શોષણ (exploitation) : શ્રમિકને તેણે ઉત્પાદનમાં આપેલા ફાળાના મૂલ્ય કરતાં સભાન રીતે ઓછું વેતન ચૂકવવામાં આવે તે. શોષણનો આ અર્થશાસ્ત્રીય અર્થ છે. આ અર્થમાં ‘શોષણ’ શબ્દનો ઉપયોગ કાર્લ માર્ક્સે સર્વપ્રથમ કરેલો. તેમના સિદ્ધાંત પ્રમાણે વસ્તુનું વિનિમય-મૂલ્ય વસ્તુ પાછળ ખર્ચાયેલા શ્રમના મૂલ્ય બરાબર હોય છે. તેથી ઉત્પાદકો દ્વારા જે કુલ ઉત્પાદન કરવામાં આવે તેનું કુલ મૂલ્ય શ્રમિકો વચ્ચે વેતનના રૂપમાં ચૂકવાઈ જવું જોઈએ;  પરંતુ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદકો નફાના રૂપમાં જે કમાણી કરી લે છે તેને માર્ક્સની પરિભાષામાં અધિશેષ મૂલ્ય કહેવામાં આવે છે. આ અધિશેષ મૂલ્ય કામદારોનું શોષણ દર્શાવે છે. મૂડીવાદી વ્યવસ્થા મજૂરોના શોષણ પર રચાયેલી છે એવું પ્રતિપાદન માર્ક્સે તેમના આ સિદ્ધાંતના આધાર પર કર્યું હતું.

આધુનિક અર્થશાસ્ત્રીઓ વસ્તુઓના વિનિમય-મૂલ્ય અંગેનો કાર્લ માકર્સે સ્વીકારેલો શ્રમમૂલ્યનો સિદ્ધાંત સ્વીકારતા નથી. તેથી તેમણે શ્રમના શોષણની વૈકલ્પિક વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા પ્રમાણે શ્રમિક દ્વારા કરવામાં આવેલા વધારાના ઉત્પાદનથી ઉત્પાદકની આવકમાં જે  વધારો થયો હોય તેના કરતાં જો શ્રમિકને ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય તો તે શ્રમનું શોષણ કહેવાય. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો શ્રમની સીમાન્ત આવક ઉત્પાદકતા (marginal revenue productivity) કરતાં શ્રમિકને ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય તો તે શ્રમિકનું શોષણ કહેવાય. અલબત્ત, વ્યવહારમાં જે વ્યવસાયોમાં શ્રમિકોને ખૂબ જ ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય તેમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે એમ કહેવામાં આવે છે.

‘શોષણ’ શબ્દ બીજા અર્થોમાં પણ વપરાય છે; દા. ત., ઉત્પાદનના હેતુ માટે કુદરતી સાધનસંપત્તિનો જે વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે તેને કુદરતી સંપત્તિના શોષણ તરીકે વર્ણવવામાં આવે છે. કોઈ વ્યક્તિની કોઈક લાચારીનો ગેરલાભ લેવામાં આવતો હોય તો એ વ્યક્તિનું શોષણ કરવામાં આવી રહ્યું છે એમ કહેવામાં આવે છે. પુરુષો સ્ત્રીઓની આર્થિક મજબૂરીનો ગેરલાભ લઈને તેમનું શોષણ કરે છે એવી ટીકા વખતોવખત કરવામાં આવે છે.

પરાશર વોરા