શ્મિટ ટેલિસ્કોપ અથવા શ્મિટ કૅમેરા (Schmidt Telescope/Schmidt Camera)
January, 2006
શ્મિટ ટેલિસ્કોપ અથવા શ્મિટ કૅમેરા (Schmidt Telescope/Schmidt Camera) : આકાશી સર્વેક્ષણ માટે વપરાતું વિશિષ્ટ પ્રકારનું પરાવર્તક દૂરબીન. વર્તક (refracting) અને પરાવર્તક (reflecting) દૂરબીનો સિવાય ખગોળશાસ્ત્રમાં એક ત્રીજા પ્રકારના દૂરબીનનો વ્યાપક ઉપયોગ થાય છે, જે તેના શોધક બર્નહાર્ડ શ્મિટ- (1879-1935)ના નામ પરથી ‘શ્મિટ ટેલિસ્કોપ’ તરીકે ઓળખાય છે. ઇસ્ટોનિયામાં જન્મેલા શ્મિટે આ ટેલિસ્કોપની શોધ ઈ. સ. 1930માં કરી હતી. આમ તો આ એક વિશિષ્ટ પ્રકારનું પરાવર્તક દૂરબીન જ છે, જે આકાશના વિસ્તૃત વિસ્તારને આવરી લેતી તસવીરો એટલે કે ‘વાઇડ-ઍંગલ ફોટોગ્રાફ’ પાડવા માટે વપરાય છે. આ ટેલિસ્કોપનો ઉપયોગ ફોટોચિત્રણ (ફોટોગ્રાફી) માટે જ થતો હોવાથી તેને ‘શ્મિટ કૅમેરા’ પણ કહેવાય છે. બીજી રીતે કહીએ તો, આ ઉપકરણ એક વિશાળ દૃષ્ટિક્ષેત્ર(દર્શનક્ષેત્ર કે દૃષ્ટિવ્યાપ – field of view) ધરાવતું દૂરબીન નહિ, પણ એક પ્રકારનો વિરાટ આકાશી કૅમેરા છે. તેનાથી આકાશી પ્રકાશપુંજોના ફોટા તીક્ષ્ણ (સ્પષ્ટ) અને ઊંચી ગુણવત્તાવાળાં અને પાછા ઓછા સમયમાં લઈ શકાય છે. તેથી આકાશી સર્વેક્ષણ કામ માટે તે બહુ ઉપયોગી છે.
સામાન્યપણે વર્તક અને પરાવર્તક દૂરબીનોમાં ‘અપેરણ’ (aberration) તરીકે ઓળખાતી કેટલીક વિકૃતિ કે વિપથન જોવા મળે છે. દૂરબીન જેવાં પ્રકાશીય ઉપકરણોમાં રચાતા પ્રતિબિંબને અસ્પષ્ટ અને વિકૃત કરી નાંખતી આ ત્રુટિઓને અપેરણ કે વિપથન કહેવાય છે. આવી એક ત્રુટિ પ્રતિબિંબ-વિકાર (coma) નામની છે. દૂરબીનમાંથી જોતાં તારા ધૂમકેતુ જેવા અથવા તો જામફળના આકારને મળતા આવતા પેર (pear) જેવા ફળનો આકાર ધારણ કરે છે. આ પ્રતિબિંબ-વિકારને કેતુશીર્ષ ત્રુટિ અથવા તો પ્રકાશપૂંછડી-વિકાર કહી શકાય. આ કૉમા-ત્રુટિ કેન્દ્રથી દૂર જતાં વધતી જોવા મળે છે. આવી બીજી ત્રુટિ અબિંદુકતા(astigmatism)ની છે. પ્રકાશિક ટેલિસ્કોપમાંથી અવલોકન કરતાં દૃષ્ટિક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે આ ત્રુટિઓનું મહત્વ બહુ નથી, પરંતુ ફોટોગ્રાફીમાં પ્રયોજાતા બધા જ પ્રકારનાં વિસ્તૃત દૃષ્ટિક્ષેત્ર ધરાવતાં ઉપકરણોમાં આવી ત્રુટિઓ અડચણ ઊભી કરે છે. મુખ્યત્વે આ બંને ત્રુટિઓને કારણે ટેલિસ્કોપ અને સામાન્ય કે પરંપરાગત કૅમેરાનું દૃષ્ટિક્ષેત્ર મર્યાદિત બની જાય છે. કૉમા જેવી ત્રુટિથી તારાના સ્થાનનિર્ધારણમાં પણ બાધા આવે છે. મુખ્યત્વે આ બે, અને લૅન્સ તથા દર્પણપ્રણાલીને કારણે ઉદ્ભવતી કેટલીક આવી અન્ય ત્રુટિઓ જેવી કે ગોલીય વિપથન (spherical aberration), વર્ણ-વિપથન (chromatic aberration) વગેરે ને નાબૂદ કરવાના પ્રયત્નોએ શ્મિટ દૂરબીનને જન્મ આપ્યો છે. આમ તો કૉમા-ત્રુટિને દૂર કરવાના આરંભિક પ્રયત્નો એક સ્વિસ વૈજ્ઞાનિક દ્વારા ઈ. સ. 1913થી 1922ના ગાળામાં અને તે પછી અમેરિકાના એક વૈજ્ઞાનિક દ્વારા પણ થયા હતા, પરંતુ આ ક્ષેત્રે નોંધપાત્ર કામ બર્નહાર્ડ શ્મિટે કર્યું.
શ્મિટે પોતાના દૂરબીનમાં લેન્સ-આધારિત વર્તક અને દર્પણ-આધારિત પરાવર્તક એવા બે પ્રકારનાં દૂરબીનોનો બખૂબી સમન્વય કરેલો છે. જે દૂરબીનમાં આ બંનેનો, એટલે કે લેન્સ અને દર્પણનો સમન્વય કરેલો હોય તેને ‘કેટેડિયૉપ્ટ્રી દૂરબીન’ ( catadioptric telescope) કહેવાય છે. શ્મિટ કૅમેરા એ ‘વિસ્તૃત દૃષ્ટિક્ષેત્ર પરાવર્તી દૂરબીની છબીયંત્ર’ અર્થાત્ ‘કેટેડિયોપ્ટ્રિક વાઇડફિલ્ડ ટેલિસ્કોપિક કૅમેરા’ (catadioptric wide-field telescopic camera) છે. શ્મિટ દૂરબીનમાંથી જોવાનું કશું જ કામ થતું નથી; તેનો ઉપયોગ કેવળ આકાશી ફોટા લેવા માટે થાય છે. એટલે જ્યાં સુધી ફોટા તૈયાર ન થાય ત્યાં સુધી નિરીક્ષક કશું ‘જોઈ’ શકતો નથી.
એ તો સ્પષ્ટ છે કે, શૉર્ટ ફોકસ રિફ્લૅક્ટિંગ ટેલિસ્કોપ(લઘુ ફોકસ પરાવર્તક દૂરબીન)માં ગોલીય દર્પણ હોય છે. તેને કારણે ગોલીય વિપથન નામે ઓળખાતી તીવ્ર ત્રુટિ (વિપથન) ઉદ્ભવે છે. આ ત્રુટિની ઉગ્રતા ઓછી કરવા સામાન્યત: દર્પણની સપાટી પરવલયજ (paraboloid) કરવામાં આવે છે. સુધારાની આ પદ્ધતિ અડધા અંશ કરતાં પણ ઓછા દૃષ્ટિક્ષેત્ર પૂરતી જ કારગત નીવડે છે, કારણ કે એનાથી વધુ દૃષ્ટિક્ષેત્ર વધારવા જતાં ‘કૉમા’ નામની વળી એક બીજી ઉગ્ર ત્રુટિ ઉદ્ભવે છે.
શ્મિટે ગોલીય દર્પણને કારણે ઉદ્ભવતા ગોલીય વિપથનને દૂર કરવા ઉપરાંત કૉમા-ત્રુટિને પણ દૂર કરવા માટે દર્પણમાં ફેરફાર કરવાનું ટાળી, તેની આગળ, તેના વળાંકની મધ્યમાં પારદર્શક પદાર્થમાંથી બનાવેલી એક વિશિષ્ટ આકારની તકતી અથવા પટ્ટિકા મૂકીને આ સમસ્યા ઉકેલી દીધી. આ પટ્ટિકા (લેન્સ) ખાસ બનાવટના એક કાચની પાતળી પ્લેટ છે. તે એવા પારદર્શક પદાર્થમાંથી બનાવેલી હોય છે કે તેમાંથી પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ) કિરણો પસાર થઈ શકે. બનાવવી અઘરી પડે તેવી, વિશિષ્ટ આકાર અને પદાર્થની બનેલી આ પટ્ટિકાને તેના શોધકના માનમાં ‘શ્મિટ પ્લેટ’ અથવા તો ‘સંસ્કારપટ્ટિકા’ કે પછી ‘શોધનપટ્ટ’ (corrector plate) કહેવામાં આવે છે. આ પ્લેટને કારણે વર્ણ-વિપથન નથી થતું; એટલું જ નહિ, પણ એમાં થઈને પસાર થતાં કિરણો દર્પણ પર પડી પરાવર્તન પામે ત્યારે કૉમા-ત્રુટિ પણ પેદા થતી નથી. (જુઓ આકૃતિ 1.) કોઈ પણ શ્મિટ ટેલિસ્કોપમાં સંસ્કારપટ્ટિકાના વ્યાસને આધારે જ તેને ઓળખવામાં આવે છે; દા. ત., પાલોમર વેધશાળાના શ્મિટ કૅમેરાની સંસ્કારપટ્ટિકાનો વ્યાસ 1.2 મીટર હોવાથી તેને ‘1.2 મીટર પાલોમર શ્મિટ’ કહેવાય છે.
આ રીતે પટ્ટિકામાંથી સુધરીને ગોલીય દર્પણ પર આપાત થયેલાં પ્રકાશનાં કિરણો પુન: પરાવર્તિત થઈને તે બેની વચ્ચે યોગ્ય અંતરે રાખેલી એક વક્ર નાભીય સપાટી પર કેન્દ્રિત થાય છે. આ વક્રિત સપાટી ઉપર તેના આકારને અનુરૂપ મૂકેલી વક્ર ફોટોગ્રાફીની પ્લેટ આ સાફસૂતરા પ્રતિબિંબને ઝીલે છે. આ રીતે મળેલાં આકાશી જ્યોતિઓનાં પ્રતિબિંબ ઘણાં તીક્ષ્ણ (sharp) અને સ્પષ્ટ હોય છે. તેમાં કૉમા-ત્રુટિની અસર ઉદ્ભવતી નથી; તેથી લેવાતા ફોટાઓ એમના છેડાઓ સુધી તીક્ષ્ણ પ્રતિબિંબવાળા લઈ શકાય છે.
વળી આકાશના બહુ મોટા વિસ્તારને તે આવરી લે છે. ઉદાહરણ તરીકે ઑસ્ટ્રેલિયામાં સાઇડિંગ સ્પ્રિંગ ખાતે આવેલો 1.2 મીટર(48 ઇંચ)નો ‘યુકે શ્મિટ’ (UK Schmidt) કૅમેરા આકાશના 40 ચોરસ અંશ વિસ્તારને આવરી લે છે. આ બતાવે છે કે શ્મિટ કૅમેરા દ્વારા પ્રતિબિંબિત કરાતું ક્ષેત્ર ઘણું મોટું હોય છે. આથી આકાશી નકશા બનાવવા કે તારાપત્રક (કૅટલૉગ) તૈયાર કરવામાં અનિવાર્ય એવી ફોટોગ્રાફીની કામગીરી ઝડપથી થઈ શકે છે. બીજો વધારાનો લાભ એ છે કે શ્મિટ કૅમેરાની f-સંખ્યા અથવા તો નાભીય (ફોકસ) ગુણોત્તર (focal ratio) નાનો હોવાને કારણે સાદા ટેલિસ્કોપ કરતાં ફોટોગ્રાફીનો એક્સ્પોઝર પણ પ્રમાણમાં ટૂંકો થઈ જાય છે.
સામાન્ય પરાવર્તક દૂરબીન વડે જોવાતું આકાશી ક્ષેત્ર સીમિત હોય છે. કોઈ એક જ સમયે સામાન્ય (પરંપરાગત) પરાવર્તક દૂરબીનોનું દૃષ્ટિક્ષેત્ર (દર્શનક્ષેત્ર) 1° (અડધા અંશ)થી 1° (એક અંશ) કરતાં વધુ નથી હોતું. આકાશમાં પૂર્ણ ખીલેલા (પૂનમના) ચંદ્રના દૃષ્ટ વ્યાસ (apparent diameter) જેટલો આ વિસ્તાર થયો. આનો અર્થ એ કે પૃથ્વી પરથી જોતાં ચંદ્રનો વ્યાસ નિરીક્ષકની આંખ આગળ અડધાથી એક અંશનો કોણ બનાવે છે. સામાન્ય દૂરબીનમાંથી એકસાથે, એક સમયે આકાશનો આટલો જ, એટલે કે 1° x 1° થી પણ ઓછો વિસ્તાર જોઈ શકાય. એટલે જો આવા સાધનથી આકાશના ફોટા લેવા જઈએ તો દાયકા નીકળી જાય, કારણ કે સમગ્ર આકાશ 40,000 કરતાં પણ વધુ ચોરસ અંશ (square degrees) ધરાવેે છે !
આની સાથે સરખાવતાં શ્મિટ કૅમેરાના દર્શનક્ષેત્રનો વ્યાપ 5°થી 7° (પાંચથી સાત અંશ) જેટલો છે. અર્થાત્ તો શ્મિટ દૂરબીન વડે કોઈ એક જ સમયે 5° x 5°થી 7° x 7° જેટલા આકાશી વિભાગનો ફોટો લઈ શકાય છે; દા. ત., પાંચ મીટર ટેલિસ્કોપનું દૃષ્ટિક્ષેત્ર (field of view) માત્ર બે ચાપકલા (arc minute) જેટલું આકાશ દર્શાવે છે, જ્યારે શ્મિટ કૅમેરાનું દૃષ્ટિક્ષેત્ર અથવા તેના દ્વારા લીધેલો ફોટો 7°ના વ્યાસના ટુકડા જેટલા આકાશને આવરે છે. પરિણામે તે જ્યાં ગોઠવેલું હોય ત્યાંથી દૃષ્ટિગોચર થતા આકાશની ફોટોગ્રાફી બહુ ઝડપથી કરી શકાય છે, કારણ કે તેનો દૃષ્ટિવ્યાપ પ્રમાણમાં ઘણો વધુ હોય છે.
આમ વ્યાખ્યા આપવી હોય તો એવું કહેવાય કે શ્મિટ ટેલિસ્કોપ એ એક એવો ફાસ્ટ કૅમેરા છે કે જેના દર્પણનો નાભીય ગુણોત્તર અથવા f- સંખ્યા (‘ફોકલ રેશિયો’) ઘણો નાનો (f/2.5 or faster) છે. આનો સાદો અર્થ એ કે શ્મિટ ટેલિસ્કોપ ઓછા નાભીય ગુણોત્તરવાળાં હોય છે. માઉન્ટ પાલોમર વેધશાળાના શ્મિટ દૂરબીનનો નાભીય ગુણોત્તર 2.5 છે.
શ્મિટે બનાવેલા પહેલા કૅમેરાનો નાભીય ગુણોત્તર 1.7 (f/1.7) હતો અને તેનો દૃષ્ટિવ્યાપ 16° અંશ હતો; પરંતુ તે પછી 1950ના અરસામાં અમેરિકાના જેમ્સ ગિલ્બર્ટ બેકર (James Gilbert Baker) નામના ખગોળશાસ્ત્રીએ એક વધારાની સંસ્કારપટ્ટિકા મૂકીને ‘અધિશ્મિટ’ (super Schmidt telescope) તરીકે ઓળખાતા કૅમેરા બનાવ્યા. તેમનો નાભીય ગુણોત્તર અત્યંત ટૂંકો અથવા તો ઓછો (0.85 કે 0.5), અને તેમની આકાશી ક્ષેત્રમર્યાદા(દૃષ્ટિવ્યાપ) બાવન ચોરસ અંશ જેટલી કે એથી વધુ હતી. આવા અતિશય ફાસ્ટ (ઝડપી) શ્મિટ કૅમેરાનો ઉપયોગ ઉલ્કાનાં નિરીક્ષણોમાં તેમજ કૃત્રિમ ઉપગ્રહો ઉપર ચાંપતી નજર રાખવામાં થાય છે.
શ્મિટ કૅમેરામાં વપરાતી સંસ્કારપટ્ટિકાના અટપટા આકાર અને ખાસ પ્રકારની રચનાને કારણે તે બનાવવી મુશ્કેલ છે. વળી મુખ્ય દર્પણના ફોકસ-બિંદુ(focal point)ની બહાર તે મૂકવાની હોય છે. તેથી આવા શ્મિટ ટેલિસ્કોપની લંબાઈ ઘણી હોય છે. આવી આરંભિક અડચણોને કારણે તેની શોધ થયા પછી તેના નિર્માણમાં ઘણો વિલંબ થયો અને આ અડચણો શ્મિટના અવસાન પછી કાંઈક અંશે દૂર થઈ હોવાને કારણે તેના અવસાન બાદ તે ઝડપથી બનવા માંડ્યા. વળી આ દરમિયાન ફોટોગ્રાફીની ફિલ્મોમાં પણ સુધારા થયા અને તે વધુ સંવેદી બની, તેથી આ ક્ષેત્રે ઝડપી પ્રગતિ થઈ શકી.
એડિનબરોમાં આવેલી રૉયલ ઑબ્ઝર્વેટરીમાં ટેલિસ્કોપ વડે લેવામાં આવેલા આકાશના ફોટોગ્રાફને, અને ખાસ તો, ‘યુ.કે. શ્મિટ ટેલિસ્કોપ’ વડે લીધેલા ફોટોગ્રાફને પછી ‘કૉસ્મૉસ’ (COSMOS) તરીકે ઓળખાતા એક સ્વસંચાલિત વિશિષ્ટ ઉપકરણની મદદથી ‘સ્કૅન’ કરીને જોવામાં આવે છે. આ પદ્ધતિ વડે ફોટોગ્રાફમાંથી નજરે ન પડતી વધારાની ઘણી ખગોળીય માહિતી મેળવી શકાય છે. આ રીતે કોઈ વાર ‘ક્વાસાર’ (quasar) જેવા પિંડ પણ મળી આવે છે. આ સાધન આકાશી જ્યોતિઓના નિર્દેશાંક (coordinates), કદ (sizes), તેજાંક (magnitudes), દિગ્વિન્યાસ (orientations) અને આકાર (shape) આપમેળે તારવી આપે છે. તેનું નામકરણ પણ આ શબ્દોના પ્રથમાક્ષરો પરથી કરવામાં આવ્યું છે. (આ ‘યુ.કે. શ્મિટ ટેલિસ્કોપ’ ઑસ્ટ્રેલિયામાં સાઇડિંગ સ્પ્રિંગ માઉન્ટેન ખાતે આવેલી ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરીમાં આવેલું છે, અને એક કાળે તેનું સંચાલન એડિનબરોની રૉયલ ઑબ્ઝર્વેટરી કરતી હતી, પરંતુ હવે તે કામ ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ટેલિસ્કોપ બોર્ડ કરે છે.)
હવે તો શ્મિટ કૅમેરાના રૂપાંતરિત મૉડેલો પણ બન્યાં છે. આવાં બે જાણીતાં છે: માક્સુતોવ ટેલિસ્કોપ (Maksutove telescope) અને તે પછી બનેલું શ્મિટ-કેસેગ્રેન ટેલિસ્કોપ (Schmidt-Cassegrain telescope). આ બંને ટેલિસ્કોપ ખગોળરસિયાઓમાં બહુ લોકપ્રિય છે. શ્મિટ-કેસેગ્રેન (ટૂંકમાં, SCT) તેના નામ પ્રમાણે એટલે કે શ્મિટ કૅમેરા અને કેસેગ્રેન પરાવર્તક એમ બંને પ્રકારના ટેલિસ્કોપના સંયોજન વડે બનાવવામાં આવ્યું છે. (જુઓ આકૃતિ 2.) તેમાં શ્મિટ કૅમેરાની જેમ જ મુખ્ય ગોલીય દર્પણ(spherical primary mirror)ની આગળ સંસ્કારપટ્ટિકા હોય છે; જેથી ગોલીય વિપથન થતું અટકે; પરંતુ આ દર્પણની વચ્ચે એક નાનું છિદ્ર હોય છે. આ ઉપરાંત શ્મિટ કૅમેરામાં મૂકેલા વક્ર પ્લેટ-હોલ્ડરને સ્થાને એક નાનું ગૌણ કે દ્વિતીયક (secondary) બહિર્ગોળ દર્પણ મૂકેલું હોય છે. મુખ્ય દર્પણ પરથી પરાવર્તિત થયેલા પ્રકાશનાં કિરણોને તે પાછાં મુખ્ય દર્પણ તરફ પુન: પરાવર્તિત કરે છે, જે તેમાં આવેલા છિદ્રમાંથી પસાર થાય છે. આ રીતે છિદ્રમાંથી મળેલા પ્રતિબિંબને નજરે નિહાળી શકાય છે; એટલું જ નહિ, ત્યાં ટેલિસ્કોપ-ટ્યૂબની બહાર ગોઠવેલા સાધારણ કૅમેરા વડે પ્રતિબિંબના ફોટા પણ પાડી શકાય છે. આવાં ટેલિસ્કોપ કદમાં નાના અને સહેલાઈથી ગમે ત્યાં લઈ જવાય તેવાં સુવાહ્ય (portable) હોઈ શૈક્ષણિક કાર્યમાં તથા ખગોળશોખીનો માટે બહુ જ અનુકૂળ રહે છે.
શ્મિટ કૅમેરા વડે આકાશના મોટા વિસ્તારને સમાવતી છબીઓ પાડી શકાતી હોવાથી તેનો ઉપયોગ સમગ્ર આકાશના સર્વેક્ષણમાં અને નકશા બનાવવામાં મોટે પાયે થાય છે. ઉત્તર ગોળાર્ધના અને અમુક અંશે દક્ષિણ ગોળાર્ધના આકાશને સમાવતી આવી એક જાણીતી મોજણી ‘પાલોમર સ્કાય’ નામે જાણીતી છે. અમેરિકાની નૅશનલ જિયૉગ્રાફિક સોસાયટીની આર્થિક સહાયથી માઉન્ટ પાલોમર વેધશાળાએ આ કામગીરી હાથ ધરી હતી.
કેટલાંક મોટાં શ્મિટ ટેલિસ્કોપ
સંસ્થા/ટેલિસ્કોપ | સ્થાન/દેશ | સંસ્કાર- પટ્ટિકાનો વ્યાસ | દર્પણનો વ્યાસ | તૈયાર થયાનું વર્ષ | |
1. | કાર્લ શ્વાર્ચશિલ્ડ | જર્મની | 1.3 મીટર/ | 2.0 મીટર/ | 1960 |
વેધશાળા | 52 ઇંચ | 79 ઇંચ | |||
2. | માઉન્ટ પાલોમર | કૅલિફૉર્નિયા | 1.2 મીટર/ | 1.8 મીટર/ | 1949 |
વેધશાળા | 48 ઇંચ | 72 ઇંચ | |||
3. | યુ. કે. શ્મિટ, | ઑસ્ટે્રલિયા | 1.2 મીટર/ | 1.8 મીટર/ | 1973 |
સાઇડિંગ સ્પ્રિંગ | 48 ઇંચ | 72 ઇંચ | |||
4. | ESO (યુરોપિયન | ચિલી | 1.0 મીટર/ | 1.6 મીટર/ | 1973 |
સધર્ન ઑબ્ઝર્વેટરી) શ્મિટ | 40 ઇંચ | 63 ઇંચ |
ઈ. સ. 1950ના અરસામાં શરૂ થયેલી આ કામગીરી સાતેક વર્ષ ચાલી હતી. આ પછી ઉત્તર ગોળાર્ધના આ સર્વેનું પુનરાવર્તન ઈ. સ. 1980માં કરવામાં આવ્યું, જેથી 30 વર્ષના ગાળામાં આકાશી જ્યોતિઓમાં થયેલા ફેરફાર નોંધી શકાય. તે પછી, દક્ષિણ ગોળાર્ધમાંથી દૃશ્યમાન આકાશનું ફોટો-સર્વેક્ષણ પણ કરવામાં આવેલું જેને સધર્ન સ્કાય સર્વે કહેવાય છે. આ માટે ચિલીની યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી(ESO)ના શ્મિટ કૅમેરા અને ઑસ્ટ્રેલિયાની ઍંગ્લો-ઑસ્ટ્રેલિયન ઑબ્ઝર્વેટરીમાં મૂકવામાં આવેલા યુનાઇટેડ કિંગ્ડમ શ્મિટ (U.K. Schmidt) કૅમેરાની મદદ લેવાઈ હતી. આ બંને સર્વેમાં ઘણા જ ઝાંખા (21 તેજાંકથી પણ ઓછા) તારાની છબી ઉતારી શકાઈ હતી. પાછળથી આ છબીઓ આકાશના એટલાસ રૂપમાં પ્રકટ થઈ છે.
સુશ્રુત પટેલ