શૌચાલય (Lavatory Block)
January, 2006
શૌચાલય (Lavatory Block) : મનુષ્યના મળમૂત્ર-ત્યાગ માટે જરૂરિયાત મુજબ અલાયદું બાંધવામાં આવતું સ્થાન. શૌચ એટલે શુચિતા, સ્વચ્છતા, પવિત્રતા. શૌચાલય એટલે સ્વચ્છતા, પવિત્રતા પ્રાપ્ત કરવાનું સ્થાન. મનની શુદ્ધિ માટે મંદિર અને તનની શુદ્ધિ માટે શૌચાલય.
શૌચક્રિયા સ્વાસ્થ્યની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેથી શૌચક્રિયા ક્યાં અને કેવી રીતે કરવી તે માટે ‘અંગિરસ્મૃતિ’-વીરમિત્રોદયમાં જણાવે છે કે, સ્વચ્છ, શાંત સ્થળે, પ્રસન્ન ચિત્તે મળોત્સર્ગ કરવો જોઈએ. સામાજિક સુરુચિનો – મર્યાદાનો લોપ ન થાય તે રીતે આદેશનું પાલન કરવાના આશયથી જ રહેણાક-વિસ્તારથી દૂર, એકાંત અને શાંત સ્થળે, જળપ્રાપ્તિ થઈ શકે તેવા સ્થાને મળોત્સર્ગ ક્રિયા માટે જવાની પરંપરા ઊભી થઈ. રહેણાક-વિસ્તારથી દૂર એટલે કેટલે દૂર તેની સ્પષ્ટતા ‘પરાશરસ્મૃતિ’ આપતાં જણાવે છે કે સવારે ઊઠીને ગામથી સો કદમ અને નગરથી ચારસો કદમ દૂર જઈને મળત્યાગ કરવો જોઈએ. આગળ વધીને ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’-(1 : 164)એ સૂચવ્યું છે કે રસોઈઘર અને સ્નાનઘરમાંથી બહાર આવતું પાણી, માનવમૂત્ર અને મળને રહેણાક-વિસ્તારથી દૂર વહાવી દેવું જોઈએ.
મળોત્સર્ગથી હવા, પાણી અને જમીન દૂષિત થાય છે. પરિણામે, ચેપી રોગોના સંક્રમણની સંભાવના રહે છે. તત્કાલીન સમાજશાસ્ત્રીઓ પણ આ બાબતથી માહિતગાર હતા તેથી મનુસ્મૃતિએ (4 : 45.48) નિષેધાત્મક આદેશો પણ સમાજને આપ્યા છે; જેમ કે, ખેડેલા ખેતરમાં, પાણીમાં, ઊંચાઈવાળી જગ્યાએ, પ્રાણીઓ જેમાં પડી રહેતાં હોય તેવા બંધિયાર પાણીમાં, નદી કે તળાવના કિનારે અને ગાયના દેખતાં પણ મળત્યાગ કરવો જોઈએ નહિ. આમ, શૌચ માટે બહાર જવાની પ્રથા ઘણા પ્રાચીન સમયથી ભારત દેશમાં હતી.
ભારતવર્ષમાં વસ્તી વધતાં રહેણાક-વિસ્તારોમાં વધારો થતો ગયો. ખેતરો, જંગલો ઘટતાં ગયાં અને ખુલ્લામાં શૌચ જવાની પ્રથા પણ ચાલુ રહી. પરિણામે હવા, પાણી, જમીનના પ્રદૂષણને કારણે ચેપી સંક્રામક રોગોનો વ્યાપ વધ્યો, ઝડપથી ફેલાવો થવા લાગ્યો અને વૈજ્ઞાનિક ઢબે માનવમળના નિકાલની જરૂરિયાતમાંથી જળબંધ શૌચાલયનો પ્રાદુર્ભાવ થયો. શૌચાલયને સ્વચ્છતા અને તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. મકાનમાં સારા રસોડાની જેમ સારા શૌચાલયની જરૂરિયાત પણ સ્વીકારાઈ છે.
શૌચાલયના પ્રકાર : શૌચાલયના અનેક પ્રકારો છે. રહેણીકરણી, વસ્તીની ગીચતા, પાણીની ઉપલબ્ધતા, ગટરજોડાણની સુવિધા ઉપરાંત તંદુરસ્તી અને ચોકસાઈ માટે આગ્રહ વગેરે બાબતો શૌચાલયમાં થયેલ ફેરફાર માટે કારણભૂત બની છે.
સામાન્ય રીતે શૌચાલયને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય : (1) સફાઈ-કામદારની સેવાની જરૂરિયાતવાળાં શૌચાલય; (2) સફાઈ-કામદાર સેવાની જરૂરિયાત વિનાનાં શૌચાલય અને (3) બળતણ માટે વાપરી શકાય તેવો વાયુ (મિથેન ગૅસ) પૂરો પાડનાર તેમજ ખાતર પેદા કરનાર શૌચાલય.
સફાઈ–કામદારની સેવાની જરૂરિયાતવાળાં શૌચાલય : સફાઈ-કામદારની મદદથી સાફ કરવામાં આવતાં આ શૌચાલય ‘ઉઠાઉ શૌચાલય’, ‘ડબ્બા જાજરૂ’, ‘બાસ્કેટ લેટ્રીન’ વગેરે નામથી ઓળખાય છે. આ પ્રકારનાં શૌચાલયોમાં મળપાત્ર તરીકે કેરોસીનના કાપેલા ડબ્બા અથવા વાંસની ટોપલી અથવા ડોલ મૂકવામાં આવે છે અને સફાઈ-કામદાર મળપાત્રમાંનો મળ બીજા મોટા પાત્રમાં ઠાલવીને નિકાલ માટે લઈ જાય છે. ગટરવ્યવસ્થા ન હોય ત્યાં આ પ્રકારના શૌચાલય વધુ પ્રમાણમાં વપરાય છે, પણ બેદરકારીના કારણે તે ગંદકીનાં ધામ બની જાય છે.
l આ પ્રકારના શૌચાલયમાં સફાઈ માટે સફાઈ-કામદારની સેવાઓ આવદૃશ્યક બને છે.
l પર્યાવરણીય અસ્વચ્છતા સર્જાય છે.
l માખીનો ઉપદ્રવ થાય છે.
l વાસ મારે છે.
l ઘરેળુ શૌચાલયમાંથી એકત્ર કરાયેલ મળના નિકાલ માટે મોટી જગ્યા જોઈએ છે.
l આ શૌચાલય ઘરથી દૂર રાખવામાં આવે છે તેથી મહિલાઓ અને બાળકો માટે અગવડભર્યું બને છે.
l મળપાત્ર રહેણાક-વિસ્તારોમાંથી દૂર લઈ જતી વખતે સમગ્ર વિસ્તારમાં બદબૂ ફેલાય છે.
સફાઈ–કામદારની જરૂરિયાત વિનાનાં શૌચાલય : ભારત સ્વતંત્ર થયા પછી સફાઈ-કામદારોને આ અમાનવીય કાર્યમાંથી મુક્તિ આપવાના કાર્યના ભાગ રૂપે શૌચાલય-સુધારણાની કામગીરી શરૂ થઈ. પાણીનો ઓછો વપરાશ, દુર્ગંધવિહીનતા, માખીના ઉપદ્રવનું નિવારણ તેમજ એકત્રિત મળનું ખાતર કે ઊર્જામાં રૂપાંતર – એ ચાર મુદ્દાઓને કેન્દ્રમાં રાખી સંશોધન થતાં વિવિધ પ્રકારનાં શૌચાલયો અસ્તિત્વમાં આવ્યાં.
ખાતર પેદા કરનાર શૌચાલય : મહારાષ્ટ્રમાં આવેલ રત્નાગિરિ જિલ્લામાં ગોપુરી આશ્રમમાં શ્રી અપ્પાસાહેબ પટવર્ધન દ્વારા આ શૌચાલયની રચના કરવામાં આવી. આ પ્રકારના શૌચાલયમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર મળતું હોવાથી ભારતના ગ્રામવિસ્તારો માટે આ ઉત્તમ શૌચાલય છે. આ શૌચાલયમાં બે કૂંડી હોય છે, જેનો વારાફરતી ઉપયોગ થાય છે. એક કૂંડી એક કુટુંબ માટે ત્રણ મહિના કામમાં આવે છે. પછી બીજી કૂંડી ઉપયોગમાં લેવાય છે. આ સમય દરમિયાન પહેલી કૂંડીમાં ખાતર તૈયાર થઈ જાય છે, જે કૂંડીનો પાછળનો દરવાજો ખોલી કાઢી શકાય છે. કૂંડીના તળિયે ઘાસ અને માટીનો 7.62 મિમી.(3″)નો થર કરવામાં આવે છે. પહેલી કૂંડી વપરાશમાં હોય ત્યારે બીજી કૂંડીના ઢાંકણ ઉપર રાખ અને માટીનો થર રાખવામાં આવે છે. સંડાસ ગયા પછી મળને રાખ અથવા માટીથી ઢાંકી દેવામાં આવે છે. માનવમળમાંથી ખાતર પ્રાપ્ત થતું હોવાથી સફાઈ માટે સફાઈ-કામદારની જરૂર પડતી નથી. (જુઓ આકૃતિ 1).
બોર–હોલ લેટ્રીન : શૌચાલય બનાવવા માટે જગ્યાનો અભાવ હોય ત્યાં બોર-હોલ લેટ્રીન બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો કરવા માટે હાથે ચલાવી શકાય તેવું જમીન ખોદવાનું સાધન (Earth Auger) વપરાય છે. અંકોડી કૃમિના ઉપદ્રવને રોકવા માટે સૌપ્રથમ સને 1930માં રૉકફેલર ફાઉન્ડેશન દ્વારા તેનો ઉપયોગ કરાયો હતો. અર્થ ઓગરની મદદથી 25 સેમી.થી 40 સેમી.(9″થી 16″)ના વ્યાસવાળો 4થી 6 મીટર (20 ફૂટ) ઊંડો ખાડો ખોદવામાં આવે છે. આ ખાડા ઉપર સિમેન્ટ-કૉંક્રીટની ચોરસ યા ગોળ પ્લેટ ગોઠવવામાં આવે છે, જેમાં વચ્ચે છિદ્ર હોય છે અને તેની બાજુએ બે પગાં મૂકવામાં આવે છે. પ્લેટ-લેવલથી 40.64 મિમી. એટલે કે 16″ નીચે સુધી ખાડો ભરાઈ જાય એટલે વપરાશ બંધ કરવામાં આવે છે અને પ્લેટ દૂર કરી ખાડો માટીથી ભરી દેવામાં આવે છે અને બીજો ખાડો તૈયાર કરવામાં આવે છે.
ફાયદા : (1) સફાઈ કામદારની જરૂર પડતી નથી. (2) મળનો જીવાણુ ઝડપથી નિકાલ કરે છે. (3) ખાડો ઊંડો હોવાથી બદબૂ કે માખીનો ત્રાસ રહેતો નથી અને થાય તો કેરોસીન કે ક્રૂડ ઑઇલ નાખી દૂર કરી શકાય છે.
ગેરફાયદા : (1) ખાડો ખોદવા માટે અર્થ ઓગર મશીનની જરૂર પડે છે, જે ગ્રામવિસ્તારમાં સહેલાઈથી ઉપલબ્ધ થતાં નથી. થાય તો ખર્ચની દૃષ્ટિએ મોંઘાં પડે છે. (2) ભૂગર્ભ પાણીને પ્રદૂષિત કરે છે તેથી પીવાના પાણીના સ્રોતથી દૂર ખાડો કરવાની કાળજી લેવી પડે છે.
ખાડાવાળું શૌચાલય : આ પ્રકારનું શૌચાલય પશ્ચિમ બંગાળના સિંગુર ખાતે સને 194950માં પ્રથમ વાર બોરહોલ-શૌચાલયની ક્રમિક સુધારણા રૂપે બનાવવામાં આવ્યું હતું. આ શૌચાલયમાં માનવશ્રમથી 75 સેમી.(30″)ના વ્યાસવાળો અને 3.0થી 3.5 મીટર (10થી 12 ફૂટ) ઊંડો ગોળ ખાડો ખોદવામાં આવે છે. અન્ય વિગતો બોરહોલ શૌચાલય જેવી જ છે.
ખાડાવાળું પાણીબંધ શૌચાલય (આર.સી.એ. ડાઇરેક્ટ ટાઇપ) : ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે પર્યાવરણીય સ્વચ્છતા માટે હાથ ધરેલા રિસર્ચ કામ ઍક્શન પ્રૉજેક્ટ અંતર્ગત ખાડાવાળા શૌચાલયની સુધારણારૂપે આ પ્રકારનું શૌચાલય અસ્તિત્વમાં આવ્યું.
આ પ્રકારના શૌચાલયને પાણીબંધ શૌચાલય, સ્વચ્છ શૌચાલય અથવા હૅન્ડફ્લશ શૌચાલય તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રકારનું શૌચાલય ગ્રામવિસ્તાર માટે ખૂબ ઉપયોગી છે. તેમાં શૌચાલયની બેઠકની નીચે જ ખાડો હોવાથી ઓછી જગ્યા(1.22 મી. x 1.22 મી.)ની જરૂર પડે છે. વળી આ નિર્ગંધ, સ્વચ્છ, વૈજ્ઞાનિક અને પાણીબંધ શૌચાલય છે. અહીં ટબની સાથે જ પાણીબંધ ટ્રૅપ લગાડેલી છે, તેથી મળને ફ્લશ કરવા માટે પાણી ઓછું (1.5 લિટર) વપરાય છે. ખાડો પાકો કે કાચો બનાવી શકાય છે. ખાડો ઉપરના ભાગમાં ચારે બાજુએ 50 સેમી. ચણી લેવાય છે. ગૅસ અને પાણી જમીનમાં શોષાઈ જાય છે તથા ખાતર બાકી રહે છે. જે સસ્તી કિંમતે તૈયાર થાય છે.
ખાડાવાળું પાણીબંધ શૌચાલય (આર.સી.એ. – ડાઇરેક્ટ ટાઇપ) : આ પ્રકારના શૌચાલયમાં ખાડો શૌચાલયથી દૂર હોય છે અને ખાડાનું ટબ-ટ્રૅપ સાથે લાંબી પાઇપથી જોડાણ હોય છે.
પી. આર. એ. આઇ. શૌચાલય : આરસીએ (ઇનડાઇરેક્ટ ટાઇપ) શૌચાલયની સુધારેલી આવૃત્તિ એટલે કે એક ખાડાવાળું, પાણીબંધ શૌચાલય. આ પ્રકારના શૌચાલયમાં શોષખાડો શૌચાલયથી દૂર હોય છે. માનવમળ ટબ-ટ્રૅપમાં થઈ નળી વાટે શોષખાડામાં જાય છે. આ પ્રકારના શૌચાલયની સફાઈ માટે સફાઈ-કામદારની જરૂર પડતી નથી. ખાતર પણ મળે છે. દુર્ગંધ પણ આવતી નથી. ઉપરાંત ઓછા પાણીથી ફ્લશ થાય છે. પાણીબંધ શૌચાલય હોવાના કારણે માખીનો ઉપદ્રવ થતો નથી. શોષખાડામાં ચણતર Honey-comb મધપૂડા જેવું હોય છે અર્થાત્ એક એક ઈંટ છોડીને ચણતર થાય છે જે મળમાં રહેલા અને ફ્લશ કરવાના પાણીને સહેલાઈથી શોષી લે છે. 45 સભ્યોના કુટુંબને 5-7 વર્ષ માટે એક શોષખાડો સેવા આપી શકે છે.
બે ખાડાવાળું પાણીબંધ શૌચાલય : પી.આર.એ.આઇ. શૌચાલયની સુધારેલી આવૃત્તિ એટલે બે ખાડાવાળું પાણીબંધ શૌચાલય. આ પ્રકારના શૌચાલયમાં બંને શોષખાડા શૌચાલયથી દૂર હોય છે. માનવમળ ટબ-ટ્રૅપમાં થઈને નળી વાટે શૌચાલયની પાછળ આવેલી કૂંડી(Junction Chamber)માં જાય છે. આ કૂંડીમાંથી પાઇપ વાટે શોષખાડામાં જાય છે. એક શોષખાડો ભરાઈ જાય એટલે કૂંડીમાં વ્યવસ્થા કર્યા મુજબ માનવમળ, પાણી, પેશાબ વગેરે બીજા ખાડામાં જાય છે. ભરાઈ ગયેલા શોષખાડાને બે વર્ષ પછી ખોલીને ઉત્તમ ખાતર મેળવી શકાય છે. ફ્લશ માટે ફક્ત 1.5 લિટર પાણી વપરાય છે. આ પ્રકારના શૌચાલયમાં દુર્ગંધ આવતી નથી, માખીનો ઉપદ્રવ થતો નથી, ખાતર મળે છે. આ બંને શોષખાડા વારાફરતી ઉપયોગમાં લેવાથી વર્ષો સુધી શૌચાલય વાપરી શકાય છે. સફાઈ-કામદારની જરૂર પડતી નથી.
વેન્ટિલેટેડ ઇમ્પ્રૂવ્ડ પિટ લેટ્રીન (વી. આઇ. પી.) : આ પ્રકારના શૌચાલયમાં એક ખાડો કરવામાં આવે છે. ખાડાની ઉપર પગાં સાથેની એક બેઠક હોય છે. ખાડાને ઢાંકણ હોય છે, જેથી મળમાંથી ઉત્પન્ન થતો ગૅસ બહાર આવતો નથી. ખાડામાં માખી જઈ શકતી નથી કે તેમાંથી બહાર આવી શકતી નથી. ખાડાની પાછળ કાળા રંગે રંગેલી 15 સેમી. વ્યાસ ધરાવતી એક પાઇપ ઊભી કરવામાં આવે છે. આ પાઇપમાંથી વાયુનું ઉદ્વહન થઈ જતાં શૌચાલયમાંથી દુર્ગંધ આવતી નથી. પાઇપના ઉપરના છેડે એક જાળી મૂકવામાં આવે છે, જેથી પાઇપમાં માખી-મચ્છર પેદા થાય નહિ.
સેપ્ટિક ટૅન્ક : ગટરવ્યવસ્થા ન હોય ત્યાં સેપ્ટિક ટૅન્ક (ખાળકૂવા) યુક્ત શૌચાલય બનાવવામાં આવે છે. ઑક્સિજનની ગેરહાજરીમાં મળનું પાચન થઈ નિકાલ થાય તે પદ્ધતિએ આ શૌચાલય કામ કરે છે. આ પ્રકારના શૌચાલયમાં જમીનમાં એક પાકી ટાંકી બનાવવામાં આવે છે. આ ટાંકીના બે ભાગ કરવા માટે એક આડી દીવાલ કરવામાં આવે છે, જે ભોંયતળિયાથી ઊંચી હોય છે અને ઉપરના ભાગે નીચી હોય છે. શૌચાલયમાંથી આવતો માનવમળનો પ્રવાહ ટાંકીમાં આવે છે. ઘન કચરો નીચે રહી જાય છે અને પ્રવાહી કચરો આડી દીવાલ ઉપર થઈને બીજા ભાગમાં આવે છે અને ત્યાંથી બહારની કૂંડીમાં આવે છે. આ કૂંડીમાંથી પ્રવાહી કચરો શોષખાડામાં લઈ જવામાં આવે છે અથવા ટૅન્કર દ્વારા તેનો નિકાલ કરી શકાય છે. આ ટાંકી ઉપર હવાચુસ્ત ઢાંકણ હોય છે અને ટાંકીમાં પેદા થતા ઝેરી ગૅસના નિકાલ માટે એક વેન્ટ-પાઇપ પણ મૂકવામાં આવે છે. પ્રવાહી કચરાનો અન્યત્ર નિકાલ કરવો પડતો હોઈ આ પદ્ધતિનાં શૌચાલય વાપરવામાં અગવડભર્યાં હોય છે. વળી તેનો ખર્ચ પણ વધુ આવે છે. પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું હોય અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા હોય ત્યાં તેમજ પથ્થરવાળી કાળી જમીન અથવા પાણીનું તળ ઊંચું હોય ત્યાં આ પદ્ધતિ વધારે ઉપયોગી છે. જ્યાં ડ્રૅનેજ(ગટર)-જોડાણ ન હોય ત્યાં આ રીત વપરાય છે.
ઍક્વા પ્રીવી : આ પ્રકારનું શૌચાલય એ સેપ્ટિક ટૅન્ક શૌચાલયનું સંશોધિત રૂપ છે. પાણીની અછતવાળા વિસ્તારમાં અને જ્યાં સેપ્ટિક ટૅન્ક કામ ન આવે ત્યાં ઍક્વા પ્રીવી કામ આવે છે. આ શૌચાલયમાં બેઠક નીચે જ પાકી ટાંકી બનાવવામાં આવે છે. ટાંકીને ઉપરથી હવાચુસ્ત ઢાંકણથી બંધ કરવામાં આવે છે. આ શૌચાલયનું ટબ વિશેષ પ્રકારનું હોય છે; જેથી મળ, પેશાબ વગેરે ટબ નીચે ટાંકી ભરેલાં પાણીમાં ડૂબેલી પાઇપમાં થઈને ટાંકીમાં પડે છે. ટાંકીની બહારના ભાગમાં કૂંડી હોય છે. તેમાં પાચન થઈ ગયા પછીનો પ્રવાહી કચરો આવે છે, જેને ખાતરમાં વાપરી શકાય છે અથવા શોષખાડામાં લઈ જઈ શકાય છે. આ શૌચાલયમાં વેન્ટ-પાઇપ મૂકેલી હોય છે અને મળનું વહન કરતી ટબ નીચેની પાઇપ પાણીમાં ડૂબેલી હોય છે તેથી દુર્ગંધ આવતી નથી અને માખીનો ઉપદ્રવ થતો નથી. આ પ્રકારના શૌચાલયની બનાવટમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તેની ટાંકી એકદમ જલચુસ્ત હોવી જોઈએ; નહિતર અનેક પ્રશ્ર્નો ઊભા થાય છે.
ગૅસપ્લાન્ટયુક્ત શૌચાલય : મળ-મૂત્રનો ઉપયોગ ગૅસપ્લાન્ટમાં કરી મિથેન ગૅસ પેદા કરી શકાય છે. 30થી 35 દિવસ સુધી ડાઇજેસ્ટ કૂવામાં એક ભાગ મળ અને બે ભાગ પાણીના પ્રમાણસરના મિશ્રણથી મિથેન ગૅસ પેદા થાય છે. એક વ્યક્તિના મળમાંથી અર્ધો ઘનફૂટ ગૅસ મળે છે. આ ગૅસ બળતણ અને લાઇટ માટે ઉપયોગી છે. સારું ખાતર પણ મળે છે. ઢોરનાં છાણ અને મળમૂત્રનો ઉપયોગ કરીને ગૅસ પેદા કરી શકાય છે, જે શૈક્ષણિક સંસ્થાનાં છાત્રાલયોમાં વિશેષ ફાયદાકારક બને છે.
ભારતમાં આજની પરિસ્થિતિ : ભારતમાં 2002ની સ્થિતિ પ્રમાણે ખાડાવાળાં શૌચાલય ધરાવતાં મકાનો 2,20,76,486 એટલે કે કુલ મકાનોના 11.5 % છે, જેમાં શહેરી વિસ્તારમાં 1,42,36,297 એટલે કે 14.6 % છે તથા ગ્રામીણ વિસ્તારમાં 78,40,189 એટલે કે 10.3 % છે.
ફ્લશવાળા જાજરૂની સુવિધા ધરાવતાં કુલ મકાનો 3,45,98,446 છે એટલે કે 18.0 %. તેમાં શહેરી વિસ્તારમાં 2,47,61,392 એટલે કે 46.1 % અને ગ્રામીણ વિસ્તારમાં 98,37,054 એટલે કે 7.1 % છે.
અન્ય પ્રકારના જાજરૂની સુવિધા ધરાવતાં કુલ મકાનો 1,32,10,867 છે એટલે કે 6.9 % છે. તેમાં શહેરી વિસ્તારમાં 69,79,859 એટલે કે 13.0 % અને ગ્રામીણ વિસ્તારમાં 62,31,008 એટલે કે 4.5 % છે.
જાજરૂની સુવિધા વિનાનાં કુલ 12,20,78,136 એટલે કે 63.6 % મકાનો ભારતમાં છે. તેમાં શહેરી વિસ્તારનાં 1,41,10,936 એટલે કે 24.5 % અને ગ્રામીણ વિસ્તારના 10,79,67,200 એટલે કે 73 % મકાનો આ સુવિધાથી વંચિત છે.
ગુજરાતમાં આજની પરિસ્થિતિ : આ પ્રમાણે ગુજરાતમાં ખાડાવાળાં શૌચાલય ધરાવતાં મકાનો 08.73 % છે; જેમાં શહેરી વિસ્તારમાં 06.75 % તથા ગ્રામીણ વિસ્તારમાં 08.09 % છે.
ફ્લશવાળાં જાજરૂની સુવિધા ધરાવતાં કુલ મકાનો 31.09 % છે, જેમાં શહેરી વિસ્તારમાં 62.11 % અને ગ્રામીણ વિસ્તારમાં 11.28 % છે.
અન્ય પ્રકારના જાજરૂની સુવિધા ધરાવતાં કુલ મકાનો 4.78 % છે; જેમાં શહેરી વિસ્તારમાં 08.69 % અને ગ્રામીણ વિસ્તારમાં 02.29 % છે.
જાજરૂની સુવિધા વિનાનાં કુલ 55.40 % મકાનો રાજ્યમાં છે. શહેરી વિસ્તારનાં 19.45 % અને ગ્રામીણ વિસ્તારનાં 78.35 % મકાનો આ સુવિધાથી વંચિત છે.
આમ, વસ્તીના સરેરાશ બે તૃતીયાંશ ભાગને શૌચાલયની સુવિધા નથી. આ માટે જ ભારત સરકારે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ સમગ્ર દેશના તમામ જિલ્લાઓમાં શરૂ કરેલ છે; જેમાં શૌચાલયની સુવિધા આપવા સારુ 11મા નાણાપંચની ભલામણથી અમલ શરૂ કરેલ છે.
ઈશ્વરભાઈ પટેલ
રાજેશ મ. આચાર્ય