શોકલી, વિલિયમ (. 13 ફેબ્રુઆરી 1910, લંડન; . 12 ઑગસ્ટ, 1989, સાન ફ્રાન્સિસ્કો) : અર્ધવાહકો (semi-conductors) ઉપરના સંશોધન અને ટ્રાન્ઝિસ્ટર-અસરની શોધ બદલ જ્હૉન બાર્ડિન અને વૉલ્ટર બ્રેટાનીની ભાગીદારીમાં 1956ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિદ.

1913માં તેમનો પરિવાર યુ.એસ. આવ્યો. પ્રારંભિક શિક્ષણ કૅલિફૉર્નિયામાં લીધું. 1932માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી બી.એસસી. થયા. 1936માં મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી પ્રો. જે. સી. સ્લેટરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ પદવી માટે તેમનો વિષય હતો ‘સોડિયમ ક્લોરાઇડનું ઊર્જાપટ-બંધારણ’. તે જ વર્ષે તેઓ બેલ ટેલિફોન લૅબોરેટરીમાં જોડાયા અને 1955 સુધી ડૉ. સી. જે. ડેવીસનના જૂથ સાથે કામ કર્યું. ત્યાં તેઓ ટ્રાન્ઝિસ્ટર ફિઝિક્સ વિભાગના નિયામક હતા. તે છોડીને તેઓ માઉન્ટ વ્યૂ (કૅલિફૉર્નિયા) ખાતે શોકલી સેમિ-કન્ડક્ટર લૅબોરેટરી ઑવ્ બેકમૅનના નિયામક બન્યા. અહીં નવા અર્ધવાહકો અને અર્ધવાહક પ્રયુક્તિનાં સંશોધન, વિકાસ અને ઉત્પાદનનું કાર્ય ચાલુ કર્યું.

વિલિયમ શોકલી

1963માં સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી ખાતે પ્રથમ ઍલેક્ઝાન્ડર એમ. પૉનિટૉફ પ્રોફેસર ઑવ્ એન્જિનિયરિંગ સાયન્સ માટે નિયુક્ત થયા. અહીં રહીને તેમણે ઇજનેરી અને પ્રયુક્તિવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓએ ઍન્ટિસબમરીન વૉરફેર ઑપરેશન્સ ગ્રૂપના સંશોધન-નિયામક તરીકે કાર્ય કર્યું. તે પછી તેમણે યુદ્ધમંત્રીના કાર્યાલયમાં નિષ્ણાત સલાહકાર તરીકે સેવાઓ આપી. 1946માં પ્રિન્સ્ટન યુનિવર્સિટી અને 1954માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલોજી ખાતે મુલાકાતી વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. 1954-55માં તેઓ સંરક્ષણવિભાગમાં વેપન સિસ્ટિમ ઇવૅલ્યુએશન ગ્રૂપના સંશોધન-નિયામક તરીકે રહ્યા.

તેમણે ઘનપદાર્થોમાં ઊર્જાપટ તથા મિશ્રધાતુઓમાં વ્યવસ્થા અને અવ્યવસ્થા પર નિર્વાત-નલિકાના સિદ્ધાંત તેમજ તાંબામાં સ્વવિસરણ (self-diffusion) વિસ્થાપન(dislocation)ના સિદ્ધાંત પર, લોહચુંબકીય (ferromagnetic) પ્રદેશોના સિદ્ધાંત અને પ્રયોગ પર, સિલ્વર ક્લોરાઇડમાં ફોટોઇલેક્ટ્રૉન ઉપરના પ્રયોગો તથા ટ્રાન્ઝિસ્ટર ભૌતકવિજ્ઞાનના વિવિધ ભાગો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. વળી તેમણે વેતનના આંકડાશાસ્ત્ર ઉપર, ક્રિયા (operation), સંશોધન અને સંશોધન-પ્રયોગશાળાઓમાં વ્યક્તિદીઠ ઉત્પાદકતાનો વિગતવાર અભ્યાસ કર્યો.

તેમના સંશોધનકાર્ય બદલ ચારેય બાજુથી તેમને સન્માન મળ્યાં છે. યુદ્ધ વિભાગમાં કરેલી પ્રશંસનીય કામગીરી માટે 1946માં ગુણવત્તાનો ચંદ્રક મળ્યો. 1952માં રેડિયો-એન્જિનિયરો માટેનું મૉરિસ લીબમાન મેમૉરિયલ પ્રાઇઝ મળ્યું. ત્યારબાદ અમેરિકન ફિઝિકલ સોસાયટીનું ઑલિવર ઈ. બકલે સૉલિડ સ્ટેટ ફિઝિક્સ પ્રાઇઝ અને નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝનો સાઇરસ કૉમ્સ્ટોક ઍવૉર્ડ મળ્યો. 1963માં અમેરિકન સોસાયટી ઑવ્ મિકેનિકલ એન્જિનિયર્સના હોલી-મેડલ માટે તેમની પસંદગી થઈ.

1951થી તેઓ યુ.એસ.ની સાયન્ટિફિક ઍડ્વાઇઝરી કમિટીની પૅનલના સભ્ય રહ્યા છે. 1958થી ઍરફૉર્સ સાયન્ટિફિક ઍડ્વાઇઝરી બોર્ડના સભ્ય તરીકે રહ્યા. 1962માં તેઓ રાષ્ટ્રપતિની સાયન્ટિફિક ઍડ્વાઇઝરી કમિટી ઉપર નિમાયા. તેમને કેટલીક યુનિવર્સિટીઓની માનાર્હ ડૉક્ટરેટ મળેલી છે.

વિજ્ઞાન અને ટૅક્નિકલ સામયિકોમાં તેમણે સંખ્યાબંધ સંશોધન-લેખો લખ્યા છે. અર્ધવાહકમાં ઇલેક્ટ્રૉન અને હોબ્સ ઉપર, 1950માં પુસ્તક લખ્યું. અવનવી શોધો માટે તેમણે 50 જેટલી યુ.એસ. પેટન્ટો મેળવી છે.

અર્ધવાહકો ઉપરના તેમના સંશોધનથી સૈદ્ધાંતિક અને પ્રયુક્ત ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે મોટો વળાંક આવ્યો છે. ટેક્નૉલૉજીના ક્ષેત્રે તેમનું કાર્ય સીમાચિહ્નરૂપ બની ગયું છે.

પ્રહલાદ છ. પટેલ