શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી) : વૈષ્ણવોમાં પૂજાતું ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ (ઈ.સ. 1473-1531) 15મી-16મી સદીઓના સંધિકાલમાં જીવન જીવી ભક્તિમાર્ગમાંથી ‘પુષ્ટિમાર્ગ’ એવી સંજ્ઞા આપી જે માર્ગ વિકસાવ્યો તેના પરમ ઇષ્ટદેવ, ગોવર્ધનગિરિ ડાબી ટચલી આંગળી ઉપર હોય એવા સ્વરૂપના અભીષ્ટદેવ સ્થાપ્યા એ શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજધરણ. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’ પુષ્ટિમાર્ગીઓમાં ખૂબ જ વ્યાપક છે. આ સ્વરૂપનો પણ ઇતિહાસ છે. (પુષ્ટિમાર્ગમાં ‘મૂર્તિ’ને સ્થાને સાક્ષાત્ ‘સ્વરૂપ’ શબ્દ રૂઢ છે.)
સાંપ્રદાયિક માન્યતા એવી છે કે જે દિવસે ચંપારણ્યમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયેલું તે જ દિવસે ગિરિ ગોવર્ધન ઉપર શ્રીનાથજીનું પ્રાકટ્ય થયું હતું અને એ જ દિવસે અષ્ટછાપ કવિઓમાંના સૂરદાસનો જન્મ થયો હતો. ઐતિહાસિક વાત એવી છે કે ગોવર્ધનગિરિ ઉપર પૂર્વે સં. 1467ના શ્રાવણ વદિ 3(તા. 20-7-1410)ના દિવસે શ્રીનાથજીની વામભુજાનું દર્શન થયું હતું. પછી તો સં. 1535ના ચૈત્ર વદિ 11 રવિવાર(તા. 29-3-1478)ના દિવસે ગિરિગોવર્ધન ઉપર સંપૂર્ણ સ્વરૂપ સુલભ થયું હતું. એ જ દિવસે શ્રીવલ્લભના કાશીની પાઠશાળાના વિદ્યાગુરુ વૈષ્ણવ યતિરાજ માધવેંદ્રયતિનું કાશીથી વ્રજમાં આવવું થયેલું, એ દિવસ પણ એ જ હતો. ગિરિની તળેટીમાં ઝૂંપડીમાં તેઓ રહેતા હતા અને શ્રીનાથજીની સેવા કરતા હતા. લોકો નજીકમાં રહેવા આવતાં પછીથી પૂર્વ તળેટીના એ સ્થળનું નામ જતિપુરા થયું. ગામના વ્રજવાસીઓએ ગિરિ પર સંભવત: સં. 1538(ઈ. સ. 1481)ના માઘ વદિ 9ના દિવસે ઈંટ-ચૂનાના કાચા ગૃહમંદિરમાં શ્રીનાથજીનો પહેલો પાટોત્સવ ઊજવેલો, જે દિવસ ત્યારથી પુષ્ટિમાર્ગીય મંદિરો અને હવેલીઓમાં ઊજવાતો આવ્યો છે. (નાથદ્વારમાં પણ એ જ દિવસે પાટોત્સવ થયેલો.) આ મંદિરના સ્થળ ઉપર વિશાળ ગૃહમંદિર બંધાવવાનો કોડ અંબાલાના એક ક્ષત્રિય વૈષ્ણવ પૂર્ણમલ્લને થયો અને સં. 1556(ઈ.સ. 1499)ના વૈશાખ સુદિ 3 રવિવારે રોહિણી નક્ષત્રમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે વીસ વર્ષે તૈયાર થતાં સં. 1576(ઈ.સ. 1519)ના વૈશાખની અક્ષય તૃતીયાને દિવસે શાસ્ત્રીય રીતે વાસ્તુ કરી ફરી પાટ પર બેસાડ્યા. શ્રીનાથજી અત્યારે ત્યાં બિરાજતા નથી, પણ એ જૂનું વિશાળ ગૃહમંદિર આજે પણ જોવા મળે છે.
માધવેંદ્રયતિનું બે જ વર્ષમાં અવસાન થતાં એમના શિષ્ય અને શ્રીવલ્લભના બીજા ગુરુ માધવાનંદજી શ્રીનાથજીની સેવા કરતા હતા.
શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પોતાની ત્રીજી પરિક્રમામાં આગળ વધતા મારવાડની સરહદ નજીક ઝારખંડ નામના ગામમાં આવ્યા. ત્યાં એમને મથુરા પ્રદેશના ગિરિગોવર્ધન પર શ્રીનાથજી બિરાજે છે અને પોતાના બીજા ગુરુ જ સેવા કરે છે એવા સમાચાર મળતાં, પરિક્રમા અધૂરી રાખી ગિરિગોવર્ધન તરફ જવા નીકળ્યા, જ્યાં આગળ વધતાં યમુનાકિનારે ગોકુલમાં સં. 1563(ઈ.સ. 1506)ના શ્રાવણ સુદિ 11 ગુરુવારે આવી પહોંચ્યા અને રાત્રિનિવાસ કર્યો. એ રાત્રિ સંપ્રદાયમાં ખૂબ મહત્વની ગણાય છે. મધ્યરાત્રિએ થયેલા આત્મદર્શનમાં એમને ‘પુષ્ટિમાર્ગ’ વિકસાવવાનો ખ્યાલ આવ્યો અને ત્યારથી વિષ્ણુસ્વામીની પરંપરા હંમેશને માટે થંભી ગઈ. પવિત્રાં શ્રી ઠાકોરજીને ધરાવાય એકાદશીએ અને બ્રહ્મસંબંધ-દીક્ષા પામેલા દ્વારા ગુરુઓને દ્વાદશીએ, આ રસમ શરૂ થઈ.
ત્યાંથી શ્રીવલ્લભ મથુરા થઈ ગિરિગોવર્ધન પહોંચ્યા અને શ્રીનાથજીના મંદિરનો વહીવટ વ્યવસ્થિત કર્યો. પોતાના વિદ્યાગુરુ જ શ્રીનાથજીના મુખિયા તરીકે નિશ્ચિત થઈ સેવા કરતા રહ્યા. મંદિરનો આખો વહીવટ ગુજરાત ચરોતરના પોતાના પટેલ શિષ્ય કૃષ્ણદાસને સોંપાયો. શ્રી વલ્લભાચાર્યજીએ અહીં શ્રી ગોવર્ધનનાથજીનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’ વ્યાપક કર્યું. એઓશ્રીએ વિશાળ ગોશાળા પણ ચાલુ કરી.
મુઘલ સત્તાના અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં તો દાનપત્રો પણ મળ્યાં છે; પરંતુ ઔરંગઝેબના સમયમાં હિંદુ મંદિરોની તોડભાંગ શરૂ થઈ.
ઔરંગઝેબ સં. 1727ના જેઠ સુદિ 14(સંભવત: તા. 22-5-1670 અને રવિવાર)ના દિવસે મથુરાના પ્રદેશ પર ચડી આવ્યો. મથુરામાંના શ્રી કેશવરાયજીના મંદિરનો ધ્વંસ કરવામાં આવ્યો. પુષ્ટિમાર્ગીય મંદિરોને મુઘલાઈ પરવાના હોવાથી બચી ગયાં; આમ છતાં રહેવાનું સલામત ન જણાતાં સં. 1727ની શરદપૂર્ણિમાને દિવસે (તા. 18-9-1670) શ્રીનાથજીને અન્યત્ર પધરાવવાનું શરૂ થયું. પ્રથમ આગરાની હવેલીમાં, બે મહિને ચંબલ નદીને કિનારે દંડોતધારમાં, ચાર માસ પછી બે મહિના કોટા, ત્યાંથી પુષ્કરજીમાં, ત્યાંથી કિશનગઢ નજીકના ઉજાડ નામક સ્થળમાં (જે પછીથી ‘પીતાંબરજી કી ગલી’ કહેવાયું), ત્યાંથી ડુંગરપુર-વાંસવાડાના પ્રદેશમાં, જ્યાંથી પછી ઉત્તર-પશ્ચિમમાં છેક જોધપુર નજીક ચાંપાસેની પાસેની કદમખંડીમાં, ત્યાંથી સં. 1728ના કાર્તિક સુદિ 15(સંભવત: તા. 6-10-1671 ને સોમવાર)ના દિવસે મેવાડ તરફ, રાણા રાયસિંહજીની ઇચ્છા ઉદેપુરમાં, પણ ત્યાં ન રહેતાં નજીકના સિંહાડ નામક સ્થળમાં પધરાવ્યા. રાણા રાયસિંહજીએ ટૂંકા સમયમાં ત્યાં મંદિર તૈયાર કરાવ્યું, જેમાં સં. 1728ના માઘ વદિ 7 ને શનિવાર(તા. 10-2-1672)ના દિવસે પ્રભુને પાટ બેસાડ્યા. સંપ્રદાયમાં આ દિવસ બધાં મંદિર-હવેલીઓમાં ઊજવાય છે. શ્રીનાથજીની ગાદી મુખ્ય ગાદી ગણાય છે.
શ્રી વલ્લભાચાર્યજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રીપુરુષોત્તમજી અપુત્ર વિદેહ થયા એટલે આચાર્યશ્રીના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથ ગુસાંઈજી (અકબરે આપેલો ઇલકાબ ‘ગોસ્વામી’, એનો અપભ્રંશ) પિતાજીના વારસ થયા, એઓ પણ પિતાજી જેવા જ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. એમને સાત પુત્રો હતા, એમાંના મોટા પુત્ર શ્રી ગિરિધરજીને ત્યાં શ્રીનાથજી અને શ્રી નવનીતલાલ પ્રભુને પધરાવ્યા, એ પ્રધાન ગાદીધર ‘તિલકાયત’ બન્યા, જેમના વારસો ક્રમિક રીતે નાથદ્વારમાં ‘તિલકાયત’ તરીકે બિરાજે છે. ઉપરાંત 7 ગાદીઓ અસ્તિત્વમાં આવી. સાત ઠાકોરજીમાંના (1) શ્રી મથુરેશ્વરજી કોટામાં, (2) શ્રી વિઠ્ઠલનાથજી નાથદ્વારમાં, (3) શ્રી દ્વારકાધીશજી કાંકરોલીમાં, (4) શ્રી ગોકુલનાથજી ગોકુલમાં, (5) શ્રી ગોકુલચંદ્રમાજી કામવનમાં, (6) શ્રી બાલકૃષ્ણજી સુરતમાં. બીજો ફાંટો શ્રી કલ્યાણરાયજી વડોદરામાં અને (7) શ્રી મદનમોહનજી કામવનમાં.
જેઓ મોટા પુત્રો ન હોય તેવા ગોસ્વામીઓ પોતે જ્યાં જઈ સ્થિર થયા હોય ત્યાં હવેલી ધરાવતા હોય છે; પરંતુ એ ગૌણ ગણાય છે. મુખ્યત્વે તો પ્રધાન નાથદ્વાર અને સાત ગાદીધરોનાં સ્થાન ગણાય છે.
કે. કા. શાસ્ત્રી