શૉ આલ્ફ્રેડ
January, 2006
શૉ આલ્ફ્રેડ (જ. 29 ઑગસ્ટ 1842, નૉટિંગહેમશાયર, યુ.કે.; અ. 16 જાન્યુઆરી 1907, ગેડિંગ, નૉટિંગહૅમશાયર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ દડો ફેંકનાર બૉલર તેઓ હતા. તેમના યુગના તેઓ ઇંગ્લૅન્ડના સૌથી છટાદાર ગોલંદાજ હતા. એ ઉપરાંત તેઓ ઉપયોગી બૅટધર પણ હતા. મીડિયમ અથવા સ્લો મીડિયમ પેસની ગોલંદાજીમાં તેઓ ફ્લાઇટ અને કૌશલ્યનો ઉપયોગ કરતા અને તેઓ એકધારી ચોકસાઈથી ગોલંદાજી કર્યા કરતા. તેમની જોશીલી અને સરળ ગતિવિધિને કારણે તેઓ લાંબા સમય સુધી ગોલંદાજી કરી શકતા. તેમણે ઑસ્ટ્રેલિયાના 6 પ્રવાસ કર્યા હતા. તેમાંથી 1881-82ની પ્રવાસી ઇંગ્લૅન્ડ ટીમના તેઓ સુકાની બન્યા હતા. ત્યારબાદ તેમણે મૅનેજર તરીકે કામગીરી બજાવી હતી.
તેઓ દૃઢ વ્યક્તિત્વ ધરાવતા હતા; વ્યવસાયી ક્રિકેટ ખેલાડીઓની સ્થિતિ સુધારવા તેમણે ઉગ્ર લડત આપી હતી. 1898થી 1905 સુધી તેઓ પ્રથમ કક્ષાના અમ્પાયર તરીકે રહ્યા.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 7 ટેસ્ટ, 1876-82 (4 ટેસ્ટમાં સુકાની), 10.09ની સરેરાશથી 111 રન; સૌથી વધુ જુમલો 40; 23.75ની સરેરાશથી 12 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 5-38; 4 કૅચ. (2) પ્રથમ કક્ષાની મૅચ 1864-97; 12.83ની સરેરાશથી 6,585 રન; સૌથી વધુ જુમલો 88; 20.12ની સરેરાશથી 2,027 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 10-73; 308 કૅચ.
મહેશ ચોકસી