શોપાં, ફ્રેડેરિક (Chopin, Frëdëric)
January, 2006
શોપાં, ફ્રેડેરિક (Chopin, Frëdëric) (જ. 1 માર્ચ 1810, ઝેલાઝોવાવોલા, પોલૅન્ડ; અ. 17 ઑક્ટોબર 1849, પૅરિસ, ફ્રાંસ) : વિશ્વવિખ્યાત પૉલિશ રંગદર્શી પિયાનોવાદક અને સ્વરનિયોજક.
શોપાંના ફ્રેંચ પિતા નિકોલસ પોલૅન્ડના વૉર્સો નગરમાં આવી વસેલા અને તેમણે ધનાઢ્ય પોલિશ કુટુંબોમાં પિયાનોવાદનનાં ટ્યૂશનો શરૂ કરેલાં. વૉર્સો નજીક આવેલા ગામ ઝેલાઝોવાવોલામાં સ્કાર્બેક્સ અટક ધરાવતા એક ધનાઢ્ય કુટુંબમાં પણ તેમણે પિયાનોવાદનનાં ટ્યૂશનો આપવાં શરૂ કરેલાં. આ જ કુટુંબની એક સંબંધી મહિલા સાથે પિતા નિકોલસે લગ્ન કર્યાં. શોપાંના જન્મ પછી નિકોલસે વૉર્સો લાઇસિયમ શાળા ખાતે ફ્રેંચ ભાષાના શિક્ષકની નોકરી ગ્રહણ કરી. આ જ શાળામાં શોપાંએ 1823થી 1826 સુધી અભ્યાસ કર્યો.
બાળપણમાં શોપાં જ્યારે તેની માતા અને મોટી બહેનને પિયાનો વગાડતાં સાંભળતો ત્યારે તલ્લીન થઈ જતો. છ વરસની ઉંમરથી તો તે પોતે જ પિયાનો વગાડતો થઈ ગયો. સાત વરસની ઉંમરે તે એકસઠ વરસના વાયોલિનવાદક વોજિંક એડેલ્બર્ટ ઝિવ્ની(Wojciech Adalbert Zywny)નો શિષ્ય બન્યો. આઠ વરસની ઉંમરે શોપાંએ પિયાનોવાદનનો જાહેર જલસો કર્યો. અગિયાર વરસની ઉંમરે રશિયન ઝાર ઍલેક્ઝાન્ડર પહેલા સમક્ષ પિયાનોવાદન કર્યું. એ ઉંમરે વૉર્સોની જનતામાં શોપાંનું નામ જાણીતું થયું. સાત વરસની ઉંમરે પિયાનો માટે સ્વરનિયોજન કરીને શોપાંએ પોતાની પહેલી મૌલિક કૃતિ લખી : ‘પૉલોનેઇઝ ઇન G માઇનોર’. આ કૃતિ ઘણી લોકપ્રિય થઈ અને ગ્રાન્ડ્ડ્યૂક કૉન્સ્ટન્ટાઇને તેને લશ્કરી કૂચ માટેના બૅન્ડમાં બેસાવડાવી. પછી તો શોપાંએ બીજા પૉલોનેઇઝ, માઝુર્કા, વેરિયેશન, એકોસેઇસ (ecossaise) અને રૉન્ડો લખવાં શરૂ કર્યાં. પરિણામે, એ સોળ વરસનો થયો ત્યારે સ્વરનિયોજક બનવાની મહત્વાકાંક્ષા જાગી અને વૉર્સો ખાતે તત્કાળ નવી શરૂ થયેલી સંગીતશાળા વૉર્સો કૉન્ઝર્વેટરી ઑવ્ મ્યુઝિકમાં વિદ્યાર્થી તરીકે જોડાયો. પોલિશ સ્વરનિયોજક જૉસેફ એલ્સ્નર આ સંગીતશાળાના દિગ્દર્શક હતા.
એલ્સ્નર જ હવે શોપાંના શિક્ષક બન્યા. હકીકતમાં છેલ્લાં પાંચ વરસથી શોપાં એમની પાસેથી જ સંગીતના સિદ્ધાંતો શીખતો હતો. શોપાં વૉર્સો બહાર જઈ નવા શ્રોતાઓ મેળવે તેવી ઇચ્છા એલ્સ્નરે તેનાં માતાપિતા આગળ રજૂ કરી. વિદેશનું સંગીત સાંભળી શોપાંની સર્જનાત્મકતા વધુ પ્રગલ્ભ બનશે એવી તેમની માન્યતા હતી. શોપાંને તેના મધ્યમ વર્ગનાં માતા-પિતા ખર્ચાળ પ્રવાસે મોકલી શકે એમ નહોતા. તેથી તેમણે આ માટે પોલિશ સરકાર સમક્ષ નાણાકીય મદદ માગી; પરંતુ સરકારે આ માગણી ઠુકરાવી દેતાં દેવું કરીને એનાં માબાપે શોપાંના પ્રવાસ માટેનાં નાણાં ઊભાં કર્યાં અને તેને વિયેના મોકલ્યો.
વિયેના ગયા પછી તરત જ એલ્સ્નરના ભલામણ-પત્રના પ્રતાપે વિયેનાના પ્રકાશક ટોબિયાસ હૅસ્લિન્ગરે મોત્સાર્ટના ‘લા ચી ડારેમ’ ઉપરથી પ્રેરિત થઈને શોપાંએ લખેલ ‘વેરિયેશન્સ’ કૃતિ પ્રકાશિત કરી. એ પ્રકાશકના આગ્રહને વશ થઈને શોપાંએ વિયેનામાં બે નિ:શુલ્ક જલસા પણ આપ્યા અને તેથી વિયેનાની સંગીતપ્રેમી જનતામાં તેનું નામ જાણીતું થયું. વિયેનાની જનતાને શોપાંનું પિયાનોવાદન અત્યંત કોમળ જણાયું અને તેને વધાવી લીધું. અહીં મળેલી સફળતાને કારણે ઉત્સાહિત મૂડમાં 1829ના સપ્ટેમ્બરમાં શોપાં પાછો પોતાને ઘેર વૉર્સો ગયો.
1829ના સપ્ટેમ્બરમાં વતન વૉર્સોમાં ત્યાંની કૉન્ઝર્વેટરી ખાતે ગાયનનો અભ્યાસ કરતી કૉન્સ્ટાન્ટિયા ગ્લૅડ્કૉવ્સ્કા નામની આકર્ષક યુવતીના પ્રેમમાં શોપાં પડ્યો. એ પ્રેમમાંથી પ્રેરણા મેળવીને તેણે અત્યંત દુ:ખથી વ્યાકુળ કરી મૂકતી કોમળ સૂરાવલિઓથી ભરપૂર બે કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા તથા થોડાં નૉક્શર્નો (nocturnes) લખ્યાં.
1830માં વિયેના પાછા ફરીને શોપાંએ આઘાત અનુભવ્યો, કારણ કે લોકોનો તેનામાંથી રસ ઊડી ગયો હતો. પ્રકાશક હૅસ્લિન્જર શોપાંનાં સંગીતનું કોઈ નવું પ્રકાશન હાથ ધરવા તૈયાર નહોતો. પિયાનો વગાડવા માટે તેને આમંત્રણ આપવાની કોઈને ઉતાવળ નહોતી. તેનાં માતાપિતા ઉધાર પૈસા લઈ તેનાં પ્રવાસ, ભરણપોષણ અને હોટલના ભાડાનો બોજો ઉઠાવી રહ્યાં હતાં એ હકીકતથી શોપાં વધુ સભાન થઈ ગયો. આટલું ઓછું હોય તેમ પોલૅન્ડમાં રશિયન હકૂમત સામે બળવો ફાટી નીકળ્યો હોવાથી તેનાં માબાપ એવું જરાય ઇચ્છતાં નહોતાં કે શોપાં વિયેના છોડી વૉર્સો આવીને અરાજકતામાં ફસાઈ જાય. આ ત્રાસરૂપ પરિસ્થિતિથી છૂટવા શોપાંએ પૅરિસ જઈ નસીબ અજમાવવાનો નિર્ધાર કર્યો; પરંતુ ફ્રાંસમાં પ્રવેશવાની પરવાનગી મેળવવામાં જ બે મહિનાનો વિલંબ થયો. આ અણગમતા સંજોગોથી વ્યાકુળ થઈ ઊઠેલા શોપાંએ અજંપાનો ઊભરો વાવાઝોડા જેવી ચંચળ અને હિંસક બે કૃતિઓ લખીને કર્યો : ‘શેર્ઝો (Scherzo) ઇન બી માઇનોર’ અને ‘રેવૉલ્યૂશનરી એત્યુદ’ (Etude) (બંને એકલા પિયાનો માટે). આખરે પૅરિસ જવા પ્રયાણ આદર્યું ત્યાં જ જર્મનીમાં સ્ટુટગાર્ટ ખાતે તેને દુ:ખદ સમાચાર મળ્યા કે રશિયા સમક્ષ પોલૅન્ડ ઝૂકી ગયું છે અને રશિયા તેને માથે ચડી બેઠું છે !
1831ના સપ્ટેમ્બરના અંતમાં શોપાં પૅરિસ પહોંચ્યો. વિયેનાના મિત્રોએ આપેલ ઓળખાણપત્રોને પ્રતાપે પૅરિસના સંગીતકારો અને શ્રીમંતોના મેળાવડામાં એનો પ્રવેશ આસાનીથી થયો. તત્કાલીન પૅરિસના સંગીતનિયોજકો ફૅરેન્ક લિત્ઝ, હેક્ટર બર્લિયોઝ, ફૅલિક્સ મેન્ડલ્સોન (Mendelssohn) અને વિન્ચેન્ઝો બેલિની તથા ચેલોવાદક ઓગુસ્તે ફ્રાન્કોમ (Franchomme) સાથે તેને દોસ્તી થઈ. એની નાણાકીય તંગી ચાલુ રહી. આખરે 1832ના ફેબ્રુઆરીમાં પૅરિસમાં એના પિયાનોવાદનનો એક જલસો ગોઠવાયો પિયાનો બનાવનાર કૅમાઇલ પ્લૅયલ(Camille Pleyel)ના હૉલમાં. એ પછી પૅરિસ કૉન્ઝર્વેટરીના હૉલમાં મે મહિનામાં એક બીજો જલસો ગોઠવાયો, એના પરિણામે એને સમજાયું કે એનું અત્યંત કોમળ અને ઋજુ પિયાનોવાદન પૅરિસમાં બધાંને પસંદ નથી પડ્યું; પરંતુ શરાફનો ધંધો કરતાં રૉથ્સ્ચિલ્ડ (Rothschild) પરિવારે પોતાના દીવાનખંડમાં પિયાનોવાદન કરવા માટે શોપાંને આમંત્રણો આપવાં શરૂ કર્યાં અને તેથી પૅરિસના બીજા શ્રીમંત પરિવારોમાં પણ શોપાંનું પિયાનોવાદન ફૅશનેબલ થઈ ગયું. પરિણામે શોપાં માટે પિયાનોવાદન માટેની નવી તકોની ક્ષિતિજ ઊઘડી. પિયાનોવાદક ઉપરાંત પિયાનોના શિક્ષક તરીકે પણ પૅરિસના શ્રીમંતોમાં તેની માંગ વધતી ગઈ. આ સમયે તેણે પિયાનો માટે ઘણી નાની નાની નાજુક કૃતિઓ લખી, જે બે સંગ્રહોમાં છપાઈને પ્રકાશિત થઈ : ‘બુક ઑવ્ એત્યુદ : બૅલેડ ઇન G માઇનોર’ તથા ‘ફૅન્ટસી-ઇમ્પ્રોપ્તુ (Fantasie-Improptu) વિથ સમ માઝુર્કાઝ અને પોલોનેઇઝિઝ’ (Mazurkas Polonaises). આ બંને પુસ્તકોમાં સમાવેશ પામેલી કૃતિઓ પર પોલિશ લોકસંગીતનો પ્રભાવ સ્પષ્ટ છે.
1835માં બે આનંદપ્રદ બનાવો શોપાંના જીવનમાં બન્યા : એક તો બોહેમિયામાં કાર્લ્સ્બાડ (Karlsbad) ખાતે પોતાનાં માબાપ સાથે એની ટૂંકી મુલાકાત થઈ અને બીજો તે જર્મનીમાં ડ્રૅસ્ડન ખાતે પોતાના વૃદ્ધ પોલિશ મિત્ર પરિવાર વૉડ્ઝિન્કિસ (Wodzinkis) સાથે તેની મુલાકાત થઈ. એ પરિવારની સોળ વરસની આકર્ષક પુત્રી મારિયાના પ્રેમમાં એ પડ્યો; પરંતુ આ આનંદ ક્ષણભંગુર બની રહ્યો. શોપાંની નાજુક તબિયત અંગેની અફવાઓ એ છોકરીની માતાને કાને પડતાં આ પ્રકરણનો અંત આવી ગયો. ખિન્ન થયેલો શોપાં મિત્ર પ્લેયલ સાથે મનને હળવું કરવા ઇંગ્લૅન્ડમાં જોવાલાયક સ્થળોની યાત્રાએ જઈ આવ્યો; પણ પૅરિસ પાછા ફર્યા બાદ એની લાગણીઓને છંછેડતી નવી મૂંઝવણ પેદા થઈ : મુક્ત, નિર્બન્ધ જીવન જીવી રહેલી પ્રસિદ્ધ ફ્રેંચ મહિલા-નવલકથાકાર જ્યૉર્જ સૅન્ડ મૅડમ ઓરોરે(George Sand Mme Aurore) દુપિં દુદેવાં(Dupin Dudevant)એ શોપાંની રખાત બનાવાની દરખાસ્ત મૂકી. 1836માં લિત્ઝે એ બંનેની પરસ્પર ઓળખાણ કરાવેલી. મારિયા પ્રત્યેની વફાદારી, પોતાનાં માબાપને આઘાત નહિ આપવાનું તેનું વલણ અને પૅરિસના સમાજમાં થનારી કૂથલીઓ – આ ત્રણ કારણોસર એણે સૅન્ડને તત્કાળ તો અપનાવી નહિ, પરંતુ 1838માં એ સૅન્ડ પ્રત્યેનું પોતાનું આકર્ષણ ખાળી શક્યો નહિ. પોતાની તબિયત કથળી છે અને કોઈની દેખરેખ જરૂરી છે એવા બહાના હેઠળ શોપાંએ હવે માજોર્કા ટાપુ પર આવેલા સૅન્ડ સાથે તેના ઘરમાં તેનાં બે બાળકો મોરિસ અને સોલાન્જ સાથે રહેવું શરૂ કર્યું; પરંતુ થોડા દિવસો બાદ શોપાંની તબિયત ખરેખર કથળી. તેને ક્ષય (ટીબી) રોગ થયો છે એવી વાયકા પ્રસરી. તેથી માજોર્કા ટાપુના લોકોએ ચેપના જોખમના ભયથી સૅન્ડ, તેનાં બે બાળકો અને શોપાંને હાંકી કાઢ્યાં. વાલ્દેમોસા ગામના મઠમાં એ બધાં જઈને રહ્યાં. ચિક્કાર ઠંડી, ગાઢ ધુમ્મસ અને વરસાદને કારણે ત્યાં વાતાવરણ ગમગીન હતું. વળી શોપાંને તો ત્યાં પિયાનોનો અભાવ પણ કઠતો હતો, કારણ કે પિયાનો વિના તે નવી રચનાઓ પણ સર્જી શકતો નહોતો. બેચેન અને વ્યાકુળ બનેલા શોપાંની પરિસ્થિતિ સુધારવા માટે 1839ના માર્ચમાં સૅન્ડ એને લઈને મર્સાઇલ (Marselle) આવી પહોંચી. એક દાક્તરની સારવારથી શોપાંની નાદુરસ્ત તબિયત સુધરી. ઉનાળો એણે પૅરિસથી 180 માઈલ દક્ષિણે નોહાં (Nohaut) ખાતે આવેલા સૅન્ડના પ્રિય કન્ટ્રીહાઉસમાં વિતાવ્યો.
ઉનાળો પૂરો થતાં શોપાં પૅરિસ આવ્યો. તેણે ત્યાં પિયાનોવાદનના ખાનગી અને જાહેર જલસા કરવા શરૂ કર્યા. ફ્રેંચ રાજા લુઈ ફિલિપે પણ તુઇલેરી (Tuileries) મહેલમાં પિયાનોવાદન માટે શોપાંને આમંત્રણ આપ્યું. આ બધા જલસાઓને કારણે તેની આર્થિક સ્થિતિ સુધરી. હવે તેણે પિયાનોવાદનનાં ટ્યૂશન પણ શરૂ કર્યાં. શોપાંની પિયાનોવાદનની પદ્ધતિમાં બાવડાં, કાંડાં અને આંગળીઓના હલનચલનની એવી અવનવી તરકીબો સામેલ હતી કે જેથી વાદક વધુ ચપળતા અને સ્થિતિસ્થાપકતા હાંસલ કરી શકે અને પિયાનો જાણે ગાઈ રહ્યો હોય એવું શ્રોતાઓને જણાય.
1840ના ઉનાળા સિવાય હવે દરેક ઉનાળામાં સૅન્ડ શોપાંને તાજી હવા અને આરામ મળે તે માટે નોહાં લઈ જતી, ત્યાં નોહાંમાં તે મિત્ર ચિત્રકાર યુજિન દેલાક્રવા(Eugene Delacroix)ને પણ રહેવા માટે આમંત્રણ આપતી. પરંતુ હવે શોપાં માટે આ પરિસ્થિતિ ભારરૂપ બની ગઈ હતી, કારણ કે સૅન્ડનું પ્રારંભિક પ્રેમિકાનું વલણ હવે માતૃત્વના વલણમાં ફેરવાઈ ગયું હતું ! 1844માં શોપાંના પિતા મૃત્યુ પામ્યા; શોપાંની બહેન આવીને શોપાંને મળી ગઈ; પરંતુ નોહાંના શાંત વાતાવરણમાં શોપાં એકચિત્તે ઘણી સુંદર કૃતિઓ લખી શક્યો : ઘણીબધી નાનકડી કૃતિઓ ઉપરાંત ‘ફેન્ટસી ઇન F માઇનૉર’ (1840-41), ‘બાર્કારોલ’ (Barcarolle) (1845-46), ‘પોલોનેઇઝ-ફૅન્ટસી’ (1845-46), ‘બૅલેડ ઇન A ફ્લૅટ મેજર’ (1840-41), ‘બૅલેડ ઇન F માઇનર’ (1842) તથા ‘સોનાટા ઇન B માઇનર’ (1844). આ તબક્કાનાં તેનાં સંગીતમાંથી શૃંગારરસ ઓછો થયો નથી, તે છતાં તેણે અરૂઢ (bold) ગણાય તેવી હાર્મની તેમાં ઉપજાવી છે. શોપાંએ નોહાંમાં સંગીત ઉપર સૈદ્ધાંતિક વિચારણા પણ કરી. એના નિષ્કર્ષરૂપ મૌલિક લેખોને તે પૅરિસમાં રહેતા સંગીતશાસ્ત્રીઓ(musicologists)ને મોકલી આપતો. પણ ધીમે ધીમે સૅન્ડ સાથેના તેના સંબંધો તણાવગ્રસ્ત અને તંગ બન્યા. શોપાં જાણે સ્કૂલે જતો નાદાન છોકરો હોય અને સૅન્ડ જાણે તેની ચિંતા કરતી માતા હોય તેમ સૅન્ડ એનું રખોપું કરતી અને કચકચ કરતી. પરિણામે ત્રાસી ચૂકેલો શોપાં 1847ના ઉનાળામાં નોહાં ગયો જ નહિ અને તેથી શોપાં અને સૅન્ડ વચ્ચે પડેલી ખાઈ ઊંડી અને પહોળી બની. બંને જણ સમાધાન ચાહતાં હતાં, પરંતુ બંનેની ગર્વિષ્ઠ પ્રકૃતિએ તેમની વચ્ચે ફરીથી મનમેળ થતો અટકાવ્યો.
1848ના ફેબ્રુઆરીની સોળમીએ પૅરિસમાં શોપાંના ‘પિયાનો ઍન્ડ ચેલો (cello) સોનાટા’નો પ્રિમિયર જલસો થયો. એમાં ચેલો ફ્રાન્કોમે વગાડેલો અને પિયાનો શોપાંએ. એ પછી તરત જ પૅરિસમાં ફ્રેંચ ક્રાંતિ ફાટી નીકળી. પૅરિસની આ પ્રતિકૂળ પરિસ્થિતિથી અને સૅન્ડ સાથે સંબંધ તૂટવાથી વિષાદગ્રસ્ત બનેલા પોતાના માનસથી છુટકારો પામવા 44 વરસની સ્કૉટિશ શિષ્યા જેઇન સ્ટર્લિન્ગના આમંત્રણને માન આપીને શોપાં 1848ના માર્ચમાં લંડન પહોંચ્યો. લંડન ફિલ્હાર્મોનિક સોસાયટીએ તેને પિયાનોવાદન માટે આમંત્રણ આપ્યું, જેનો તેણે અસ્વીકાર કર્યો. એ અહીં માત્ર આરામ કરવા આવેલો. લંડનમાં તેણે થૉમસ કાર્લાઇલ, ચાર્લ્સ ડીકન્સ અને જેની લિન્ડ સાથે મુલાકાત કરી. પછી સ્ટર્લિન્ગ તેને સ્કૉટલૅન્ડ લઈ ગઈ અને ત્યાં એડિનબર્ગ (Edinburg), ગ્લાસ્ગો અને સ્ટર્લિન્ગ ખાતેની પોતાની હવેલીઓમાં શોપાંની મહેમાનગતિ કરી; પરંતુ શોપાં પ્રત્યેના સ્ટર્લિન્ગના ઉત્કટ સમર્પણ અને સેવાચાકરીથી શોપાંની હાલતમાં કોઈ સુધારો થયો નહિ. એની તબિયત માંદલી જ રહેતી અને એનું માનસ ઘરઝુરાપાની તીવ્ર વ્યથાથી બેચેન રહેતું. લંડન પાછા આવી તેણે પોલિશ નિર્વાસિતોના લાભાર્થે દાન એકઠું કરવા માટેના કાર્યક્રમમાં ભાગ લઈ પિયાનોવાદન કર્યું. 24 નવેમ્બરે તે પૅરિસ પહોંચ્યો. તેની તબિયત વધુ બગડી. દાક્તરોની સલાહ અનુસાર તાજી હવા લેવા માટે તે પૅરિસના શાઈલો (Chaillot) નામના પરામાં રહેવા ગયો. આ માટે તેના મિત્રોએ અને તેની માતાએ નાણાભંડોળ એકઠું કરેલું. (તેની ઘરડી માતાએ 2,000 ફ્રાંક વૉર્સોથી મોકલેલા.) 1849માં તે પૅરિસમાં ફરી રહેવા ગયો. એક પોલિશ પાદરી પાસેથી તેણે શાંતિદાયક ઉપદેશ સાંભળ્યો. પછી તેણે તેની અંતિમ ઇચ્છા સંભળાવી : તેની અપૂર્ણ કૃતિઓની હસ્તપ્રતો બાળી નાંખવી અને તેના શબના દફનવિધિ દરમિયાન મોત્સાર્ટનો માસ રિક્વિયમ ગવડાવવો.
તેના શબને પિયેરે-લેશાઇઝ (Pre-Lachaise) કબ્રસ્તાનમાં દફનાવાયું. એની ઇચ્છા અનુસાર એ દરમિયાન મોત્સાર્ટનો માસ રિક્વિયમ ગવાયો. તેની કબર ઉપર તૂટેલું વાજિંત્ર (Lyre) લઈને બેઠેલ કોઈ હીબકા ભરતા સંગીતકારને કંડાર્યો હોય તેવું શિલ્પ ગોઠવવામાં આવ્યું. એક વરસ પછી તેની કબર ઉપર પૉલિશ ધરતીની માટીનો છંટકાવ કરવામાં આવ્યો.
સમકાલીનોએ એક મૌલિક પ્રતિભાશાળી સ્વરનિયોજક તેમજ એક ઉત્તમ પિયાનોવાદક તરીકે શોપાંનો સ્વીકાર કરેલો. પિયાનો વગાડવાની અતિચપળ પદ્ધતિ ધરાવવા બદલ સમકાલીન વિવેચકોએ તેની ઘણી પ્રશંસા કરી છે. આજે પણ સંગીતની દુનિયામાં એક ચિરકાલીન મૌલિક સ્વરનિયોજક તરીકે તેનું સ્થાન છે. તેનું સંગીત ઋજુતા, કોમળતા માટે જાણીતું છે છતાં તેમાં ક્યાંય પણ વેવલાઈ નથી.
અમિતાભ મડિયા