શોધન, પ્રવીણલતા હરિપ્રસાદ
January, 2006
શોધન, પ્રવીણલતા હરિપ્રસાદ (જ. 21 જૂન 1915, મુંબઈ; અ. 4 માર્ચ 1998, અમદાવાદ) : પ્રખર સામાજિક મહિલા-કાર્યકર્તા. પિતા ચુનીલાલ ગુલાબદાસ મુનીમ અને માતા રતનગૌરી મુનીમ. સંયુક્ત કુટુંબમાં રહેવાના કારણે સંયમ, સહનશીલતા અને ધીરજના ગુણો ઉછેરની સાથે સાથે કેળવાતા ગયા. નાનપણમાં વિવિધ વ્રતો દ્વારા ધર્મસંસ્કારનું સિંચન પણ થતું રહ્યું. ધાર્મિક અને સાંસ્કારિક ઉછેર સાથે નિર્દંભ જીવનનાં બીજ રોપાયાં હોવાથી પાંચ વર્ષની નાની વયે કોહિનૂર ફિલ્મ કંપનીના ‘શકુંતલા’ ચલચિત્રમાં સર્વદમનની ભૂમિકા ભજવીને, અભિનય માટેનો સુવર્ણચંદ્રક મેળવીને તેમણે નાની વયથી જ તેમનામાં રહેલા કલાકારનો પરિચય કરાવ્યો. તે પછી 7 ધોરણ સુધીના શાળાકાળ દરમિયાન સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યાં. સિનિયર કેમ્બ્રિજની તે જમાનામાં અઘરી ગણાતી પરીક્ષા દાદરની ઇંગ્લિશ હાઈસ્કૂલમાંથી આપી; પરંતુ નસીબજોગે પરીક્ષાનાં પેપર લઈને બ્રિટન તરફ જતી સ્ટીમર ડૂબી ગઈ અને પરિણામ આવ્યું જ નહિ; જોકે જીવનની પરીક્ષામાં તો તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહ્યાં.
1933માં ઓગણીસ વર્ષની યુવાનવયે તેમણે મુંબઈ ભગિની સમાજ અને ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળમાં સક્રિય કામગીરી બજાવવા સાથે આ સમાજના બાલમંદિરમાં માનદ સેવા આપી અને તે દ્વારા સામાજિક સેવાના શ્રીગણેશ કર્યા.
1938માં તેઓ હરિપ્રસાદ શોધન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અને અમદાવાદમાં સ્થાયી થવાના સંજોગો ઊભા થયા. લગ્ન, કુટુંબ અને બાળકોની ભરીભરી જવાબદારીઓ વચ્ચે રહી તેમણે સામાજિક કાર્યોમાંનો રસ સુકાવા ન દીધો. મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી આરંભાયેલી માતૃસમાજ નામક મહિલાઓ માટેની સંસ્થામાં કામગીરી આરંભી સેવાપ્રવૃત્તિને મુખ્ય કેન્દ્ર બનાવી. સક્રિય કાર્યકર હોવા ઉપરાંત આ સંસ્થાનું પ્રમુખપદ તેમણે શોભાવ્યું. 1979માં ‘અર્પણ’ સંસ્થા શરૂ કરી, જેમાં મુખ્યત્વે મધ્યમ વર્ગનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને સહાય અપાતી તેમજ વિવિધ પ્રવૃત્તિઓને ઉત્તેજન પૂરું પાડતી સંસ્કાર-શિબિરો યોજાતી.
અમદાવાદમાં નિરાધાર બહેનો માટે સ્થપાયેલી સંસ્થા વિકાસગૃહને નાની સંસ્થામાંથી બહેનોને છત્રછાયા પૂરી પાડતા વડલામાં રૂપાંતરિત કરી. જીવનના 78મા વર્ષે પણ તેઓ નારીસંરક્ષણ અને વયોવૃદ્ધ મહિલાઓની વયસ્કતાનું જતન કરવા વિકાસગૃહ અને માતૃગૃહની ખાસ મુલાકાત લેતાં. આ સૌનાં તેઓ પ્રારંભે ‘દીદી’ અને પુખ્તવયે ‘અમ્મા’ બન્યાં હતાં. વિકાસગૃહના કામકાજ દરમિયાન તેમણે નોંધ્યું કે અજ્ઞાન, અસહાય અને નિરાધાર બહેનો કુટુંબજીવનના અભાવમાં ઊછરે છે, તેથી તેઓ તેમના સંસારનો આરંભ કરે ત્યારે રસોઈની બિનઆવડતથી મૂંઝાતી હોય છે. તેમની અનુભવી આંખોના આ નિષ્કર્ષને પરિણામે આવી બહેનો મૂંઝાય નહિ અને માર્ગદર્શન પામે તેવા શુભાશયથી ‘રોજની રસોઈ’(1979)નું પુસ્તક તેમણે લખ્યું. લગ્ન દ્વારા સંસારનો આરંભ કરતી પ્રત્યેક બાળાને લગ્નવેળા આ પુસ્તક ભેટ અપાતું. નિરાધાર બહેનોના જીવન પ્રત્યેની આ માતૃતુલ્ય સંવેદના તેમના ઊંચા લાગણીતંત્રનો પરિચય આપવા પૂરતી થઈ પડે તેમ છે. તેમાં સ્વાદિષ્ટ વાનગી બનાવવા ઉપરાંત કોઠાર અને મરી-મસાલાની સાચવણી જેવી બાબતો આવરી લેવાઈ છે, જેથી બહેનો રસોઈની વ્યવસ્થામાં મૂંઝાય નહિ. 40થી વધુ વર્ષો સુધી વિકાસગૃહ અને અન્ય સંસ્થાઓની નિષ્કામભાવે સેવા આપી તે દ્વારા તેમણે તેમની સંચાલનશક્તિ અને કાર્યશક્તિનો પરિચય કરાવ્યો હતો. 1970થી ’90 સુધીમાં પશ્ચિમના વિવિધ દેશોનો પ્રવાસ કરી તેમની અનુભવી આંખે પશ્ચિમના જગતને પોતાની રીતે નિહાળ્યું.
રક્ષા મ. વ્યાસ