શ્રીમાળી, રામેશ્વર દયાળ (જ. 1938, કરાંચી [હાલ પાકિસ્તાનમાં]) : જાણીતા રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મહારો ગાંવ’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે 1963માં બી.એ. અને 1966માં બી.એડ.ની ડિગ્રી મેળવી; ત્યારબાદ જયપુર ખાતેની રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ખાનગી વિદ્યાર્થી તરીકે હિંદી સાહિત્યમાં (1968) અને અર્થશાસ્ત્રમાં (1973) અનુસ્નાતક કક્ષાની ડિગ્રીઓ મેળવી. તેમણે સાંપ્રત રાજસ્થાની કવિતા વિશે સંશોધન પણ હાથ ધર્યું. તેમણે શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો અને રાજસ્થાનમાં જાવાલી ખાતેની સરકારી માધ્યમિક શાળામાં આચાર્યપદે પહોંચ્યા. તેમણે શૈશવાવસ્થાથી લખવાનો આરંભ કર્યો; તેમણે 3 કાવ્યસંગ્રહો તથા ટૂંકી વાર્તાનો એક સંગ્રહ પ્રગટ કર્યા છે. તેમણે હિંદીમાં પણ લેખનકાર્ય કર્યું છે. ટૂંકી વાર્તાના તેમના સંગ્રહ ‘સાલવતન’ને રાજસ્થાન સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ‘મહારો ગાંવ’ને વિષ્ણુ હરિ દાલમિયા પ્રાઇઝ મળ્યાં હતાં.
જીવન વિશેની કાળજીપૂર્વકની વિચારણા, તીવ્ર કટાક્ષલક્ષિતા, અરૂઢ છતાં સરળ ભાષા અને પ્રભાવક શૈલી જેવી વિશેષતાઓને કારણે પુરસ્કૃત કૃતિ રાજસ્થાનીમાં ગણનાપાત્ર ઠરી છે.
મહેશ ચોકસી