શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (. 28 ડિસેમ્બર 1925, અમદાવાદ) : બાહોશ ઉદ્યોગપતિ, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી ધર્મિષ્ઠ સજ્જન.

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ નવી ગુજરાતી શાળા અને આર. સી. હાઈસ્કૂલ, અમદાવાદમાં લીધું હતું. ગુજરાત કૉલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી અમેરિકાની મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(M.I.T.)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે 1946માં સ્નાતક (B.S.) થયા હતા. 1948માં વિખ્યાત હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઑવ્ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશન(M.B.A.)ની અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી.

સ્વદેશ પરત આવ્યા બાદ લાલભાઈ જૂથના ઉદ્યોગો સાથે સંકળાયા હતા. વડીલોની દેખરેખ નીચે તેમણે રાયપુર, સરસપુર, અશોક, અરવિંદ, અરુણ, નૂતન, ન્યૂ કૉટન, અનિલ સ્ટાર્ચ લિમિટેડ અને અતુલ પ્રોડક્ટસ લિમિટેડ વગેરેમાં ઉદ્યોગોના સંચાલનનો અનુભવ મેળવ્યો હતો. કુટુંબની ઉચ્ચ પ્રણાલિકાઓ જાળવી રાખીને તેમણે તેમના જ્ઞાનનો ઉપયોગ (અરુણ, નૂતન અને ન્યૂ કૉટન મિલ સિવાયના) જૂથના ઉદ્યોગોની સંકલન કમિટીમાં નાણાકીય તેમજ માનવસંબંધો(human relations)ને લગતી બાબતો પર દેખરેખ રાખી માર્ગદર્શન પૂરું પાડી વહીવટમાં સંવાદિતા સાધવામાં કર્યો હતો.

અન્યનાં મંતવ્યોને સાંભળવાની તત્પરતા તેમજ ધીરજ અને સૌની સાથે સુમેળ સાધવાની કુનેહે તેમનું એક કુશળ વહીવટકર્તા તરીકે ઘડતર કર્યું છે.

ઘણાં વર્ષોના અનુભવ બાદ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનું ચૅરમૅનપદ સંભાળ્યા પછી તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની કામગીરીમાં દક્ષતા લાવી તેમના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. હાલ તેઓ સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નૉલૉજી (CEPT), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ, ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (Physical Research Laboratory), નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી(હાલ નિરમા યુનિવર્સિટી)ના સંચાલક મંડળના સભ્ય તરીકે સેવાઓ આપે છે. તેઓ લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીના માનાર્હ મંત્રી છે.

તેમણે અટીરા (ATIRA) તેમજ કેન્દ્ર સરકારના અણુઊર્જા વિભાગની એક સ્વાયત્ત સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્લાઝમા રિસર્ચ જેવી વિખ્યાત સંસ્થાઓમાં તેમજ ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ સત્તામંડળોના સભ્ય તરીકે કીમતી સેવા આપી હતી.

તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાસભાનું તેમજ ગાંધી આશ્રમ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળી રહ્યા છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ અને કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરના ટ્રસ્ટી છે. તેમણે 1974થી 2002 સુધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનના સંચાલક મંડળના સભ્ય તરીકે અને તેમાં પણ 1981થી 1984 સુધી તેના પ્રમુખ તરીકે સક્રિય સેવા આપી હતી. તેઓ ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના વહીવટી સંચાલક તરીકે પણ માર્ગદર્શન પૂરું પાડે છે. વળી તેઓ દીપક નાઇટ્રાઇટ લિમિટેડ અને નિરમા લિમિટેડના નિયામક મંડળના સભ્ય છે.

ગુજરાત ઔદ્યોગિક મૂડી રોકાણ નિગમના સંચાલક મંડળના સક્રિય સભ્ય તરીકે તેમણે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

તેમના સક્રિય જીવનકાળ દરમિયાન તેમણે અનેક ઔદ્યોગિક, શૈક્ષણિક, સંશોધન, સામાજિક, ધાર્મિક વગેરે સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળી અથવા સંચાલક મંડળના સભ્ય તરીકે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે પિતાશ્રીની સંસ્કારજીવનની પરંપરાને સાદગીભર્યા જીવન અને દીનદુખિયા પ્રત્યેના સેવાધર્મથી દીપાવીને વિકસાવી છે. શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સમાજકલ્યાણની અનેક સંસ્થાઓને તેઓ તન-મન-ધનથી સતત સહાયભૂત થતા રહ્યા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના વિકાસમાંયે તેમનું મૂલ્યવાન પ્રદાન છે.

તેમણે શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના નિરીક્ષક તરીકે 1967થી 1976 સુધી સેવા આપ્યા બાદ પિતાશ્રીના અનુગામી તરીકે 1976માં તેમને પેઢીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે પેઢીના વહીવટને વધુ કાર્યક્ષમ બનાવી સુમેળ અને સંવાદિતા સાધવામાં નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તેમની જૈન ધર્મ પ્રત્યેની ઊંડી આસ્થાએ તેમને પેઢીનાં નાણાંનો ઉપયોગ પેઢી દ્વારા વહીવટ કરાતા ધર્મ અને કળાના રોચક સમન્વયરૂપ જૈનતીર્થો શત્રુંજય (ગિરિરાજ, પાલિતાણા), રાણકપુર, કુંભારિયાજી, મક્ષીજી, ગિરનાર (જૂનાગઢ), તારંગા, શેરીસા વગેરેનાં ઉન્નતિ, જીર્ણોદ્ધાર અને જાળવણીમાં અને ટ્રસ્ટના હેતુઓ પૂર્ણ કરવામાં ઉપયોગ કર્યો હતો. તેમણે યાત્રિકો માટે ઉપાશ્રયો તેમજ ભોજનશાળા, ધર્મશાળા વગેરે સુવિધાઓ પૂરી પાડવા પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું હતું. પાલિતાણાની જયતળેટીનો વિકાસ તેમની કલાસૂઝનો પરિચય કરાવે છે. ઉપરાંત સમગ્ર ભારતનાં 1200થી વધુ જૈનતીર્થોનાં ઉન્નતિ અને જીર્ણોદ્ધાર કરવામાં તેઓ સહાયરૂપ બન્યા હતા. તેઓ શેઠ જીવનદાસ ખોડીદાસ પેઢી, શંખેશ્વરનું પ્રમુખપદ પણ શોભાવે છે. પાલિતાણાને પવિત્ર શહેર જાહેર કરાવવામાં તેમણે અગ્રફાળો આપ્યો હતો. ત્રીસ વર્ષની સેવા પછી હાલ તેઓ પેઢીના પ્રવર ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેઓ અનેક જૈન ચેરિટેબલ ટ્રસ્ટો સાથે સંકળાયેલ રહી તેમને નેતૃત્વ પૂરું પાડે છે.

મૂંગાં પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાએ તેમને પાંજરાપોળોમાં પ્રાણીઓ માટે છાપરાં બાંધવાં, પાણી માટે ચેકડૅમો બાંધવા અને તળાવો ઊંડાં કરવાનાં કાર્યમાં સક્રિય રસ લેવા પ્રેર્યા હતા. તેઓ છાપરિયાળી પાંજરાપોળ સાર્વજનિક ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે.

તેમનાં સ્વ. પત્ની પન્નાબહેન મોહિનીબા કન્યા વિદ્યાલય તેમજ મધુબની શિશુશાળા, શ્રાબોની પ્રાથમિક શાળા, રચના માધ્યમિક શાળા તેમજ ચિત્રકામ, હસ્તકૌશલ્ય, નાટક, સંગીત વગેરે કળાઓ માટે સ્થાપેલ દિપાલિકા સંસ્થામાં વિશેષ રસ લેતા હતા. તેમનાં બે સંતાનો છે કલ્પનાબહેન અને સંજયભાઈ. સંજયભાઈ ઉદ્યોગોને બાહોશ વહીવટ પૂરો પાડી કુટુંબની પરંપરા જાળવી રહ્યા છે.

જિગીષ દેરાસરી