શ્યામસુંદર (7 જુલાઈ 1914, લાહોર; અ. 15 જુલાઈ 1953 મુંબઈ) : પ્રતિભાશાળી સંગીતકાર.

મૂળ નામ શ્યામસુંદર ગાબા. લાહોરના પંજાબી પરિવારમાં જન્મેલ આ વિરલ વ્યક્તિત્વના શરૂઆતના દિવસો વિશે માહિતી પ્રાપ્ત નથી, પણ તેઓ ગુલામ હૈદરના ગીત-સંગીતથી ખૂબ આકર્ષિત થયા હતા. પંજાબી ફિલ્મો જેવી કે ‘સોહની કુમ્હારન’ (1939), ‘લૈલા મજનૂ’ (1940), ‘જગ્ગાડાકુ’ (1940), ‘ગુલ બલોચ’ (1944) વગેરેમાં સંગીત આપીને તેમણે સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ફિલ્મ ‘ગુલ બલોચ’માં મોહમ્મદ રફીને દુનિયા સમક્ષ પાર્શ્વગાયક તરીકે રજૂ કરનાર શ્યામસુંદર જ હતા. 1943માં ‘જંગી જવાન’ ફિલ્મમાં પ્રથમ સંગીત આપ્યું અને આ તેમની સંગીતકાર તરીકેની પ્રથમ ફિલ્મ હતી. 1943માં ‘નયી કહાની’માં જી. એમ. દુરાનીએ ગાયેલું ‘નીંદ હમારી, ખ્વાબ તુમ્હારે’ ખૂબ વખણાયું હતું. અન્ય યાદગાર ફિલ્મોમાં ‘વિલેજ ગર્લ’, ‘ભાઈ’, ‘દેવકન્યા’, ‘લાહોર’, ‘ઉર્વશી’, ‘એક રોઝ’ વગેરેને સમાવી શકાય. શ્યામસુંદરને વાજિંત્રોના ઉપયોગ વિશે ઊંડું જ્ઞાન હતું. ગાયિકા નૂરજહાંએ શ્યામસુંદરનાં ગીતોને એટલી ઊંડાઈ અને ભાવ સાથે ગાયાં કે શ્યામસુંદરનું નામ ભારતભરમાં ગુંજતું થઈ ગયું. ‘હિંદુસ્તાન કી ખાતિર હમ જાન લડા દેંગે’ ફિલ્મ ‘વિલેજ ગર્લ’(1945)ના આ ગીતે ખૂબ ધૂમ મચાવેલી. 1949માં રજૂ થયેલી ‘બાઝાર’, ‘ચારદિન’, ‘લાહોર’નાં ગીતો પણ ખૂબ કર્ણપ્રિય હતાં. લતાજીએ ગાયેલ ‘સાજન કી ગલિયા છોડ ચલે’ (બાઝાર) ખૂબ સુંદર હતું. ‘બહારેં ફિર ભી આયેગી મગર હમ’ (લાહોર) ગીતમાં રાજેન્દ્ર કૃષ્ણએ લખેલા શબ્દો, તેની યાદગાર બંદિશ અને લતાજીની ગાયકી અદભુત હતાં. ‘યે મેરી ચલતી ફિરતી લાશ ગૈરોંકે ઘર હોગી’ (નિર્દોષ, 1950) ખૂબ વખણાયું. શ્યામસુંદરના સંગીતસર્જનમાં ગીતના શબ્દો પ્રમાણે વાદ્યોની પસંદગી, વાદ્યવૃંદનું આયોજન, ગાયકોની પસંદગી – આ બધું જ એકદમ સટીક રહેતું. આ અસાધારણ સંગીતસર્જક 1953માં ‘અલિફ-લૈલા’નું ગીત-સંગીત તૈયાર કરી રહ્યા હતા, ત્યારે માત્ર 41 વર્ષની વયે કમળાની બીમારીથી અવસાન પામ્યા. આ ફિલ્મનાં 8 ગીતોમાંથી 6 ગીતોની ધૂન તેમણે તૈયાર કરી હતી. સુલોચના બત્રાના અવાજમાં ‘મોસમ આયા હૈ રંગીન’ (ફિલ્મ ઢોલક) ખૂબ સુંદર હતું. શ્યામસુંદર સાથે અનિલ બિશ્વાસ, હુસ્નલાલ ભગતરામ, મદનમોહન વગેરેએ સંગીતમય દોસ્તી નિભાવી. 1982માં લતાજી અને નૂરજહાં દ્વારા તેમનાં ગીતો ‘Mortal Men, Immortal Melodies’ કાર્યક્રમમાં મુંબઈ ખાતે રજૂ થયેલાં, જેને શ્રોતાઓએ ખૂબ તાળીઓથી વધાવેલાં.

બીજલ બુટાલા