શ્રોણીય શોથકારી રોગ (pelvic inflammatory disease, – PID)
January, 2006
શ્રોણીય શોથકારી રોગ (pelvic inflammatory disease, – PID) : અંડપિંડ, અંડવાહિની તથા ગર્ભાશયમાં પીડાકારક સોજાનો વિકાર. પીડાકારક અને પેશીને લાલ બનાવતા વિકારને શોથ (inflammation) કહે છે. તેનું મુખ્ય કારણ ચેપ (infection) હોય છે. સામાન્ય રીતે લોહી દ્વારા કે યોનિ (vagina) માર્ગે પ્રસરીને પ્રજનનમાર્ગના ઉપરના અવયવોમાં ચેપ પહોંચે છે. તેથી તે સામાન્ય રીતે બંને બાજુએ હોય છે. અંડપિંડ (ovary) અને અંડવાહિની (fallopian tube) એકબીજાની ખૂબ જ નજીક હોવાથી તેઓમાં લગભગ સાથે સાથે ચેપ લાગે છે અને તેથી તેમના ચેપને સામાન્ય રીતે તે બંને અવયવોના સંયુક્ત ચેપ તરીકે લેવાય છે. તેમાં એક મહત્વનો અપવાદ છે અને તે કપોલિકાવિષાણુ-(ગાલપચોળું કરતો વિષાણુ)નો ચેપ. તેને અંગ્રેજીમાં mumps કહે છે. તેમાં ફક્ત અંડપિંડમાં જ શોથ હોય છે.
કારણવિદ્યા : કૌમાર્યપટલ એક પ્રકારે ચેપરોધક પડદો છે. તેથી કુંવારી છોકરીઓમાં PID થાય તો તે મોટેભાગે યોનિમાર્ગી (યોનિ દ્વારા ઉપર ચડીને આવતો ચેપ) નહિ પણ રુધિરમાર્ગી (લોહી દ્વારા ફેલાઈને આવતો ચેપ) હોય છે અને તેથી તે ઘણે ભાગે ક્ષયરોગ હોય છે. યોનિમાંનું ક્ષારદીય (alkaline) પ્રવાહી, ગર્ભાશય-ગ્રીવા(uterine cervix)ની સાંકડી નળીમાંનું ઘટ્ટ પ્રવાહી તથા ગર્ભાશયની અંત:કલાની તાંતણા જેવી કશાઓ (cilia) જીવાણુઓના યોનિમાર્ગે પ્રવેશને ઘટાડે છે. જોકે ઋતુસ્રાવ વખતે તથા પ્રસૂતિસમયે આ કુદરતી રક્ષણ જતું રહે છે. આવી જ રીતે ગર્ભપાત, ગર્ભાશયની અંત:કલાનું ખોતરણ (curettage) કરવાની શસ્ત્રક્રિયા વગેરે વિવિધ સ્થિતિ અને પ્રક્રિયાઓમાં પણ આ રક્ષણ જતું રહે છે. તેને કારણે ઉપરના પ્રજનનમાર્ગમાં ચેપ ફેલાય છે અને PID થાય છે.
PIDનું મહત્વનું કારણ જાતીય ક્રિયાઓ (લૈંગિક ક્રિયાઓ) વખતે ફેલાતો ચેપ છે. તેને લૈંગિક ક્રિયાજન્ય સંક્રામક રોગ (sexually transmitted disease, STD) કહે છે. તેમાં પરમિયો (gonorrhoea) અને ક્લેમાડિયા (chlamydia) મુખ્ય છે. આશરે 65 %થી 70 % કિસ્સામાં લૈંગિક ક્રિયાઓથી ચેપ લાગેલો હોય છે; જેમાં વિકાસશીલ દેશોમાં 30 % કિસ્સા પરમિયાના હોય છે. પરમિયો અને ક્લેમાડિયાના સૂક્ષ્મજીવો પ્રજનનમાર્ગમાં શ્લેષ્મકલા દ્વારા ઉપર ચડીને અંડવાહિની સુધી પહોંચે છે અને તેનો તથા અંડપિંડનો ચેપ કરે છે. તેને અંડપિંડ-અંડવાહિનીશોથ (salpingo-oophoritis) કહે છે. આ ઉપરાંત ક્ષયરોગના જીવાણુઓ, ઈ. કોલી અને વિષાણુઓથી પણ આ પ્રકારનો ચેપ લાગે છે. ક્યારેક અનેક સૂક્ષ્મજીવોથી એકસાથે ચેપ લાગે છે. તેને બહુસૂક્ષ્મજીવી ચેપ (polymicrobial infection) કહે છે. તેમાં જારક (aerobic) અને અજારક (anaerobic) તેમજ ગ્રામ-અભિરંજિત અને ગ્રામ-અનભિરંજિત જીવાણુઓનો સમાવેશ થાય છે.
હૉસ્પિટલ બહાર અકુશળ (unskilled) દાયણો દ્વારા પ્રસૂતિ થયેલી હોય તથા અપરાધીય ગર્ભપાતનો કિસ્સો હોય તો તેમાં પણ ઉપરના પ્રજનનમાર્ગનો ચેપ લાગે છે અને PID થાય છે. એવું મનાય છે કે વિકાસશીલ દેશોમાં તે 40 %થી 50 % દર્દીઓમાં PIDનું કારણ હોય છે. ક્યારેક ગર્ભાશયાંત:કલા(endomatrium)ના ખોતરણ પછી પણ તે થઈ જાય છે. ગર્ભાશયમાં ગર્ભનિરોધક સંયોજના (device) મૂકવાથી પણ ક્યારેક તે થાય છે; દા.ત., આંકડી મૂકવી. લોહી દ્વારા ફેલાઈને આવતો ચેપ ક્ષયરોગનો છે. ક્યારેક આંત્રપુચ્છશોથ (appendicitis) પછી ચેપ ફેલાઈને અંડપિંડ-અંડવાહિનીશોથ કરે છે. સામાન્ય રીતે PID એ યુવાન સ્ત્રીઓનો રોગ છે. ગર્ભનિરોધક શસ્ત્રક્રિયા (વાહિનીછેદન, tubectomy) કરવાથી યોનિમાર્ગે પ્રસરતો ચેપ તથા PID થવાની સંભાવના ઘટે છે.
રુગ્ણવિદ્યા : PID બે પ્રકારના છે ઉગ્ર અને દીર્ઘકાલી. ઉગ્ર વિકારમાં અંડવાહિનીઓ સોજાવાળી અને વધુ પડતા રુધિરાભિસરણથી રુધિરભારિત (congested) થયેલી હોય છે. તેની સપાટી પરની નસો પહોળી થયેલી હોય છે અને તેની આસપાસ સુતરલ (serous) પ્રવાહી હોય છે. તેની શ્લેષ્મકલા પણ સોજા અથવા જલશોફ(oedema)ને કારણે સૂજેલી હોય છે અને તેમાં શ્વેતકોષો તથા પ્રરસકોષો (plasma cells) હોય છે. જો યોનિમાર્ગે ઉપર ચડતો પરમિયાનો રોગ હોય તો શ્લેષ્મકલા પહેલી અસરગ્રસ્ત થાય છે અને તેમાં અંડવાહિનીના પોલાણમાં ઉદ્વાહિત (exudative) પ્રવાહી ઝરે છે. ઉદ્વાહી પ્રવાહીમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. તેના પર ચાંદું પડે છે અને તે જ્યારે રુઝાય છે ત્યારે નળીની શ્લેષ્મકલા ચોંટી જઈને નળીનું પોલાણ બંધ કરી દે છે. તેને કારણે જતે દિવસે અફલિતતા (infertility) તથા અન્યસ્થાની સગર્ભતા (ectopic pregnancy) થાય છે. અંડકોષ શુક્રકોષ વડે ફલિત ન થઈ શકે તેને અદૂલિતતા કહે છે, જ્યારે ફલિતાંડમાંથી ગર્ભશિશુ ગર્ભાશયના પોલાણને બદલે અન્ય કોઈ સ્થળે વિકસે ત્યારે તેને અન્યસ્થાની સગર્ભતા કહે છે. ક્યારેક તેમાંનો ચેપ બહાર ફેલાઈને શ્રોણી(pelvis)માં ગૂમડું કરે છે તો ક્યારેક સાથે સાથે અંડપિંડ અસરગ્રસ્ત થવાથી અંડવાહિની-અંડપિંડી ગૂમડું કરે છે. ક્યારેક અંડવાહિનીમાં જ પરુ ભરાઈ રહે તો તેને સપૂય અંડવાહિનિતા (pyosalpinx) કહે છે. તે ત્યારબાદ આસપાસના અવયવો – અંડપિંડ, આંતરડાં તથા ગર્ભાશયની પાછલી દીવાલ વગેરે સાથે ચોંટે છે. ક્યારેક ચેપ ફેલાઈને પરિતનગુહા-(peritoneal cavity)માં પ્રસરે છે અને પરિતનશોથ (peritonitis) કરે છે. મોટા આંતરડામાં અગતિશીલ રોધ પેદા કરીને ઘાતજન્ય સ્થિરાંત્રતા(paralytic ileus)નો વિકાર કરે છે. ક્યારેક ઉરોદરપટલની નીચે કે મૂત્રપિંડની આસપાસ પણ ગૂમડાં થાય છે. ચેપ નસોમાં ફેલાઈને વાહિનીગંઠનશોથ (thrombophlebitis), લોહીમાં ફેલાતી જીવાણુરુધિરતા (bacteraemia) તથા અન્ય અવયવોમાં ગૂમડાં કરે છે. નસોમાં લોહી ગંઠાઈ જાય અને તેમાં ચેપને કારણે સોજો આવે તેને વાહિનીગંઠનશોથ કહે છે તથા લોહીમાં જીવાણુઓનું પરિભ્રમણ થાય ત્યારે તેને જીવાણુરુધિરતા કહે છે. અંડપિંડ-અંડવાહિનીમાં ચેપ અને શોથને કારણે એક પ્રકારનો પેશીનો ગઠ્ઠો થઈ જાય છે. તેને અંડવાહિની-અંડપિંડી અર્બુદાભ (tubo-ovarian mass) કહે છે.
પેશીમાંથી રુધિરાભિસરણમાં પાછું ફરતું પ્રવાહી લોહીની નસો(શિરાઓ, vein)ને બદલે અમુક અંશે લસિકાવાહિનીઓ (lymphatic) દ્વારા વહે છે. આ લસિકાવાહિનીઓ પર લસિકાગ્રંથિઓ (lymphnodes) નામની નાની નાની પિંડિકાઓ આવેલી હોય છે. ગર્ભપાત કે પ્રસૂતિ પછી થતો ચેપ ગર્ભાશય-ગ્રીવામાંથી આવી લસિકાગ્રંથિઓ દ્વારા બૃહદ તંતુબંધ (broad ligment) નામની, અંડપિંડ અને અંડવાહિનીઓને તેમના સ્થાને રાખતી સંરચનામાં ફેલાય છે અને ત્યાં પેશીકોષશોથ (cellulitis) કરે છે. તેથી અંડવાહિની બહારથી અસરગ્રસ્ત થાય છે. નળીની દીવાલ જાડી થઈ જાય છે પણ પોલાણ પહોળું થતું નથી. તેમાં પણ પાછળથી નળી બંધ થઈ જાય છે.
જ્યારે ઉગ્ર ચેપની અપૂરતી સારવાર કરાય ત્યારે ઉપોગ્ર (subacute) PID થાય છે. ક્યારેક લૈંગિક સંક્રામક રોગોમાં ફરીથી લાગતા ચેપમાં પણ તેવું બને છે. ક્ષયરોગ પણ ઉપોગ્ર સ્વરૂપે કે વારંવાર થતા ચેપની રીતે જોવા મળે છે.
ઉગ્ર ચેપ પૂરેપૂરો રુઝાઈ ન જાય તો તેમાંથી સજલ અંડવાહિનિતા (hydrosalpinx), દીર્ઘકાલી સપૂય અંડવાહિનિતા (chronic pyosalpinx), દીર્ઘકાલી કોષાંતરાલીય અંડવાહિનીશોથ (chronic interstitial salpingitis) અને અંડવાહિની-અંડપિંડકોષ્ઠ (tubo-ovarian cyst)ના વિકાર થાય છે. આ બધા દીર્ઘકાલી PIDનાં ઉદાહરણો છે. ક્ષયરોગ પણ દીર્ઘકાલી વિકાર સર્જે છે. અંડવાહિની અને અંડપિંડમાંના ચેપની ઍન્ટિબાયૉટિક વડે સારવાર કરવામાં આવે અને જો જીવાણુરહિત પ્રવાહી સાથેની અંડવાહિની રહી જાય તો તેને સજલ અંડવાહિનિતા કહે છે. તેમાં પરુ હોય તો તેને સપૂય અંડવાહિનિતા કહે છે. બંનેમાં અંડવાહિનીની દીવાલ જાડી થયેલી હોય છે. જો અંડવાહિનીની દીવાલ જાડી અને તંતુમય હોય પણ તેના પોલાણમાં પ્રવાહી કે પરુ ન હોય તો તેને કોષાંતરાલી અંડવાહિનીશોથ કહે છે. જો સજલ અંડવાહિનિતાનું પોલાણ અંડપિંડમાંની કોષ્ઠ (cyst) સાથે સળંગ જોડાયેલું હોય તો તેને અંડવાહિની-અંડપિંડકોષ્ઠ કહે છે. જો તેમાં પરુ હોય તો તેને અંડવાહિની-અંડપિંડ ગૂમડું કહે છે.
લક્ષણો, ચિહ્નો અને નિદાન : પેટમાં દુખાવો થાય તે તેનું મુખ્ય લક્ષણ છે. સામાન્ય રીતે તે પેટના નીચલા ભાગમાં બન્ને બાજુએ હોય છે. તેની તીવ્રતા વધુ હોય તો તાવ તથા ઊલટી પણ થાય છે. જો ચેપ લૈંગિક સંક્રમણથી આવ્યો હોય તો પેશાબમાં બળતરા તથા શ્વેતપ્રદર પણ થાય છે. ગર્ભાશયમાં ચેપ પ્રસરે ત્યારે ઋતુસ્રાવની અનિયમિતતા થાય છે. દર્દીને ક્યારેક યોનિમાર્ગે રુધિરસ્રાવ (haemorrhage) થાય છે અથવા તો તેના માસિક-ધર્મ સમયે વધુ પડતો રુધિરસ્રાવ થાય છે. શ્રોણીય ગૂમડું હોય ત્યારે ક્યારેક આ પ્રકારની તકલીફને બદલે પાતળા ઝાડા થાય અથવા ગુદામાં બળતરા પણ થાય. ક્લેમાડિયાના ચેપમાં ઘણી વખત કોઈ લક્ષણો જ હોતાં નથી.
ઉગ્ર ચેપમાં દર્દી સ્ત્રી માંદી પડી જાય છે, ખૂબ તાવ આવે છે (103થી 104o F.) હૃદયના ધબકારા વધી જાય છે, પેટ ફૂલે છે અને તેને સ્પર્શતાં અક્કડતા અને સ્પર્શવેદના (tenderness) થઈ આવે છે. જ્યારે તીવ્રતા ઘટે છે ત્યારે પેટના નીચેના ભાગમાં ગાંઠ હોવાનું સંસ્પર્શનથી ખબર પડી શકે છે. ગર્ભાશય-ગ્રીવામાંથી પૂયસ્રાવ (પરુ નીકળવું) થાય છે. જો પ્રસૂતિ કે ગર્ભપાત પછીની સ્થિતિ હોય તો યોનિમાંની ઈજાગ્રસ્ત પેશી પણ જોઈ શકાય છે. યોનિમાર્ગની તપાસમાં સ્પર્શવેદનાવાળી ગાંઠની જાણકારી મળે છે. દીર્ઘકાલી PIDમાં લક્ષણો એટલાં સ્પષ્ટ હોતાં નથી, પરંતુ અંડવાહિની-અંડપિંડના વિસ્તારમાં ગઠ્ઠો અથવા અર્બુદાભ (mass) થયો હોય તો તે જણાઈ આવે છે.
આ વિકારને ઉગ્ર આંત્રપુચ્છશોથ (appendicitis) તથા અન્ય-સ્થાની સગર્ભિતા(ectopic gestation)થી અલગ પાડવી પડે છે. ક્યારેક આંતરડામાંનો અંધનાલિશોથ (diverticulitis), આમળ વળી ગયેલી અંડપિંડકોષ્ઠ (cyst), ફાટી ગયેલી કોષ્ઠ કે ચેપયુક્ત ગર્ભપાત પણ આ પ્રકારની સ્થિતિ સર્જે છે. દીર્ઘકાલી PIDને અંડપિંડની ગાંઠ, ગર્ભાશયમાંની ગાંઠ વગેરે વિવિધ અન્ય રોગોથી અલગ પાડવી પડે છે.
લોહીના કોષોની સંખ્યા, રક્તકોષ-ઠારણદર (erythrocyte sedimentation rate, ESR), ગર્ભાશય-ગ્રીવા અને યોનિના પ્રવાહી/પરુમાંના જીવાણુઓનું સંવર્ધન (culture) દ્વારા તેમની ઔષધવશ્યતાની કસોટી, રુધિરી જીવાણુસંવર્ધન (blood culture), મૂત્રપિંડની ક્રિયાક્ષમતા દર્શાવતી કસોટીઓ વગેરે વિવિધ કસોટીઓ કરીને દર્દીની હાલત વિશે નિર્ણય લેવાય છે. કેટલાક કિસ્સામાં ઉદરનિરીક્ષા (laparoscopy) દ્વારા પેટમાં એક નળી નાંખીને તેના દ્વારા વિકારગ્રસ્ત ભાગને દેખી શકાય છે તથા તેમાંથી પરુ કાઢી શકાય છે. સોનૉગ્રાફી, સીટી-સ્કૅન અને એમ.આર.આઈ.ની મદદ અંડવાહિની-અંડપિંડનો ગઠ્ઠો (અર્બુદાભ) ગૂમડું છે કે ગાંઠ તે નક્કી કરવામાં ઉપયોગી રહે છે.
સારવાર : ઉગ્ર ચેપની સારવારમાં આરામ, નસ વાટે પ્રવાહી, પીડાનાશકો અને ઍન્ટિબાયૉટિક ઔષધો મુખ્ય છે. જો ગૂમડું થયું હોય, અપૂર્ણ ગર્ભપાત થયો હોય, ઉગ્ર પરિતનશોથ (acute peritonitis) થયો હોય, આંતરડાની ગતિમાં અવરોધ થયો હોય, આંતરડામાં ઈજા થયેલી હોય કે ગૂમડું અંદર ફાટી ગયું હોય તો તેને માટે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. દીર્ઘકાલી PIDમાં નૈદાનિક ચિત્રણોની મદદથી સોય દ્વારા પરુ કાઢી શકાય છે. તેમાં પણ ગાંઠ થયેલી હોય કે પરુ ભરેલી કોષ્ઠ થયેલી હોય તો તેને શસ્ત્રક્રિયા વડે દૂર કરવી પડે છે.
શિલીન નં. શુક્લ
પ્રકાશ ગ. પાઠક