શ્રીમન્નૃસિંહાચાર્ય (. 28 નવેમ્બર 1853, કડોદ, જિ. સૂરત; . 3 ઑગસ્ટ 1897) : તત્વદર્શી સંત, કવિ, ગદ્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, પત્રકાર. જન્મ વિસનગરા જ્ઞાતિમાં થયો હતો. પિતા દુર્લભરામ યાજ્ઞિક, માતા મહાલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ કડોદમાં, પછીનો અભ્યાસ સૂરતની મિશનરી સ્કૂલમાં. પણ બાલ્યવયથી પ્રકૃતિએ નિજાનંદી વૈરાગ્યોન્મુખી. 1873માં સૂરતમાં તેઓ ‘પ્રાર્થનાસમાજ’ના ઉપદેશક આચાર્યપદે. 1874માં તેમણે ધર્મ, નીતિ, સંસ્કાર અને સ્વદેશપ્રેમને કેન્દ્રીય બનાવી ધાર્મિક વિદ્યાશાલાની સ્થાપના કરી. 1874-75માં સૂરતમાં ઇજનેરી ખાતામાં નોકરી કરતા. વડોદરા બદલી થતાં નિઝામપુરા નિવાસસ્થાને તેમનાં વાર્તાલાપો અને ભજનો પ્રતિ જનસમુદાયનું આકર્ષણ થયું. તેમણે નોકરીને તિલાંજલિ આપી અને વડોદરામાં ભૂતડી ઝાંપા વિસ્તારમાં ‘શ્રીનૃસિંહાશ્રમ’માં નિવાસ કર્યો. 1882માં બહુજનસમાજની આધ્યાત્મિક ઉન્નતિ અર્થે ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’ની સ્થાપના કરી. 1888માં તેમણે સંસ્થાના મુખપત્ર ‘મહાકાલ’નો આરંભ કર્યો. ધર્મ પ્રત્યેના વિધેયાત્મક અને બૌદ્ધિક અભિગમને લીધે છોટાલાલ જીવણલાલ માસ્તર (‘વિશ્વવંદ્ય’), નર્મદાશંકર મહેતા, નગીનદાસ સંઘવી, કૌશિકરામ મહેતા જેવા અનેક શિક્ષિતો તેમના શિષ્યમંડળમાં હતા.

શ્રીમન્નૃસિંહાચાર્ય

તેમનાં વૈવિધ્યસભર પદોમાં આત્માનુભૂતિનો રણકો સંભળાય છે. અનંતરાય રાવળે આ પદોને ‘પશ્યંતીનો પ્રસાદ’ તરીકે ઓળખાવ્યાં છે. તેમની મનોહારી ગદ્યચ્છટાઓ ખાસ ધ્યાન ખેંચે છે. તેમણે વિવિધ સાહિત્યપ્રકારોનું સર્જન કરી એક ઉત્તમ વિચારક, ઉદ્બોધક અને તત્વદર્શી સંત તરીકે પ્રશસ્ય કામગીરી બજાવી છે.

‘શ્રી નૃસિંહ વાણીવિલાસ’(પુસ્તક 1, 2, 3 : 1880, 1888, 1896)માં પદ્યમાં વેદ-ઉપનિષદના તત્વજ્ઞાનને લાઘવમાં રજૂ કર્યું છે. તેમાંથી ચયન કરેલાં પદોનો સંગ્રહ ‘શ્રી નૃસિંહકાવ્યસંદોહ’ (સંપા. શ્રીમન્ સુરેશ્વર ભગવાન) 1973માં પ્રગટ થયો છે. તેમના ગદ્યસાહિત્યમાં સ્ત્રીઓના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી રોચક વાર્તાશૈલીમાં લખાયેલા ‘ભામિનીભૂષણ’ના પાંચ અલંકારો (1886, 1889, 1891, 1892, 1895) મુખ્ય છે. અધ્યાત્મરહસ્યને પ્રાચીન પદ્ધતિની રૂપકાત્મક વાર્તામાં વણી લેતા ગ્રંથો ‘શ્રી ત્રિભુવનવિજયી ખડ્ગ’ (1896; યશોધર મહેતાએ જેનો ‘ઉમાહૈમવતી’ નામક સંક્ષેપ કર્યો છે.), ‘સિદ્ધાન્તસિંધુ’ (1885), ‘શ્રીપંચવરદ વૃત્તાંત’ (1896) નોંધપાત્ર છે. ‘શ્રી સુરેશચરિત્ર’ (1884) અને ‘સતી સુવર્ણા’ (1897) એમનાં નાટકો છે. ‘સન્મિત્તનું મિત્ર પ્રતિ પત્ર’ (1895) અને ‘શ્રી સદ્બોધ પારિજાતક’ (1893) પત્રસંગ્રહો છે. ‘સુખાર્થે સદુપદેશ’ (1899) તથા ‘શ્રી નૃસિંહકિરણાવલિ’માં વિવિધ લેખો છે.

લવકુમાર મ. દેસાઈ