય છે.
લોહીમાં CO2નું પ્રમાણ (pCO2) પારાના 40 મિમિથી વધે તેને અતિઅંગારવાતિતા (hypercapnia) કહે છે. તે રસાયણ-સંવેદી વિસ્તાર તથા રસાયણ-સ્વીકારકોને ઉત્તેજે છે. તે શ્વસનકેન્દ્રના અંત:શ્વસનીય વિસ્તારને ઉત્તેજે છે જે શ્વસનદર વધારે છે. વધેલા શ્વસનદરની સ્થિતિને અતિશ્વસનતા અથવા અતિવાતાયન (hyperventilation) કહે છે. તે વધારાના CO2ને શરીરની બહાર ફેંકે છે. જો લોહીમાં CO2નું પ્રમાણ ઓછું હોય તો તેને અલ્પઅંગારવાતિતા કહે છે. તે કોઈ વિશેષ પ્રકારની ઉત્તેજના સર્જતું નથી. જ્યારે શ્વસનદર ઘટે ત્યારે તેને અલ્પશ્વસનતા અથવા અલ્પવાતાયન (hypoventilation) કહે છે.
લોહીમાં pO2 (ઑક્સિજનના આંશિક દબાણ)માં મોટો ઘટાડો થાય (પારાના 70 મિમિ.) ત્યારે ઑક્સિજન-સંબંધિત રસાયણ-સ્વીકારકો ઉત્તેજિત થાય છે અને અંત:શ્વસનીય વિસ્તારોને ઉત્તેજના માટેના સંદેશા મોકલે છે. પરંતુ જો તે 70 મિમી.થી વધુ ઘટે તો ચેતાકેન્દ્રો પણ ઑક્સિજનની ઊણપ અનુભવે છે અને તેથી તેઓ ઉત્તેજક સંદેશાનો પ્રતિભાવ આપી શકતા નથી. તેથી અંતે શ્વસનક્રિયા બંધ થઈ જાય છે.
વાતાયનના વિકારો : શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ઘટાડતા વિવિધ રોગો છે. તેમાં ચેતાઓમાં વિકાર (ચેતારુગ્ણતા, neuropathy), તે સ્નાયુઓમાં વિકાર (સ્નાયુરુગ્ણતા, myopathy) તથા મહત્તમ સ્નાયુદૌર્બલ્ય (myasthmia gravis) નામનો રોગ પાંસળી અને કરોડસ્તંભથી બનતા પાંજરાની વિકૃતિ (દા.ત., ખૂંધ kyphosis; પાર્શ્ર્વખૂંધscoliosis), છાતીની દીવાલને ઈજા, કરોડના મણકાને ચોંટાડી દેતો સંધિગંઠનકારી મણિકાશોથ (ankylosing spondylitis) નામનો રોગ તથા ફેફસાંનો દીર્ઘકાલી શ્વસનમાર્ગી અવરોધ કરતો COPD નામનો રોગ વગેરેનો સમાવેશ થાય છે. ચેતાતંત્રીય વિકાર રૂપે શ્વસનકેન્દ્રનો વિકાર (મસ્તિષ્ક- પ્રકાંડનો વિકાર) તથા ઊંઘમાં શ્વાસ અટકી જવો. (નિદ્રાજન્ય અશ્વસન, sleep apnoea) જેવા વિકારો થાય છે. પરિઘવર્તી ચેતારુગ્ણતા (peripheral neuropathy), સ્નાયુરુગ્ણતા તથા મહત્તમ સ્નાયુદૌર્બલ્ય અનુક્રમે ચેતાઓ, સ્નાયુઓ તથા ચેતા-સ્નાયુસંગમ(neuro muscular junction)ના રોગો છે. દીર્ઘકાલી અવરોધજન્ય ફેફસીરોગ (chronic obstructive pulmonary disease, COPD), ફેફસાંમાં ઉચ્છ્વાસ સમયે ક્રિયાલક્ષી અવરોધ ઉત્પન્ન થાય તેવો રોગ છે. તેમાં મુખ્ય બે પ્રકારો છે : દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ (chronic bronchitis) અને વાતસ્ફિતિ (emphysema).
મસ્તિષ્ક-પ્રકાંડમાં આવેલા શ્વસનકેન્દ્રના અવદમન-(inhibition)થી શ્વાસોચ્છ્વાસનો દર ઘટે છે. તેને અલ્પવાતાયન (hypoventilation) કહે છે; જ્યારે તેના ઉત્તેજનથી લોહીમાં કાર્બનડાયૉક્સાઇડનો ભરાવો થાય છે (અલ્પઅંગારવાતિતા, hypocapnia) અને શ્વસનતંત્રીય અતિક્ષારદતા (respiratory alkalosis) થાય છે. શ્વસનકેન્દ્રનું અવદમન કરતાં ઘણાં પરિબળો છે; જેમ કે, સ્વૈચ્છિક અવદમન (શ્વાસ રોકવો), મસ્તિષ્ક-પ્રકાંડના
રોગો અને વિકારો, ઘેન કરતી દવાઓ (અફીણજૂથ, બેન્ઝોડાયાઝેપિન્સ), શરીરનું તાપમાન ઘટવું (અલ્પોષ્ણતા, hypothermia) તથા અલ્પગલગ્રંથિતા (hypothyroidism). શ્વસનકેન્દ્રનું ઉત્તેજન પણ વિવિધ પરિબળોથી થાય છે; જેમ કે, સ્વૈચ્છિક ઉત્તેજન (ઝડપથી શ્વાસોચ્છ્વાસ કરવો), મસ્તિષ્ક-પ્રકાંડના વિકારો, દુખાવો કે શ્વસનમાર્ગમાંથી આવતી સંવેદનાઓ, લોહીમાં કાર્બનડાયોક્સાઇડનું આંશિક દબાણ કે H+(હાઇડ્રોજન-આયનો)નું પ્રમાણ વધ્યું છે અથવા લોહીમાં ઑક્સિજનનો આંશિક દાબ ઘટ્યો છે એવા રસાયણ-સ્વીકારકો તરફથી આવતા સંદેશા તથા તાવ ચડવો (શરીરનું તાપમાન વધવું).
દીર્ઘકાલી અવરોધજન્ય ફેફસીરોગ(દા.ત.; વાતસ્ફિતિ)માં વાયુપોટા અને કેશવાહિનીઓ વચ્ચેની આંતરસપાટી(interface)માં ઘટાડો થાય છે અને તેથી તેમાં વાયુઓનું પારપ્રસરણ વિકારયુક્ત થાય છે, તેથી લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે. તે અલ્પ પ્રાણવાત-રુધિરતા (hypoxaemia) કરે છે જે ખાસ કરીને શ્રમ કરતી વખતે વધુ સ્પષ્ટતાથી અને તીવ્રતાથી જોવા મળે છે. જો તે ફેફસાંમાં હવાના આવાગમનના કે પારપ્રસરણના વિકાર કે રોગને કારણે હોય તો અંત:શ્વસનમાં લેવાતી હવામાં ઑક્સિજનનું પ્રમાણ વધારવાથી લોહીમાં ઑક્સિજનનું સમપ્રમાણ કરી શકાય છે; પરંતુ ફેફસાંને બાજુ પર રાખતા ધોરી નસોનાં જોડાણો (shunts) હોય છે. લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી પાંડુતા (anaemia) થઈ હોય તો તેમાં વધુ ઑક્સિજનને અંત:શ્વાસમાં લેવાથી ખાસ ફાયદો થતો નથી.
ફેફસાંનું રક્ષણ વિવિધ રીતે કરાય છે; જેમ કે, નાકમાંથી વાળ, ગળું, શ્વાસનળી અને શ્વસનલિકાઓમાં શ્લેષ્મ તથા કશામય (cilialed) કોષોવાળી શ્લેષ્મકલા, વાયુપોટાઓમાં સપાટી-સક્રિયક (surfactant) તથા વાયુપોટાની દીવાલમાં આવેલા મહાભક્ષી કોષો (macrophages). તેઓ બાહ્ય દ્રવ્યો (રજકણો) તથા સૂક્ષ્મ જીવોથી ફેફસાંને રક્ષણ આપે છે. ફેફસાંની નળીઓ અને વાયુપોટાના દીવાલ પર આચ્છાદન(lining) પ્રવાહી વિવિધ પ્રકારનાં સંરક્ષક દ્રવ્યો ધરાવે છે : જીવાણુનાશક પ્રોટીન, પ્રતિરક્ષાલક્ષી પ્રોટીનો (1gA, lgG, lgn), પ્રતિરક્ષાપૂરક (complement), ઉત્સેચક-અવદાબકો (enzym inhibition) વગેરે.
વૃદ્ધજનોનું શ્વસનતંત્ર : શ્વસનતંત્રમાં ઘણી મોટી વણવપરાયેલી ક્ષમતા (આરક્ષિત ક્ષમતા) હોય છે; જેથી વૃદ્ધાવસ્થામાં તે ઘટવા છતાં સામાન્ય સ્થિતિમાં વ્યક્તિને કોઈ ખાસ તકલીફ પડતી નથી; પરંતુ જ્યારે ઉગ્ર ચેપ લાગે ત્યારે તેને વધુ તકલીફ રહે છે. ઉંમર સાથે ધીમે ધીમે ફેફસી વાયુકદ ઘટે છે, એક સેકન્ડનું સબલ ઉચ્છ્વાસ કદ (force expiratory volume in 1 second, FEV1) અને શ્વસની-વાતાયનક્ષમતા(vital capacity, VC)નો ગુણોત્તર (FEV1/VC) 40થી 45 વર્ષની ઉંમરે 70 %થી દર વર્ષે 0.2 %ના દરે ઘટે છે. પુરુષોમાં આ ઘટાડો પ્રમાણમાં ધીમો હોય છે. ઑક્સિજનના ઘટાડા કે કાર્બનડાયૉક્સાઇડના ભરાવાને કારણે શ્વસનમાં થતો સ્વૈચ્છિક કે અનૈચ્છિક વધારો ઓછો રહે છે. શ્વસનતંત્રની શ્લેષ્મકલામાં ગ્રંથીય કોષો ઘટે છે અને તે સંરક્ષક શ્લેષ્મનું પ્રમાણ ઘટે છે. શ્વસનતંત્ર અને હૃદ્વાહિની તંત્રની કાર્યક્ષમતા ઘટવાથી મહત્તમ ઑક્સિજન-સ્વીકાર (maximum oxygen uptake) ઘટે છે તેથી શ્વસનતંત્રની આરક્ષિત (reserve) અને શ્રમસંબંધિત ક્ષમતા ઘટે છે. વૃદ્ધાવસ્થામાં કરોડના મણકા અને તેના સાંધા તથા પાંસળીઓ સાથે જોડાયેલી કાસ્થિઓમાં આવતા ફેરફારો છાતીના પીંજરાના હલનચલનને અસર કરે છે; તેથી છાતીનું પાંજરું વધુ પ્રમાણમાં અક્કડ બને છે. તેવી રીતે ફેફસાંના નાની કદના વાયુમાર્ગો(શ્વસનિકાઓ)માં લવચીકતા ઘટે છે અને તેથી તે ઉચ્છ્વાસસમયે દબાઈ જાય છે. આ બંને કારણે ફેફસાંના રોગની તકલીફો અને તીવ્રતા વધે છે.
નિદાનલક્ષી પરીક્ષણો : વિવિધ પ્રકારનાં પરીક્ષણો વડે શ્વસનતંત્રના રોગોનું નિદાન થાય છે; જેમ કે, (1) નૈદાનિક ચિત્રણો; દા.ત., ઍક્સ-રે-ચિત્રણ, સી.ટી. સ્કૅન-ચિત્રણ, વાતાયન-પ્રસિંચન(ventilation perfusion)-ચિત્રણ, ધનભારાણુ-ઉત્સર્જન આડછેદ-ચિત્રણ (positron emission tomography, PET), ફેફસી-વાહિનીચિત્રણ (pulmonary angiography) વગેરે; (2) અંત:નિરીક્ષા (endoscopy); જેવી કે, સ્વરપેટી-નિરીક્ષા (laryngoscopy), શ્વસનનલિકા-નિરીક્ષા (bronchoscopy), મધ્યવક્ષ-નિરીક્ષા (mediastinoscopy), પરિફેફસી નિષ્કાસન (pleural aspiration) અને પેશીપરીક્ષણ (biopsy); (3) ચામડીમાં કરાતાં પરીક્ષણો; જેવાં કે ક્ષયરોગ માટે ટ્યૂબક્યુલિન કસોટી, વિષમોર્જા(allergy)ના નિદાનમાં ઉપયોગી ચર્મકસોટીઓ (skin tests); (4) પ્રતિરક્ષાલક્ષી (immynological) અને રુધિરસીય (serological) કસોટીઓ; (5) સૂક્ષ્મજીવલક્ષી પરીક્ષણો; જેવાં કે, સંવર્ધન અને ઍન્ટિબાયૉટિક-વશ્યતા (culture and sensitivity) કસોટીઓ; (6) પેશીરુગ્ણતાલક્ષી (histopathological) અને કોષવિદ્યાલક્ષી (cytological) કસોટીઓ અને (7) ફેફસાંની ક્રિયાક્ષમતા માપતી કસોટીઓ (pulmonary fanction tests).
સાદું ઍક્સ-રે-ચિત્રણ ન્યુમોનિયા, કૅન્સર, વાતસ્ફિતિ, ફેફસાંની આસપાસ પરિફેફસીકલામાં પ્રવાહી પરું કે હવા ભરાવી વગેરે વિવિધ રોગોનું ઝડપથી નિદાન કરી આપે છે. સંગણક-સંલગ્ન આડછેદી ચિત્રણ(computed tomography, CT Scan)ની મદદથી તેમનું નિદાન વધુ સચોટ રીતે કરી શકાય છે. 133Xe વાયુને અંત:શ્વસનમાં લઈને વાતાયની વીક્ષણ (ventilation scan) મેળવી શકાય છે તથા 99mTcને આલ્બ્યુમિન સાથે જોડીને નસ વાટે આપવાથી પ્રસિંચની વીક્ષણ (perfusion scan) લઈ શકાય છે. તેમની મદદથી ફેફસાંમાંની નસોમાં લોહીના નાના ગઠ્ઠા જામ્યા હોય કે અન્યત્રથી વહીને આવ્યા હોય તો તે જાણી શકાય છે. વાતાયની વીક્ષણ વડે શસ્ત્રક્રિયા પહેલાંની ફેફસાંની કાર્યક્ષમતા તથા COPDના રોગમાંની કાર્યક્ષમતા જાણી શકાય છે. ફલ્યુરોડિયૉક્સિ ગ્લુકોઝ(18FDG)ની મદદથી ફેફસાંના કૅન્સરનો તબક્કો તથા મધ્યવક્ષમાંની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત છેકે નહિ તેની જાણકારી મેળવી શકાય છે. ફેફસીવાહિની-ચિત્રણ વડે ફેફસાંમાંની નસોની સ્થિતિ જાણી શકાય છે. ઍક્સ-રે-રોધક દ્રવ્ય આપતાં પહેલાં અને તે આપ્યા પછી લેવાયેલાં ચિત્રણો પરથી કમ્પ્યૂટરની મદદથી ઋણાંકનીય (digital substraction) પદ્ધતિ વડે ફક્ત નસોનાં ચિત્રણો મેળવી શકાય છે. તેને ઋણાંકનીય વાહિનીચિત્રણ (digital substraction anjiography) કહે છે.
અંત:દર્શક (endoscope) એક પોલી નળી અને પ્રકાશસ્રોતવાળું એવું સાધન છે કે જેને અવયવના પોલાણમાં નાંખીને તેનું નિરીક્ષણ કરી શકાય છે (અંત:નિરીક્ષા, endoscopy) અને જરૂર પડ્યે તેમાંથી પેશીપરીક્ષણ (biopsy) માટે ટુકડો કે કોષોવાળું પ્રવાહી લઈ શકાય છે અથવા કોઈ વિશિષ્ટ પ્રકારની ઔષધીય કે વિકિરણલક્ષી સારવાર કરી શકાય છે. આ પદ્ધતિએ સ્વરપેટી, શ્વાસનળી, શ્વસનનલિકાઓ, ફેફસાંની આસપાસની પરિફેફસીગુહા (plenal cavity) તથા મધ્યવક્ષ(mediastinum)માં નિરીક્ષણ તથા પેશીપરીક્ષણ માટેની છેદન (incision) કે ઉચ્છેદન(excision)ની ક્રિયા કરી શકાય છે.
ક્ષયરોગ તથા વિષમોર્જા(allergy)ના નિદાન માટે વિવિધ ચર્મકસોટીઓ (skintests) ઉપલબ્ધ છે.
ન્યુમોનિયા, લેજિયોનેલા, માયકોપ્લાઝ્મા, ક્લેમાયડિયા, વિવિધ વિષાણુઓ, એસ્પિજિલસ અને અન્ય પ્રકારની ફૂગના ચેપના નિદાનમાં ઉપયોગી એવી વિવિધ પ્રતિરક્ષાલક્ષી (immunological) અને રુધિરરસીય (serological) કસોટીઓ ઉપલબ્ધ છે. વિવિધ જીવાણુઓ, વિષાણુઓ અને ફૂગના ચેપના નિદાનમાં ગળફો, પરિફેફસીજલ, ગળામાંથી રૂના પૂમડા પર આવતું પ્રવાહી, લોહી, શ્વાસની નળીઓમાંથી મળેલું પ્રવાહી તથા ફેફસાંમાંથી નિષ્કાસિત પ્રવાહીને સૂક્ષ્મદર્શક વડે તપાસીને નિદાન કરી શકાય છે. ક્યારેક સૂક્ષ્મજીવોને યોગ્ય માધ્યમ પર ઉછેરી શકાય છે (સંવર્ધન) અને તેમની ઔષધવશ્યતા (sensitivity) પણ જાણી શકાય છે.
ક્ષયરોગ, ન્યુમોસિસ્ટિક કેટિનાઈ કે ફૂગનો ચેપ તથા ગાંઠના નિદાનમાં પેશીમાંથી પ્રવાહીને નિષ્કાસિત કરી શકાય છે. અથવા પેશીનો નાનો ટુકડો કાપી લેવાય છે. તેને સૂક્ષ્મદર્શક વડે તપાસીને રોગનું નિદાન કરી શકાય છે.
શ્વસનતંત્રના રોગ અંગેની શારીરિક તપાસ : તે માટે સૌપ્રથમ દર્દીની તકલીફોનું વૃત્તાંત (history) જાણી લેવાય છે. તેને નૈદાનિક વૃત્તાંત અથવા નિદાનચિકિત્સી વૃત્તાંત (clinical history) કહે છે. દર્દી જે તકલીફોનું વર્ણન કરે તેમને રોગનાં લક્ષણો (symptoms) કહે છે જ્યારે તબીબ તેની શારીરિક તપાસ કરીને જે અસામાન્ય સ્થિતિને શોધી કાઢે તેને રોગનું ચિહ્ન (sign) કહે છે.
શ્વસનતંત્રના રોગોનાં મુખ્ય લક્ષણો છે ખાંસી (ઉધરસ), શ્વાસ ચડવો, છાતીમાં દુખવું, ગળફામાં લોહી આવવું વગેરે.
તેની શારીરિક તપાસમાં મુખ્ય 4 ક્રિયાઓ કરાય છે નિરીક્ષણ (inspection), સંસ્પર્શન (palpation), અંગુલિપ્રહારણ (percussion) અને સંશ્રવણ (auscultation). નાક, શ્વસનના સ્નાયુઓ, છાતીની સપાટી અને કદનું નિરીક્ષણ કરવું તે ખાસ તો પ્રથમ પગલું છે. સમગ્ર છાતી કે તેનો કોઈ ભાગ અંત:શ્વાસ કે ઉચ્છ્વાસસમયે કઈ દિશામાં જાય છે તે જોવું જરૂરી ગણાય છે. એક ફેફસાના રોગમાં મધ્યવક્ષનું સ્થાન મધ્યવર્તી રહ્યું છે કે નહિ તે ગળામાં શ્વાસનળી અને વક્ષાસ્થિ – કર્ણમૂલ સ્નાયુ (sternomastoid muscle) વચ્ચેના અંતર પરથી તથા હૃદયના ધબકારાના સ્થાન પરથી નિરીક્ષણ તથા સંસ્પર્શન વડે નક્કી કરી શકાય છે.
સારણી 3 : વિવિધ પ્રકારની ક્રિયાક્ષમતા–કસોટીઓમાં પરિમાણોની વધઘટ
પરિમાણ | દમ (asthma) | વાતસ્ફિતિ (emphysema) | ફેફ્સીતંતુતા (pulmonary fibrosis) | |
1. | વિકારનો પ્રકાર | વાતવહનમાં બદલાતો અવરોધ | પારપ્રસરણમાં ક્ષતિ | બાહ્ય શ્વસન માટેની સપાટીમાં ઘટાડો |
2. | FEV1 (એક સેકન્ડમાં બળપૂર્વક ઉચ્છ્વાસમાં કઢાયેલી હવાનું કદ | ઘટે | ઘટે | ઘટે |
3. | VC (ઊંડા અંત:શ્વાસ પછી કરતા પૂર્ણ ઉચ્છ્વાસ વડે મપાતી શ્વસનીવાતાયનક્ષમતા) | ઘટે | ઘટે | ઘટે |
4. | FEV1/VC (ટકાવારીમાં) | ઘટે | ઘટે | સામાન્ય |
5. | DLCO (કાર્બનમૉનોક્સાઇડનું પારપ્રસરણ પામેલું કદ) | સામાન્ય | ઘટે | ઘટે |
6. | KCO (પારાંતરણ સહસૂચકાંક એટલે કે transfer coefficient) જે કાર્બનમૉનોક્સાઇડના એક અંત:શ્વસન પછી પારપ્રસરણ પામેલા વાયુનું કદ અને વાતાયન થતું હોય એવાં ફેફસાંના કદનો
ગુણોત્તર) |
સામાન્ય | ઘટે | ઘટે |
7. | TLC (પૂર્ણ ફેફસી ક્ષમતા એટલે (total lung capacity) | વધે | વધે | વધે |
8. | RV (અવશિષ્ટ વાતકદ, residual volume) | વધે | વધે | વધે |
છાતી પર બે પાંસળીઓ વચ્ચેની જગ્યામાં પાંસળીઓને સમાંતર આંગળી મૂકીને બીજા હાથની મધ્યમા આંગળી વડે ટકોરા મારવાની ક્રિયાને અંગુલિપ્રહારણ (percussion) કહે છે. તેમાં ઉત્પન્ન થતા ધ્વનિ અને ધ્રુજારીને અનુભવીને નિર્ણય કરી શકાય છે. છાતી પર એક પડદાવાળી સંરચના મૂકીને તેને કોઈ ભૂંગળી (નળી) વડે બંને કાન સુધી જોડી શકાય એવા સાધનને વક્ષનિદર્શક કે વક્ષશ્રવણક (stethoscope) કહે છે. તેના વડે છાતીમાં શ્વસનને કારણે કે હૃદયના ધબકારાને કારણે ઉદ્ભવતા અવાજોને સાંભળી શકાય છે. આ ક્રિયાને સંશ્રવણ (auscultation) કહે છે. સારણી 4માં ફેફસાંના રોગોનાં ચિહ્નોને ટૂંકમાં દર્શાવ્યાં છે :
સારણી 4 : ફેફસાંના વિવિધ રોગો અને વિકારોનાં સામાન્ય ચિહ્નો
રોગ/વિકાર | છાતીની દીવાલનું | મધ્યવક્ષનું હલનચલન | અંગુલિપ્રહરણનો પાર્શ્ર્વાંતરણ (mediastimal shift)1 | શ્વસન–ધ્વનિઓ ધ્વનિ (percussion note)2 | ધ્વનિ–અનુનાદ (breath (sounds)3 | વિશિષ્ટ ધ્વનિઓ (vocal resonance)4 |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
1. ન્યુમોનિયા(ફેફસીશોથ, pneumonia)માં વાયુ- પોટાઓનું ઘનીભવન (consolidation) | અસરગ્રસ્ત બાજુએ ઘટાડો | નહિ | બોદો | અતિ તીવ્ર સ્વર, (high pitched) નળીમાંથી ઉત્પન્ન થતો અવાજ- શ્વસન-નલિકાકીય (bronchial) ધ્વનિ | ગણગણાટની ધ્રુજારી સુસ્પષ્ટ | શરૂઆતમાં ઝીણી ખરખર, પછીથી મોટી ખરખર6 |
2. મોટી શ્વસનનલિકામાં રોધ(obstruction)ના કારણે ફેફસું દબાઈ જવું (collapse); દા.ત., ગાંઠ, કૅન્સર, શ્વાસની નળીમાં બાહ્ય પદાર્થ | અસરગ્રસ્ત બાજુએ ઘટાડો | અસરગ્રસ્ત બાજુ તરફ | બોદો | ઘટે અથવા બંધ | ઘટે અથવા બંધ | નહિ |
3. નાની શ્વસનનલિકાઓમાં રોધ | અસરગ્રસ્ત બાજુએ ઘટાડો | અસરગ્રસ્ત બાજુ તરફ | બોદો | અતિતીવ્ર સ્વર, શ્વસનનલિકાકીય ધ્વનિ | ગણગણાટની સુસ્પષ્ટ ધ્રુજારી | શરૂઆતમાં નહિ, પાછળથી મોટી ખરખર |
4. સ્થાનિક તંતુતા (localised fibrosis) અને/અથવા શ્વસનિકા- વિસ્ફારણ (bronchiactesis)7 | અસરગ્રસ્ત બાજુ પર થોડો ઘટાડો | અસરગ્રસ્ત બાજુ તરફ | ઘટેલો | અલ્પતીવ્ર (low pitched) સ્વર; શ્વસનનલિકાકીય | વધે | મોટી ખરખર |
5. ગુહાકરણ (cavitation)8 (સામાન્ય રીતે તેની સાથે તંતુતા અને ઘનીભવન હોય છે.) | અસરગ્રસ્ત બાજુએ સહેજ ઘટાડો | નહિ અથવા ઘટાડો અસરગ્રસ્ત બાજુ તરફ | શ્વસનનલિકાકીય (bronchial) ધ્વનિ | વધે | મોટી ખરખર | |
6. પરિફેફસી ગુહામાં પ્રવાહી કે પરુ | ઘટાડો | અસરગ્રસ્ત બાજુની સામેની તરફ | પથ્થર જેવો બોદો | ઘટે અથવા ક્યારેક શ્વસન-નલિકાકીય | ઘટે | ક્યારેક ઘર્ષણ-ધ્વનિ (rub)
|
7. વાતવક્ષ (pneumo thorax) પરિફેફસી ગુહામાં હવા | ઘટે | સામેની બાજુ | સામાન્ય અથવા અતિ-અનુનાદી (hyper-resonant) | ઘટે | ઘટે | નહિ |
8. શ્વસનનલિકાશોથ (bronchitis) ઉગ્ર કે દીર્ઘકાલી | સામાન્ય અથવા ઘટે | નહિ | સામાન્ય | સામાન્ય; લાંબો ઉચ્છ્વાસ | સામાન્ય | સિસોટી જેવો ધ્વનિ (rhonchi), થોડી મોટી ખરખર |
9. દમ અથવા શ્વસની દમ (bronchial asthma) | ઘટે | નહિ | સામાન્ય | સામાન્ય; લાંબો ઉચ્છ્વાસ | સામાન્ય | તીણો, ઉચ્છ્વા- સીય સિસોટી-ધ્વનિ (rhonchi) |
10. શ્વસનિકા-ફેફસી શોથ (broncho pneumonia) | ઘટે | નહિ | સામાન્ય અથવા ઘટે | સામાન્ય; લાંબો ઉચ્છ્વાસ | સામાન્ય | મોટી ખરખર અને સિસોટી-ધ્વનિ |
11. વાતસ્ફિતિ (empyema) | ઘટે | નહિ | સામાન્ય અથવા અતિઅનુનાદી | ઘટે, લાંબો ઉચ્છ્વાસ | સામાન્ય અથવા ઘટે | ઉચ્છ્વાસીય સિસોટી-ધ્વનિ |
12. કોષાંતરાલીય ફેફસીરોગ (interstitial lung disease) | ઘટે | નહિ | સામાન્ય | સામાન્ય, લાંબો ઉચ્છ્વાસ | વધે | અંત:શ્વાસને અંતે થતી ખરખર |
નોંધ : (1) બે ફેફસાંની વચ્ચેની જગ્યાના અવયવો મધ્યરેખામાંથી એક બાજુ ખસે તે; (2) છાતી પર આંગળી મૂકીને બીજી આંગળીથી ટકોરા પાડતાં ઉદ્ભવતો ધ્વનિ; (3) શ્વાસ અને ઉચ્છ્વાસ વખતે ઉત્પન્ન થતો ધ્વનિ; (4) સંભળાય નહિ તેવા ધીમા ગણગણાટ વખતે છાતી કે પીઠ પર હાથ મૂકીને જે ધ્રુજારી અનુભવાય તે; (5) વાયુપોટામાં પ્રવાહી અને કોષો ભરાવાથી તેમનું વાયુ ભરેલી પોટલીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થવું તે; (6) પાંદડાંમાંથી પવન પસાર થાય ત્યારે કે સૂકા વાળને બે આંગળી વચ્ચે ઘસવાથી ઉત્પન્ન થતા અવાજ જેવો ધ્વનિ; (7) શ્વસનિકાઓ પહોળી થવી તે.
શ્વસનતંત્રના રોગોનાં મુખ્ય લક્ષણો (symptom) : ખાંસી, શ્વાસ ચડવો, છાતીમાં દુખવું, ગળફામાં લોહી પડવું વગેરે વિવિધ લક્ષણો હોય તો તે શ્વસનતંત્રના રોગ કે વિકારની હાજરી સૂચવે છે.
ખાંસી (ઉધરસ) થવી એ શ્વસનતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે. તે ગળું, સ્વરપેટી, શ્વાસનળી, શ્વસનનલિકાઓ અને ફેફસાંની પ્રમુખપેશી(parenchyma)માં થતા વિકારોમાં જોવા મળે છે. નાકની શરદીને કારણે ગળામાં નાકનું પ્રવાહી આવે ત્યારે તથા ગળામાં પીડાકારક સોજો થયો હોય (ગ્રસનીશોથ, pharyngitis) ત્યારે સતત આવતી ખાંસી થાય છે. સ્વરપેટીશોથ (laryngitis) કે જેમાં સ્વરપેટી પર પીડાકારક સોજો થયેલો હોય, સ્વરપેટીમાં ગાંઠ થઈ હોય, ઉટાંટિયું થયું હોય તો વારંવાર દુખાવો કરતી, સતત અને ભારે ખાંસી થાય છે. તેની સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. તેને અંત:શ્વાસરોધ-ધ્વનિ (stridor) કહે છે. શ્વાસનળીના પીડાકારક સોજાને શ્વાસનલીશોથ (tracheitis) કહે છે. તેમાં દુખાવો કરતી ખાંસી થાય છે. ઉગ્ર અને દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ (bronchitis), દીર્ઘકાલી અવરોધજન્ય ફેફસી રોગ (COPD), દમ તથા ફેફસાંનું કૅન્સર શ્વસનનલિકાના રોગો છે. ફેફસાંના કૅન્સરને શ્વસનનલિકાકીય કૅન્સર (bronchial carcinoma) પણ કહે છે. આ બધાંમાં સતત, સુક્કી કે ગળફાવાળી ખાંસી થાય છે. શ્વસનનલિકા શોથમાં વહેલી સવારે અને દમમાં રાત્રે ખાંસી વધુ આવે છે. કૅન્સર હોય ત્યારે ઘણી વાર ગળફામાં લોહી પડે છે. ફેફસાંની પ્રમુખપેશીમાં ક્ષયરોગ (ગળફાવાળી અને ક્યારેક લોહીવાળા ગળફાવાળી ખાંસી), ન્યુમોનિયા (શરૂઆતમાં સુક્કી, પરંતુ પાછળથી ગળફાવાળી ખાંસી), શ્વસનિકા-વિસ્ફારણ (પુષ્કળ પરુવાળા ગળફાવાળી ખાંસી), ફેફસી જલશોફ (રાત્રે ગુલાબી ફીણવાળા ગળફાવાળી ખાંસી) તથા કોષાંતરાલીય તંતુતા (સુક્કી, અકળાવતી અને તકલીફ આપતી ખાંસી) વગેરે વિવિધ રોગો થાય છે. ન્યુમોનિયામાં ફેફસાંમાં શોથનો વિકાર થાય છે માટે તેને ફેફસી શોથ અથવા ફુપ્ફુસશોથ (pneumonitis) પણ કહે છે. સતત થતા પરુ અને શોથને કારણે શ્વસનિકાઓની આસપાસ તંતુતા થાય અને તે પહોળી થઈ જાય તેવા વિકારને શ્વસનિકા-વિસ્ફારણ કહે છે. હૃદય ફેફસાંની શિરાઓમાંનું પ્રવાહી પૂરતા પ્રમાણમાં આગળ ધકેલી ન શકે તો તે ફેફસાંની પેશીમાં પ્રવાહીના ભરાવાથી સોજો કરે છે. તેને જલશોફ (oedema) કહે છે. ફેફસાંના આવા સજલ સોજાને ફેફસી જલશોફ (pulmonary oedema) કહે છે. ફેફસાંના કોષોની વચ્ચે તંતુતા થાય તેને કોષાંતરાલીય તંતુતા (pulmonary fibrosis) કહે છે.
ટૂંકા ગાળાની ખાંસી મોટેભાગે ચેપ(વિષાણુજ)ને કારણે હોય છે; છતાં જીવાણુનો ચેપ તથા અન્ય રોગોને પણ અલગ પાડવા જરૂરી છે. દીર્ઘકાલી ખાંસી ઘણી વખત નિદાન કરતી વખતે તબીબની કસોટી કરે છે; તેથી તેની તપાસમાં નૈદાનિક વૃત્તાંત, શારીરિક તપાસ, ઍક્સ-રે અને અન્ય વિશિષ્ટ ચિત્રણો, લોહીની તપાસ, શ્વસન કસોટીઓ વગેરે વિવિધ પ્રકારનાં પરીક્ષણોની જરૂર પડે છે.
શ્વાસ લેવાની ક્રિયાની તકલીફ કરતી વ્યક્તિગત સભાનતાને શ્વાસ ચડવો અથવા દુ:શ્વસન (dyspnoea) કહે છે. તેના મુખ્ય કારણમાં શ્વસનતંત્રના રોગો, હૃદ્-વાહિનીતંત્રના રોગો, ચયાપચયી (metabolic) રોગો અને માનસિક વિકાર (દા.ત., મનોવિકારી અતિશ્વસન – psychogenic hyperventilation) વગેરેનો સમાવેશ થાય છે.
ઉગ્ર ફેફસી જલશોફ, ડાબા ક્ષેપકની અપર્યાપ્તતા (left ventricular failure) તથા હૃદ્-સ્નાયુમાં લોહીના પરિભ્રમણમાં ઘટાડો (હૃદ્-સ્નાયુલક્ષી અલ્પવાહિતાmyocardial ischaemia) થતાં ઉગ્ર પ્રકારે અને આરામ કરતાં કરતાં પણ શ્વાસ ચડે છે. લાંબા સમયની હૃદયની અપર્યાપ્તતા અથવા નિષ્ફળતા (chronic heart failure) તથા હૃદ્-સ્નાયુલક્ષી અલ્પવાહિતામાં ક્યારેક લાંબા સમય માટે શ્રમ કરવાથી શ્વાસ ચડવાની તકલીફ થાય છે.
દમનો ઊથલો, COPDમાં ચેપને કારણે આવેલો ઊથલો, પરિફેફસી ગુહામાં હવા ભરાવી (વાતવક્ષ, pneumothorax), ન્યુમોનિયા, ફેફસાંની ધમનીમાં લોહીનો ગઠ્ઠો જામવો, ઉગ્ર શ્વસનતંત્રીય દુસ્ત્રસ્તતા સંલક્ષણ (acute respiratory distress syndrome), બાહ્ય પદાર્થ શ્વાસનળીમાં ઊતરી જવો, સ્વરપેટીનો સોજો આવવો વગેરે વિવિધ ઉગ્ર વિકારોમાં બેઠાં બેઠાં પણ એકદમ શ્વાસ ચડવાનો વિકાર થાય છે. COPD, લાંબા સમયનો દમ, ફેફસાંનું કૅન્સર, કોષાંતરાલીય ફેફસીરોગો, સાર્કોઇડોસિસ, ધૂલિજન્ય ફેફસીરોગ (pneumoconiosis), લસિકાવાહિનીઓ દ્વારા ફેફસાંમાં ફેલાતું કૅન્સર, પરિફેફસી ગુહામાં ભરાયેલું પ્રવાહી વગેરે લાંબા સમયની અને શ્રમ કરતી વખતે ચડતા શ્વાસની તકલીફ સર્જે છે.
મધુપ્રમેહના રોગમાં જોવા મળતી કિટૉનયુક્ત અમ્લતા (ketoacidosis), દુગ્ધામ્લતા (lactic acidosis), મૂત્રપિંડની નિષ્ફળતામાં મૂત્રવિષતા(uraemia)નો વિકાર, સેલિસિલેટ ઔષધની અતિમાત્રા (overdose), ઇથિલિન ગ્લાયકોલની ઝેરી અસર વગેરે વિવિધ શારીરિક રસાયણવિદ્યા અથવા ચયાપચયના રોગો/વિકારોમાં ઉગ્ર પ્રકારની બેઠાં બેઠાં શ્વાસ ચડવાની તકલીફ થાય છે. આવું જ ક્યારેક માનસિક વિકાર હોય ત્યારે પણ થાય છે. વધુ પડતું વજન અને લાંબા સમયની તીવ્ર પાંડુતા (anaemia) શ્રમ કરતી વખતે શ્વાસ ચડવાની તકલીફ કરે છે.
શ્વાસ ચડે ત્યારે લોહીમાં કાર્બનડાયૉક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે (દા.ત., COPD) અથવા ઑક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોય છે. (દા.ત., COPD અને જન્મજાત નીલિમા કરતી હૃદયની વિકૃતિઓ). ક્યારેક લોહીમાં અમ્લતા વધે, શારીરિક શ્રમ કર્યો હોય કે તાવ આવે તેમનો શ્વાસનો દર વધે છે અને દુ:શ્વસનતાની તકલીફ અનુભવાય છે. ફેફસાંના રોગોમાં જ્યારે વાતાયન માટે ફેફસાંનો ઘણો ભાગ ઉપયોગી ન હોય ત્યારે (દા.ત., ન્યુમોનિયા ફેફસી જલશોફ, કોષાંતરાલીય ફેફસી રોગ વગેરે); પરિફેફસીકલાના વિકારમાં દુખાવો થતો હોય ત્યારે અથવા દમ, COPD તથા શ્વસનમાર્ગમાં રોધ (અટકાવ) થયો હોય ત્યારે પણ શ્વાસ ચડે છે.
છાતીમાં દુખાવાનાં વિવિધ કારણો હોય છે. તે હૃદય અને વાહિનીના રોગો કે વિકારોને કારણે; અન્નનળી કે શ્વસનતંત્રના રોગોને કારણે; છાતીનાં હાડકાં, સ્નાયુઓ કે ચેતાઓના વિકારોને કારણે થાય છે. હૃદયરોગનો હુમલો (હૃદ્-સ્નાયુ-પ્રણાશ, myocardial infarction), હૃદ્-પીડ (angina pectoris), હૃદ્-સ્નાયુશોથ (myocarditis), પરિહૃદ્-શોથ (pericarditis) તથા દ્વિદલ-વાલ્વના અપભ્રંશ(prolopse)નું સંલક્ષણ, મહાધમનીની દીવાલમાં ઊભા છેદ- (aortic dissection)માં છાતીમાં દુખાવો થાય છે. હૃદયમાં લોહીનું પરિભ્રમણ ઘટે ત્યારે હૃદ્-પીડ કે હૃદ્-સ્નાયુ-પ્રણાશ થાય છે. હૃદયની આસપાસ આવેલી પરિહૃદ્-ગુહા(pericardial cavity)માં પીડાકારક સોજો આવે તો તેને પરિહૃદ્-શોથ કહે છે. ક્યારેક મહાધમનીની દીવાલમાં ઊભો ચીરો પડે અને તેમાં લોહી ભરાય તો તેને મહાધમની-દ્વિછેદન (aortic dissection) કહે છે. આ બધી તીવ્ર પીડાકારક પરિસ્થિતિઓ છે.
અન્નનળીમાં પીડાકારક સોજો આવે (અન્નનળીશોથ, esophagitis) કે તેના સ્નાયુઓનું સતત-સંકોચન થાય ત્યારે કે તેમાં ઊભા ચીરા પડે (mallory-weirs syndrome) ત્યારે છાતીમાં દુખાવો ઊપડે છે. મધ્યવક્ષ (mediastum) નામના બે ફેફસાંની વચ્ચેના ભાગમાં ગાંઠ થાય કે ત્યાં આવેલી શ્વાસનળીમાં પીડાકારક સોજો આવે (શ્વાસનળીશોથ, tracheitis) તો છાતીમાં દુખે છે. મનોવિકાર-ચિંતા કે અન્ય લાગણીજન્ય સ્થિતિમાં પણ છાતીમાં દુખે છે. ફેફસાં સિવાયનાં અન્ય છાતીની પીડાનાં કારણોમાં છાતીના પાંજરાના સ્નાયુઓ, હાડકાં અને ચેતાઓના વિકારોનો પણ સમાવેશ થાય છે; દા.ત., અસ્થિસંધિશોથ (osteoarthritis) પર્શૂકા-કાસ્થિ શોથ (costo-chondritis અથવા ટિટ્ઝનું સંલક્ષણ), પાંસળીનો અસ્થિભંગ, છાતીના સ્નાયુઓને ઈજા કે અન્ય રોગ, પીઠના મણકા વચ્ચેની ચકતી ખસવાથી ચેતાઓને ઈજા, ચેતામાં હર્પિસ ઝૉસ્ટરનો ચેપ વગેરે.
ફેફસાંના છાતીમાં પીડા કરતા મહત્વના રોગોમાં ફેફસી-પ્રણાશ (pulmonary infarction), ન્યુમોનિયા, કૅન્સર, વાતવક્ષ (ફેફસાંની આસપાસ હવા ભરાવી) વગેરેનો સમાવેશ થાય છે.
ગળફામાં લોહી પડવાનાં વિવિધ કારણો છે. ફેફસાંનું કૅન્સર, ન્યુમોનિયા, ફેફસાં કે શ્વાસની નળીઓમાં બાહ્ય પદાર્થ, શ્વસનિકા વિસ્ફારણ (bronchiectesis), ઉગ્ર શ્વસનનલિકાશોથ (bronchitis), ક્ષયરોગ, ફેફસાંમાં ગૂમડું, ફેફસાંને ઈજા, ફેફસાંમાં એસ્પિજિયોસસનો રોગ, ફેફસી-પ્રણાશ, ગુડપાશ્ચરનું સંલક્ષણ, ડાબા ક્ષેપકની નિષ્ફળતા, લોહીના રુધિરસ્રાવી રોગો (લોહીનું કૅન્સર, ગંઠનકોષો અથવા plateletsની ઊણપ), ગંઠનરોધી દવાઓનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. ગળફામાં આવતું લોહી લાલ ટશરો જેવું; ફીણ સાથે ગુલાબી રંગનું કે પૂરેપૂરા લાલ ગળફારૂપે જોવા મળે છે. સામાન્ય રીતે મૂળ કારણરૂપ રોગ શોધીને તેની સારવાર કરવાથી તે મટે છે.
શ્વસનતંત્રના રોગો અને વિકારો : શ્વસનમાર્ગ અને ફેફસાંમાં અનેક પ્રકારના રોગો થાય છે. તેમાંથી કેટલાક મહત્વના રોગોના નિદાન અને સારવારના સિદ્ધાંતો અહીં આપ્યા છે.
(1) પરિફેફસી ગુહામાં પ્રવાહી ભરાવું (પરિફેફસી બહિ:સરણ, pleural effusion) : તેમાં સામાન્ય રીતે સાદું (સતરલ) પ્રવાહી ભરાય છે. જો પરુ કે લોહી ભરાય તો તેને અનુક્રમે પૂયવક્ષ (empyema) કે રુધિરવક્ષ (haemothorax) કહે છે. તેનાં મુખ્ય કારણોમાં ન્યુમોનિયા, ક્ષયરોગ, ફેફસી-પ્રણાશ, કૅન્સર, હૃદયની નિષ્ફળતા તથા ઉરોદરપટલની નીચેના રોગોનો સમાવેશ થાય છે. ક્ષયરોગ અને કૅન્સરમાં તે ઉદ્વાહિત (exudative) હોય છે જ્યારે હૃદયરોગની નિષ્ફળતામાં તે પારવાહિત (transudative) હોય છે. કૅન્સરમાં સામાન્ય રીતે તેની સાથે દુખાવો પણ હોય છે, તે પુષ્કળ પ્રમાણમાં હોય છે અને વારંવાર તથા ઝડપથી ફરીફરીને ભરાય છે. ભરાયેલા પાણીનું સોય વડે નિષ્કાસન (aspiration) કરીને તેની ઉપર વિવિધ પરીક્ષણો કરાય છે. તેના આધારે તેનાં કારણ જાણી શકાય છે. આ વિવિધ પરીક્ષણોમાં તેમાં રહેલા કોષોની ઓળખ, તેમાં રહેલા પ્રોટીનનું પ્રમાણ જાણવું તથા તેનું જીવાણુ-સંવર્ધનલક્ષી પરીક્ષણ મહત્વનાં ગણાય છે.
(2) શ્વસન–અપર્યાપ્તતા (respiratory failure) : જ્યારે પણ વ્યક્તિની ચયાપચયી જરૂરિયાત કરતાં ફેફસાંની ક્રિયાક્ષમતા ઓછી પડે ત્યારે તેને શ્વસન અપર્યાપ્તતા કહે છે. તેના 2 પ્રકાર છે. પ્રકાર1માં ઑક્સિજન અને કાર્બનડાયૉક્સાઇડનાં આંશિક દબાણો ઓછાં હોય છે અને પ્રકાર-2માં ઑક્સિજનનો આંશિક દાબ ઓછો અને કાર્બનડાયૉક્સાઇડનો વધુ હોય છે. તેમનાં પરીક્ષણીય પરિમાણો, કારણો અને સારવાર નીચે સારણી 5માં દર્શાવ્યા છે.
શ્વસનતંત્રના વિવિધ રોગો અને વિકારોમાં જ્યારે ઑક્સિજનની ઊણપ ઊભી થાય (શ્વસનીય અપર્યાપ્તતા) ત્યારે અંત:શ્વસિત હવામાં ઑક્સિજનનું પ્રમાણ વધારાય છે. સતત ઑક્સિજનનું પ્રમાણ ઘટે તો લોહીનું દબાણ ઘટે છે, ફેફસી રુધિરાભિસરણમાં દબાણ વધે છે, લોહીમાં રક્તકોષોની સંખ્યા વધે છે. હૃદયના ધબકારા વધે છે અને વ્યક્તિ સભાનતા ગુમાવે છે. ઑક્સિજન વડે સારવાર કરવાથી લોહીમાંની ઑક્સિજનની ઊણપ ઘટે છે અને હીમોગ્લોબિન પૂર્ણપણે સંતૃપ્ત હોય ત્યારે રુધિર-પ્રરસમાં તે વધુ પ્રમાણમાં ઓગળે છે. 100 % ઑક્સિજનની કેટલીક આડ અસરો પણ છે. જો તે થોડા કલાકો સતત અપાય તો તેની ઝેરી અસરો જોવા મળે છે; જેમ કે, અપક્વ શિશુઓમાં તે નેત્રમણિની પાછળ તંતુવિકસન (fibroplasia) કરાવે છે અને તેથી અંધાપો આવે છે. સામાન્ય રીતે તેને ટૂંકા સમય માટે મુખમહોરા (face mask) દ્વારા (60 %ના દરે) અપાય છે. દમ કે ન્યુમોનિયામાં પ્રથમ પ્રકારની શ્વસનીય અપર્યાપ્તતામાં તે ઉપયોગી છે. મુખમહોરા દ્વારા 24 %થી 28 % (12 લિટર/મિનિટ) ઑક્સિજન લાંબો સમય આપી શકાય છે. તેમાં જો બેવડી નળી વડે બંને નસકોરાંમાં ઑક્સિજન અપાય તો દર્દી ખાઈ-પી શકે છે. આ બંને પદ્ધતિઓમાં હવા મોટા પ્રમાણમાં ઑક્સિજન સાથે ભળે છે. લાંબા સમય માટે ઑક્સિજન આપવો પડે તો તે માટે ઘરે રાખી શકાય તેવા નળા ઉપલબ્ધ છે. જ્યારે દર્દીને તીવ્ર પ્રકારની શ્વસનીય અપર્યાપ્તતા થાય ત્યારે જરૂર પડે કૃત્રિમ શ્વસનકો (ventilation) વડે કૃત્રિમ વાતાયન કરાવાય છે. તે માટે મુખમહોરું, શ્વાસનળીમાં મુકાતી અંતર્નળી (endotracheal tube) અથવા જરૂર પડ્યે શ્વાસનળી છિદ્રણ (trachiostomy) કરવામાં આવે છે.
(3) દીર્ઘકાલી અવરોધજન્ય ફેફસી રોગ (chronic obstructive pulmonar disease, COPD) : તેમાં દીર્ઘકાલી શ્વસનીશોથ (chronic bromelutor) અને વાતસ્ફિતિ (emphysema) એમ બંને રોગોનો સમાવેશ કરાય છે. તે લાંબો સમય ચાલતો ધીમે ધીમે વધતો શ્વસનમાર્ગમાં અવરોધ(FEV1 < 80 %)વાળો ફેફસાંનો રોગ છે, જેમાં દીર્ઘકાલી શ્વસન-અપર્યાપ્તતા થાય છે. ધૂમ્રપાન કરનારાઓમાં તેનાથી શ્વસન-અપર્યાપ્તતા વહેલી અને વધુ તીવ્રતા સાથે થાય છે.
COPDનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે; પરંતુ વિકાસશીલ દેશોમાં ગૃહવપરાશના બળતણનો ધુમાડો તથા વાતાવરણના પ્રદૂષણની પણ ઘણી મોટી અસર રહે છે. વ્યક્તિગત રોગવશ્યતા જુદી જુદી હોવાથી ફક્ત 15 % ધૂમ્રપાન કરનારાઓને COPDની માંદગીની અસર જોવા મળે છે. આમાં કૌટુંબિક કારણો સક્રિય હોય એવું મનાય છે. સામાન્ય રીતે ઓછા વજનવાળો જન્મ, શ્વસનમાર્ગની અતિસંવેદનશીલતા, આલ્ફા1 ઍન્ટિટ્રિપ્સિનની ઊણપ (જેનાથી વાતસ્ફિતિ થાય છે.) વગેરે પરિબળો પણ મહત્વનાં ગણાય છે. ધૂમ્રપાનીઓમાં દર વર્ષે FEV1 50-70 મિલિ.ના દરે ઘટે છે જ્યારે ધૂમ્રપાન બંધ કરનારા કે કદી ન કરનારામાં તે દર વર્ષે 30 મિલિ.ના દરે ઘટે છે. હાલ મળતા આધારોની મદદથી ઔષધચિકિત્સા કે વારંવાર લાગતા ચેપને કારણે FEV1ના ઘટાડાનો દર વધુ ઘટે છે એવું કહી શકાય તેમ નથી.
દીર્ઘકાલી શ્વસનીશોથમાં શ્વસનનલિકાઓની શ્લેષ્મકલા જાડી થાય છે, તેની ગ્રંથિઓનું અતિવિકસન થાય છે અને વિપુલ પ્રમાણમાં શ્લેષ્મ બને છે. તેથી દર વર્ષે 2-3 મહિના ખાંસી અને કફનો ઉપદ્રવ રહે છે. તેમાં કાળક્રમે દીર્ઘકાલી હૃદયી નિષ્ફળતા થાય છે, દર્દીને સોજા આવે છે અને તેના નખ ભૂરા પડે છે; તેથી તેના દર્દીઓને નીલશોફી (blue bloaters) પણ કહે છે. વાતસ્ફિતિના દર્દીમાં વાયુપોટાઓ પહોળા થાય છે અને તૂટે છે. તેઓમાં રક્તકોષોનું ઉત્પાદન વધે છે. તેથી તેના દર્દીઓને ગુલાબીદુ:શ્વસી (pink puffers) કહે છે. FEV1 60-70 % જેટલું હોય ત્યારે તેને મંદ વિકાર કહે છે. અને દર્દીને ખાંસી ણ્ શ્રમજન્ય દુ:શ્વસન (શ્રમ કરતાં શ્વાસ ચડવો) થાય છે; જ્યારે FEV1 40-50 % થાય ત્યારે શ્રમજન્ય દુ:શ્વસન ણ્ સિસોટી-ધ્વનિ, ખાંસી ણ્ કફ (ગળફો) થાય છે. તેને મધ્યમ તીવ્રતાનો રોગ કહે છે. તીવ્ર રોગમાં FEV1 40 %થી પણ ઘટે છે, તેમાં આરામ કરતાં પણ શ્વાસ ચડે છે; સિસોટી-ધ્વનિ, ખાંસી તથા પગ પર સોજા થઈ આવે છે. શ્વસન-ક્ષમતા-કસોટીઓ, સીટી-સ્કૅન તથા લોહીમાં રક્તકોષોની વધેલી સંખ્યા દર્શાવતું કોષગણન (cell count) – એ મહત્વનાં નિદાનસૂચક પરીક્ષણો છે.
સારવારમાં ચેપનો અસરકારક ઉપચાર (ઍન્ટિબાયૉટિક ઔષધો) તથા શ્વસનમાર્ગનું સંક્ષોભન કરતાં પરિબળો(ધૂમ્રપાન, ધુમાડો, હવાનું પ્રદૂષણ)ને દૂર કરવાં તે અગ્રતાક્રમે પ્રથમ આવે છે. સંકોચાયેલી શ્વસનિકાઓને પહોળી કરવા આલ્બ્યુટામોલ, ટર્બ્યુટાલિન અને થિયૉફાયલિન અપાય છે. તેમનો સોજો ઓછો કરવો પણ જરૂરી છે. ઓછી માત્રામાં કોર્ટિકોસ્ટીરૉઇડ આપવાથી શ્વસનિકાઓને સતત થતું નુકસાન ઘટે છે. આ ઔષધોને જરૂરિયાત પ્રમાણે મુખમાર્ગે, નસ દ્વારા ઇન્જેક્શનથી, પંપ વડે અથવા અતિસૂક્ષ્મબિન્દુક (nebulizer) વડે ઝીણાં બિન્દુઓમાં પરિવર્તિત કરીને શ્વાસમાં સીધેસીધાં અપાય છે. ચેપથી લાગતા ઊથલામાં ટૂંકા સમય માટે તથા વધુ વધેલા રોગમાં લાંબા સમય માટે ઑક્સિજન વડે સારવાર અપાય છે. કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં ફેફસાંનું પ્રત્યારોપણ (lung transplant) કરી શકાય છે.
(4) દમ : દમ 2 પ્રકારના છે. શ્વસનમાર્ગની અતિસંવેદનશીલતાથી થતા દમને શ્વસનીદમ (broncial asthma) કહે છે. હૃદયના ડાબા ક્ષેપકની અપર્યાપ્તતા(left ventricular failure)માં ફેફસાંમાં જળ-શોફ (oedema) થાય છે. તે સમયે થતા દમના હુમલાને હૃદીય દમ (cardiac asthma) કહે છે. શ્વસનીદમ એ અતિસંવેદનશીલતાને કારણે શ્વસનમાર્ગના લાંબા સમયના શોથ (inflammation) વારંવાર શ્વસનિકાઓ સંકોચાવાનો વિકારવાળો રોગ છે, જેમાં દર્દી સિસકારાવાળું શ્વસન કરે છે (wheeze), તેને ખાંસી થાય છે, છાતીમાં ભીંસારો થાય છે અને શ્વાસ લેતાં તકલીફ પડે છે. તેની સારવારમાં કારણરૂપ પદાર્થોથી દૂર રહેવું, શ્વસનનલિકાઓને પહોળી કરતાં ઔષધો આપવાં, ચેપની ઍન્ટિબાયૉટિક વડે યોગ્ય સારવાર કરવી, ધૂમ્રપાન બંધ કરવું તથા મનોવિકારી ચિંતા હોય તો તેનું શમન કરવું જરૂરી ગણાય છે. રોગનાં હુમલામાં કોર્ટિકોસ્ટીરૉઇડ વડે સારવાર આપવામાં આવે છે.
(5) શ્વસનિકાવિસ્ફારણ (bronchiectasis) : તેને શ્વસનીવિસ્તૃતિ પણ કહે છે. તે જન્મજાત અથવા કોઈ કારણસર પાછળથી ઉદ્ભવતો રોગ છે. કાશીય દુષ્ક્રિયાશીલ સંલક્ષણો (cilliary dysfunction syndrome), કોષ્ઠીય તંતુતા (cystic fibrosis) વગેરે જન્મજાત રોગોમાં શ્વસનિકા-વિસ્ફારણ થાય છે. ક્ષયરોગ, ન્યુમોનિયા, કૅન્સર કે અન્ય ગાંઠ તથા શ્વસનમાર્ગમાં બાહ્ય પદાર્થ આવે તો લાંબા સમયે શ્વસનિકા-વિસ્ફારણ થાય છે. દર્દીને વારંવાર અને પુષ્કળ પ્રમાણમાં પરુવાળો ગળફો પડે છે. ગળફાના જીવાણુની સંવર્ધન-ઔષધવશ્યતા-કસોટી (culture and sensitivity test) તથા ઍક્સ-રે-ચિત્રણો વડે નિદાન કરાય છે. અગાઉના જમાનામાં શ્વસનીચિત્રણ (bron-chography) કરાતું હતું. હવે સી.ટી.-સ્કૅનની મદદથી નિદાનની ચોકસાઈ કરી શકાય છે. સારવારમાં ઍન્ટિબાયૉટિક વડે સારવાર, યોગ્ય રીતે સૂઈને કે બેસીને ફેફસાંમાંના કફને બહાર કાઢવાની કસરત તથા જો એક બાજુ પર નાનકડા વિસ્તારમાં રોગ હોય તો શસ્ત્રક્રિયા વડે ફેફસાંના જે તે ખંડ કે વિખંડિકાને દૂર કરવાની સારવાર કરાય છે.
(6) ઉપલા શ્વસનમાર્ગમાં ચેપ : નાક, નાસાવિવરો (sinuses), ગળું અને સ્વરપેટીમાં વિષાણુજ, જીવાણુજ કે ફૂગજન્ય ચેપ લાગી શકે છે. તેમને અનુક્રમે નાસાશોથ (rhyinitis), વિવરશોથ (sinusitis), ગ્રસનીશોથ (pharungitis) તથા સ્વરપેટીશોથ (laryngitis) કહે છે. તેમાં તાવ, દુખાવો અને ખાંસી થાય છે. યોગ્ય ઍન્ટિબાયૉટિક સારવાર વડે તેનો ઉપચાર કરાય છે.
(7) ન્યુમોનિયા : તેને ફેફસીશોથ અથવા ફુપ્ફુસશોથ (pneu-monitis) પણ કહે છે. તે મુખ્યત્વે 2 પ્રકારના છે. સમુદાય-સંપ્રાપ્ત (community aquired) અને ચિકિત્સાલયી (nosocomial or hospital aquired). દર્દીને તાવ, ખાંસી, લોહીની ટશરોવાળો કફ તથા છાતીમાં દુખાવો થાય છે. લોહીના કોષોની સંખ્યા તથા ઍક્સ-રે-ચિત્રણ વડે નિદાન કરાય છે. જીવાણુઓનો પ્રકાર અને તેમની ઔષધવશ્યતા જાણવા માટે સંવર્ધન અને વશ્યતાકસોટી (culture and sensitivity test) કરાય છે. મોટી ઉંમરે થતા ન્યુમોનિયામાં જો ધાર્યો સુધારો ન થાય તો કૅન્સર કે અન્ય શ્વસનમાર્ગી રોગ હોવાની સંભાવનાને કારણે શ્વસની-નિરીક્ષા (bronchoscopy) તથા સી.ટી.-સ્કૅન કરાય છે. સારવારમાં ઍન્ટિબાયૉટિક મહત્વનું સ્થાન ધરાવે છે. હૉસ્પિટલના ઘનિષ્ઠ સારવારકક્ષ(intensive care unit)માં થતા ન્યુમોનિયામાં મૃત્યુદર વધુ હોય છે અને તેથી તેમની સારવારમાં અત્યાધુનિક અને બૃહદ કાર્યક્ષેત્રી ઍન્ટિબાયૉટિકો વપરાય છે. જો દર્દીની પ્રતિરક્ષાક્ષમતા (immunocompetence) ઓછી હોય તો વિષાણુજ તથા ફૂગજન્ય ચેપની સંભાવના ઘણી વધારે રહે છે.
સામાન્ય રીતે ન્યુમોનિયા શમે ત્યારે કોઈ ચિહ્ન રહેતું નથી; પરંતુ ક્યારેક તેમાં પરુ, શ્વસનિકા-વિસ્ફારણ, તંતુતા ને ફેફસી ગૂમડું થાય ને એવી અન્ય વિવિધ આનુષંગિક તકલીફો થાય છે.
(8) ક્ષયરોગ : ક્ષયના જીવાણુથી શરીરમાં વિવિધ અવયવોમાં રોગ થાય છે; જેમાં ફેફસાંનો ક્ષય એક મહત્વનું સ્થાન ધરાવે છે. તે થૂંક-બિન્દુથી ફેલાય છે; તેથી ભીડવાળી વસ્તી, રહેઠાણ કે કામના સ્થળે તેનો ચેપ ઝડપથી ફેલાય છે. ફેફસી ક્ષયરોગ યોગ્ય નિદાન અને સારવારથી મટે છે. તેનો ફેલાવો ઘટાડવાના પ્રયત્નોનો વિશ્વભરને સારો લાભ મળ્યો હતો. હવે માનવપ્રતિરક્ષાઊણપલક્ષી વિષાણુ(human immunodeficiency virus, HIV)ના ચેપના ફેલાવાના કારણે ક્ષયરોગ અને ખાસ કરીને ઔષધસહ્ય (drugresistant) ક્ષયરોગનો વ્યાપ વધ્યો છે. ઍક્સ-રે-ચિત્રણો અને ગળફાની તપાસ કરીને ક્ષયરોગનું નિદાન કરાય છે. તેની સારવારમાં સ્ટ્રૅપ્ટોમાયસિન, રિફામ્પિસિન, આઇસોનિઆઝીડ, ક્વિનોલોલ, પાયરિઝિનેમાઇડ ઇથેન્બ્યુટોલ વગેરે ઔષધો ઘણાં ઉપયોગી છે.
(9) ફૂગજન્ય ફેફસી રોગો : કૅન્ડિડિયાસિસ અને ઍસ્પર્જિલૉસિસ-એ 2 મહત્વના ફૂગજન્ય ફેફસી રોગો છે. તેમના ઉપરાંત બીજા પ્રકારની ફૂગથી પણ ફેફસાંમાં ચેપ લાગે છે. મધુપ્રમેહ, લાંબા સમયનું મદ્યપાન, HIVનો ચેપ, લાંબા સમયની કોર્ટિકોસ્ટીરૉઇડ વડે થતી ચિકિત્સા, અન્ય પ્રતિરક્ષા-અવદાબી (immuno suppessant) દવાઓ, વિકિરણ-ચિકિત્સા (radiotharpy), જુદી જુદી ઍન્ટિબાયૉટિક દવાઓ વડે લાંબા સમયની સતત ચાલતી સારવાર, શ્વસનકોને અપાતી સારવાર વગેરે વિવિધ સ્થિતિઓમાં ફેફસાંમાં ફૂગજન્ય રોગ થવાની સંભાવના વધે છે. તેમની સારવારમાં ફ્લુકેનેઝૉલ, ઇટ્રાકોનેઝૉલ, એમ્ફોટેરિસિન-બી, વૉરિકોનેઝૉલ વગેરે જેવાં ઔષધો ઉપયોગી રહે છે. ફૂગજન્ય ચેપનું નિદાન કરવું ઘણી વખત મુશ્કેલ બને છે અને તેથી વધુ પ્રમાણમાં તેની શંકા રાખીને દર્દીને સમયસર અનુભવ-આધારિત (empirical) સારવાર રૂપે પ્રતિફૂગ ઔષધો અપાય છે.
(10) ફેફસાંનું કૅન્સર : વિશ્વભરમાં તમાકુના ધૂમ્રપાનને કારણે ફેફસાંનું કૅન્સર વધતું રહ્યું હતું. હાલ પશ્ચિમી દેશોમાં જાણકારી અને તમાકુવિરોધી ઝુંબેશે તેનું પ્રમાણ ઘટાડ્યું છે. ખાંસી, દુખાવો, અવાજ બેસી જવો, ગળફામાં લોહી આવવું વગેરે વિવિધ પ્રકારની તકલીફો સાથે તેના દર્દીઓ જોવા મળે છે. ઍક્સ-રે-ચિત્રણ, શ્વસની-નિરીક્ષા (broncoscopy), સી.ટી.-સ્કૅન, ગળફામાં કે ગાંઠમાં કે ગાંઠમાંથી કાઢેલા પ્રવાહી કે પેશીમાં કૅન્સરના કોષો દર્શાવતું પેસીપરીક્ષણ (biopsy) અથવા કોષવિદ્યાકીય પરીક્ષણ (cytology) વગેરેની મદદથી નિદાન કરાય છે. નિદાનમાં રોગનો તબક્કો જાણવો પણ જરૂરી છે. શક્ય હોય તે બધા જ કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા પ્રાથમિક સારવાર છે. ફક્ત લઘુકોષી કૅન્સર(small cell cancer)માં પ્રાથમિક સારવાર રૂપે ઔષધો અથવા ઔષધચિકિત્સા (chemotherapy) છે. ફરીથી ઊથલો મારતા રોગમાં અથવા શસ્ત્રક્રિયા શક્ય ન હોય તો ઔષધચિકિત્સા વડે સારવાર કરાય છે. રોગની સારવારમાં વિકિરણચિકિત્સા મહત્વની રાહતદાયી સારવાર છે. આ ઉપરાંત દર્દીને પીડાશામકો અને જરૂર પડ્યે ઍન્ટિબાયૉટિક કે અન્ય સહાયભૂત થતી સારવાર અપાય છે. શસ્ત્રક્રિયા ન થઈ શકે તેવા કિસ્સામાં કે ફરીથી ઊથલો માર્યો હોય ત્યારે બાકી રહેલા જીવનની ગુણવત્તા જાળવવા પર ખાસ ભાર મુકાય છે.
ફેફસાંમાં અન્ય કૅન્સરની ફેલાઈને આવેલી ગાંઠોનો વિકાર પણ થાય છે. જે તે મૂળ રોગ પ્રમાણે તેની સારવાર કરાય છે. પરિફેફસી કલામાંથી મિઝોથેલિઓમા નામની ગાંઠ થાય છે. તેની સારવાર શસ્ત્રક્રિયા અને ઔષધો વડે થાય છે.
(11) કોષાંતરાલીય ફેફસી રોગ (interstitial lung disease) : વિવિધ પ્રકારના રોગો આ જૂથમાં સમાવિષ્ટ થયેલા છે – ફેફસી ઇઓસિનરાગિતા (pulmonary eosinophilia), સાર્કોડિસિસ, ધૂલિજન્ય ફેફસી રોગ (pneumoconiosis), સંયોજી પેશીલક્ષી વિકારો (connective tissue disorders) વગેરે. તેના નિદાનમાં હાઇરેઝોલ્યુશન સી.ટી.-સ્કૅન અને ફેફસાંના વિકારગ્રસ્ત ભાગનું પેશીપરીક્ષણ (biopsy) મહત્વનાં છે. સેન્દ્રીય કે અસેન્દ્રીય રજકણોથી વિવિધ પ્રકારના ધૂલિજન્ય ફેફસી રોગો થાય છે; જેમ કે, ઘાસ અને ધાન્યના તાંતણાથી કૃષિજન-ફેફસી રોગ (farmer’s lung), પક્ષીઓની વિષ્ટા અને પીંછાંથી થતો પક્ષીચાહકનો રોગ (bird fanciers’ lung), કપાસના ઉદ્યોગમાં થતો કપાસતન્ત્વી ફેફસી રોગ (byssinosis), પનીર-કર્મી(cheese workers)નો ફેફસી રોગ, કોલસા કે અન્ય ખાણોમાં થતો કોલસી ફેફસી રોગ કે ધૂલિકણજન્ય ફેફસી રોગ (silicosis), અબરખ(asbestos)ના તંતુઓથી થતો અબરખીય ફેફસી રોગ (asbestosis) વગેરે. વિવિધ પ્રકારના ધૂલિજન્ય ફેફસી રોગોમાં ફક્ત રાહતદાયી સારવાર શક્ય હોવાથી તેમને થતા અટકાવવા જરૂરી ગણાય છે.
(12) શ્વસનિકાશોથ (bronchiolitis) : તે એક ઉગ્ર પ્રકારનો શિશુઓમાં જોવા મળતો વિષાણુજન્ય રોગ છે. તેમાં ક્યારેક શ્વસનીય દુસ્ત્રસ્તતા (respiratory distress) ઉદ્ભવે છે. તે એક વિષાણુજ ચેપ હોવાથી તેની મુખ્ય સારવાર રાહતદાયી સારવાર છે. તંતુમય અવરોધકારી શ્વસનિકાશોથ એક દીર્ઘકાલી રોગ છે. તેની કારણવિદ્યા સુસ્પષ્ટ નથી. તેની પણ રાહતદાયી સારવાર કરાય છે.
શિલીન નં. શુક્લ