‘શ્યામચી આઇ’ (ચલચિત્ર)
January, 2006
‘શ્યામચી આઇ’ (ચલચિત્ર) : રાષ્ટ્રપતિ ચંદ્રક-વિજેતા મરાઠી ચલચિત્ર. ભારતમાં જે વર્ષે શાસકીય ધોરણે વર્ષ દરમિયાનના સર્વોત્તમ કથાચિત્રને રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા પુરસ્કૃત કરવાની પ્રથા દાખલ થઈ તે જ વર્ષે (1954) અત્રે પિક્ચર્સ દ્વારા નિર્મિત આ મરાઠી કથાચિત્રને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
આ ચલચિત્ર વિખ્યાત સ્વાતંત્ર્ય-સેનાની તથા સામાજિક સુધારણાના ભેખધારી અને સાહિત્યકાર સાને ગુરુજી(1899-1950)ની બાલ્યાવસ્થાની જીવની પરથી 45 પ્રસંગોને વણી લઈને લખેલી તેમની પોતાની નવલકથા (1935) પર આધારિત હતું. આ નવલકથા અત્યંત અલ્પ દિવસોમાં લેખકે ધુળે ખાતેના કારાવાસ દરમિયાન લખી હતી. ચલચિત્રનો પ્રકાર : શ્વેત-શ્યામ; નિર્માણવર્ષ : 1953. આ ચલચિત્રનાં ગીતો મરાઠીના બે ખ્યાતનામ કવિઓ વસંત બાપટ અને રાજકવિ યશવંત (યશવંત દિનકર પેંઢારકર) ઉપરાંત આચાર્ય અત્રે દ્વારા રચવામાં આવ્યાં હતાં. તેનું સંગીત વસંત દેસાઈએ સ્વરબદ્ધ કર્યું હતું. આર. એમ. લેલે તેના સિનેમૅટોગ્રાફર હતા. તેમાં ‘આઇ’(મા)નું પાત્ર વનમાલા દ્વારા તથા શ્યામનું પાત્ર માધવ વઝે દ્વારા ભજવવામાં આવ્યું હતું, જેની પ્રેક્ષકો તથા સમીક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ હતી. અન્ય પાત્રવરણીમાં બાબુરાવ પેંઢારકર, સુમતિ ગુપ્તે, સરસ્વતી બૉડસ, વસંત બાપટ, પ્રબોધનકાર ઠાકરે, દામુઅણ્ણા જોશી, નાગેશ જોશી, બાપુરાવ માને, પાંડુરંગ જોશી અને વિમલ ઘૈસાસનો સમાવેશ થયો હતો. તેની પટકથા આચાર્ય પ્રહ્લાદ કેશવ અત્રેએ લખી હતી અને તેનું દિગ્દર્શન પણ તેમણે જ કર્યું હતું.
શ્યામ તેનું મુખ્ય પાત્ર છે, જે અત્યંત ગરીબીમાં મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં રહે છે. શ્યામના બાળપણ પર તેની સંસ્કારી માની શિખામણની ઊંડી અસર પડે છે અને તે માની શિખામણ ડગલે ને પગલે પોતાના જીવનમાં પૂરેપૂરી ઉતારવાનો પ્રયાસ કરે છે. ચલચિત્રમાં મા અને તેના દીકરા શ્યામ વચ્ચેના અત્યંત આત્મીય અને સંવેદનશીલ સંબંધોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેને લીધે સમગ્ર ચલચિત્ર અત્યંત ભાવનામય ભાવનાપ્રધાન બન્યું છે. સાને ગુરુજીની મૂળ નવલકથા વાંચતી વેળાએ જેમ વાચકો ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોય છે તેવી જ રીતે આ ચલચિત્રના વિવિધ પ્રસંગો રૂપેરી પડદા પર જોતી વખતે પ્રેક્ષકો રડે છે. શ્યામની મા રાષ્ટ્રભક્તિથી તથા ધર્મભાવનાથી ઓતપ્રોત હોય છે અને તે જ સંસ્કાર તે પોતાના પુત્ર શ્યામના જીવનમાં ઉતારવાનો નિષ્ઠાથી પ્રયાસ કરે છે. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના તત્કાલીન લોકજીવનનું આ ચલચિત્રમાં આબેહૂબ ચિત્રણ થયું છે અને તેથી તે અત્યંત વાસ્તવિક બન્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે