શ્રી સાઉન્ડ સ્ટુડિયો : મુંબઈના દાદર રેલવે-સ્ટેશન પાસે આવેલા એક તબેલાની જગ્યા પર ઊભો થયેલો ચલચિત્રનિર્માણ એકમ. તેના માલિક હતા શેઠ ગોકુલદાસ પાસ્તા. એક વાર એ સમયના પ્રતિષ્ઠિત નિર્માતા સરદાર ચંદુલાલ શાહે આ જગ્યા પર તેમના એક ચિત્રનું શૂટિંગ કરવા દેવાની રજા માંગી હતી. તે પછી આ જગ્યાએ નિયમિતપણે ફિલ્મોનાં શૂટિંગ શરૂ થયાં. એ સમયે ચંદુલાલ શાહ કોહિનૂર ફિલ્મ કંપની સાથે જોડાયેલા હતા. તેઓ તેમાંથી છૂટા થયા પછી તેમણે બે વર્ષ સુધી પાસ્તા શેઠ સાથે કામ કર્યું હતું. દરમિયાનમાં પાસ્તા શેઠનાં જગદીશ ફિલ્મ કંપની અને જગદીશ સ્ટુડિયો તબેલાની આ જગ્યા પર જ ઊભાં થયાં હતાં. ત્યાં સુધીમાં ચંદુલાલ શાહે પાસ્તા શેઠથી જુદા થઈને ત્યાં પાસેની જમીન પર સમય જતાં મશહૂર બનેલા તેમના રણજિત સ્ટુડિયોની સ્થાપના કરી હતી. 1935ના અરસામાં નારણદાસ ટી. મદનાણીએ પાસ્તા શેઠ પાસેથી જગદીશ સ્ટુડિયો ભાડાપટ્ટે લઈ લીધો. તેમાં જરૂરી મરામત કરાવી લીધી, કારણ કે ત્યાં સુધીમાં સવાક્ ચિત્રોનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું હતું. મદનાણીએ આ સ્ટુડિયોને ભારત સ્ટુડિયો નામ આપ્યું. એ પછી ત્યાં સવાક્ ચિત્રોનું નિર્માણ શરૂ થઈ ગયું. મદનાણી પૈસેટકે ખૂબ સધ્ધર હતા. તેઓ આ સ્ટુડિયોમાં પોતાનાં ચિત્રો બનાવવા ઉપરાંત બીજા નિર્માતાઓને ભાડે પણ આપતા હતા. કરાંચીથી આવેલા મદનાણી ચિત્રવિતરણનું કાર્ય કરતાં કરતાં નિર્માણના વ્યવસાયમાં ઊતર્યા હતા. મુંબઈમાં તેમણે આશા સ્ટુડિયો નામે બીજો એક સ્ટુડિયો પણ ખરીદી લીધો હતો. ભારતીય સ્ટુડિયો 1940 સુધી ધમધમતો રહ્યો હતો. એ દરમિયાન ત્યાં ‘સંદેશા’, ‘પૈસા’, ‘મિ. આઝાદ’ વગેરે ચિત્રોનું નિર્માણ થયું હતું. સમય જતાં મદનાણીએ આ સ્ટુડિયો નાગપુરના ડાગા શેઠને વેચી દીધો, પણ ડાગા શેઠને આ વ્યવસાય માફક ન આવતાં તેમણે એક ધ્વનિમુદ્રક (સાઉન્ડ રેકૉર્ડિસ્ટ) રજનીકાન્ત પંડ્યા તથા છબીકાર ચંદ્રકાન્ત પંડ્યાને આ સ્ટુડિયો વેચી દીધો. આમ, 1942માં પંડ્યા બંધુઓએ આ જૂના તબેલાની જગ્યા પર બનેલા સ્ટુડિયોનું શ્રી સાઉન્ડ સ્ટુડિયો નામકરણ કર્યું અને બંને ભાઈઓના કુશળ સંચાલનને કારણે શ્રી સાઉન્ડ સ્ટુડિયો દિવસોદિવસ વિકસતો ગયો અને નામના મેળવતો ગયો. એ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. ભારતમાં અંગ્રેજ સરકારે બ્રિટિશ સેનાને અપરાજેય દર્શાવે તેવાં યુદ્ધચિત્રોનું નિર્માણ કરવાનો ઠેકો પંડ્યાબંધુઓને આપ્યો હતો. આવાં ચિત્રોનું નિર્માણ કરીને તેમણે મબલક કમાણી કરી, પણ 1947માં દેશ આઝાદ થયા બાદ એ યુદ્ધચિત્રોની કિંમત કોડીની થઈ જતાં પંડ્યાબંધુઓએ દેવાળું ફૂંકવાનો વારો આવ્યો. 1950માં તેમણે શ્રી સાઉન્ડ સ્ટુડિયો નગીનભાઈ પટેલને વેચી દીધો. પટેલે પહેલાં આ સ્ટુડિયોનું નામ બદલીને ટેકર્સ ઇન્ડિયા લિમિટેડ રાખ્યું, પણ પછી ‘સિને સ્ટુડિયો’ નામે તે ચલાવ્યો, પણ લોકોમાં તો તેની ઓળખ શ્રી સાઉન્ડ સ્ટુડિયો તરીકે જ રહી હતી. 1955માં નગીનભાઈએ આ સ્ટુડિયોનો તમામ કારોબાર પોતાના એક મિત્ર બી. પી. સિંહાને સોંપી દીધો હતો. અનેક સફળ ચિત્રોનું આ સ્ટુડિયોમાં નિર્માણ થયું હતું, પણ સમય જતાં આ સ્ટુડિયો બંધ પડી ગયો અને કાનૂની વિવાદમાં પણ ફસાયો હતો.
હરસુખ થાનકી