શ્રેયાંસનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના અગિયારમા તીર્થંકર. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ક્ષેમા નગરીમાં નલિનીગુલ્મ નામે પરાક્રમી અને ગુણવાન રાજા હતા. કાળક્રમે અનાસક્ત બનીને તેમણે વજ્રદત્ત મુનિ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી વ્રત-તપ-આરાધના કરીને ‘તીર્થંકર’ નામગોત્રનું ઉપાર્જન કરી મૃત્યુ પછી મહાશુક્ર સ્વર્ગલોકમાં તેઓ દેવ બન્યા. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી તેઓ ત્યાંથી ચ્યવિત થઈ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સિંહપુર નગરમાં વિષ્ણુ રાજાની પત્ની વિષ્ણુદેવીની કુક્ષિમાં જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠના દિવસે શ્રવણ નક્ષત્રમાં ગર્ભરૂપે અવતર્યા અને ભાદ્રપદ માસની કૃષ્ણ દ્વાદશીએ તેમનો જન્મ થયો.
યુવાન વયે માતા-પિતાના આગ્રહથી રાજકન્યાઓ સાથે તેમણે લગ્ન કર્યાં. પિતાની વિનંતીથી રાજ્યભાર સંભાળ્યો. કાળક્રમે સંસારથી વિરક્ત બની ફાગણ કૃષ્ણ પક્ષના શ્રવણ નક્ષત્રમાં એક હજાર રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. બીજા દિવસે સિદ્ધાર્થનગરમાં નંદ રાજાના ઘરે પરમાન્નથી છઠ્ઠ તપનું પારણું કર્યું. દીક્ષાના બે માસ પછી મહા માસની અમાવાસ્યાના દિવસે શ્રવણ નક્ષત્રમાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ રચેલા સમવસરણમાં તેમણે ઉપદેશ આપ્યો અને તીર્થપ્રવર્તન કર્યું.
તેમના પરિવારમાં 84,000 સાધુઓ અને 1,03,000 સાધ્વીઓ હતાં. તેમાંથી 1,300 ચૌદ પૂર્વધારી; 6,000 અવધિજ્ઞાની; 6,000 મન:પર્યાયજ્ઞાની; 6,500 કેવલજ્ઞાની; 11,000 વૈક્રિયલબ્ધિધારી; 5,000 વાદલબ્ધિધારી હતાં. તેમના પરિવારમાં 2,79,000 શ્રાવકો હતા અને 4,48,000 શ્રાવિકાઓ હતી. કુમારાવસ્થામાં 21 લાખ વર્ષ અને રાજ્યપાલનમાં 42 લાખ વર્ષ તથા શ્રમણ અવસ્થામાં 21 લાખ વર્ષ – આમ કુલ 84 લાખ વર્ષનું આયુષ્ય પાળી અનશનપૂર્વક 1,000 મુનિઓ સાથે શ્રાવણ વદિ ત્રીજના દિવસે સમેતશિખર પર તેઓ નિર્વાણ પામ્યા.
રમણીક શાહ
સલોની જોશી