શૈલાશ્રય ચિત્રો : આદિમ માનવ દ્વારા પાષાણકાલ દરમિયાન પર્વત(શૈલ)ની કુદરતી ગુફાઓની ભીંત પર દોરાયેલાં ચિત્ર. જગતમાં ચિત્રકલાના સૌથી પુરાણા નમૂના પાષાણકાલનાં છે. આદિમ માનવી જે ગુહાશ્રયો(rock-shelters)માં રહેતો તેમની ભીંતો પર તેણે ચિત્રો આલેખ્યાં હતાં. તેની કલાપ્રવૃત્તિ પાષાણનાં ઓજારોના નિર્માણ પૂરતી સીમિત ન રહેતાં ચિત્રોના સર્જન સુધી વિસ્તરી હતી. સૌપ્રથમ ઈ. સ. 1869માં સ્પેનની અલ્ટામિરા નામની ગુફાઓમાંથી આર્ચિબાલ્ડ કાર્લાઇલે આ પ્રકારનાં ચિત્રો શોધ્યાં હતાં. આવાં ગુહાશ્રય કે શૈલાશ્રય ચિત્રો સ્પેન ઉપરાંત પેરૂ, અલાસ્કા, ફ્રાંસ, દક્ષિણ રોડેશિયા અને ભારતમાંથી પ્રાપ્ત થયાં છે. આ ચિત્રોનો અભ્યાસ કરનારા વિદ્વાનોમાં હાટન બ્રાડ્રિક, સ્ટુઅર્ટ પિગોટ, ડી. એચ. ગોર્ડન, શ્રીમતી ઑલ્વિન, મનોરંજન ઘોષ, વી. એસ. વાકણકર, ડૉ. વી. એચ. સોનવણે મુખ્ય છે. વિદ્વાનો આ ચિત્રોનો સમય પ્રાય: 50,000થી 10,000 ઈ. પૂ.ના મધ્યનો આંકે છે. પાષાણયુગીન માનવીએ પોતાની સાંસ્કૃતિક પ્રગતિ કેવી રીતે કરી હશે તેની જાણ આ ચિત્રોના અભ્યાસથી સારી રીતે થાય છે. માનવી જ્યારે વનવાસી હતો ત્યારે પણ મનુષ્યમાં આવી
ચિત્રપ્રવૃત્તિ વિદ્યમાન હતી. ચિત્રોનો વિષય મોટેભાગે શિકારને લગતો છે. તેથી શિકારી, શિકારનાં લક્ષ્યનાં પશુઓ, શિકાર માટેનાં ઓજારોનું આલેખન વિશેષ છે. એમનાં અંદરોઅંદરના વિગ્રહો અને પૂજનીય આકૃતિઓનું પણ આલેખન થયું છે. વનસ્પતિજન્ય અને ધાતુજન્ય રંગો વપરાયા છે. શિકારી અવસ્થા પછી કૃષિજીવનની શરૂઆત થતાં; ચિત્રોમાં વૃક્ષ, વેલીઓ, ફૂલ-પત્તીનું આલેખન પણ થવા લાગ્યું. પાષાણયુગીન માનવ હવે સંવેદનશીલ અને સામાજિક માનવના રૂપે ચિત્રિત થવા લાગ્યો. આ ચિત્રો આદિમાનવની સંઘર્ષયુક્ત જીવન-નિર્વાહની પદ્ધતિ તથા તેની ધાર્મિક ભાવનાને પણ વ્યક્ત કરે છે.
ભારતમાં આ ક્ષેત્રે ઘણું સંશોધન થયું છે. જાણીતા પુરાતત્વવિદ, કલાકાર અને પ્રાગૈતિહાસિક ગુફાચિત્રોના ઊંડા અભ્યાસી વી. એસ. વાકણકરે સૌરાષ્ટ્રથી ઓરિસા-આસામ સુધી અને કાશ્મીરથી કેરળ સુધીના પ્રદેશમાંથી સેંકડો ગુફાચિત્રોની શોધ કરી છે. તાજેતરમાં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના ડૉ. વી. એચ. સોનવણેએ ભારતનાં ગુહાચિત્રો વિશે ICHR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ) દ્વારા એક મૉનોગ્રાફ તૈયાર કર્યો છે અને તે પ્રસિદ્ધ પણ થયો છે. ભારતમાંથી લગભગ 5,000 ચિત્રાંકિત
ગુહાશ્રયોની જાણ થઈ છે. ઉત્તરપ્રદેશમાં મિરઝાપુર ક્ષેત્રમાં સોણ નદીના કિનારે લિખનિયા ગુફા, કોહરવાર, મહરરિયા, વિજયગઢ અને ભલદરિયા નદીના કિનારાનો પ્રદેશ શૈલાશ્રય ચિત્રોનાં કેન્દ્રો છે. મધ્ય પ્રદેશમાં ચક્રધરપુર, સિંહનપુર, હોશંગાબાદ, પંચમઢી વગેરે સ્થળોનાં ગુહાશ્રયોમાં પણ ચિત્રો આલેખાયાં છે. લિખનિયા ગુફામાં ઘોડેસવાર અને હાથીઓને પકડવાનું સુંદર દૃશ્ય આલેખાયું છે. તેની બીજી તરફ નૃત્ય કરતી વ્યક્તિઓનો સમૂહ અને ક્યાંક લાંબી ચાંચવાળાં પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત ઘાયલ થયેલું સૂવર, મૃગના શિકારનું દૃશ્ય, કોઈ પશુ ઉપર તરાપ મારતો કૂતરો વગેરેનું આલેખન છે. માણિકપુરમાં પૈડાં વિનાની બળદગાડી અને ત્રણ ઘોડા આલેખાયાં છે. સિંહનપુરમાંથી લગભગ પચાસ ચિત્રો મળ્યાં છે. અહીંનાં ચિત્રો દીવાલની ખાસી ઊંચાઈએ આલેખવામાં આવ્યાં છે. હરણ, જંગલી ભેંસ, ગરોળી વગેરેનું આલેખન વધારે જોવા મળે છે.
સોણ નદીની ખીણનાં ચિત્રોમાં શિકાર અને નૃત્યના વિષયને વધુ પ્રાધાન્ય અપાયું છે. મંદસોર જિલ્લાના મોરી ગામની આસપાસની ગુફાઓમાં ચિત્રો છે. અહીં વિવિધ પ્રકારનાં પશુઓ અને નૃત્યરત માનવોનું આલેખન છે. રેખાકૃતિઓમાં વર્તુળમાં સ્વસ્તિક, આઠ આરાવાળું ચક્ર, સૂર્ય, અષ્ટદલ કમળ વગેરે મુખ્ય છે. મધ્યપ્રદેશમાં મહાદેવ પર્વતશ્રેણીમાં લગભગ પચાસ જેટલી ગુફાઓમાં ચિત્રો મળી આવ્યાં છે. પંચમઢી તેનું મુખ્ય કેન્દ્ર છે. આ ગુફાઓમાં શિકારનાં દૃશ્યો ઉપરાંત રોજિંદા જીવનના પ્રસંગો પણ આલેખાયા છે. વાંસની બનાવેલી સીડી ઉપર ચઢીને મધ એકઠું કરતાં પાત્રો અને ગાય ચરાવતી વ્યક્તિઓ, ઘોડા પર આરૂઢ અને ધનુષ્ય-બાણ તથા તલવાર ધારણ કરેલા યોદ્ધાઓ સાથે યુદ્ધ કરતા શસ્ત્રધારી સૈનિકો, વાદ્ય વગાડતા માનવો, નૃત્યરત નર-નારીઓ, હંસ, મોર, ચકલી જેવાં પક્ષીઓ તથા સૂવર, કૂતરો, વાંદરો, રીંછ વગેરે પશુઓનાં આલેખન છે. હોશંગાબાદની નજીક આદમગઢની ગુફાઓમાં પ્રાગૈતિહાસિક ચિત્રો આલેખાયાં છે. અહીંનું ઘોડેસવારોનું તથા સાબરનું ચિત્ર ઉલ્લેખનીય છે.
થૉમસ પરમાર