શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર (SHAR) : ચેન્નાઈથી ઉત્તરમાં 100 કિમી. દૂર આવેલા શ્રીહરિકોટા ટાપુ ઉપર સ્થાપવામાં આવેલું ઇસરોનું એક માત્ર ઉપગ્રહ-પ્રક્ષેપણ-કેન્દ્ર. અહીંથી પૂર્વ દિશામાં ઉપગ્રહ પ્રક્ષેપિત કરી શકાય છે તેથી તેનું મહત્વ વિશેષ છે. ઉપગ્રહના પ્રક્ષેપણ અંગે જરૂરી બધી તકનીકી સુવિધા ઉપરાંત પ્રક્ષેપણ-રૉકેટમાં વપરાતા ઘન પ્રોપેલન્ટ બનાવવાનું એક કારખાનું અને પ્રવાહી પ્રોપેલન્ટના સંગ્રહ માટે પણ જરૂરી વ્યવસ્થા છે. સપ્ટેમ્બર 2002માં, 1972થી 1984 દરમિયાન ઇસરોના અધ્યક્ષ રહી ચૂકેલા (સ્વ.) ડૉ. સતીશ ધવનના નામ સાથે જોડીને આ કેન્દ્રનું નામ ‘સતીશ ધવન અંતરીક્ષ-કેન્દ્ર (SDSC)’ રાખવામાં આવ્યું છે.
પરંતપ પાઠક