શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich)
January, 2006
શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich) (જ. 25 સપ્ટેમ્બર 1906, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 9 ઑગસ્ટ 1975, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. વીસમી સદીના વિશ્વના પ્રમુખ સંગીત-નિયોજકોમાં એમની ગણના થાય છે; એ બહુપ્રસુ (prolific) સર્જક છે.
બાળપણમાં માતાએ પિયાનોવાદન શીખવેલું. એ તેર વરસના હતા ત્યારે 1919માં તેમના ઇજનેર પિતાએ તેમને સેંટ પીટર્સબર્ગ ખાતેની સંગીતશાળા પૅટ્રોગ્રેડ કૉન્ઝર્વેટરીમાં દાખલ કર્યા. અહીં 1923 સુધી લિયોનિદ નિકોલાયેવ હેઠળ પિયાનોવાદનનો અને 1925 સુધી ઍલેક્ઝાન્ડર ગ્લાઝુનોફ તથા મૅક્સિમિલિયન સ્ટીન્બર્ગ હેઠળ કંપોઝિશનનો તેમણે અભ્યાસ કર્યો.
વૉર્સો ખાતે દર વર્ષે યોજાતી પિયાનોવાદનની આંતરરાષ્ટ્રીય હરીફાઈ શોપાં ઇન્ટરનૅશનલ કૉમ્પિટિશનમાં 1927માં તેમણે ભાગ લીધો. એ ભલે ઇનામ જીતી શક્યા નહિ, પણ એમણે બધાંનું ધ્યાન ખેંચ્યું જ. એમણે એક પિયાનોવાદક તરીકેની કારકિર્દી અપનાવી નહિ. માત્ર પોતાની મૌલિક કૃતિઓના જાહેર જલસા પૂરતું જ તેઓ જાહેરમાં પિયાનોવાદન કરતા.
1924માં શોસ્ટાકૉવિચની પહેલી સિમ્ફની પ્રકાશિત થઈ અને તરત જ તે દુનિયાભરમાં જાણીતી થઈ ગઈ. એક સંગીતનિયોજક તરીકે તરત જ તેમને આંતરરાષ્ટ્રીય નામના આ કૃતિથી મળી. તેમની ઉપર રશિયન સંગીતનિયોજકો પીટર ચાઇકૉવ્સ્કી (Tchaikovsky) અને સર્ગેઇ પ્રોકોફિફ ઉપરાંત જર્મન સંગીતનિયોજક પૉલ હિન્ડેમિથની અસરો સ્પષ્ટ છે.
1917થી 1927 સુધીના ગાળામાં સોવિયેત શાસકોએ કલાક્ષેત્રને પોતાની જોહુકમથી મુક્ત રાખ્યું હોવાથી આઇગોર સ્ટ્રાવિન્સ્કી અને આલ્બાન બર્ગ જેવા અત્યાધુનિકો(આવાં ગાર્દે)નું સંગીત પણ સોવિયેત સંઘમાં ગાવા-વગાડવામાં આવતું હતું. પશ્ચિમ યુરોપથી બેલા બાર્તોક અને પૉલ હિન્ડેમિથ રશિયા આવ્યા ત્યારે શોસ્ટાકૉવિચે તેમની મુલાકાત લીધી. એ પછી શોસ્ટાકૉવિચે પણ અત્યાધુનિક પદ્ધતિઓ અને શૈલીઓ અપનાવી. એ રીતે એમણે નિકોલાઇ ગોગોલની સાહિત્યિક કૃતિ ‘ધ નોઝ’ પર આધારિત ઑપેરા એ જ શીર્ષક હેઠળ લખ્યો; પરંતુ તેમણે અત્યાધુનિક લઢણો ત્યાગીને એન. લેસ્કૉવની વાર્તા ‘લેડી મૅકબેથ ધ ત્સેન્ક ડિસ્ટ્રિક્ટ’ ઉપરથી બીજો ઑપેરા ‘લેડી મૅકબેથ’ લખ્યો, કારણ કે સોવિયેત શાસને તેમને અત્યાધુનિક લઢણો ત્યાગવા ચીમકી આપેલી. સોવિયેત શાસનની જોહુકમી હેઠળ ઑપેરા ‘લેડી મૅકબેથ’નું નામ બદલીને હવે ‘કાતેરિના ઇઝ્માઇલોવા’ કરવામાં આવ્યું.
1928માં જૉસેફ સ્ટૅલિને પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરતાં સોવિયેત સાંસ્કૃતિક ક્ષેત્ર લોખંડી પંજાની ચુંગાલમાં જકડાયું. સંગીત જેવી લોકપ્રિય અને માનવહૃદય સુધી સૌથી વધુ ઝડપથી અને સહેલાઈથી પહોંચી જતી કલા તેનો પ્રથમ ભોગ બની. તરત જ અત્યાધુનિક શૈલીઓ અને જાઝ ઉપર કડક પ્રતિબંધ આવી પડ્યો. થોડા સમય સુધી તો ચાઇકૉવ્સ્કીનું સંગીત પણ પ્રતિબંધિત રહ્યું. 1936માં પ્રમુખ સ્ટૅલિને શોસ્ટાકૉવિચનો ઑપેરા ‘કાતેરિના ઇઝ્માઇલોવા’ સાંભળ્યો અને તરત જ એનો પ્રખર ક્રોધ ભભૂકી ઊઠ્યો. આ ઑપેરા ઉપર તરત જ કડક પ્રતિબંધ લદાયો અને સ્ટૅલિને શોસ્ટાકૉવિચને ખરાબ ભાષામાં ખખડાવી નાખ્યો. હવેથી કેવા પ્રકારનું સંગીત સર્જવું તે અંગે શોસ્ટાકૉવિચને સોવિયેત શાસન તરફથી સ્પષ્ટ સૂચના મળી. સોવિયેત શાસન દ્વારા અંકુશિત સોવિયેત પ્રેસે પણ શોસ્ટાકૉવિચને તેની ચોથી સિમ્ફની અને એના ઑપેરા ‘કાતેરિના ઇઝ્માઇલોવા’ને કડક ભાષામાં વખોડી કાઢ્યાં.
સોવિયેત શાસનના માર્ગદર્શનને અનુસરીને શોસ્ટાકૉવિચે 1937માં પાંચમી સિમ્ફની લખી, જેને જાહેરમાં વગાડવામાં આવી. ‘એ સોવિયેત આર્ટિસ્ટ્સ રિપ્લાય ટુ ક્રિટિસિઝમ’ નામે શોસ્ટાકૉવિચે ઓળખાવેલી એ સિમ્ફની તેનાં અગાઉનાં ભવ્ય સર્જનો આગળ મગતરા જેવી મામૂલી ને વામણી પુરવાર થઈ, છતાં સોવિયેત સંઘમાં તેને ખાસ્સી લોકપ્રિયતા સાંપડી તથા સોવિયેત શાસકો પણ તેનાથી ખુશ થયા. તે પછી શોસ્ટાકૉવિચે સત્તરમી સદીના જર્મન, ઇટાલિયન અને ફ્રેંચ બરોક સંગીતમાંથી તેમજ ખાસ તો બરોક ફ્યુગ (fugue) રચનાઓમાંથી પ્રેરણાપાન કરવાનું શરૂ કર્યું. 1937માં પીટર્સબર્ગ ખાતેની લેનિનગ્રાડ કૉન્ઝર્વેટરીમાં શોસ્ટાકૉવિચની સંગીતયોજના-(કંપોઝિશન)ના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. 1941માં જર્મનીએ આ નગર ઉપર હુમલો કર્યો ત્યારે શોસ્ટાકૉવિચે સોવિયેત લશ્કરમાં ફાયરફાઇટર તરીકે કામ કર્યું હતું. નાગરિકોમાં જુસ્સો પ્રેરવા માટે શોસ્ટાકૉવિચે વીર રસથી છલકાતી સાતમી સિમ્ફની લખી, જેને તરત જ બૃહદ લોકપ્રિયતા સાંપડી; પરંતુ આ લોકપ્રિયતા અલ્પજીવી બની રહી. વિવેચકોના મતે સંગીતેતર પરિબળોના ધક્કાથી રચાતું શોસ્ટાકૉવિચનું સંગીત માત્ર ધડબડાટી અને સ્વરવિલાસમાં પરિણમે છે; જેમાં માનવહૃદયને સ્પર્શતી લાગણીઓનો છાંટો સુધ્ધાં નથી.
નાઝી લશ્કરે સેંટ પીટર્સબર્ગ કબ્જે કરી લેતાં 1943થી 1945 સુધી શોસ્ટાકૉવિચે મૉસ્કોમાં સ્થિર થઈ ત્યાંની (મૉસ્કો) કૉન્ઝર્વેટરીમાં સંગીત-નિયોજનના પ્રોફેસર તરીકે કામ કર્યું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં 1945થી તેમણે ફરીથી સેંટ પીટર્સબર્ગ ખાતેની લેનિનગ્રાડ કૉન્ઝર્વેટરીમાં સંગીત-નિયોજનના પ્રોફેસર તરીકે કામ શરૂ કર્યું.
શોસ્ટાકૉવિચના જીવનના ઉત્તરાર્ધની આરંભિક કૃતિઓમાંથી આ કૃતિઓ શ્રેષ્ઠ ગણાય છે : (1) આઠમી સિમ્ફની (1943); (2) પિયાનો ટ્રાયો (1944) અને (3) વાયોલિન કન્ચર્ટો નં. 1 (1947-48). ગંભીર અને ગમગીન ભાવભૂમિકા (મૂડ) ધરાવતી આ કૃતિઓને કારણે બીજા વિશ્વયુદ્ધ પછી શોસ્ટાકૉવિચ ફરીથી સોવિયેત શાસકોના મન પરથી ઊતરી ગયા. એક સર્જક પાસે એમની અપેક્ષા આનંદપ્રદ, ઉત્સાહપ્રેરક કૃતિઓની હતી.
1948માં મૉસ્કો ખાતે એક કૉન્ફરન્સ સોવિયેત વિચારક આન્દ્રેઇ ઝાનૉવ(Zhdanov)ના પ્રમુખપણા હેઠળ યોજાઈ. તેમાં શોસ્ટાકૉવિચની સર્જનાત્મકતા ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા અને તેમના સંગીતને કડક ભાષામાં વખોડી કાઢવામાં આવ્યું. ફરી એક વાર શોસ્ટાકૉવિચની ઉપર પસ્તાળ પડી. એની સાવ માઠી દશા બેઠી હતી. મૉસ્કો કૉન્ઝર્વેટરીના પ્રાધ્યાપકપદેથી તેમને બરતરફ કરવામાં આવ્યા અને સોવિયેત સંઘની બીજી કોઈ પણ સંગીતશાળામાં ભણાવવા માટે તેમના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. પરિણામે હવે પછીના દાયકામાં, એટલે 1948થી 1960 સુધી માત્ર શોસ્ટાકૉવિચની નવી કૃતિઓની જ નહિ, સમગ્ર સોવિયેત સંગીતની નવી કૃતિઓની ગુણવત્તા સાવ ઊતરી ગઈ.
1961થી ફરીથી શોસ્ટાકૉવિચની કૃતિઓની ગુણવત્તા સબળ બની. એમની બે નવી કૃતિઓ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ નં. 4 (1959) અને સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ નં. 5 (1951) વિશ્વ સમગ્રમાં લોકપ્રિય બની. સત્તાધીશોની જોહુકમીની પરવા કર્યા વિના એમણે 1953માં સ્ટૅલિનના મૃત્યુના વર્ષે ભવ્ય કૃતિ દસમી સિમ્ફની લખી; જે તરત જ જોરદાર લાગણીઓના નિરૂપણ માટે દુનિયાભરમાં પંકાઈ. સોવિયેત સત્તાધીશો આ વખતે તેમને કનડ્યા વગર ચુપચાપ બેસી ગયા. હવે શોસ્ટાકૉવિચના સર્જનાત્મક ઉન્મેષનો શ્રેષ્ઠ તબક્કો આવ્યો. અટક્યા વગર તેઓ દર વર્ષે એક પછી એક ‘માસ્ટરપીસ’ લખતા ગયા. એ રીતે તેમની પાસેથી આ કૃતિઓ મળે છે :
(1) કન્ચર્ટો નં. 1 ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા; (2) ઑરેટોરિયો ‘સૉન્ગ એબાઉટ ફૉરેસ્ટ્સ’; (3) કન્ચર્ટો નં. 1 ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા; (4) 24 ફ્યુગ્સ ઍન્ડ પ્રિલ્યુડ્ઝ ફૉર પિયાનો, (5) અગિયારમી, બારમી, તેરમી, ચૌદમી અને પંદરમી સિમ્ફનીઓ; (6) સૉનાટા ફૉર વાયોલિન ઍન્ડ પિયાનો; (7) કવિ યેવેગેની યેવતુશેન્કોના કાવ્ય ‘એક્ઝિક્યુશન ઑવ્ સ્ટેફાન રેઝિન’ ઉપરથી એ જ નામની સિમ્ફનિક પોએમ; (8) માઇકેલૅન્જેલો બૂનારોતી, મારિયા ત્સ્વેતાયેવા અને ઍલેક્ઝાન્ડર બ્લૉકનાં કાવ્યોનું સ્વરાંકન અને (9) ‘ગર્લ-ફ્રેન્ડ્ઝ’, ‘ધ રેસિપ્રોકલ મૅન’, ‘ધ મૅન વિથ એ ગન’, ‘વીબોર્ગ સાઇડ’ અને ‘ધ રિટર્ન ઑવ્ ધ મૅક્સિમ’ ફિલ્મો માટે ફિલ્મસંગીત.
શોસ્ટાકૉવિચની તેરમી સિમ્ફનીના પ્રથમ વાદન પછી તરત જ એ સિમ્ફની ઉપર સોવિયેત સંઘમાં તવાઈ આવેલી એ હકીકતથી પુરવાર થાય છે કે સોવિયેત શાસકો એમને ક્યારેય પૂર્ણ સર્જનાત્મક સ્વાતંત્ર્ય આપી શક્યા નહિ.
શોસ્ટાકૉવિચે 1949માં અમેરિકાની અને 1958માં યુરોપના વિવિધ દેશોની મુલાકાત લીધેલી. એ વખતે ઇટાલીમાં રોમ ખાતેની સાન્તા ચેચિલિયા નૅશનલ અકાદમીએ તેમને પોતાના માનાર્હ સભ્ય બનાવેલા તથા બ્રિટનમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ઑનરરી ડૉક્ટરેટની પદવીથી નવાજેલા. આમ પશ્ચિમના સાંસ્કૃતિક જગતમાં તેમણે અત્યંત પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું. 1966માં લંડનની રૉયલ ફિલ્હાર્મોનિક સોસાયટીએ સુવર્ણચંદ્રકથી તેમનું બહુમાન કર્યું.
એક સામ્યવાદી દેશના નાગરિક તરીકે શોસ્ટાકૉવિચ ચુસ્ત સામ્યવાદી માન્યતા ધરાવતા હોવા છતાં સંગીતક્ષેત્રે તેઓ પૂરતી મોકળાશ ધરાવતા વ્યક્તિસ્વાતંત્ર્યમાં નિર્ભીકપણે માનતા હતા. 1953માં મહાન રશિયન સંગીતકાર સર્ગેઇ પ્રોકોફિફના મૃત્યુ પછી શોસ્ટાકૉવિચની રશિયામાં તેમજ રશિયા બહારની દુનિયામાં રશિયન સંગીતની સૌથી વધુ મહાન વિદ્યમાન હસ્તી તરીકે ગણના કરવામાં આવી. વીસમી સદીના સંગીતની ટોચની પ્રતિભાઓમાં શોસ્ટાકૉવિચની ગણના આજે થાય છે. તેમનો પુત્ર મૅક્સિમ શોસ્ટાકૉવિચ પ્રસિદ્ધ પિયાનિસ્ટ છે.
અમિતાભ મડિયા