શ્વભ્ર : ઉત્તર ગુજરાતમાં આવેલ સાબરકાંઠાના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપોના સમયમાં કચ્છ, સુરાષ્ટ્ર અને આનર્ત ઉપરાંત શ્વભ્ર-(સાબરકાંઠા)નો પ્રદેશ પણ અલગ ગણાતો હતો. કાર્દમક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. 150ના જૂનાગઢ શૈલ-લેખમાં રુદ્રદામાની સત્તા નીચેના પ્રદેશોની યાદીમાં શ્વભ્રનો સમાવેશ કર્યો છે.

પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ-સૂત્રપાઠના પરિશિષ્ટ રૂપે સ્વીકારવામાં આવેલા ‘ગણપાઠ’માં દેશવાચક નામોમાં ‘કચ્છ’, ‘શ્વભ્ર’, ‘ખેટક’ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. સાબરમતી નદી માટે ‘શ્વભ્રવતી’ નામનો ઉલ્લેખ થયો છે. તે ‘શ્વભ્ર’ પ્રદેશમાં થઈને અમદાવાદ, જૂના આસાવલ પાસેથી પસાર થઈ દક્ષિણમાં આગળ વધે છે.

જયકુમાર ર. શુક્લ