શૉપનહૉર, આર્થર હેન્રિચ
January, 2006
શૉપનહૉર, આર્થર હેન્રિચ (જ. 22 ફેબ્રુઆરી 1788, ડાન્ઝિંગ, પ્રુશિયા; અ. 21 સપ્ટેમ્બર 1860, ફ્રૅન્કફર્ટ, જર્મની) : જાણીતા પાશ્ચાત્ય તત્વજ્ઞાની. તેમનો જન્મ વેપારી કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ હેન્રિચ અને માતાનું નામ જોહાના હતું. આર્થર જ્યારે પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના કુટુંબે વતન છોડી હમ્બર્ગને વસવાટ બનાવ્યું. પિતા હેન્રિચ આર્થરને મોટો બિઝનેસમૅન બનાવવા ઇચ્છતા હતા, પણ એ સ્વપ્ન પૂરું ન થયું. આર્થરની સત્તર વર્ષની ઉંમરે તેમના પિતાનું અકાળ અવસાન થયું. એક માત્ર મિત્ર એવા પિતાના આકસ્મિક મૃત્યુનો શોક આર્થરને કાયમની ઉદાસીનતા આપી ગયો. આર્થરનાં માતા યુવાન, દેખાવડી અને પતંગિયા જેવી ચંચળ મનોવૃત્તિનાં હતાં. તેઓ સામાજિક કાર્યકર્તા અને નવલકથા-લેખિકા તરીકે ખ્યાતિ પામેલાં હતાં. પણ આર્થર સાથેનો અણબનાવ અને અણગમો બંનેને હંમેશાં અલગ રહેવાની ફરજ પાડતા રહ્યા. આર્થર તે પછીથી ગોટિન્ગન યુનિવર્સિટીમાં જોડાયા, ત્યાં તેમની જ્ઞાનભૂખ ખાઉધરા માણસ જેવી તીવ્રપણે પ્રગટી ઊઠી. તેમણે ઇતિહાસ, ખનિજશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, તત્વજ્ઞાન, ખગોળશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર અને કાયદાનું શાસ્ત્ર વગેરેના પ્રાપ્ય તમામ ગ્રંથોનો અભ્યાસ કર્યો અને એવા નિષ્કર્ષ પર આવ્યા કે ‘ખાલી ભેજાના જીવતા વ્યાખ્યાતાઓના બકવાસ કરતાં પ્રતિભાશાળી લેખકોની મૃત દુનિયા વધુ અર્થપૂર્ણ છે.’
ગોટિન્ગનથી તેઓ બર્લિન યુનિવર્સિટી ગયા. નસીબજોગે તેમના પિતા ઠીક ઠીક મિલકત છોડી ગયેલા, જેથી તેઓ પોતાના શોખ પૂરા કરી શકે તેમ હતા. તેમના બીજા શોખમાં પ્રાયોગિક રસાયણશાસ્ત્ર, વિદ્યુતશાસ્ત્ર, પક્ષીવિદ્યા, મત્સ્યશાસ્ત્ર અને નૉર્વેજિયન કવિતાનો સમાવેશ થતો હતો.
પોતાના જીવનદર્શનની સંકલ્પના શૉપનહૉરે ઘણી નાની ઉંમરમાં જ રચી લીધી હતી. તેમનો મુખ્ય ગ્રંથ ‘ધ વર્લ્ડ ઍઝ વિલ ઍન્ડ ઍઝ આઇડિયા’ ઈ. સ. 1819માં પ્રકાશિત થયો હતો; પણ તેની અપેક્ષા મુજબનો આવકાર તેમને મળ્યો નહિ; આથી તેમનો અહમ્ ઘવાયો. તેઓ એમ માનવા લાગ્યા કે પરંપરાવાદી ચિંતકો તેમની વિરુદ્ધ પ્રપંચ કરી રહ્યા છે. 1820માં બર્લિન યુનિવર્સિટીએ શૉપનહૉરને એક માનાર્હ શિક્ષક તરીકે માન્યતા આપી. અહીં હેગલના સંસર્ગમાં તેઓ આવ્યા. હેગલ તેમની કીર્તિના શિખર ઉપર હતા. તેમના વિચારવાદી તત્વજ્ઞાન વિરુદ્ધ શૉપનહૉર સંકલ્પવાદી તત્વજ્ઞાનનો પ્રચાર કરતા હતા. વ્યાખ્યાનો ગોઠવવામાં તેઓ હેગલની હરીફાઈ કરતા, પણ તેમની નિષ્ફળતાએ તેમની નિરાશામાં વધારો કર્યો. છેવટ કેળવણીના ક્ષેત્રમાં કારકિર્દી જમાવવાનો વિચાર પડતો મૂક્યો. પછીનું જીવન ફ્રૅન્કફર્ટમાં રહીને શાંતિથી પસાર કર્યું.
તેઓ ફ્રૅન્કફર્ટમાં જઈ વસ્યા ત્યારે તેમની ઉંમર પિસ્તાલીસ વર્ષની હતી. પણ પછીનાં જિંદગીનાં બધાં વર્ષો અહીં એકાંતમાં જ તેમણે ગાળ્યાં. તેમની જીવનચરિત્ર-લેખકે નોંધેલી આ સમયની દિનચર્યા જાણવા યોગ્ય છે.
જાણે કોઈ જર્મન યોદ્ધો ગુસ્સો કરી પોતાના તંબુમાં ભરાયો હોય એમ શૉપનહૉર વિદ્વાનોના દુન્યવી શાબ્દિક યુદ્ધોથી ચિડાઈને પોતાના એકાન્તમાં ચાલ્યા ગયા હતા, જ્યાં તેમણે છેલ્લાં સત્તાવીસ વર્ષ એકધારાં રોજિંદા જીવનવ્યવહાર પ્રમાણે ગાળ્યાં. પ્રભાતે ઠંડું સ્નાન, નાસ્તા સાથે કડક કૉફી, ત્રણ કલાકનો અભ્યાસ, બપોર પહેલાંનું નિયમિત લેખન, બપોરના ભોજન પહેલાં અર્ધો કલાક વાંસળીવાદન, સાંજનું વાળુ હોટેલમાં, બપોર પછી કડક કૉફી અને વાચનનું વ્યસન તો ખરું. ચાલવાનું-બોટમાં ફરવાનું-એક કપ વાઇન લેવાનો સૂતા પહેલાં હિન્દુ રહસ્યવાદનું મનગમતું વાચન અને પછી સજ્જન લે તેવી શાંત નિદ્રા.
જે યુવાનીમાં ન મળી તે કીર્તિ શૉપનહૉરને જીવનસંધ્યાએ મળતી અનુભવાઈ. તેનાથી તેમને રાહત પણ થઈ અને પછી તો તેઓ ઈ. સ. 1860માં ચિરનિદ્રામાં પોઢી ગયા.
શૉપનહૉરના તાત્વિક સિદ્ધાંતો : હેગલના હરીફ શૉપનહૉરના તત્વજ્ઞાનમાં બે બાબતો વિશેષ નોંધપાત્ર છે :
(1) જગતનું મૂળતત્વ સંકલ્પબળ (will) છે.
(2) માનવજીવનનું હાર્દ નિરાશાવાદમાં સમાયેલું છે.
(1) સંકલ્પનો સિદ્ધાંત : જર્મન ચિંતક ઇમાન્યુએલ કાન્ટ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે મનુષ્ય જે જગતને જાણે છે તેની રચનામાં જ્ઞાતાવ્યક્તિની જ્ઞાનશક્તિઓનાં શુદ્ધ રૂપોનું યોગદાન છે. કાન્ટ પછીના ચિંતકોએ આ મતનો વિરોધ કર્યો હતો. હેગલે વિરોધને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો હતો; પણ શૉપનહૉરે કાન્ટના મતને અનુમોદન આપ્યું. તેમણે કહ્યું કે દેખાતું જગત મારા વિચારરૂપ છે; પણ પછી કાન્ટથી સ્વતંત્ર મત રજૂ કરતાં કહે છે કે કાન્ટની માફક અજ્ઞેયવાદી બનવું જરૂરી નથી. શૉપનહૉર જણાવે છે કે જગતના મૂળતત્વને તાર્કિક પ્રક્રિયા દ્વારા જાણી શકાતું નથી, પણ સ્વ-શરીર-ભાન અને ઇચ્છાપ્રેરિત વર્તનના આંતરિક અનુભવથી મનુષ્યને મૂળ સદ્વસ્તુ એટલે કે સંકલ્પનો પરિચય થાય છે. અંતિમ દૃષ્ટિએ મનુષ્ય વિશ્વના અંશરૂપ છે તેથી એને પોતાની અંદર જ તત્વના મૂળ સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન મેળવવું એ જ મનુષ્યનું ખરું કર્તવ્ય બની જાય છે. જો મનુષ્યની પાસે પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય તો સાદૃદૃશ્ય તર્ક દ્વારા મનુષ્ય એ જ્ઞાનને બીજી વસ્તુઓ ઉપર પણ લાગુ પાડી શકે છે. તેમ કરવાનું એટલા માટે યોગ્ય છે કે તત્વનું સ્વરૂપ સર્વત્ર એકસરખું છે.
માણસના સ્વરૂપનું આંતરિક હાર્દ વિચારમાં નહિ, પણ સંકલ્પમાં રહેલું છે. માણસ પોતાના શરીરને એક સંકલ્પ તરીકે પ્રત્યક્ષ રીતે જાણે છે. માણસના શરીરનાં જુદાં જુદાં અંગો તેની ઇચ્છાઓની અભિવ્યક્તિ સમાન છે. આમ દાંત, ગળું અને આંતરડાં એ ભૂખનું વસ્તુમૂલક સ્વરૂપ છે. મગજ એ જ્ઞાન મેળવવાનો સંકલ્પ છે. પગ એ ચાલવાનો સંકલ્પ છે. આમ સંકલ્પને લગતી પ્રવૃત્તિ એ માણસની મૂળભૂત પ્રવૃત્તિ છે.
શૉપનહૉર એકતત્વવાદી છે. અનેકતા તો દેશ-કાળ અને કાર્યકારણના સંબંધોથી જોડાયેલી વસ્તુઓના જગતમાં જ હોઈ શકે. વિશેષતા, અનેકતા અને ભેદો કેવળ પ્રતિભાસમાન જગત(phenomenal world)માં જ હોય. તેનાથી પર એવું તત્વ ભેદશૂન્ય અને એકરૂપ જ હોય. તેથી ‘મૂળ વસ્તુઓ’ – એ રીતે થયેલી કાન્ટની રજૂઆત શૉપનહૉરને માન્ય નથી. એક જ સ્વત:સત્ વસ્તુ છે તેના એક ગૌણ પરિણામ તરીકે જ વિચારાત્મક જીવનનો ઉદ્ભવ થાય છે.
આમ, શૉપનહૉરના મત પ્રમાણે સંકલ્પતત્વ એ જ અંતિમ તત્વ છે અને તે એક અને અવિભાજ્ય છે. જે અનેકતા અનુભવાય છે તે વ્યક્તિમૂલક રૂપો છે. આ રૂપોને લીધે મનુષ્યની જાત અને સત્ય વચ્ચે એક આવરણ ઊભું થાય છે અને તેને પરિણામે મનુષ્યના મનમાં જગતની અનેકતાનો આભાસ ઉત્પન્ન થાય છે.
પોતાના મૂળ સ્વરૂપમાં સંકલ્પ અબૌદ્ધિક અને અંધ છે. સંકલ્પ એક આંધળા માણસ જેવો છે. તે જોવાની શક્તિવાળા લંગડા માણસને એટલે કે બુદ્ધિને પોતાના ખભા ઉપર ઊંચકીને આગળ વધે છે.
(2) શૉપનહૉરનો નિરાશાવાદ : શૉપનહૉરના મતે સંકલ્પનું સ્વરૂપ જ એવું છે કે જેમાંથી નિરાશાવાદ નિષ્પન્ન થાય. સંકલ્પ માત્રનો ઉદ્ભવ અભાવ, જરૂરિયાત કે દુ:ખમાંથી થાય છે. ઇચ્છાનો સંતોષ થતાં તેનો અંત આવે છે પણ એક ઇચ્છા પૂરી થતાં ઓછામાં ઓછી એવી દસ ઇચ્છા બાકી રહે છે, જે પૂરી થઈ શકી નથી. ઇચ્છા દીર્ઘકાલીન હોય છે, તેનો સંતોષ અલ્પકાલીન. ઇચ્છામાંથી મળતો સંતોષ જાણે ભિખારી તરફ ફેંકવામાં આવેલા દાન જેવો છે. આને લીધે ભિખારી આજે જીવતો રહે છે અને પરિણામે તેનું દુ:ખ બીજા દિવસ સુધી લંબાય છે. જ્યાં સુધી વાસના છે, તેની સાથે જોડાયેલી આશા છે, ચિંતા ને ભય છે ત્યાં સુધી શાંતિ કે સુખ મળતાં નથી. આમ સંકલ્પથી મુક્ત ન થવાય ત્યાં સુધી સુખ કે શાંતિ મળતાં નથી.
શૉપનહૉર કહે છે : જીવન મૂળભૂત રીતે એક અનિષ્ટ છે. કોઈ પણ હિસાબે એમ કલ્પી શકાય એમ નથી કે જીવન એ માણસને આનંદના ઉપભોગ માટે મળેલી એક બક્ષિસ છે. આથી ઊલટું એક બોજારૂપ વસ્તુ છે.
શૉપનહૉરના મતે આ સંકલ્પનું જ બીજું નામ વાસના છે. તેને તૃપ્ત કરવા મથવું તે ચાળણીથી પાણી ભરવા જેવી નિરર્થક પ્રવૃત્તિ છે. જિજીવિષા એક જાતની ભ્રમણા છે. સુખ પાછળની દોટ મૃગજળ પાછળની દોટ છે.
જીવનના કોઈ ધ્યેયને કે અર્થને શોધી કાઢવો એ તદ્દન અશક્ય વસ્તુ છે. જીવનનું આ સુખ-દુ:ખવાળું નાટક શા માટે ભજવાઈ રહ્યું છે તેનો સહેજ પણ ખ્યાલ આવી શકે તેમ નથી. જો બધાં ઉપર મૃત્યુનો જ જ્વલંત વિજય નિશ્ચિત રીતે થવાનો હોય તો મૃત્યુને થોડા વખત પૂરતું પાછું ઠેલવાનો કે વ્યથાઓને થોડીક શાંત પાડવાનો કે દુ:ખને દૂર ધકેલવાનો કે વાસનાઓનો ક્ષણિક સંતોષ મેળવવાનો શો અર્થ છે ?
શૉપનહૉરની મોક્ષની વિભાવના (ઇચ્છાનિષેધ) : ઉપર વર્ણવેલા નિરાશાવાદનો વળાંક આશ્ચર્યકારક રીતે શૉપનહૉરના ચિંતનમાં ભારતીય ઋષિઓ અને ગૌતમ બુદ્ધના મોક્ષ અને નિર્વાણના ખ્યાલને આવકારવાની દિશામાં આવે છે.
શૉપનહૉર કબૂલે છે કે સંપૂર્ણ મોક્ષ તો તો જ શક્ય બને કે જો જિજીવિષાને સંપૂર્ણપણે નિર્મૂળ કરવામાં આવે; પણ તે માટે આપઘાત એ કંઈ ઉપાય બની ન શકે. કારણ કે દુ:ખનું ખરું કારણ શરીર નથી, તેના મૂળમાં રહેલી જિજીવિષા છે. શરીરનો નાશ કરવાથી જિજીવિષા નાશ પામતી નથી. આમ જીવનનો નિષેધ કરવાથી નહિ, પણ જીવનની વાસનાનો નિષેધ કરવાથી સાચો મોક્ષ પ્રાપ્ત થાય છે. દુ:ખોને ત્યજી દેવાથી નહિ પણ સુખોપભોગની ઇચ્છાનો ત્યાગ કરવાથી મોક્ષ શક્ય બને છે.
શૉપનહૉર ઇચ્છાનિષેધના રૂપમાં નિર્વાણના આદર્શને સ્વીકારે છે અને કહે છે નિર્વાણ એ ચેતનના સંપૂર્ણ લયની સ્થિતિ છે. અહીં એવો પ્રશ્ર્ન ઉદ્ભવે કે આ મત શું શૂન્યતાવાદ પ્રતિ મનુષ્યને નથી દોરી જતો ? તેના ઉત્તરમાં કહે છે : આ આદર્શને શૂન્યરૂપ ગણવામાં આવે તેની સામે વાંધો નથી, કારણ આખરે અનેક સૂર્યો અને આકાશગંગાથી ઊભરાતું આ જગત પણ કેવળ શૂન્યરૂપ જ છે.
મુકુન્દ કોટેચા