શ્રીરંગપટ્ટનમ્ : દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યના મૈસૂર નજીક આવેલું, ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12o 25’ ઉ. અ. અને 76o 42’ પૂ. રે.. યુદ્ધકાળમાં નિપુણ પ્રસિદ્ધ શાસક હૈદરઅલી તથા મૈસૂરના વાઘ તરીકે જાણીતા બનેલા તેના પુત્ર ટીપુ સુલતાનની રાજધાનીનું સ્થળ. શ્રીરંગપટ્ટનમનો દ્વીપદુર્ગ મૈસૂરથી ઉત્તરે 16 કિમી. અને બૅંગાલુરુથી નૈર્ઋત્યમાં 125 કિમી.ને અંતરે આવેલો છે. અહીંના પ્રસિદ્ધ શ્રીરંગનાથ મંદિરના નામ પરથી આ સ્થળનું નામ ‘શ્રીરંગપટ્ટનમ્’ પડેલું છે.
શ્રીરંગપટ્ટનમ્, શિવસમુદ્રમ્ અને શ્રીરંગમ્ દ્વીપો પર આવેલાં શ્રીરંગનાથ સ્વામી(વિષ્ણુ)નાં ત્રણ મંદિરો અનુક્રમે આદિરંગ, મધ્યરંગ અને અંત્યરંગ નામથી જાણીતાં છે. એવું મનાય છે કે ગૌતમ ઋષિ શ્રીરંગસ્વામીની આરાધના કરતા હતા.
હોયસળ વંશના રાજા વિષ્ણુવર્ધનના ભાઈ ઉદય આદિત્યે 1120માં શ્રીરંગપટ્ટનમનું નિર્માણ કરેલું. પંદરમી સદીમાં આ નગર ફરતે કિલ્લેબંધી કરવામાં આવેલી. 1610માં તે મૈસૂરના રાજાઓનું પાટનગર બનાવાયું. અઢારમી સદીમાં પણ તે હૈદરઅલી અને ટીપુ સુલતાનનું પાટનગર રહેલું. અંગ્રેજોએ તેમની સાથે સંધિ તો કરેલી, પરંતુ 1792માં તેનો ભંગ કરી શહેરને ઘેરી લીધેલું. 1799ની ચોથી લડાઈ દરમિયાન દેશભક્ત ગણાતો સ્વમાની વીર ટીપુ સુલતાન, અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડીને, ઝઝૂમીને વીરગતિને પામ્યો હતો.
17મી સદીનાં હિન્દુ સ્મારકો, શ્રીરંગનાથનું મંદિર, ટીપુ સુલતાને બંધાવેલી જુમા (જામી) મસ્જિદ, ટીપુ સુલતાને ઉનાળાની મોસમમાં રહેવા માટે બંધાવેલો મહેલ (1784), તેનો ગુંબજ અહીંનાં જોવાલાયક સ્થળો છે. અહીં નજીકમાં જ આવેલા લાલ બાગ ખાતે હૈદરઅલી અને ટીપુસુલતાનના મકબરા છે. અહીંથી પાંચ કિમી. દૂર આવેલાં, કાવેરીકાંઠા પરનાં રંગનાથિત્તુનાં વન્યક્ષેત્રો (4.1 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું પક્ષી અભયારણ્ય) સાઇબીરિયાથી આવતાં યાયાવર પક્ષીઓ માટે જાણીતાં છે. ફેબ્રુઆરીથી જૂન સુધીનો સમયગાળો પર્યટન માટે શ્રેષ્ઠ ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા