શોકાડો, શોજો (Shokado, Shojo) (. 1584, યામાટો, જાપાન; . 3 નવેમ્બર 1639, જાપાન) : જાપાની ચિત્રકાર. મૂળ નામ : નાકાનુમા. બૌદ્ધ ધર્મના શિન્ગૉન સંપ્રદાયના તેઓ પુરોહિત હતા; પરંતુ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને તેઓ ઓટોકો પર્વતના ઢાળ ઉપર આવેલ ટાકિનોમોટોબો નામના નાનકડા બૌદ્ધ મંદિરમાં રહેવા ચાલ્યા ગયા. અહીં તેમણે ચિત્રકલા, કવિતા અને ચા-વિધિ(ટી-સેરિમૉની)ના અભ્યાસમાં વર્ષો વિતાવ્યાં. 1637માં એ બીજા એક બૌદ્ધ મંદિરમાં રહેવા ચાલ્યા ગયા. આ મંદિર પછીથી ‘પાઇન ફ્લાવર ટેમ્પલ’ નામે જાણીતું બન્યું. અહીં તેમની કલા પરિપક્વ બની. અહીં તેમણે શિષ્યવૃંદને પણ કલા શિખવાડી; અને પરિણામે ‘શોકાડો’-ચિત્રશૈલીનો જન્મ થયો. આ ચિત્રશૈલી ઉપર તેરમી સદીના ચીની સાધુ-ચિત્રકારો મૂચી ફાચાન્ગ અને યીન્તો લોની અસર છે, તેથી તે એકરંગી (monochromatic) છે.

અમિતાભ મડિયા