શૈવ સંપ્રદાય : પ્રાચીન ભારતીય સંપ્રદાય. શૈવધર્મે વૈદિક સમયમાં જ એક વિશિષ્ટ ધર્મ તરીકે સ્થાપિત થવાનો આરંભ કરી દીધો હતો અને પછી તેનો વ્યાપ વધતો જ રહ્યો. દક્ષિણમાં શિવોપાસના અતિપ્રચલિત બની. પરિણામે રુચિ, ભાવના અને રૂઢિ વગેરેના કારણે શિવપૂજા કે ઉપાસના પણ વિવિધ પ્રકારે થવા લાગી. તેમાં તંત્રોએ પણ જબરો પ્રભાવ પાડ્યો અને આ બધાંના ફલસ્વરૂપ શૈવધર્મના સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા. કોઈ એક મુખ્ય સંપ્રદાય અને પછી એના પેટાસંપ્રદાય એમ સંપ્રદાયોની સંખ્યા વધતી ચાલી. તેમાંના કેટલાક લુપ્ત થયા તો કેટલાક અન્યમાં ભળી ગયા. એક મત પ્રમાણે, શૈવ સંપ્રદાયનો સૌથી પ્રથમ ઉલ્લેખ પતંજલિના મહાભાષ્યમાં (ઈ. પૂ. બીજી સદી) જોવા મળે છે. તે શૈવધર્મીઓને ‘શિવભાગવત’ તરીકે ઓળખાવે છે. શિવભાગવતો તેમના ઇષ્ટદેવ શિવના ચિહ્ન તરીકે હાથમાં ત્રિશૂલ રાખતા હતા. સંભવ છે કે વિષ્ણુભક્તો ‘ભાગવત’ તરીકે વિશેષ પ્રસિદ્ધ હોઈ પતંજલિએ ‘શિવભાગવત’ શબ્દપ્રયોગ કર્યો હોય. પણ આ શિવભાગવતો વિશે કોઈ વિશેષ વિગતો મળતી નથી. કદાચ એ એક લુપ્ત સંપ્રદાય છે.
શ્રી શંકરાચાર્યે ‘બ્રહ્મસૂત્ર’ પરના એમના ભાષ્યમાં શૈવધર્મનો માહેશ્વર સિદ્ધાન્ત તરીકે ઉલ્લેખ કર્યો છે. તે મત અનુસાર ઈશ્વર જગતનું નિમિત્ત કારણ છે. શ્રી શંકરાચાર્યે પાશુપત સંપ્રદાયના પાંચ પદાર્થો પણ દર્શાવ્યા છે. આ શાંકર ભાષ્યના ટીકાકાર આનન્દગિરિ માહેશ્વરના ચાર સંપ્રદાયોનો ઉલ્લેખ કરે છે શૈવ, પાશુપત, કારુણિક સિદ્ધાન્તી અને કાપાલિક. તેઓ એમ પણ નિર્દેશ કરે છે કે આ સંપ્રદાયના અનુયાયીઓ એમના શરીર પર શિવ સાથે સંબંધિત વિવિધ ચિહ્નોને ધારણ કરે છે. તેઓ એમ પણ કહે છે કે કાપાલિકોના પણ બે ફાંટા છે : એક બ્રાહ્મણધર્મી અને બીજો અબ્રાહ્મણધર્મી. ભાસ્કરાચાર્ય ‘કારુણિક સિદ્ધાન્તી’ના સ્થાને ‘કાઠકસિદ્ધાન્તી’ નામ આપે છે. તો યામુનાચાર્ય એને ‘કાલમુખ’ એવું નામ આપે છે. પછીથી ‘કાલમુખ’ નામ જ રૂઢ થઈ ગયું છે. જોકે મહાભારત અને પુરાણોમાં પણ કિઞ્ચિદ્ નામભેદે ચાર શૈવ સંપ્રદાયનો ઉલ્લેખ છે જ અને સામાન્ય રીતે તે ચારનાં નામ આ પ્રમાણે છે શૈવ, પાશુપત, કાલદમન તથા કાપાલિક. ‘કાલદમન’ને સ્થાને ‘કાલમુખ’ નામ મૂકીએ તો પ્રાય: આ ચાર સંપ્રદાયો સર્વમાન્ય છે એમ કહી શકાય. આ સંપ્રદાયોના મૂલ આધારગ્રંથો શૈવાગમ કહેવાય છે. શૈવ સંપ્રદાયને વૈદિક ગણવા કે કેમ એવો પ્રશ્ન-વિવાદ થોડા સમય સુધી ચાલ્યો પણ કેટલાંક ઉપનિષદોમાં પાશુપત મતનું નિરૂપણ છે, તે પણ ભૂલવું ન જોઈએ. શ્રીકંઠાચાર્યે વેદ તથા શૈવાગમ બંનેને પ્રામાણિક સિદ્ધ કર્યા છે. એક મત પ્રમાણે શૈવાગમો બે પ્રકારના છે. જેમને વેદ ભણવાનો અધિકાર નથી તેમના માટે અવૈદિક આગમો છે, પણ તેમની અધિકૃતતા વેદ જેટલી જ છે. આ ચાર માહેશ્વર સંપ્રદાયોનો પ્રચાર જુદા જુદા પ્રદેશોમાં હતો. પાશુપત મતનું કેન્દ્ર ગુજરાત અને રાજસ્થાન હતું. શૈવ સંપ્રદાયનો પ્રચાર તમિળ પ્રદેશમાં અને વીરશૈવ મતનો પ્રચાર કર્ણાટકમાં હતો. આ ઉપરાંત કાશ્મીરી શૈવ સંપ્રદાય કે જે પ્રત્યભિજ્ઞામત તરીકે ઓળખાય છે, તેનું કેન્દ્ર કાશ્મીરમાં હતું.
શૈવ સંપ્રદાય દક્ષિણમાં વિકસ્યો હતો. આ સંપ્રદાયના ભક્તો ભગવાન ભૂતભાવનશંકરની આરાધના કરતા હતા. તેમાં ભક્તિ જ પ્રમુખ સાધન હતું. સગુણરૂપધારી શિવપ્રતીકોની વિધિપૂર્વક પૂજા-અર્ચના કરતા અને ભક્તિસભર સ્તોત્રગાન કરતા. તમિળ ભાષામાં રચાયેલાં આ સ્તોત્રો ભક્તિકાવ્યનો ઉત્તમ વારસો છે. આવા 84 (ચોર્યાશી) સંતો થઈ ગયા. તેમનાં સ્તોત્રો અને ગ્રંથો આ સંપ્રદાયનો આધારસ્થંભ છે. આ સંતોમાં ચાર પ્રધાન આચાર્યો થયા – સંત અપ્યાર, સંત જ્ઞાનસંબંધ, સંત સુંદર તથા સંત મણિક્કવાચક. તેઓ અનુક્રમે તમિળના શૈવ સંપ્રદાયના, ચર્યા (દાસમાર્ગ), ક્રિયા (સત્પુત્રમાર્ગ), યોગ (સહમાર્ગ) અને જ્ઞાન (સન્માર્ગ) – એ ચાર માર્ગના સ્થાપક ગણાય છે. આ સંતો આશરે ઈસુની સાતમી કે આઠમી સદીમાં થઈ ગયા છે. એમની પહેલાં સંત નક્કીર (ઈ. સ. પ્રથમ સદી), સંત કણ્ણપ (ઈ. સ. બીજી સદી) અને સંત તિરુમૂલર આદિએ આ સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. કાળક્રમે આ સંપ્રદાયના ગ્રંથો સંસ્કૃત ભાષામાં પણ રચાવા લાગ્યા. શૈવમતનું નિરૂપણ કરતાં આગમોની સંખ્યા 208 (બસો આઠ) જેટલી મનાય છે.
વીરશૈવ મત (સંપ્રદાય) : દક્ષિણના શૈવ સંપ્રદાયનો જ આ એક પ્રમુખ પ્રકાર છે અને એ એટલો તો પ્રબળ બન્યો કે એને જ શૈવ સંપ્રદાય તરીકે ઓળખાવવાનું આરંભાયું. આ સંપ્રદાયને લિંગાયત કે જંગમ સંપ્રદાય પણ કહે છે. કર્ણાટકમાં તેનો સવિશેષ પ્રચાર છે. આ મતના આદ્યપ્રચારક શ્રી બસવેશ્વર કે બસવ હતા (ઈ. સ.ની બારમી સદી). તેઓ કલચૂરિ નરેશ બિજ્જલના મંત્રી હતા. વીરશૈવોની માન્યતા પ્રમાણે આ સંપ્રદાય ઘણો પ્રાચીન છે અને ભિન્ન ભિન્ન સમયે થઈ ગયેલા પાંચ મહાપુરુષોએ તેનો પ્રચાર કર્યો છે. એ મહાપુરુષો છે રેણુકાચાર્ય, વારુકાચાર્ય, એકોરામાચાર્ય, પંડિતારાધ્ય તથા વિશ્વારાધ્ય. તેમણે યથાક્રમ સોમેશ્વર, સિદ્ધેશ્વર, રામનાથ, મલ્લિકાર્જુન તથા વિશ્વનાથ નામનાં શિવલિંગોમાંથી આવિર્ભૂત થઈ શૈવધર્મનો પ્રચાર કર્યો હોવાનું મનાય છે. તેમણે જ ક્રમશ: ‘વીર’ સિંહાસનને રંભાપુરી(મૈસૂર)માં, ‘સદ્ધર્મ’ સિંહાસનને ઉજ્જયિનીમાં ‘વૈરાગ્ય’ સિંહાસનને કેદારનાથની પાસે ઉખી મઠમાં, ‘સૂર્ય’ સિંહાસનને શ્રીશૈલમાં તથા ‘જ્ઞાન’ સિંહાસનને કાશી(જંગમવાડી)માં સ્થાપિત કર્યાં હોવાનું પણ માનવામાં આવે છે. શ્રીપતિ(ઈ. સ. 1060)એ તેના ‘બ્રહ્મસૂત્ર’ પરના ‘શ્રીકર ભાષ્ય’માં આ મતની પુદૃષ્ટિ કરી છે. શ્રી શિવયોગી શિવાચાર્યનો ‘સિદ્ધાન્ત-શિખામણિ’ વીરશૈવોનો માન્ય ગ્રંથ છે.
પાશુપત મત : આ અતિપ્રસિદ્ધ શૈવ સંપ્રદાય છે. એક મત પ્રમાણે શ્રી શંકરાચાર્યના સમયમાં બધા શૈવો ‘માહેશ્વર’ કહેવાતા અને પશુપતિ તેમના મૂળ આચાર્ય મનાતા. રામાનુજાચાર્ય પણ તેમના ‘બ્રહ્મસૂત્ર’ પરના ‘શ્રીભાષ્ય’માં આ સંપ્રદાયો માટે ‘પશુપતિના મતો’ એમ ઉલ્લેખ કરે છે. પાશુપત સંપ્રદાયનો એક પ્રકાર લકુલીશ પાશુપત સંપ્રદાય હતો. પણ પછીથી, બંનેના સિદ્ધાંતોમાં થોડો ભેદ હોવા છતાં, એ બંનેને એક માની પાશુપત અથવા લકુલીશ પાશુપત સંપ્રદાય તરીકે ઓળખવાનું પ્રચલિત બન્યું અને તેના સ્થાપક નકુલીશ કે લકુલીશને માનવામાં આવ્યા. શિવપુરાણના ‘કારવણ માહાત્મ્ય’ અનુસાર નકુલીશનો જન્મ ગુજરાતના વડોદરા નજીક આવેલા કારવણ (કાયાવરોહણ) સ્થાનમાં થયો હતો. રાજસ્થાન અને ગુજરાત વગેરે પ્રદેશોમાં નકુલીશની મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિનું મસ્તક કેશગુચ્છથી ઢાંકેલું છે. તેના જમણા હાથમાં બીજપૂર (બિજોરું) અને ડાબા હાથમાં લગુડ એટલે કે દંડ હોય છે. આ લગુડના કારણે જ તે લગુડેશ કે લકુલીશ કહેવાતા હોવાનો સંભવ છે. શિવના અઢાર અવતારોમાં નકુલીશ આદ્ય અવતાર મનાય છે. લકુલીશના શિષ્ય કુશિક હતા. ઈ. સ. 380નો એક શિલાલેખ મથુરામાં મળ્યો છે. તેમાં ઉદિતાચાર્ય નામના પાશુપતે ગુરુમંદિરમાં ઉપમિતેશ્વર અને કપિલેશ્વર નામનાં શિવલિંગોની સ્થાપના કર્યાનો ઉલ્લેખ છે. ઉદિતેશ્વર પોતાને શિષ્યપરંપરામાં કુશિકથી દશમા તરીકે જણાવે છે. એક પેઢીના પચ્ચીસ વર્ષ પ્રમાણે ગણતાં નકુલીશનો સમય ઈ. સ. 105ની આસપાસનો માની શકાય. આ જ સમયગાળામાં કુષાણનરેશ હુવિષ્કના લગુડધારી શિવની મુદ્રાવાળા સિક્કાઓ પણ મળી આવ્યા છે. પાશુપતોનો સંબંધ ન્યાય-વૈશેષિકો સાથે પણ જોડાયેલો છે. ગુણરત્ને નૈયાયિકોને શૈવ અને વૈશેષિકોને પાશુપત કહ્યા છે. ‘ન્યાય-વાર્તિક’ના કર્તા ઉદ્યોતકરે પોતાને પાશુપતાચાર્ય તરીકે ઓળખાવ્યા છે. પાશુપત સંપ્રદાયના સિદ્ધાંતો કેટલાંક આગમોમાં નિરૂપાયા છે. તેઓ શિવવ્રતધારી હતા અને કેટલીક સાત્ત્વિક તાંત્રિક સાધનાઓ પણ કરતા હતા. પ્રાય: પશ્ચિમ ભારતમાં આ સંપ્રદાય વિશેષ પ્રચલિત હતો.
કાપાલિક અને કાલમુખ : આ બંને સંપ્રદાયોમાં નામભેદ સિવાય અન્ય કોઈ મહત્વનો તફાવત નથી એમ વિદ્વાનોનું માનવું છે. રામાનુજાચાર્ય આ સંપ્રદાયોને અવૈદિક ગણાવે છે. અથર્વવેદમાં મહાદેવ અને ઈશાનને વ્રાત્યોના દેવ કહ્યા છે. તેના આધારે ડૉ. દાસગુપ્તાનો મત છે કે ‘વ્રાત્યો કાપાલિકો હતા અને તેઓ સંહારના દેવ ભૈરવના ઉપાસકો હતા’. કાપાલિકો તાંત્રિક વિધિઓ આચરતા. તેઓ જ્ઞાતિભેદમાં માનતા નહોતા. માંસ-મદિરાનું સેવન કરતા. ભવભૂતિના માલતીમાધવ પ્રકરણ(નાટક)માં અઘોરઘંટ અને કપાલકુંડલાના દૃશ્યમાં નરમેધ અને માંસવિક્રયના ઉલ્લેખો કાપાલિકો અંગેનો જ સંકેત આપે છે. કાપાલિકોનું વ્રત ‘મહાવ્રત’ કહેવાતું અને તેઓ ‘મહાવ્રતધારી’ કહેવાતા. ભવભૂતિના ઉપરના નાટકમાં શ્રીશૈલપર્વતને કાપાલિકોનું મહત્વનું કેન્દ્ર ગણાવાયું છે. ઉજ્જયિનીમાં પણ કાપાલિકોનું સ્થાનક હતું અને સૌરાષ્ટ્રના સોમનાથમાં પણ કાપાલિકોનો એક સમૂહ રહેતો હોવાનું મનાય છે. કાપાલિકો શક્તિ સહિતના શિવની સાધના કરતા હતા. કદાચ એટલે જ શ્રી હરિભદ્રસૂરિએ કાપાલિકો માટે ‘સોમ’ [સ + ઉમા] એવો શબ્દ પ્રયોજ્યો હશે. કાપાલિકોની સાધનાપદ્ધતિ મોટાભાગે ગુપ્ત રહેતી અને વર્તમાન સમયમાં તે લગભગ લુપ્ત થઈ ગયેલા સંપ્રદાય હોઈ તેના વિશે પ્રમાણભૂત માહિતી મેળવવી કઠિન છે.
કાશ્મીરી શૈવ સંપ્રદાય : કાશ્મીરમાં ઉદ્ભવ અને વિકાસ પામેલો આ સંપ્રદાય સર્વ શૈવ સંપ્રદાયોમાં મોખરે છે. તેના આચાર્યો અને તેનું સાહિત્ય સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યભિજ્ઞા સિદ્ધાંતનો પુરસ્કર્તા છે. વેદાન્તના અદ્વૈતદર્શન જેટલું જ તેનું મહત્વ છે. વેદાંત જ્ઞાનમાર્ગી છે, જ્યારે આ સંપ્રદાય જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરે છે. વેદાંતના વિવર્તવાદને બદલે સ્વાતંત્ર્ય કે આભાસવાદમાં માને છે. ઈશ્વરદર્શન અને તે દ્વારા મલનિવારણ વડે ઈશ્વરાદ્વયની અનુભૂતિમાં માનતો સ્પંદમત તેનો એક પ્રકાર છે. ઈશ્વરના રૂપમાં પોતાની પ્રત્યભિજ્ઞા વડે ઈશ્વરાદ્વયની અનુભૂતિ માનતો પ્રત્યભિજ્ઞામત એ કાશ્મીરી શૈવ સંપ્રદાયનો બીજો પ્રકાર છે. વેદાંત બ્રહ્મમાં કર્તૃત્વ નથી એમ માને છે, જ્યારે પ્રસ્તુત સંપ્રદાય કર્તૃત્વ છે એમ માને છે.
વસંત પરીખ