શ્મિટ હેલ્મુટ (Schmidt Helmut) (. 23 ડિસેમ્બર 1918, હૅમબર્ગ, જર્મની) : જર્મન રાજનીતિજ્ઞ અને પશ્ચિમ જર્મનીના ચાન્સેલર. તેમણે હૅમબર્ગ લીચવર્ક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1937માં સ્નાતકકક્ષાના અભ્યાસ દરમિયાન યુદ્ધ ફાટી નીકળતાં તેમને લશ્કરી સેવામાં જોડાવું પડ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વાયુદળમાં હતા. ઈસ્ટર્ન ફ્રન્ટની ટૂંકી નોકરી પછી 1942માં તેઓ ટ્રેઇનર અને એડવાઇઝરની કામગીરી બજાવવા જર્મની પાછા ફર્યા હતા. 1942માં જ તેમનું લગ્ન હેનેલોર લોકી ગ્લેઝર સાથે થયું હતું.

ડિસેમ્બર, 1944માં યુદ્ધના અંતભાગે, તેઓ ફરી પાછા વેસ્ટર્ન ફ્રન્ટ પર ફર્સ્ટ લેફ્ટનન્ટ હતા ત્યારે 1945ના એપ્રિલમાં યુદ્ધકેદી તરીકે બ્રિટિશરો દ્વારા બંદી બનાવાયા હતા. ઑગસ્ટ, 1945 સુધી તેઓ યુદ્ધકેદી રહ્યા. છૂટ્યા પછી તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો. તેમના અભ્યાસના વિષયો અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર હતા. 1949માં તેઓ સ્નાતક થયા. પછી તેઓ સોશિયલ ડેમૉક્રેટિક પક્ષમાં જોડાયા અને તેની વિદ્યાર્થી-પાંખના નેતા બન્યા.

હેલ્મુટ શ્મિટ

દરમિયાન તેઓ હૅમબુર્ગમાં સ્થાનિક સરકારની આર્થિક નીતિના વિભાગમાં કામ કરતા હતા. 1952 પછી તેઓ હૅમબર્ગ સ્ટેટ મિનિસ્ટ્રી ફૉર ઇકૉનૉમી ઍન્ડ ટ્રાન્સપૉર્ટમાં વરિષ્ઠ હોદ્દા પર હતા. 1953થી 1962 દરમિયાન તેમણે બુડાસ્ટેગ પર સોશિયલ ડેમૉક્રેટિક પક્ષ માટે કામ કર્યું.

1957માં તેઓ પક્ષના સંસદમાં એક્ઝિક્યુટિવ સભ્ય બન્યા. રૂઢિચુસ્ત સરકારી નીતિના તેઓ વાચાળ ટીકાકાર હતા. 1958માં પક્ષના બોર્ડમાં જોડાયા. તેમણે ન્યૂક્લિયર શસ્ત્રો સામે પ્રચાર કર્યો. 1958માં જ તેમણે તેની બેઠક ગુમાવી.

1961થી 1965 દરમિયાન તેઓ હૅમબર્ગ સેનેટમાં મિનિસ્ટર ઑવ્ ઇન્ટીરિયર થયા. 1962ના પૂર દરમિયાન હૅમબર્ગ શહેરમાંની કામગીરીએ તેમને પ્રતિષ્ઠા અપાવી. 1965માં તેઓ પુન: ચૂંટાયા અને 1968માં પક્ષના નાયબ અધ્યક્ષ બન્યા.

ઑક્ટોબર, 1969માં વીલ બ્રાંટની સરકારમાં તેઓ પ્રથમ વાર સંરક્ષણમંત્રી તરીકે કૅબિનેટમાં જોડાયા. 1972થી ’74 દરમિયાન આર્થિક બાબતોના – નાણામંત્રીના હોદ્દા પર રહ્યા.

13 મે, 1974ના રોજ તેઓ જર્મનીના ચાન્સેલર બન્યા. વૈશ્વિક આર્થિક મંદી તે એમની સરકાર માટે મુખ્ય પડકાર હતો. તેમણે કડક અને રૂઢિચુસ્ત નીતિ અપનાવી ફ્રાન્સ સાથેના સંબંધો સુધાર્યા. 1976ની ચૂંટણીઓ પછીની મિશ્ર સરકારમાં પણ તેઓ ચાન્સેલરપદે રહ્યા. આતંકવાદીઓ સામેની તેમની નીતિ અચોક્કસ હતી, પણ મોટેભાગે તેમણે કડક અને અસમાધાનકારી વલણ અપનાવ્યું. ખાસ કરીને તેમણે ‘જીએસજી-9’ ઍન્ટિટેરરિસ્ટ એકમને લુફથાન્સા ઍૅરક્રાફ્ટના અપહરણ મુદ્દે સર્વસત્તા આપી હતી.

નવેમ્બર, 1980માં તેઓ નાટો વિસ્તાર અને સોવિયેત-અફઘાન આક્રમણ અંગેની નીતિને કારણે ફરી ચાન્સેલર તરીકે નિયુક્ત થયા. 1982માં અવિશ્વાસના મત સામે તેઓ જીત્યા; પણ સપ્ટેમ્બર, 1982માં તેમના ચાર સાથી કૅબિનેટપ્રધાનો સરકાર છોડી ગયા તે પછી ઑક્ટોબર, 1982માં તેઓ અવિશ્વાસના મત સામે હારી ગયા.

તે પછી 1983માં તેઓ ‘ડાઇ ઝેઇટ’ (Die Zeit) નામના રાષ્ટ્રવ્યાપી અઠવાડિક સાથે જોડાયા અને 1985માં તેના મૅનેજિંગ ડિરેક્ટર બન્યા. તે પછી 1986માં તેઓ નિવૃત્ત થયા.

તેમની અભૂતપૂર્વ વક્તૃત્વશક્તિને કારણે તેઓ ‘શ્મિટ-શ્નાઉઝે’ (Schmidt-Schnauze) તરીકે જાણીતા હતા.

હરબન્સ પટેલ