શોઅન્બર્ગ, આર્નોલ્ડ (ફ્રાન્ઝ વૉલ્ટર)
January, 2006
શોઅન્બર્ગ, આર્નોલ્ડ (ફ્રાન્ઝ વૉલ્ટર) (જ. 13 સપ્ટેમ્બર 1874, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 13 જુલાઈ 1951, લૉસ એન્જલસ, યુ.એસ.) : સપ્તકના બારેય સ્વરોમાં કોમળ કે તીવ્ર જેવા ભેદ પાડ્યા વિના તેમને સમાન ગણતી નવી સંગીતશૈલી ‘ઍટોનાલિટી’(ટ્વેલ્વ નૉટ મ્યુઝિક)ના સ્થાપક, સંગીતકાર અને સ્વરનિયોજક. વીસમી સદીના ક્રાંતિકારી સંગીતકાર તરીકે શોઅન્બર્ગે નામના મેળવી છે.
વિયેનાના એક યહૂદી લત્તામાં પગરખાંની નાનકડી દુકાનના માલિક સૅમ્યુઅલ અને તેની પત્ની પોલિનના પુત્ર શોઅન્બર્ગને બાળપણથી જ સાંગીતિક વાતાવરણ મળ્યું હતું. તેમનો ભાઈ હીન્રિખ (Heinrich) અને કઝીન હાન્સ નાખોડ (Nachod) સારા ગાયકો હતા. આઠ વરસની ઉંમરે શોઅન્બર્ગે બે વાયોલિનની જુગલબંદીઓ લખવી શરૂ કરેલી. પોતાના કોઈ મિત્ર કે ભાઈ સાથે તેઓ આ કૃતિઓ વગાડતા. પછીથી તેમણે બે વાયોલિન અને એક વાયોલાની ત્રિપલબંદીની ‘ટ્રાયો’ રચનાઓ પણ લખી.
1890માં પિતાનું મૃત્યુ થયું. 1895માં શોઅન્બર્ગે એક બૅંકમાં ક્લાર્કની નોકરી સ્વીકારી. એમણે સંગીતકાર અને કન્ડક્ટર ઍલેક્ઝાન્ડર ફૉન ઝેમ્લિન્સ્કીના ઑર્કેસ્ટ્રામાં ચૅલો (cello) વગાડવો શરૂ કર્યો. ઝેમ્લિન્સ્કી શોઅન્બર્ગના મિત્ર અને ગુરુ બન્યા. એમની પાસેથી શોઅન્બર્ગે ખાસી તાલીમ લીધી.
1897માં શોઅન્બર્ગની પહેલી પુખ્ત કૃતિ ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ ઇન ડી મેજર’ જાહેરમાં વગાડવામાં આવી. એ પછી 1899માં એમણે છ વાદ્યો માટેની સેક્સ્ટેટ કૃતિ ‘ટ્રાન્સફિગર્ડ નાઇટ’ લખી. આ કૃતિ અત્યંત રંગદર્શી લઢણો માટે જાણીતી છે અને તેણે બહોળી લોકપ્રિયતા મેળવી.
1901માં શોઅન્બર્ગે પોતાના ગુરુ ઝેમ્લિન્સ્કીની બહેન સાથે લગ્ન કર્યું અને તેઓ બર્લિન જઈ સ્થિર થયા. ત્યાં ‘ઉપેર્પ્રેટલ કૅબરે’ ( Cabaret) નામના કલાત્મક કૅબરેમાં તેઓ જોડાયા. આ સંગીતમંડળ માટે તેમણે ઘણાં ગીતો લખ્યાં; જેમાંથી ‘સ્લીપવૉકર’ ગીત શ્રેષ્ઠ ગણાયું છે. આ ગીત સોપ્રાનો (તારસપ્તકોના) સ્ત્રીકંઠ, પિકોલો (તારસપ્તકોની) વાંસળી, ટ્રમ્પેટ, પિયાનો અને ઢોલ માટે છે. જર્મન સંગીતનિયોજક રિચાર્ડ સ્ટ્રૉસના પ્રયત્નોથી સ્ટેર્ન (stern) કૉન્ઝર્વેટરીમાં શોઅન્બર્ગને સંગીતનિયોજનના શિક્ષક તરીકેની નોકરી મળી.
બેલ્જિયન લેખક મૉરિસ મેટરલિન્કના નાટક પર આધારિત મોટા કદના ઑર્કેસ્ટ્રા માટે તેમણે સિમ્ફનિક પોએમ ‘પેલીસ ઉન્ડ મેલિસાન્ડે’ લખી. 1903માં શોઅન્બર્ગ વિયેના પાછા ફર્યા અને ત્યાં તેમણે જર્મન સંગીતનિયોજક ગુસ્તાફ માહ્લર સાથે દોસ્તી કરી. વિયેનામાં આ સમયે તેમણે બે મધુર કૃતિઓ લખી : ચાર વાદ્યો માટે ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ ઇન ડી માઇનૉર’ અને પંદર વાદ્યો માટે ‘ચૅમ્બર સિમ્ફની ઇન ઈ મેજર’. વિયેનામાં સંગીતશિક્ષક તરીકે પણ તેમની કારકિર્દી પાંગરી. તેમને એલ્બાન બર્ગ નામનો પ્રતિભાશાળી શિષ્ય મળ્યો; જે આગળ જતાં મહાન સંગીતકાર બન્યો. આ વર્ષોમાં સંગીત-શિક્ષક તરીકેની કારકિર્દીના ફળ રૂપે તેમણે સંગીત ઉપર ભાષ્યો લખ્યાં : (1) થિયરી ઑવ્ હાર્મની (1911); (2) મોડેલ્સ ફૉર બિગિનર્સ ઇન કૉમ્પોઝિશન (1942); (3) સ્ટ્રક્ચરલ ફન્ક્શન્સ ઑવ્ હાર્મની (1954);
(4) પ્રિલિમિનરી એક્સર્સાઇઝિઝ ઇન કાઉન્ટર પૉઇન્ટ (1963) અને (5) ફન્ડામેન્ટલ્સ ઑવ્ મ્યુઝિકલ કૉમ્પોઝિશન (1967).
1907-08માં શોઅન્બર્ગે લખેલા એક સ્ટ્રિન્ગ ક્વાર્ટેટમાં એક માનવકંઠને સામેલ કરેલ જોવા મળે છે. આ કૃતિ શોઅન્બર્ગના સર્જનમાં સીમાસ્તંભ ગણાય છે; કારણ કે તેમાં પહેલી વાર શોઅન્બર્ગ સપ્તકના બાર સ્વરોના સામાન્ય-કોમળ-તીવ્ર એવા ભેદભાવ દૂર કરી તેમને સમાન ગણવામાં આવ્યા છે. આ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટમાં માનવકંઠ જર્મન કવિ સ્ટેફાન જ્યૉર્જની એક કવિતા ગાય છે, જેની પ્રથમ પંક્તિ શોઅન્બર્ગના આ ક્રાંતિકારી પગલા સાથે પ્રતીકાત્મક રીતે મેળ ખાય છે. આ પ્રથમ પંક્તિ છે : ‘અન્ય ગ્રહની હવા હું મહેસૂસ કરું છું.’ (‘Ich Luft von anderen planeten.’) શોઅન્બર્ગના સર્જનના પુખ્ત કાળનો આ પ્રથમ તબક્કો હતો, જેમાં કેટલીક વિખ્યાત કૃતિઓ રચાઈ :
(1) ફાઇવ ઑર્કેસ્ટ્રલ પીસિસ, ઓપસ 16 (1909); (2) સોપ્રાનો કંઠ અને ઑર્કેસ્ટ્રા માટેનું એકપાત્રી નાટક (monodrama) ‘એક્સ્પેક્ટેશન’, ઓપસ 17 (1914); (3) ‘પિયેરો લૂનેરી’ (Pierrot Lunaire), ચૅમ્બર ઑર્કેસ્ટ્રા અને સોપ્રાનો કંઠ માટે, ઓપસ 21 (1912); (4) સંગીત સાથેનું નાટક ‘ધ હૅન્ડ ઑવ્ ફેઇટ’, ઓપસ 18 (1924); (5) અપૂર્ણ ઑરેટોરિયો ‘ડી જેકૉબ્સ્લીટર’ (1917); (6) અસામાન્ય રીતે મોટી સંખ્યામાં માનવકંઠ અને વાદ્યો ધરાવતો મહાકાય કૅન્ટાટા ‘ગુરેલીડર’.
કૅન્ટાટા ‘ગુરેલીડર’ના પ્રીમિયર શો દરમિયાન 1913ની ત્રેવીસમી ફેબ્રુઆરીએ શ્રોતાઓએ હોબાળો મચાવતાં શોઅન્બર્ગ નારાજ થઈ ગયા. વિયેનામાં તેમની આવક (આજીવિકા) પણ ખૂબ ઓછી હોવાથી 1911માં એ બર્લિન ચાલ્યા ગયા અને 1915 સુધી એ ત્યાં જ રહ્યા. પ્રથમ વિશ્વયુદ્ધમાં એમણે 1916-17નાં બે વરસ જર્મન લશ્કરમાં ફરજિયાત ભરતી પામીને સેવા આપી. 1917માં તેમની તબિયત કથળતાં તેમને લશ્કરમાંથી છૂટા કરવામાં આવ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે પછી શોઅન્બર્ગના સંગીતની ખ્યાતિ સતત વધતી ગઈ, છતાં તેમની ‘ઍટોનાલિટી’ની ટૅક્નિકનો ચોમેર વિરોધ થવો પણ શરૂ થયો. 1923માં તેમની પત્ની માટિલ્ડાનું લાંબી માંદગી બાદ અવસાન થયું અને 1925માં તેમણે પ્રખ્યાત વાયોલિનિસ્ટ રુડૉલ્ફ કૉલીશની બહેન ગર્ટ્રુડ કૉલીશ સાથે લગ્ન કર્યું. હવે એક સંગીત-શિક્ષક તરીકે તેમની કારકિર્દી ઝળહળી ઊઠી. 1925માં બર્લિન ખાતેની પ્રશિયન એકૅડેમી ઑવ્ આર્ટ્સે પોસ્ટ ગ્રૅડ્યુએટ કક્ષાએ રચનાઓ રચવા માટેના વર્ગોની જવાબદારી તેમને સોંપી.
1933માં જર્મનીમાં ‘નૅશનલ સોશિયાલિઝમ’ શીર્ષક હેઠળ નાત્ઝી ચળવળે જોર પકડતાં શોઅન્બર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયા; કારણ કે નાત્ઝીઓ બધા જ યહૂદીઓને પરેશાન કરતા હતા. એમણે પ્રશિયન એકૅડેમી ઑવ્ આટર્સમાંથી શોઅન્બર્ગને બરતરફ કર્યા. એ પૅરિસ થઈને અમેરિકા ભાગી છૂટ્યા. પોતાની યુવાનીમાં જર્મનીમાં એમણે યહૂદી ધર્મનો ત્યાગ કર્યો હતો, પણ હવે અમેરિકામાં તેમણે ફરીથી વિધિવત્ યહૂદી ધર્મ અંગીકાર કર્યો. અમેરિકા પહોંચ્યા અને તરત જ બૉસ્ટન ખાતેની મેલ્કિન કૉન્ઝર્વેટરીમાં સંગીત-શિક્ષક તરીકેની નોકરી તેમને મળી ગઈ. બીજે જ વર્ષે 1934માં એ કૅલિફૉર્નિયા ચાલ્યા ગયા અને ત્યાં જ તેમણે આમરણ જીવન ગુજાર્યું. 1941માં એમને અમેરિકન નાગરિકતા પણ મળી. યુનિવર્સિટી ઑવ્ સધર્ન કૅલિફૉર્નિયામાં 1935થી 1936 સુધી અને લૉસ એન્જલસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં 1936થી 1944 સુધી તેમણે સંગીતના શિક્ષક તરીકે કામ કર્યું.
શોઅન્બર્ગનાં શ્રેષ્ઠ સર્જનોમાં નીચેની કૃતિઓ સમાવેશ પામે છે : (1) ઑપેરા : ‘મોઝેઝ ઍન્ડ ઍરોન’, (2) સ્વીટ (suite) ફૉર સ્ટ્રિન્ગ ઑર્કેસ્ટ્રા, (3) વેરિયેશન્સ ઑન એ રિસાઇટેટિવ ફૉર ઑર્ગન, (4) કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા, (5) કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા, (6) સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ નં. 4, (7) ફૅન્ટાસિયા ફૉર વાયોલિન ઍન્ડ પિયાનો.
વીસમી સદીના સંગીતના એક ટોચના કન્ડક્ટર હર્માન શર્ચરે 1951ના જુલાઈની 2જીએ શોઅન્બર્ગના ઑપેરા ‘મોઝિઝ ઍન્ડ ઍરોન’ના પ્રીમિયર શૉનું જર્મનીના ડાર્મ્સ્ટાટ ખાતે સંચાલન કર્યું. તરત જ વિશ્વમાં શોઅન્બર્ગનું નામ વીસમી સદીના સંગીતના શ્રેષ્ઠ સર્જકોમાં મુકાઈ ગયું. શોઅન્બર્ગને અગાધ કીર્તિની પ્રાપ્તિ થઈ. એ પછી, અગિયાર દિવસ બાદ તેઓ અવસાન પામ્યા.
ઇલેક્ટ્રૉનિક સંગીતના ક્રાંતિકારી જન્મના સાક્ષી બનવા સુધી શોઅન્બર્ગ જીવી શક્યા નહિ; પરંતુ સંગીતના ક્ષેત્રે ઇલેક્ટ્રૉનિક ક્રાંતિ શોઅન્બર્ગની ‘ઍટોનાલિટી’ ટૅક્નિક વિના શક્ય નહોતી જ.
અમિતાભ મડિયા