શ્રામ, વિલ્બર લગ (જ. 5 ઑગસ્ટ 1907, મારિયેટા, ઓહાયો, અમેરિકા; અ. ?) : જૂથપ્રત્યાયન અને પ્રત્યાયનકળાના પિતા તેમજ ઊંચી પ્રતિભા ધરાવતા સંશોધક. તેમનાં માતાપિતા સંગીતક્ષેત્રે ઊંચી કારકિર્દી ધરાવતાં હતાં. સંગીતની આ પરંપરાને અનુલક્ષીને તેઓ જીવનનાં પાછલાં વર્ષોમાં વાંસળીવાદક બન્યા અને ‘બોસ્ટન સિવિલ સિમ્ફની’ના સભ્ય રહ્યા.
1907માં પ્રત્યાયનક્ષેત્રે અમેરિકા બાહ્યજગત સાથે ખાસ સંકળાયેલું નહોતું ત્યારે ટેલિવિઝન અને અન્ય પ્રત્યાયનમાધ્યમો નહિવત્ વપરાશમાં હતાં. ક્રમશ: આજના જગતમાં પ્રત્યાયનના ક્ષેત્રનો અસાધારણ વિકાસ થયો છે; જેમાં શ્રામ વિલ્બર જેવાના પ્રદાને અદ્વિતીય ફાળો આપ્યો છે. તેઓ પ્રત્યાયનના ક્ષેત્રના પ્રારંભિક કાળના મહત્વના નેતા છે. પ્રત્યાયનના ક્ષેત્રની પ્રગતિ માટે તેઓ કટિબદ્ધ હતા. તેમના પ્રદાનને આ વિદ્યાશાખાનાં ત્રણ મુખ્ય ક્ષેત્રો દ્વારા ઓળખી શકાય : (1) પ્રારંભિક પ્રદાન, (2) સંશોધન દ્વારા પ્રદાન, (3) વિશેષ પ્રદાન.
તેમણે સ્કૉલરશિપ સાથે ન્યૂ ઇંગ્લૅન્ડ કૉન્ઝરવેટરીમાં અભ્યાસ કર્યો. 1928માં મારિયાટ્ટા કૉલેજમાંથી વિશેષ સન્માન સાથે સ્નાતક થયા અને 1930માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ‘અમેરિકન સિવિલાઇઝેશન’ વિષય સાથે અનુસ્નાતક-પદવી હાંસલ કરી. 1932માં આયોવા યુનિવર્સિટીમાંથી અમેરિકન સાહિત્ય અંગે પીએચ.ડી. કર્યું અને 1945માં મારિયાટ્ટા કૉલેજે માનાર્હ ડૉક્ટરેટ ઑવ્ લિટરેચરની પદવી તેમને ધરી. મંત્રમુગ્ધ કરે તેવું વ્યક્તિત્વ ધરાવતા શ્રામ બેઝબૉલ, સંગીત અને પત્રકારત્વનો શોખ ધરાવતા હતા. 1937થી 1947 દરમિયાન તેઓ વાર્તાલેખક બન્યા અને તેમની ટૂંકી વાર્તાને પ્રતિષ્ઠિત ઓ. હૅનરી ઍવૉર્ડ મળ્યો હતો. 1970ના દાયકામાં હવાઈ રાજ્યમાં રહીને કાવ્યોનું સર્જન કર્યું. તે પછી તેઓ વહીવટી કાર્યોમાં, પ્રત્યાયન અંગેનાં સંશોધનોમાં જોડાયેલા રહ્યા, છતાં શિષ્ટ ગદ્યની રચના કરી. આ બધાં વિશે ઊંડાણથી જાણવાનો પ્રયાસ કરવામાં આવે તો નિ:શંકપણે કહી શકાય કે શ્રામ વિવિધ ક્ષેત્રોમાં રસ અને શોખ ધરાવનાર તેજસ્વી વ્યક્તિ હતા. નવલકથાકાર ડોરોથી જેમ્સ રૉબર્ટે ‘સર્વોત્કૃષ્ટતાની ટેવ ધરાવતી વ્યક્તિ’ તરીકે તેમનો પરિચય આપ્યો છે. જીવનનાં પ્રારંભિક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોના અનુભવમાંથી શ્રામનું વ્યક્તિત્વ ઘડાયું અને તેમણે પ્રત્યાયનના કંઈક નવા ક્ષેત્રમાં જરાય પૂર્વગ્રહ વિના સંશોધનો કર્યાં. પ્રત્યાયનના પ્રભાવ અંગે તે ઘણા સભાન હતા. ‘પ્રત્યાયન સમાજોને શક્તિમાન બનાવતું ઓજાર છે.’ આ પાયાના વિચાર સાથે તેમણે આ ક્ષેત્રને જરૂરી ઘાટ આપ્યો. પદ્ધતિસરના સંશોધનના તેઓ જન્મજાત સંચાલક હતા. આ ક્ષેત્રનું સંશોધન ભારે પરિશ્રમ અને સમય માંગી લે તેવું કામ છે તેમ અનુભવે તેમને જણાયું ત્યારે તેમણે ત્રણ મહાન સંશોધન સંસ્થાઓ અમેરિકામાં સ્થાપી; જેમાં યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇસ ખાતેની, સ્ટેનફર્ડ યુનિવર્સિટી ખાતેની તથા હવાઈમાં આવેલા ઈસ્ટ-વેસ્ટ સેન્ટરની સ્થાપનાનો સમાવેશ થાય છે. બહોળા અનુભવોને આધારે તેમણે જે કામ કર્યાં તે ઉલ્લેખનીય છે. પ્રત્યાયનના ક્ષેત્રે સંશોધન અને નવા વિચારો પૂરા પાડી તેમણે વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી. આ સંદર્ભમાં રૉબર્ટ રીડ અને મેક્સાઇન રીડે તેમના એક ગ્રંથનું શીર્ષક ‘વિલ્બર શ્રામ : ધ એન્સાઇક્લોપીડિયા ઑવ્ ટેલિવિઝન, કેબલ ઍન્ડ વીડિયો’ આપ્યું છે જે સૂચક છે.
પ્રત્યાયનના ક્ષેત્રે (તેમણે અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને) આપેલી સેવાની ઝાંખી કરીએ તો તેનો આરંભ થાય છે 1924થી 1930 દરમિયાન તેમણે કરેલી ઍસોસિયેટેડ પ્રેસના સભ્ય, સંવાદદાતા, ખબરપત્રી અને સંપાદક તરીકેની કામગીરીથી. 1932થી 1934 દરમિયાન તેઓ નૅશનલ રિસર્ચ ફેલો રહ્યા અને 1934થી 1941 દરમિયાન તેઓ આયોવા યુનિવર્સિટીની લેખક-કાર્યશાળાના સ્થાપક અને પ્રથમ ડિરેક્ટર ઉપરાંત અંગ્રેજીના આસિસ્ટન્ટ પ્રોફેસર, ઍસોસિયેટ પ્રોફેસર, અને પ્રોફેસર રહ્યા. 1941થી 1943 દરમિયાન એજ્યુકેશનલ ડિરેક્ટર, 1943થી 1947 સુધી સ્કૂલ ઑવ્ જર્નાલિઝમના ડિરેક્ટર રહી યુનિવર્સિટી ઑવ્ આયોવાને તેમણે સમૃદ્ધ બનાવી. 1947થી 1955 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ ઇલિનૉઇસમાં વિવિધ હોદ્દાઓ શોભાવ્યા; જેમાં સંશોધન પ્રાધ્યાપક, યુનિવર્સિટી પ્રેસના સ્થાપક, ડિરેક્ટર, ડિવિઝન ઑવ્ કોમ્યૂનિકેશનના ડીન, નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સંશોધન પ્રોજેક્ટના ડિરેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. 1955થી 1973 સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર ઑવ્ કોમ્યૂનિકેશનના હોદ્દા પર રહી તેમણે વિવિધ કાર્યો કર્યાં. વિવિધ યુનિવર્સિટીઓમાંની આ કામગીરી દ્વારા તેઓ પ્રત્યાયનના ક્ષેત્રે ‘ગહન વિચારોના પિતા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ તમામ કાર્યો દ્વારા પ્રત્યાયનક્ષેત્રનો પાયો તૈયાર કરી તેનો બાંધો તેમણે ઘડ્યો. વળી રોજબરોજના જીવનમાં પ્રત્યાયનની અગત્ય દર્શાવી અસાધારણ વિચારો દ્વારા નવો ચીલો પાડનાર અભ્યાસી પુરવાર થયા. પ્રત્યાયનના ક્ષેત્રે ‘ફૉર થિયરીઝ ઑવ્ પ્રેસ’ દ્વારા પ્રત્યાયનનાં આદર્શ પરિરૂપ (model) વિકસાવ્યાં; જેમાં (1) સત્તાવાદી શૈલી, (2) સામાજિક જવાબદારી ધરાવતી શૈલી, (3) ઉદારમતવાદી શૈલી અને (4) વિકાસલક્ષી મૉડલની શૈલીનો સમાવેશ થાય છે. પ્રત્યાયન અને અર્થશાસ્ત્રને તેઓ વિચિત્ર સાથીઓ તરીકે ઓળખાવતા ! રાજકીય લોકશાહીમાં પ્રત્યાયનના વિકાસના પ્રભાવથી તેઓ અત્યંત સભાન હતા. તેમનું માનવું હતું કે પ્રત્યાયન પ્રજાને જવાબદાર હોવું જોઈએ.
તેમણે ઘણા લેખો અને 25 ગ્રંથો રચ્યા છે; જેમાં ‘માસ કોમ્યૂનિકેશન’ (1949 અને 1960) આ ક્ષેત્રનો ખ્યાતનામ અને ભારે ઉપયોગી ગ્રંથ છે. ‘પ્રોસેસ ઍન્ડ ઇફેક્ટ્સ ઑવ્ માસ કોમ્યૂનિકેશન’ (1954), ‘માસ મીડિયા ઍન્ડ નૅશનલ ડેવલપમેન્ટ’ (1964), ‘સ્ટોરી ઑવ્ હ્યુમન કોમ્યૂનિકેશન્સ : કેવ પેઇન્ટિંગ ટુ ધ માઇક્રોચિપ’ (1987) ગ્રંથો ઉલ્લેખનીય છે. ટેલિવિઝન પરના તેમના છ ગ્રંથો ખૂબ જાણીતા હતા; જેમાં ‘ટેલિવિઝન ઇન ધ લાઇવ્સ ઑવ્ અવર ચિલ્ડ્રન’ (1961) સૌથી લોકપ્રિય અને નોંધપાત્ર ગ્રંથ છે. તેમના મોટાભાગના લેખસંગ્રહો-ગ્રંથો એક યા બીજા તબક્કે પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગમાં લેવાયા હતા અને ભાવિ સંશોધનકારોને પ્રત્યાયન માટે આવદૃશ્યક ભાથું પૂરું પાડતા રહ્યા છે. આવું સર્વોત્કૃષ્ટ સાહિત્ય પૂરું પાડીને શ્રામે પ્રત્યાયનના ક્ષેત્રની અસાધારણ સેવા કરી છે.
રક્ષા મ. વ્યાસ