શ્રોફ, અરદેશર દારાબશા (જ. 4 જૂન 1899, મુંબઈ; અ. 27 ઑક્ટોબર 1965, મુંબઈ) : બાહોશ અર્થશાસ્ત્રી અને કુશળ વહીવટકાર. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી હાંસલ કરી અમેરિકન ચેઇઝ બૅંકમાં જોડાયા હતા. ભારત પરત આવી સિડનહામ કૉલેજ ઑવ્ કૉમર્સમાં એડવાન્સ્ડ બૅંકિંગના વિષયના પ્રાધ્યાપક નિમાયા હતા. ત્યારબાદ સફળ શૅરદલાલ તરીકે પંદર વર્ષમાં ગણનાપાત્ર સમૃદ્ધિ એકત્ર કરી તાતા જૂથમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા.
1954માં બ્રેટન વુડ્ઝ ખાતે મળેલ વિશ્વ નાણાકીય અધિવેશનમાં ભારતનો દાવો સબળતાથી રજૂ કરી વિશ્વયુદ્ધમાં ભારતના ફાળા તરીકે રૂ. 2000 કરોડનું હૂંડિયામણ દેશને રળી આપવામાં અગ્રભાગ લીધો હતો. 1956માં મુક્ત સાહસ અને લોકશાહી વિચારસરણીનો પ્રચાર કરવા માટે ફોરમ ઑવ્ ફ્રી એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી. ત્યારે તેમની છાપ જાહેરક્ષેત્રના વિરોધી તરીકે ઊપસી હતી; પરંતુ તેથી ઊલટું, દેશના વિકાસની દૃષ્ટિએ અમુક ઉદ્યોગો સરકાર જ ચલાવી શકે તેવો તેમનો મત હતો. તેમનો જાહેર અને ખાનગી ક્ષેત્રો વચ્ચેની અકારણ સ્પર્ધા સામે વિરોધ હતો.
તેઓ ન્યૂ ઇન્ડિયા એશ્યૉરન્સ કંપની લિમિટેડ અને ટાટા ટેક્સ્ટાઇલ જૂથના ચૅરમૅન રહ્યા હતા. તેમણે ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર તથા બૉમ્બે શૅરહોલ્ડર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ, ઇન્વેસ્ટ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયાના ડિરેક્ટર ઇન્ચાર્જ, પૉર્ટ ઑવ્ બૉમ્બેના ટ્રસ્ટી, રેલવે સ્ટૉર્સ તપાસ સમિતિ તથા ફૉરવર્ડ કૉન્ટ્રૅક્ટ્સ બિલ માટેની નિષ્ણાત કમિટીના ચૅરમૅન તેમજ નફાવહેંચણી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
ઊંડી સૂઝ ધરાવનાર અર્થશાસ્ત્રી, અણીશુદ્ધ પ્રામાણિક અને વાક્પટુ એ. ડી. શ્રોફ 1960માં તાતા સન્સ લિમિટેડના ડિરેક્ટરપદેથી નિવૃત્ત થયા હતા.
જિગીષ દેરાસરી