શ્રાવ્ય ભાષા : સાંભળીને માણી શકાય તેવી નાટ્યભાષા. સંસ્કૃત નાટ્યપરંપરાની ‘વાક્’ની વિભાવનામાં ‘ચત્વારિ પદાનિ વાક્’ એટલે એની ચાર કક્ષાઓ ગણાવાઈ છે : પરા એટલે મૂલાધારમાં સ્થિતિ; પશ્યંતી તે હૃદયમાં (પશ્યંતી હૃદયગા), મધ્યમા એ બુદ્ધિસંલગ્ન (બુદ્ધિયુગ્મધ્યમા યાતા) અને વૈખરી (વકત્રે તુ વૈખરી) એટલે માનવીના મુખમાંથી નીકળે તે. ‘રામચરિતમાનસ’ મુજબ, પરા તે રસ, પશ્યંતી તે અર્થ, મધ્યમા તે છંદ અને વૈખરી તે શબ્દ. માત્ર શબ્દે અટકી જનારા સંવાદે નાટક બન્યું માનનારા લેખકો, શબ્દ પણ પૂરો ન ઉચ્ચારી જાણનારા નટો કે ફટાકડાની જેમ શબ્દનાં તડતડિયાં ન બોલાતાં હોય તો ‘નાટકમાં મજા ન પડી’ એવું માનનારા પ્રેક્ષકો માટે એટલું જ કહેવું બસ છે કે નાટકની પ્રસ્તુતિમાં સિદ્ધ તો પરા વાક્ કરવાની હોય, કારણ કે કાવ્યેષુ નાટકં રમ્યમ્ ગણાયું છે. ફિલ્મ અને ટેલિવિઝનનું ‘ધ્વનિવિશ્વ’ એટલે કે સાઉન્ડ ટ્રૅક પણ ચાર અંગો ધરાવે છે : (1) માનવવાણી-ઉચ્ચારણ, (2) સંગીત, (3) પ્રાકૃતિક કે કૃત્રિમ ધ્વનિઓ, અને (4) નીરવતા. આ ધ્વનિવિશ્વ ખુદ એક ઘટના છે; એ ક્રિયા સાથે કે ક્રિયા વિના પણ હોય; ક્રિયાને એ નવું પરિમાણ આપે, ક્રિયાની મર્યાદા ઓળંગી આપે. શબ્દનો ઉચ્ચાર નાટકના સંવાદનું એક ઘટક છે; નટ પાત્ર બનીને એ ઉચ્ચારણ કરે છે, એટલે પ્રેક્ષકોને એ માનવીય લાગે છે; એ સામાજિક અને કલાત્મક અભિવ્યક્તિ બનવાની ક્ષમતા ધરાવે છે; શબ્દ અમૂર્ત તત્ત્વો અને સર્વકાલીન લાગણીઓનો સહજ વાહક છે; એ શબ્દને એનું સંગીત છે; ક્રિયાની સહોપસ્થિતિમાં, ક્રિયાને સુસંગત અને / અથવા વિરોધાભાસી અર્થ એ પ્રકટ કરી શકે છે. નાટકમાં ભાષા સામાન્ય જીવનની બોલચાલની હોય તોપણ એ ક્રિયા અને વ્યાકરણની શિસ્ત પાળે છે, એથી ક્રિયા(અને એની પાછળના વિચાર)ને પણ ભાષાની શિસ્ત પાળવી પડે. જોકે આ શિસ્તની યોજનાપૂર્વકની અવગણના પણ અર્થવાહી બની શકે. નાટ્યભાષાનો ઉદ્દેશ તત્ક્ષણ-તત્સ્થળ પ્રત્યાયનનો છે : પાત્ર, સંદર્ભ, ભૂમિકા અને મિજાજ એણે નિ:શંકપણે સમજાવવાનો છે. સામાન્ય બોલચાલનો શબ્દ પણ અનેક અર્થો સૂચિત કરી શકે; વળી ‘ઉચ્ચારણ’ની શિસ્ત આ શબ્દને વધુ જીવંત અને પ્રત્યાયનશીલ બનાવી દે. નાટ્યપ્રસ્તુતિમાં ક્રિયાની જેમ ‘વાક્’ પણ વર્તમાનકાલીન છે, પ્રેક્ષકો જુએ છે ત્યારે જ એ સાંભળે છે – પ્રેક્ષકો અને પાત્રોનો એ સહ-વર્તમાન છે; એ જ રીતે એ જ સ્થળનું એ વાક્ છે ! ચંદ્રવદન મહેતા કહેતા તેમ, નાટક એ ‘ક્રિયાપદોની કલા’ છે. નાટકમાં જટિલતા-ક્લિષ્ટતાને સ્થાન ન હોય; સંવાદ ન સમજાય તો રિવાઇન્ડ કરી ફરી સાંભળી ન શકાય, એટલે એ સરળ, તત્કાલીન, સુબોધ અને સહજ હોય; કદાચ એમાં કૃદંતો, ક્રિયાવિશેષણો ઓછાં હોય; ક્રિયાત્મક, ક્રિયાસૂચક ક્રિયાપદો અને કર્તાકર્મ જ વધુ હોય; જેમાં સ્થળ-સમય-સંદર્ભ સીધાં જ ઝિલાતાં હોય ! એક વાક્યમાં એક જ વિચાર કે લાગણી હોય, ગતિ હોય, ક્રિયા જન્મે એવી શક્યતા હોય. ચિત્ર, લાગણી, ક્રિયા, વિચાર, સ્થળ, કાળ વગેરે સર્જી શકે તે નાટ્યકારનો શબ્દ ! એટલે કે પેલી સરળતા અને સાહજિકતાની સાથોસાથ આ સૂચકતા રંગભૂમિની ભાષાની શક્તિ અને શક્યતા હોય ! લાઘવ એની ત્રેવડ હોય. આટલી સમૃદ્ધ વાક્-પ્રણાલિ ધરાવતી ભારતીય સંસ્કૃતિમાં એટલે તો વાક્નું મહત્વ છે. કેટલાક રંગકર્મીઓ એને ઉચ્ચરિત ક્રિયા (spoken action) કહે છે; ઉચ્ચારણ માત્ર ક્રિયા જ ન સૂચવે, એ ખુદ ‘ક્રિયા’ બને ! તો વળી કેટલાકનો એવો મત છે કે નટની આંગિક ક્રિયાઓ ‘સ્થળ’ સર્જે છે, એમાં વાણી (એટલે કે ઉચ્ચરિત શબ્દ) ભળે એટલે એને ‘સમય’ મળે છે; એ જ રીતે વેશભૂષા, સન્નિવેશ અને અન્ય સામગ્રી વગેરે સ્થળ સર્જે અને સંવાદ, સંગીત, ધ્વનિઓ અને નીરવતાનો સાઉન્ડ ટ્રૅક એને ‘સમય’ આપે. નાટ્યઘટના વર્તમાનકાલીન હોવાથી આ ‘કાલ અને સ્થળ સર્જન’ નાટકના વાક્નું મહત્વનું કાર્ય છે, જવાબદારી છે. કૉમેડીમાં ઉચ્ચારણના પુનરાવર્તન અને યાંત્રિકતાની શક્યતા સર્જાય એવી ભાષા પ્રયોજાય છે, જ્યારે ટ્રૅજેડીમાં ઉચ્ચારણના ઘોષ, લય, આરોહ-અવરોહ વગેરેની શક્યતાઓ ઊભી થાય છે, માનવલાગણી અને ક્રિયાનું સૂચક વૈવિધ્ય ચીંધે એવી ભાષા પ્રયોજાય છે. શરીર તો અજાણપણેય ક્રિયાઓ કરે, પણ વાણી તો પ્રયત્નપૂર્વક જ ઉચ્ચારાય એવું પણ કેટલાક માને છે. (જોકે સુખદુ:ખ અને આવેશના ઉદ્ગારો અનાયાસ હોય.) વિચારાય એટલું બોલાતું નથી; પરંતુ બોલાય તે તરત જ ધ્યાનાકર્ષક બને છે. કહેવાય છે કે પાણીમાં તરતી હિમશિલાની જે ટોચ દેખાય (એટલે બોલાય) તે તો એનો દસમો ભાગ છે; બાકીના નવ ભાગ તો પાણીમાં (એટલે કે વિચારોમાં) ‘નિહિત’ હોય છે. એ Sub-Text સમજવાથી પાત્ર સમજાય. એટલે કે ઉચ્ચરિત શબ્દ દસગણો અર્થવાહી હોય; અને તેથી ‘પાત્ર ઉચ્ચારે’ એ સ્થિતિએ, નવગણી તીવ્રતા પાત્રે મનમાં અનુભવી હોય છે, એટલે કે ઉચ્ચરી પડાયું હોય એ સ્થિતિએ પ્રસ્તુતિની ભાષાનું નકશીકામ થયું હોવું જોઈએ. ટૂંકમાં એ ગદ્યલેખન નથી; વદ્ ક્રિયાનો વાદ છે – સમ્, પ્રતિ, વિ એટલે કે સંવાદ, પ્રતિવાદ, વિવાદ બધું જ – બે પાત્રો વચ્ચેનો, આંતરપ્રક્રિયા તરીકે થયેલો, લાગણીની ઉત્કટતા વ્યક્ત કરતો, સંદર્ભો સૂચવતો; પણ સાથોસાથ કર્ણપ્રિય સંગીત બની રહેતો એ ‘સંવાદ’ છે ! આ પ્રક્રિયા અને એની સાથે થતી ઉચ્ચારણ-ક્રિયા શબ્દના શાબ્દિક અર્થને વધુ સૂચવવાની શક્યતા બક્ષે છે. ભાષાના વ્યાકરણ કરતાં શ્રાવ્ય ભાષાના ઉચ્ચારણનું વ્યાકરણ પણ જુદું છે. વિરામોનું જ ઉદાહરણ લઈએ તો અલ્પ, અર્ધ, પૂર્ણ વગેરે સામયિક વિરામો છે; પણ ઉચ્ચારણ દરમિયાન શ્વાસોચ્છ્વાસ માટેનો વિરામ, અર્થ સ્પષ્ટ કરવા કે ભાર મૂકવા માટેના વિરામો અને ખટકા, ક્રિયા સાથેના સંયોજન માટેનો લય, સહેતુક લયપરિવર્તન અને મૌન; ઉચ્ચારણની વિવિધ રીતોમાં પલોટાતો શબ્દ અને એની સંક્રમણતા (transition) વગેરે પણ નાટ્યકાર પાસે વિશિષ્ટ ભાષાની, આયોજનની અપેક્ષા રાખે છે. એટલે તો આપણે વાક્છટા કે ભાષાછટાની વાત નથી કરતા, ‘નાદ’ બની શકે એવા ધ્વનિની વાત કરીએ છીએ. એનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ તે વેદની ઋચાઓનું પઠન, યાજ્ઞિકોનું શ્લોકપઠન, ક્રિયાકાણ્ડો દરમિયાનના ઘોષ-પ્રતિઘોષો છે; એ શબ્દો મુખોપમુખ ઉચ્ચારણ માટે અને એ જ રીતે પેઢી દર પેઢી સ્મૃતિસંગ્રહ માટે સર્જાયા હતા. લેખન અને મુદ્રણના માધ્યમે એને ‘વાચ્ય’ બનાવી દીધા; એ નાટ્યકારનો શબ્દ નહોતો એટલે નટે એને ત્યાં જ રહેવા દીધો. ‘સાહિત્યિક’ નાટકો કબાટે પુરાઈ રહ્યાં ! આ સહસ્ર અક્ષરા વાક્ એટલે કે ‘સાઉન્ડ ટ્રૅક’ના માનવ ઉચ્ચારણ સિવાયનાં ત્રણ અંગો(સંગીત, ધ્વનિ અને નીરવતા)માં, શબ્દની જેમ જ સંગીત પણ સમય જ છે; જે ઉચ્ચરિત શબ્દને સંમાર્જે, સુશોભાવે, અર્થ દે, ઉત્કટ કરે, અકારી વાત ક્યારેક સહ્ય બનાવે. ઘંટારવ, વાતાવરણના ધ્વનિઓ, પંખીઓનો કલરવ, વહેતું ઝરણું કે બારણું ખૂલે, ફોન રણકે, પિસ્તોલ ફૂટે વગેરે ધ્વનિઓ ક્રિયાને સુસંગત તો હોય જ, અનિવાર્ય પણ ખરા; પરંતુ મુખ્યત્વે એનું કાર્ય તો વાસ્તવિકતા સર્જવાનું, ‘સમય’ને ‘સ્થળ’ આપવાનું, સ્થળને જીવંત બનાવવાનું છે. ક્યારેક વિશિષ્ટ ધ્વનિઓથી અર્થસભર સહોપસ્થિતિ સર્જી શકાતી હોય છે; એથી સ્થળ-સમયનું સંક્રમણ કરાતું હોય છે; ધ્વનિઓનું જ સંગીત સર્જાતું હોય છે. નીરવતા એમાં સૌથી ઊંચે શિખરે બિરાજે. નીરવતામાંથી વાક્ જન્મે અને એમાં જ એ વિરમે ! પરંતુ બાકીનાં ત્રણેય અંગો (વાણી, સંગીત, ધ્વનિ) સુપેરે પ્રયોજ્યા પછીની નીરવતા વધુ અર્થસભર બનતી હોય છે. વાક્ના સુગ્રથન(orchestration)માં નીરવતાનું આયોજન કુશળ નાટ્યકાર કરે, એટલે કે શબ્દનું આયોજન કરતાં એના મંચનની એ શક્યતાને પણ હમેશાં ધ્યાનમાં રાખે. નટ અને દિગ્દર્શક એ મૌનને ‘પ્રસ્તુત’ કરે, મૌનની નવી જગ્યાઓ પણ એ સર્જે. ટૂંકમાં, નાટ્ય એટલે શબ્દલેખન કે શબ્દઉચ્ચારણ માત્ર નહિ; નાટ્યભાષાની આવી વિશિષ્ટ મુદ્રા નાટ્યકાર અને રંગમંડળીની તાકાત છે. તેઓ માત્ર સંવાદો જ નથી સર્જતા, ‘કાવ્યોમાં રમ્ય ગણાતું નાટક’ સર્જે છે.
હસમુખ બારાડી