શોથ (inflammation)
January, 2006
શોથ (inflammation) : સૂક્ષ્મજીવો કે ઝેરી દ્રવ્યો કે ભૌતિક પરિબળોથી પેશીને થયેલી ઈજામાં ઈજાના મૂળ કારણને તથા તેનાથી થયેલા કોષનાશનાં શેષ દ્રવ્યોને દૂર કરીને રૂઝ આવે તેવી સ્થિતિ પેદા કરતી પ્રક્રિયા. આ પ્રક્રિયા વગર જીવન ટકાવી રાખવું શક્ય નથી. તેનાં મુખ્ય 4 લક્ષણો છે જે ભાગમાં સોજો આવે છે, તે ભાગમાં રુધિરાભિસરણ વધવાથી તે લાલ થાય છે તથા તેનું તાપમાન વધે છે અને તેમાં દુખાવો થાય છે. આ ઉપરાંત જે તે ભાગની સક્રિયતા ઘટી જાય છે. આ પાંચેય ચિહ્નોને ટૂંકમાં દર્શાવવામાં આવે તો તે છે સોજો (tumor), રતાશ (rubor), પીડા (doler), ઉષ્ણતા (calor) તથા અસક્રિયશીલતા (functiolaesa). આ પાંચેય ચિહ્નો ઉગ્રશોથ સૂચવે છે.
શોથની પ્રક્રિયામાં સંયોજીપેશી (connective tissue), રુધિરપ્રરસ (blood plasma), રુધિરકોષો, લોહીની નસો વગેરે ભાગ લે છે. ઉગ્ર શોથની પ્રક્રિયા ટૂંકા સમયની હોય છે; થોડીક મિનિટો, કલાકો કે દિવસોની. તેમાં લોહીની નસોમાંથી લોહીનો પ્રવાહી ભાગ – રુધિરપ્રરસ નસની દીવાલમાંથી બહાર વહે છે. તેને બહિર્વહન (exudation) કહે છે. તે પ્રવાહી સાથે પ્રોટીન તથા લોહીના શ્વેતકોષો હોય છે. શ્વેતકોષોમાં મુખ્યત્વે તટસ્થ કોષો (neutrophils) હોય છે. ક્યારેક લાંબા સમયની શોથપ્રક્રિયા પણ થાય છે તેને દીર્ઘકાલી શોથ (chronic inflammation) કહે છે. તેમાં મુખ્યત્વે લસિકાકોષો (lymphocytes) અને મહાભક્ષી કોષો (macrophages) હોય છે. આ કિસ્સામાં લોહીની નસો તથા સંયોજીપેશીમાં વધારો થાય છે. તે સમયે ત્યાં ચિરશોથગડ (granuloma) બને છે.
શોથપ્રક્રિયા બાહ્ય ઈજા, ચેપ કે ઝેરી દ્રવ્યની સામે રક્ષણ માટેની શરીરની પ્રતિક્રિયાનો પ્રથમ અને મહત્વનો તબક્કો છે. તેના વડે જે સ્થળે ઈજા, ચેપ કે ઝેરી અસર થઈ હોય ત્યાંનું લોહીનું પરિભ્રમણ વધે છે. તે પેશીમાં વિવિધ પ્રકારના લોહી અને પેશીના રક્ષણાત્મક કોષો (તટસ્થ કોષો, લસિકાકોષો, મહાભક્ષી કોષો) તથા પ્રોટીનના અણુઓ ભેગા થાય છે, જે આક્રમક જીવાણુઓને, ઝેરને તથા નાશ પામેલા કોષોના કચરાને દૂર કરવાનું કાર્ય કરે છે. જે તે સ્થળ પરની નાશ પામતી પેશીઓ તથા સ્થળ પર એકઠા થતા કોષો વિવિધ રસાયણોને મુક્ત કરે છે; જે નસોનું પહોળા થવું, પેશીમાં રુધિરપ્રરસનું બહિર્વહન થવું, વિવિધ પ્રકારના કોષોનું તે સ્થળે આકર્ષાવું વગેરે પ્રક્રિયાઓ કરાવે છે. આ રસાયણોને કોષગતિકો (cytokines) કહે છે. શોથની પ્રક્રિયા વડે એક સમયે ચેપ, ઝેર અને કોષોના નાશથી થયેલો કચરો દૂર થાય એટલે સમારકામ(repair)ની પ્રક્રિયા શરૂ થાય છે. તેમાં તે સ્થળે કાં તો મૂળ પેશીના કોષોનું પુનર્જનન થાય છે અને નાશથી ઉદ્ભવેલો ખાડો પુરાય છે અથવા તેમાં તંતુકોષો વિકસે છે અને તાંતણામય રૂઝપેશી (scar) રચાય છે.
શોથની પ્રક્રિયા આમ તો જીવનરક્ષક છે, પરંતુ ક્યારેક તે વધુ પ્રમાણમાં થાય તો નુકસાન પણ કરે છે. આવી સ્થિતિને અતિપ્રતિગ્રાહ્યતા (hypersensitivity) કહે છે; દા.ત., માખીના એક ડંખની નાની ઈજા સામે જો અતિપ્રતિગ્રાહ્યતાનો પ્રતિભાવ થાય તો તે મૃત્યુ પણ નિપજાવે છે. તેવી રીતે ક્યારેક સમારકામમાં થતી તંતુમય રૂઝપેશી કોઈ મહત્વના અવયવના કાર્યમાં વિક્ષેપ નાંખીને લાંબા સમયની માંદગી લાવે છે; દા.ત., હૃદયની આસપાસના આવરણ-પરિહૃદ્કલા(pericardium)માં ઉદ્ભવતી તંતુમય રૂઝપેશી હૃદયના ખંડોના પહોળા થવાની અને સંકોચાવાની ક્રિયામાં વિક્ષેપ કરે છે.
શિલીન નં. શુક્લ