શ્રાવસ્તી : ઉત્તર ભારતનું એક પ્રાચીન નગર. મહાભારતમાં જણાવ્યા મુજબ ઇક્ષ્વાકુ વંશના યુવનાશ્વના પૌત્ર અને શ્રાવના પુત્ર રાજા શ્રાવસ્તકે આ નગર વસાવ્યું હતું. બૌદ્ધ સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે તે કોશલનું પાટનગર અને વેપારના માર્ગોનું કેન્દ્ર હતું. ત્યાંથી માર્ગો
રાજગૃહ, અશ્મક અને વારાણસી જતા હતા. ફાહિયાન અને હ્યુ-એન-શ્વાંગે તેની મુલાકાત લીધી હતી. કવિ બાણ અને દંડીએ તેના ઉલ્લેખો કર્યા છે. વેપારને લીધે તે ઘણું સમૃદ્ધ નગર હતું. વળી તે જૈન અને બૌદ્ધ ધર્મોનું પણ અગત્યનું મથક હતું. ભગવાન બુદ્ધ આ સ્થળે અનેક વાર આવ્યા હતા. રાજા શ્રાવસ્તકનો સમય રામથી પચાસ પેઢી અગાઉનો માનવામાં આવે છે. રામના પુત્ર લવે કોશલ દેશની રાજધાની અયોધ્યાથી બદલીને શ્રાવસ્તી રાખી હતી. પ્રાચીન શ્રાવસ્તીના અવશેષો ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લામાં સહેત-મહેત નામના સ્થળે મળી આવે છે. નવમી સદી સુધી આ સ્થાને એક પ્રસિદ્ધ નગર હતું.
જયકુમાર ર. શુક્લ